બલિ અને પશુહિંસાઃ ધર્મનો સંબંધ કરૂણા સાથે હોય, ક્રૂરતા સાથે નહીં
- વાત-વિચાર-શિશિર રામાવત
- 'જ્યારે ધાર્મિક ગ્રંથોમાં પશુ બલિની વાત આવે ત્યારે વાસ્તવમાં એમ કહેવામાં આવે છે કે 'તમારી પશુતાને મારો.' કોઈ જીવતાજાગતા પશુને મારી નાખવાની વાત નથી, પણ તમારી ભીતર જે પાશવિક વૃત્તિઓ છે તેને હણવાની વાત થઈ રહી છે.'
થોડા દિવસો પછી, ૨૬ ફેબુ્રઆરીએ, મહાશિવરાત્રિનું પર્વ આવશે. બેંગલુરુની મહાનગરપાલિકાએ ઓલરેડી ઘોષણા કરી દીધી છે કે આ દિવસે પ્રાણીઓનું માંસ વેચી શકાશે નહીં, તેમજ કતલખાનાઓને બંધ રાખવામાં આવશે. યોગી આદિત્યનાથ પણ ઉત્તર પ્રદેશમાં આવી ઘોષણા કરે એટલી જ વાર છે. ગણેશ ચતુર્થી, રામનવમી અને કૃષ્ણ જન્માષ્ટમી જેવા હિંદુ તહેવારો પર દર વર્ષે માંસના વેચાણ પર પ્રતિબંધો લાગતા હોય છે. આ સારી અને અપેક્ષિત વાત છે... પણ જે નઠારી, આંચકાજનક અને અસ્વીકાર્ય હકીકત છે તે એ છે કે નેપાળમાં હિંદુ દેવીની ઉપાસનાના નામે લાખો નિર્દોષ પ્રાણીઓની કતલ કરી નાખવામાં આવે છે.
મામલો છે, દુનિયાના એક માત્ર હિંદુ રાષ્ટ્ર એવા નેપાળમાં ઉજવાતા ગઢીમાઈ પર્વનો. સદભાગ્યે આ તહેવાર દર વર્ષે નહીં, પણ દર પાંચ વર્ષે ઉજવાય છે. કાઠમંડુથી ૧૬૦ કિલોમીટરના અંતરે આવેલા બરિયારપુરમાં ગઢીમાઈ મંદિર છે. માન્યતા એવી છે કે જો તમે ભેંસ, ભૂંડ, બકરા, મરઘાં અને કબૂતરની બલિ ચડાવો તો ગઢીમાઈ અથવા તો ગઢીમાતા તમારા પર પ્રસન્ન થાય છે ને તમારા સંકટ હરી લે છે. ગઢીમાઈ તહેવાર દુનિયાના સૌથી લોહિયાળ ઉત્સવ તરીકે કુખ્યાત છે.
ધર્મના નામે શી રીતે આવી ક્રૂર પરંપરાઓ અસ્તિત્વમાં આવી જતી હશે? એક અંદાજ પ્રમાણે સંભવતઃ ૧૭૫૯માં આ ઉજવણીની શરૂઆત થઈ હતી. ગઢીમાઈ મંદિર ભગવાન ચૌધરી નામના એક સ્થાનિક જમીનદારે બંધાવ્યું હતું.કથા એવી છે કે એક રાત્રે ચૌધરીના સપનામાં સાક્ષાત્ ગઢીમાતા આવ્યાં. તેઓ શક્તિ અને સમૃદ્ધિનાં દેવી ગણાય છે. દેવી કહેઃ વત્સ, જો તું મને લોહી ચડાવીશ તો બદલામાં હું તને તાકાત અને ધનસંપત્તિ આપીશ. પહેલાં તો કોઈ જીવતાજાગતા માણસનો બલિ ચડાવી તેનું લોહી માને ધરાવવાની વિચારણા થઈ, પણ પછી દયાળુ ચૌધરીસાહેબને થયુંઃ ના, ના, માણસનો જીવ તો કંઈ લેવાતો હશે? દેવી ક્યાં એવું બોલ્યાં છે કે મને મનુષ્યનું જ રક્ત જોઈએ? તેથી ચૌધરીએ મુંગા પ્રાણીનું મસ્તક વધેરી નાખ્યું ને તેનું લોહી માતાજીને ચડાવ્યું. ગઢીમાઈ પ્રસન્ન થયાં ને પોતાના આ મહાન ભક્તને સુખ-સમૃદ્ધિ-શક્તિથી માલામાલ કરી નાખ્યા. બસ, ત્યારથી ગઢીમાઈના મંદિરે પ્રાણીઓની બલિ ચડાવવાની પરંપરા શરૂ થઈ!
ખરેખર, દેવી-દેવતાઓના નામે કથાઓ ઊપજાવી કાઢવામાં આપણને કોઈ ન પહોંચે. કોઈ કહેશે, કેમ, ઋગ્વેદમાં પણ પ્રાણીઓની બલિ ચડાવવાની વાત વિસ્તારપૂર્વક લખવામાં આવી જ છેને! ઇવન યજુર્વેદમાં પણ કહેવાયું છે કે અશ્વમેધ યજ્ઞા માટે જે જાતવાન ઘોડાને એક વર્ષ માટે છુટ્ટો મૂકી દેવામાં આવે છે તેનું મસ્તક આખરે યજ્ઞા દરમિયાન વધેરી નાખવું. પ્રખર વેદાંતી આચાર્ય પ્રશાંત આ વાતને સરસ રીતે સમજાવે છે. તેઓ કહે છે, 'એક મૂંગા નિર્દોષ પ્રાણીને પકડીને એનું શરીર કાપી નાખવું ને એનું માંસ પકાવીને ખાઈ જવું - આવું કરવાથી તમને કઈ પરમ સત્તાના આશીર્વાદ મળી જવાના છે? શું આવું કરશો એટલે તમારા પર આકાશમાંથી ફૂલોનો વરસાદ થશે? શું તર્ક છે આ વાતમાં? જ્યારે ધાર્મિક ગ્રંથોમાં પશુ બલિની વાત આવે ત્યારે ખરેખર એમ કહેવામાં આવે છે કે 'તમારી પશુતાને મારો.' કોઈ જીવતાજાગતા પશુને મારી નાખવાની વાત નથી, પણ તમારી ભીતર જે પાશવિક વૃત્તિઓ છે તેને હણવાની વાત છે.'
આચાર્ય પ્રશાંત ઉમેરે છે, 'તમારી ભીતર એક ઘોડો જીવે છે, જે તમામ દિશાઓમાં તબડક તબડક દોડતો રહે છે. એ પહોંચતો ક્યાંય નથી, બસ, દોડયે રાખે છે. આ આંતરિક ઘોડાનું નામ છે - મન. આ આંતરિક ઘોડાની બલિ ચડાવવાની છે, સાચા ઘોડાને મારીને એનું માંસ ખાઈ જવાનું નથી... થોડીક તો બુદ્ધિ વાપરો! જો કોઈ જીવને મારવાથી જ સ્વર્ગ મળતું હોય તો દિવસ-રાત મચ્છર મારતા લોકોની સ્વર્ગમાં જમઘટ થઈ જાય. સાચી ધાર્મિકતા કદી હિંસાને ઉત્તેજન આપતી નથી. ધર્મનો સંબંધ કરૂણા સાથે છે, ક્રૂરતા સાથે નહીં.'
શાસ્ત્રોમાં ઊંચામાં ઊંચી વાત થઈ હોય, પણ તેના અર્થનો અનર્થ કરવામાં આપણે શૂરાપૂરા છીએ. આપણે ધડ્ દઈને અનર્થઘટન કરી નાખીએ છીએ, ને પછી પરંપરાના નામે તેને વળગી રહીએ છીએ. સગવડિયા અર્થો તારવવામાં આપણો સ્વાર્થ અને ટૂંકી બુદ્ધિ જવાબદાર હોય છે.
જરા વિચારો કે, એક સમયે નેપાળની સરકાર ખુદ ગઢીમાઈ તહેવારની ઉજવણી માટે આર્થિક સહાય કરતી હતી. નેપાળ અને ભારતના પ્રાણીપ્રેમીઓ અને માનવતાવાદીઓ લાંબા સમયથી આ હિંસક તહેવારનો વિરોધ કરતા આવ્યા છે. ૨૦૦૯માં નેપાળ સરકારે કહી દીધું, બળજબરીપૂર્વક બલિ બંધ કરાવીને શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવના દુભાવવાનો અમારો કોઈ ઇરાદો નથી! ૨૦૧૪માં ભારતની સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને, ખાસ કરીને સરહદી રાજ્યોની સરકારોને આદેશ આપ્યો કે ગઢીમાઈ ઉત્સવ માટે નેપાળમાં થતી પ્રાણીઓનો નિકાસ અટકાવો. બહુ ઊહાપોહ થયો એટલે ૨૦૧૫માં ગઢીમાઈ તહેવારના આયોજકોએ ખાતરી આપી કે હવે પછી ૨૦૧૯માં જે ઉજવણી થશે તે 'લોહીમુક્ત' હશે. તો શું આયોજકો ખુદ પ્રાણીઓની બલિ ચડાવવાની પ્રવૃત્તિ પર ચોકડી મૂકી દેવાના હતા? આયોજકો કહે, ના ના, એમ નહીં. અમે તો શ્રદ્ધાળુઓને ફક્ત વિનંતિ કરી શકીએ કે મહેરબાની કરીને દેવીને પ્રાણીનું માંસ ન ધરાવતા. બાકી અમે કંઈ બલિ રોકવા જોર-જબરદસ્તી ન કરી શકીએ, બલિ પરંપરાને અમે સંપૂર્ણપણે પ્રતિબંધિત પણ ન કરી શકીએ.
૨૦૧૬માં તો નેપાળની સુપ્રીમ કોર્ટે જ સરકારને આદેશ આપ્યો કે ગઢીમાઈ ઉત્સવમાં લોહીની નદીઓ ન વહે તે માટે તમારાથી બનતું કરી છૂટવું. અદાલતના આ ફરમાનને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવામાં આવ્યું.૨૦૧૯ની ઉજવણીમાં મોટા પ્રમાણમાં પ્રાણીઓ કપાયાં જ. અલબત્ત, પ્રાણીપ્રેમીઓના એકધારા પ્રયાસોને કારણે કપાતાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો જરૂર નોંધાયો. ૨૦૦૯માં પાંચ લાખ જનાવરોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૨૦૧૯માં ઘટીને અઢી લાખ પ્રાણીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આંકડો અડધો જરૂર થયો, પણ તોય અઢી લાખનો આંકડો નાનો થોડો છે?
ગઢીમાઈ ઉત્સવ આવે એટલે ખાસ કરીને બિહારથી ટ્રકો ભરી ભરીને ભેંસોને નેપાળ પહોંચાડવામાંનું કામ શરૂ થઈ જાય. બકરીઓ ભરેલા કોથળા બાઇકની પાછળ લદાઈ જાય. પગથી બંધાયેલા મરઘા વાહનોમાં ઊલટા લટકતા હોય. ખોખાંઓમાં કબૂતરોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હોય. એક અંદાજ એવો છે કે ગઢીમાઈ ઉત્સવમાં કપાતાં ૮૦ ટકા જાનવરો ભારતથી આવેલાં હોય છે. ગયા ડિસેમ્બરમાં ઉજવાયેલા ગઢીમાઈ ઉત્સવમાં પ્રાણીપ્રેમીઓના એક જૂથે ૬૯ ભેંસ, ૩૨૫ બકરા, ૩૨૮ કબૂતર અને કેટલાય મરઘાઓને બચાવ્યાં ને જંગલમાં છોડી મૂક્યા.
કોઈ પણ ધર્મ સાથે હિંસા શી રીતે વણાઈ જતી હોય છે? એક અંદાજ પ્રમાણે ભારત, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં દર વર્ષે બકરી ઈદના દિવસે એક-એક કરોડ જેટલાં બકરાં-ઘેટાંનો જીવ ખેંચી લેવામાં આવે છે. પાકિસ્તાનમાં આ આંકડો ૮૦ લાખથી એક કરોડ વચ્ચે છે.
અમેરિકામાં દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરૂવારે થેન્ક્સ-ગિવિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આને ટર્કી ડે પણ કહે છે. શા માટે? કારણે કે આ દિવસે અમેરિકનો ટર્કી નામના જાનવરને મારી, એમાં મસાલા ભરી, એની વાનગી બનાવીને ખાઈ જાય છે. ટર્કી દેખાવમાં મરઘી જેવું, પણ કદમાં તેના કરતાં સહેજ મોટું. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના અંદાજ પ્રમાણે અમેરિકામાં દર વર્ષે થેન્ક્સ-ગિવિંગ ડે પર અંદાજે ૪ કરોડ ૬૦ લાખ ટર્કીની કતલ થઈ જાય છે. દસમાંથી નવ અમેરિકનો આ તહેવાર ઉજવે છે. ૨૦૨૨માં અમેરિકાનાં અઢી હજાર ફાર્મમાં ૨ કરોડ ૧૦ લાખ જેટલા ટર્કી ઉછેરવામાં આવ્યા હતા.
થેન્ક્સ-ગિવિંગ ડેની ઉજવણી પાછળનો વિચાર કેટલો મજાનો છે. ઈશ્વર તરફથી, પ્રકૃતિ તરફથી, જીવન તરફથી આપણને જે કંઈ મળ્યું છે તે બદલ કૃતજ્ઞાતા વ્યક્ત કરવા આ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે પરિવાર-મિત્રો-સંબંધીઓ ભેગા થાય અને ઈશ્વરનો આભાર માને. આવી ઉદાત્ત ભાવનાની અભિવ્યક્તિ કરોડો જીવોની કતલ દ્વારા કરવામાં આવે છે તે કેવી વક્રતા. આ પરંપરાની શરૂઆત સત્તરમી સદીમાં થઈ હોવાનું માનવામાં આવે છે. શરૂઆતમાં હરણનું માંસ ખાવામાં આવતું, પણ અમેરિકામાં ટર્કી સહેલાઈથી ઉપલબ્ધ હોવાથી તે 'મેઇન ડિશ' બની ગયું. ૧૭૮૯ની સાલમાં જ્યોર્જ વોશિંગ્ટને દર નવેમ્બરના ચોથા ગુરૂવારને નેશનલ થેન્ક્સ-ગિવિંગ ડે ઘોષિત કર્યો.
આ તો વિશેષ દિવસોની વાત થઈ, બાકી દુનિયાભરમાં રોજ જેટલી માત્રામાં જનાવરો કપાય છે તેની વિગતો જાણીને ચોંકી જવાય છે. ૨૦૨૨ના આંકડા જુઓ. આ એક જ વર્ષમાં ૭૫ અબજ ૨૧ કરોડ મરઘા, ૩ અબજ ૧૮ કરોડ બતક, આશરે દોઢ અબજ સુવર, એક અબજ સસલાં, ૬૩ કરોડ ૭૨ લાખ ઘેટાં, ૫૧ કરોડ ૫૨ લાખ ટર્કી, ૫૦ કરોડ ૪૧ લાખ બકરી, ૩૦ કરોડ ૮૬ લાખ ગાય-ભેંસ, ૧૬ કરોડ કૂતરાં, ૪૬ લાખ પ૦ હજાર ઘોડા, ૨૮ લાખ ૮૨ હજાર ઊંટ, ૨૦ લાખ ૩૨ હજાર હરણ અને ૧૧ લાખ ૬૪ હજાર ગધેડાની કતલ કરી નાખવામાં આવી હતી. યાદ રહે, આ એક વર્ષના આંકડા છે! આપણે માણસ છીએ કે રાક્ષસ? ગ્લોબલ વોર્મિંગ માટે કોલસો-તેલના દહન પછી માંસાહાર બીજા નંબરનું સૌથી મોટું કારણ છે તે હકીકત પ્રત્યે આપણે ક્યારે ગંભીર થઈશું?