લાઇફ ઇઝ બ્યુટીફુલ : જિંદગી જીવવા જેવી છે, પણ...
- વાત-વિચાર-શિશિર રામાવત
- એવી કેટલીક વાતો હોઈ શકે છે જે નિકટના સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો તો સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતા નથી. માનસિક પીડા હદ બહાર વધી જાય અને આત્મહત્યાના વિચારો આવવા લાગે તો એવી સ્થિતિમાં શું કરવું?
હજુ ચાર દિવસ પહેલાં જ, ૧૦ સપ્ટેમ્બરે, વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ગયો. ગુજરાતીમાં શું કહીશું એને? વિશ્વ આત્મહત્યા નિવારક દિવસ! સવાલ આ છે - આત્મહત્યાના કિસ્સાઓને કેટલી હદે નિવારી શકાય છે? જવાબ છે - જો અણીના સમયે કશોક ટેકો, કોઈ આશા દેખાઈ જાય તો ખુદનો જીવ લેવાની એ વિસ્ફોટક ક્ષણ કશું જ નુક્સાન પહોચાડયા વિના પસાર થઈ જાય, એવું બિલકુલ શક્ય છે.
આગળ વધતાં પહેલાં મુંબઈના એક સજ્જનો કિસ્સો સાંભળીએ. નામ છે એમનું એન્થની ફર્ટાડો. જેનું જીવની જેમ જતન કરીને મોટો કર્યો હોય એવો સત્તર વર્ષનો દીકરો એકાએક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખે તો મા-બાપની શી હાલત થાય? એ ફાટી પડે, એવો ભયાનક ઝટકો લાગે કે મરતાં સુધી કળ ન વળે... પણ આ એન્થની ફર્ટાડો જુદી માટીમાંથી બન્યા છે. એન્થનીભાઈનો દીકરો મિખાઈલ ભણવામાં બહુ કાચો હતો. પહેલા ધોરણથી જ બધા વિષયોમાં નાપાસ થયા કરે. પ્રકૃતિ અતિ ચંચળ,હાઈપર-એક્ટિવ. કલાકો સુધી ફૂટબોલ અને હોકી રમે તો પણ થાકવાનું નામ ન લે. તેથી તેની ઉર્જાને સાચા રસ્તે વાળવા પિતાએ એને એથ્લેટિક્સમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. લોન્ગ-ડિસ્ટન્સ રનર તરીકે એણે સારુંં પર્ફોર્મ કર્યું, ઈનામો પણ જીત્યાં, પરંતુ મોટો થતો ગયો તેમ તેમ એ વધુ આક્રમક બનતો ગયો. ભયાનક ગુસ્સો કરે. રિમોટના ઘા કરીને તોડી નાખે, મા અને બહેન પર હાથ ઉપાડે. પિતા એને માનસ-ચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે છોકરો ડિપ્રેશનથી પીડાય છે. એને આર્મીમાં જવાની ઇચ્છા હતી. લશ્કરી જવાનોની કઠિન લાઇફસ્ટાઇલ વિશે જાણ થાય તે માટે એન્થની એને પુનાની મિલિટરી કેન્ટોન્મેન્ટ લઈ ગયા. પછી નક્કી થયું કે આના કરતાં મર્ચન્ટ નેવી જોઈન કરવું સારું. થોડા મહિના પછી છોકરાના દોસ્તારોએ એને કન્વિન્સ કરી નાખ્યો કે એના કરતાં તું હોટેલ મેનેજમેન્ટમાં જા અને કોઈ મસ્ત ફાઇવસ્ટાર હોટેલ જોઈન કરી લે. છોકરાનું ચંચળ મન વારે વારે બદલાયા કરતું હતું.
છોકરો માંડ માંડ દસમા ધોરણ સુધી પહોંચ્યો. ઘરમાં ભણતર માટે એના પર સહેજ પણ દબાણ કરવામાં આવતું નહોતું. ઊલટાનું, એન્થની એને શાકભાજી વેચનાર કાછિયાનું ઉદાહરણ આપીને કહેતા કે જો, આ માણસ ખાલી ચાર ચોપડી ભણ્યો છે પણ તોય મહિને પંદર-સત્તર હજાર રૂપિયા કમાઈ લે છે, એટલે તારે ભણવાનું બિલકુલ ટેન્શન લેવાનું નથી. છોકરો તાડની જેમ વધીને છ-ફૂટિયો થઈ ગયો હતો, તોય બાપના ખોળામાં માથું મૂકીને સૂતો. છોકરાને ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં દાખલ કરવામાં આવ્યો. એમાં એ પહેલી વાર બધા વિષયોમાં પાસ થઈ ગયો. ૭૧ ટકા માર્ક્સ લઈ આવ્યો. છોકરો રાજીનો રેડ થઈ ગયો. એણે બારમા ધોરણની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું.
બધું સરસ જઈ રહ્યું હતું, સાઇકિયાટ્રિસ્ટની દવા નિયમિત લેવાને લીધે છોકરાનું ડિપ્રેશન કંટ્રોલમાં આવી ગયું હતું ત્યાં ફરી પાછી ફાચર પડી. એકવાર કોઈએ એને સાઇકિયાટ્રિસ્ટની ક્લિનિકમાંથી બહાર નીકળતા જોઈ લીધો. દોસ્તો ચીડવવા લાગ્યા: અલ્યા, તારા ઘરવાળા તને ગાંડાના ડોક્ટર પાસે શું કામ લઈ જાય છે? તું ગાંડો છે? પત્યું. છોકરાએ ગોળીઓ ગળવાનું બંધ કરી દીધું. ડિપ્રેશનની દવા બંધ થતાં જ દિમાગનું કેમિકલ સંતુલન પાછું ખોરવાવા માંડયું. ગાડી પાછી પાટા પરથી ઊતરી ગઈ. બારમા ધોરણનું એક પેપર આપીને છોકરાએ ઘરે ધમાલ મચાવી મૂકી: મારુંં પેપર ખરાબ ગયું છે, હું ફેઇલ થઈ જઈશ. એ જ દિવસે એણે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી નાખ્યો.
એન્થની ફર્ટાડોએ નક્કી કર્યું: હું મારા દીકરાનું મોત એળે નહીં જવા દઉં. બીજાઓનાં સંતાનોને આપઘાત કરતાં અટકે તે માટે હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ. એમણે ફોન પર હેલ્પલાઈન શરૂ કરી. દેશભરમાં ફરીને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગ્રતિ ફેલાવવા સ્કૂલો, કોલેજો, સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓમાં સેમિનાર યોજ્યાં. 'કોલ બિફોર યુ ક્વિટ' - આ એન્થનીનું સૂત્ર. આપઘાતનું આત્યંતિક પગલું ભરતાં પહેલાં બસ એક ફોન કરો. તમારા મનમાં જે કંઈ છે તે બહાર ઠાલવી દો. ભયંકર રીતે પીડાઈ રહેલા ફોનકર્તાને એન્થની પ્રેમથી સાંભળે, સમજાવવાની કોશિશ કરે. વાતોમાંને વાતોમાં સામેના માણસની આપઘાત કરવાની ઝંખના મંદ પડી જાય, કટોકટીભરી નિર્ણાયક ક્ષણ પસાર થઈ જાય. મોટાભાગના કેસમાં આવું બને. એન્થનીએ આ રીતે રેલવે ટ્રેક પાસે પહોંચી ગયેલા અને ઊંચી બિલ્ડિંગની અગાસી પર ચડી ગયેલાલોકોને પાછાવાળ્યા છે.
મુંબઈના મહેશ પોદ્દારની કહાણી એન્થની જેવી જ છે. એમની એકની એક દીકરીને દસમા ધોરણમાં ૮૨ ટકા આવ્યા. મનગમતી જુનિયર કોલેજમાં એડમિશન મળે એમ નહોતું. સોળ વર્ષની છોકરીએ આપઘાત કરી નાખ્યો. જ્યારે જ્યારે એ કોલેજની વાત કાઢતી ત્યારે મહેશ પોદ્દાર અને તેમની પત્ની એટલું જ કહેતાં કે બેટા, શું ફરક પડે છે ધાર્યા માર્ક્સ ન આવ્યા તો? દસમા ધોરણને હવે ભૂલી જા, આગળ વધ. પતિ-પત્નીએ કયારેય એની સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી જ નહીં. છેલ્લે છેલ્લે દીકરીનું ખાવાનું સાવ ઓછું થઈ ગયું હતું. એ કાયમ અડધે ભાણે ઊઠી જતી. એની ઊંઘ ઘટી ગઈ હતી. રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી એના રૂમની લાઈટ બળતી રહેતી. ટીવી-મોબાઇલ જોવામાંય એને રસ નહોતો પડતો. એક વાર પપ્પાને પોતાની હથેળી બતાવીને કહેલું પણ ખરુંં કે પપ્પા, જુઓ તો, મારી આયુષ્યની રેખા કેટલી ટૂંકી છે! પપ્પાને પોતાની હથેળી ધરીને કહ્યુંં: એમાં શું? મારી લાઇફલાઇન તો તારી લાઇફલાઇન કરતાંય નાની છે, જો.
દીકરીનો આ સઘળો વર્તાવ ચોક્કસ સંકેત કરતો હતો પણ મા-બાપ તે ઉકેલી ન શકયાં. એમનો કદાચ વાંક પણ નહોતો. આપઘાતની વૃત્તિનું તાવ જેવું તો છે નહીં કે મોંમાં થર્મો મીટર મૂકયું ને ખબર પડી જાય. દીકરીના આપઘાત પછી મહેશ પોદ્દાર દેશભરની શાળા-કોલેજોમાં જવાનું શરૂ કર્યું. તેઓ વાલીઓને મળે, તરુણો-યુવાનોને આપઘાત કરતાં શી રીતે બચાવી શકાય તે વિશે વકતવ્યો આપે. એન્થનીની માફક તેઓ પણ દર વખતે ખુદની દીકરીનાં મોતની અત્યંત વેદનાભરી સ્મૃતિ લોકો સાથે શેર કરીને કહેતા રહે : મારી સાથે જે થયું તે તમારી સાથે ન થવું જોઈએ.
ભારતમાં આત્મહત્યાનંુ પ્રમાણ એકધારૃં વધી રહ્યું છે તે સાચી વાત છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)એ ગયા એપ્રિલમાં રજૂ કરેલા અહેવાલ અનુસાર, એકલા ૨૦૨૨માં ભારતમાં ૧ લાખ ૭૧ હજાર લોકોએ આત્મહત્યા કરી હતી. પ્રત્યેક એક લાખ ભારતીયોમાંથી ૧૨.૪ લોકો આપઘાત કરીને જીવ ટૂંકાવે છે. આખી દુનિયામાં આત્મહત્યાનો આ સૌથી ઊંચો દર છે. આપઘાત કરનારાઓમાંથી ૫૦થી ૯૦ ટકા લોકો ડિપ્રેશન, એન્ઝાઇટી (તીવ્ર બેચેની), બાયપોલર ડિસઓર્ડર જેવી કોઈને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય છે.
યંગસ્ટર્સમાં ડિપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યુંં છે તે ચિંતાનું કારણ છે. અલબત્ત, વાત કેવળ જુવાનિયાઓની નથી. તરુણોથી લઈને ગૃહિણીઓ, મધ્યવયસ્ક પુરુષો અને એકલતા અનુભવતા વૃદ્ધો સુધીના તમામ વયજૂથનાં લોકો આત્મહત્યાની ધાર સુધી ફેંકાઈ શકે છે. આવી સ્થિતિમાં અમુક સંસ્થાઓ ટેલિફોનિક હેલ્પલાઈન ચલાવીને માનસિક રીતે પીડાઈ રહેલાં લોકોનું દુ:ખ હળવું કરવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે.
આવી એક સંસ્થાનું નામ છે, ધ સમારીટન્સ. મુંબઈમાં છેલ્લાં ૨૯ વર્ષથી આ સંસ્થા સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઈન ચલાવે છે. દુખિયારા લોકોની આસપાસ ઘણીવાર એવું કોઈ હોતું નથી, જેની પાસે એ વિના સંકોચે પોતાનું હૈયું ઠાલવી શકે. એવી કેટલીક વાતો હોઈ શકે છે જે સાવ નિકટના સ્વજનો કે મિત્રોને પણ કહી શકાતી નથી. અમુક લોકો ઈવન સાઇકિયાટ્રિસ્ટને પણ બધેબધું કહી શકતા નથી, આવા લોકો માટે આ પ્રકારની હેલ્પલાઈન ખૂબ ઉપયોગી થાય છે. લોકો ફોન કરીને સંસ્થાની વ્યક્તિ સાથે નિ:સંકોચ પોતાનું દુ:ખ શેર કરે છે. નથી તેમનું નામ પૂછવામાં આવતું કે નથી એમની ઓળખ પૂછવામાં આવતી. સંસ્થાના વોલિન્ટિયર્સ તેમના માટે બિલકુલ અજાણ્યા હોય છે. વોલિન્ટિયર સંપૂર્ણ અનુકંપાથી, સામેનો માણસ સાચો છે કે ખોટો એવો કોઈ ચુકાદો તોળ્યા વગર સાંભળે છે અનેે ફોનકર્તા ખુદ પોતાની સમસ્યાનો ઉકેલ શોધી શકે તે માટે મદદ કરે છે. કયારેક ફોનકર્તાની સમસ્યા બીજાઓને સાવ ક્ષુલ્લક લાગતી હોય, પણ એના માટે તે જીવન-મરણનો પ્રશ્ન હોઈ શકે છે. કયારેક પાંચ-દસ મિનિટમાં વાત પૂરી થઈ જાય તો કયારેક દોઢ-દોઢ કલાક સુધી કોલર વાત કરતો રહે એવુંય બને. સંસ્થાનો વોલિન્ટીયર કયારેય સામેથી ફોન ડિસકનેક્ટ ન કરે. સામેના માણસને જ્યાં સુધી અને જેટલી વાત કરવી હોય તે કરવા દેવામાં આવે.
ધ સમારીટન્સ સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે, ૮૪૨૨૯-૮૪૫૨૮. આવી જ બીજી એક સંસ્થા છે, ધ વાંદરેવાલા ફાઉન્ડેશન (નંબર: ૯૯૯૯૬-૬૬૫૫૫) અને આસરા (નંબર: ૯૮૨૦૪-૬૬૭૨૬). ગુજરાત સરકારની ફોનસેવા પણ અસરકારક છે (નંબર:૧૦૪). આ તમામ સેવાઓ સંપૂર્ણપણે મફત છે. આ નંબરો જરૂરતમંદ દોસ્ત કે પરિચિત સાથે શેર કરવા જેવા છે.