'ગીતામાં ક્યાંય લખ્યું નથી કે કર્મ કરો, પણ ફળની ચિંતા ન કરો...'
- વાત-વિચાર - શિશિર રામાવત
- 'ગીતા તમને ક્યારેય તમારા મનમાં જાગેલી કોઈ પણ રેન્ડમ ઇચ્છા કે કામનાને અનુસરવાનું કહેતી નથી. ગીતા ખરેખર એમ કહે છે જ્યારે તમે યોગ્ય કર્મ કરશો ત્યારે ફળની એટલે કે પરિણામની ચિંતા રહેશે જ નહીં.'
હજુ ત્રણ દિવસ પહેલાં, ૧૧ ડિસેમ્બરે, માત્ર ભારતમાં નહીં, પણ દુનિયાભરમાં ગીતા જયંતી ઉજવવામાં આવી. ભગવદ્ગીતા જેવો મહાન ધર્મગ્રંથ લોકપ્રિય હોય તે સ્થિતિ આનંદદાયક છે, પણ ક્યારેક લોકપ્રિયતા પોતાની સાથે અનિષ્ટ ખેંચી લાવતી હોય છે. જેમ કે, આ કિસ્સામાં, ગીતાના શ્લોકોનાં ખોટાં અર્થઘટનો. વેદાંતના પ્રખર પ્રચારક આચાર્ય પ્રશાંત કહે છે, 'થયું છે એવું કે ભગવદ્ગીતાની લોકપ્રિયતાને જોઈને કંઈકેટલીય વિકૃત વિચારધારાઓએ પોતાને સાચી સાબિત કરવા માટે ગીતાને તોડી-મરોડીને મન ફાવે એવાં અર્થઘટનો કરી નાખ્યાં છે. ટિપ્પણી કરનાર ગુરૂ ગીતાના સાચા અર્થથી અજાણ હોય, એમ બને. આવો ગુરૂ જ્યારે વેદાંતની વાત કરે ત્યારે એમાં ગરબડ હોવાની જ. તમે બારીકાઈથી જોશો તો સમજાશે કે અવળીસવળી ટિપ્પણી કરનારાઓને કૃષ્ણ પ્રત્યે ભારોભાર અનાદર હોય છે. એટલે જ તેઓ જાણી જોઈને ગીતાના શ્લોકોનું ખોટું અર્થઘટન કરે છે. દાખલા તરીકે, શ્લોકમાં જ કૃષ્ણના મુખે 'બુદ્ધિ' શબ્દ બોલાયો હોય, તો પણ કેટલાક અર્થઘટન કરનારા 'બુદ્ધિ'નું ધરાર 'ભક્તિ' કરી નાખશે. એમને કૃષ્ણ જે બોલ્યા છે એનું સન્માન નથી. તેઓ કૃષ્ણના મોઢે પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવા શબ્દો બોલાવડાવે છે. ખરેખર તો આવી કુચેષ્ટાઓ કરનારને સજા થવી જોઈએ,પણ સજા થવાનું તો એક બાજુ રહ્યું, ઊલટાનું આવા વિકૃત અર્થઘટનોનો પ્રચાર કરવામાં આવે છે.'
ગીતાનો ઉદ્દેશ શો છે? કૃષ્ણ શા માટે અર્જુન સમક્ષ આટલું બધું બોલે છે? આચાર્ય પ્રશાંત કહે છે, 'આનો જવાબ પહેલા અધ્યાયમાં છે. ગીતા એક વિદ્રોહ છે. ગીતા કંઈ સંદર્ભવિહોણું જ્ઞાન નથી. ગીતામાં બહુ જ સ્પષ્ટ કોન્ટેક્સ્ટયુઅલ ઇમરજન્સી છે. અર્જુન એક સાધારણ માણસની માફક બીબાંઢાળ ધામક-સામાજિક માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને સંસ્કૃતિ-પરંપરાઓના નામે નાસમજ વિચારો ધરાવે છે. ગીતાનો વિદ્રોહ આ બધાની સામે છે. રૂઢિચુસ્ત લોકોને આ સાંભળવું ગમતું નથી. એમના માટે તો કૃષ્ણ પણ એક સાંસ્કૃતિક પ્રતીક માત્ર છે. એમને વાસ્તવિક કૃષ્ણત્વમાં નહીં, પણ કૃષ્ણની કથા-કહાણીઓમાં રસ છે. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે કોણ? એમના માટે કૃષ્ણ એટલે ભાગવત પુરાણમાંથી સાંભળેલી પાંચ-છ કથા-કહાણીઓ. કૃષ્ણ એટલે તોફાની માખણચોર, કૃષ્ણ એટલે પેલો ગોપીઓનાં કપડાં ચોરી જનારો, ગોપીઓ સાથે રાસલીલા કરનારો, બસ. બાકી ગીતાનો ઉદ્દેશ એના શ્લોકોમાં જ સ્પષ્ટ થઈ જાય છે. ગીતા સ્વયં આપણને કહે છે કે કશુંય આંખ મીંચીને સ્વીકારી લેવાની જરૂર નથી. સ્વર્ગ, નર્ક કે એવી કોઈ પણ કપોળકલ્પિત બાબત પર વિશ્વાસ કરતાં પહેલાં તમને ખબર હોવી જોઈએ તમે ખુદ કોણ છે, તમારી વાસ્તવિક ઓળખ શી છે.'
ગીતા વિશે એટલી બધી ગેરસમજ ફેલાયેલી છે કે ન પૂછો વાત. ગીતાના બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક 'કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...' સર્વાધિક લોકપ્રિય છે. આચાર્ય પ્રશાંત કહે છે, 'આ શ્લોકનો એટલો બધો દુરુપયોગ થયો છે કે તે જોઈને ક્રોધ પણ આવે છે અને ક્ષોભ પણ થાય છે. અહંકારનું દુઃસાહસ જુઓ. તે કૃષ્ણને પણ છોડતો નથી! ગીતા જેટલી પ્રસિદ્ધ થઈ એટલો જ એનો દુરુપયોગ વધ્યો. ગીતામાં ક્યાંય લખ્યું નથી કે કર્મ કરો, પણ ફળની ચિંતા ન કરો. ગીતા તમને ક્યારેય તમારા મનમાં જાગેલી કોઈ પણ રેન્ડમ ઇચ્છા કે કામનાને અનુસરવાનું કહેતી નથી. ગીતા ખરેખર એમ કહે છે જ્યારે તમે યોગ્ય કર્મ કરશો ત્યારે ફળની એટલે કે પરિણામની ચિંતા રહેશે જ નહીં. યોગ્ય કર્મ એટલે એવું કામ જે વ્યક્તિગત સ્વાર્થના કેન્દ્રથી કરવામાં આવતું નથી. જ્યારે તમે તમારી પોતાની ખુશાલી કે સંતોષ માટે કામ કરતા નથી ત્યારે અને ફક્ત ત્યારે જ તમે એ કામ એવી રીતે કરી શકો છો કે જેમાં પરિણામની ચિંતા ન હોય.'
આ શ્લોક કહે છેઃ ફક્ત કર્મ પર જ તારો અધિકાર છે, કર્મફળ પર નહીં. તું કર્મફળની આશાથી કર્મ ન કર... અને તારે અકર્મણ્ય પણ બની જવાનું નથી. આચાર્ય પ્રશાંત જ્યારે આ શ્લોકને વિસ્તારપૂર્વક સમજાવે છે ત્યારે સમજણની કેટલીય નવી બારીઓ ખૂલી જાય છે. એમના જ શબ્દોમાં સાંભળવા જેવું છે...
'આ શ્લોકની પહેલાં, ૨.૪૫ નંબરના શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે રજસ, તમસ અન સત્ત્વ - આ ત્રણેય ગુણ પ્રકૃતિના અંશ છે અને તારે આ ત્રણમાંથી એકેયને પકડવાના નથી. આ ત્રણમાંથી જે ઉચ્ચતમ છે - સતોગુણ - તેને પણ પકડવાનું નથી. જ્ઞાન એ સતોગુણ છે, પણ તેય પ્રકૃતિનો ભાગ હોવાથી પકડવાલાયક નથી. હવે આ ૨.૪૭ ક્રમના શ્લોકમાં કૃષ્ણ કહે છે, જ્યારે પકડવાલાયક કશું છે જ નહીં, જ્ઞાન પણ નહીં, તો કર્મ કોઈ આશામાં કેવી રીતે કરી શકાય?
આપણે કેટલાય લોકોના મોઢેથી સાંભળતા હોઈએ છીએ કે ભઈ, અમે તો બસ, કર્મ કરતા રહીએ છીએ. ફળની કોઈ અપેક્ષા અમે રાખતા નથી. આ લોકો ખોટું બોલે છે. સંભવતઃ એમને ખુદને પણ ખબર હોતી નથી કે તેમના આ દાવામાં જૂઠ અને પાખંડ છૂપાયેલાં છે. સામાન્યપણે કર્તા (કામ કરનારો) જે પ્રકારનો માણસ છે અને એ જે પ્રકારનાં કામ પસંદ કરે છે, એમાં સંભવ જ નથી કે એ ફળની અપેક્ષા ન રાખે.
સવાલ ઉઠે કે જો કશી આશા જ રાખવાની ન હોય, કશું જોઈતું જ ન હોય તો પછી કામ જ શું કામ કરવાનું? કોઈ પણ ફળની આશા વગર કામ કરવાનું બળ કેવી રીતે મળે? કૃષ્ણ પાછા એમ પણ કહે છે કે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું નથી, અકર્મણ્ય બની જવાનું નથી. જો નાનું-મોટું કામ હશે તો આશા રહેવાની જ છે. કોઈ પણ જાતની આશા વગર કામ તો જ થઈ શકે જો તે કામ જબરદસ્ત હોય, જો એ કામ તમારા આત્માની અભિવ્યક્તિ હોય.
તમારી સામે આશાના સ્તરે વિકલ્પો હોતા નથી કે હું ફળની અપેક્ષા રાખું કે ન રાખું. પસંદગીના વિકલ્પો બહુ પહેલાં આવી જાય છે. હું કામ કેવું પસંદ કરી રહ્યો છું, એ સ્તરે? ના, એનીય પહેલાં - હું કોણ છું, એ સ્તરે.
આમ, ત્રણ સ્તરો થયાં. એક કર્મફળ, જે ત્રીજું સ્તર છે જે સૌથી છેલ્લે આવે છે. બીજું છે, કર્મ એટલે કે કામ અને પહેલું સ્તર છે, કર્તા એટલે કે આ કામને કરનારો. આપણને આ ત્રણમાંથી પસંદગીનો વિકલ્પ ફક્ત કર્તાના સ્તરે જ મળે છે. હું કોણ છું? કોહમ્? આપણે જોકે સાવ ઊલટી વાત કરતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ, હું કોણ છું ને કેવો છું એ તો પૂછતા જ નહીં, કેમ કે જો મને જરાક ખોતરશો તો અંદરથી એવી ગંદકી નીકળશે કે હું જો પોતે તે જોઈ નહીં શકું! હું શું કામ કરૂં છું તે પણ ન પૂછતા, કેમ કે હું તો એવું જ કામ કરીશને કે જેવો હું પોતે છું! તો બચ્યું શું? કર્મફળ. તેથી આપણે નાસમજીથી બોલ્યા કરીએ છીએ કે ભાઈ, કૃષ્ણ કહી ગયા છે કે ફળની ચિંતા કરવાની નથી, એટલે અમે તો બસ, ફળની આશા રાખ્યા વિના કામ કરતા રહીએ છીએ!
છોડનું ઉદાહરણ લો. છોડનાં મૂળિયાં છે, ડાળીઓ છે અને પાંદડાં છે. ધારો કે મૂળ સડી રહ્યું છે, પરિણામે પાંદડાં પીળાં પળી રહ્યાં છે. આ સ્થિતિમાં તમે પાંદડાં પર પાણી છાંટયાં કરશો ને મૂળ પર ધ્યાન જ નહીં આપો તો શું થશે? પાંદડાં વધુ ખરાબ થતાં જશે. કર્મફળના સ્તરે વાતો કર્યા કરતા લોકોની સ્થિતિ આવી હોય છે. તેઓ પીળાં પાંદડાં પર પાણી છાંટયા કરે છે. બીજા પ્રકારના માણસો ડાળીઓને દુરસ્ત કરવાનો પ્રયાસ કરશે. તેઓ કહેશે, ચાલો, કામ બદલી નાખીએ. પણ કામ બદલવાથી પણ કશું નહીં વળે, કેમ કે મૂળ તો એનું એ જ છેને! કર્મ એટલે આખરે શું? કર્તાની જ સ્થૂળ અભિવ્યક્તિ. કર્મ અને કર્તા તત્ત્વતઃ એક જ છે. કર્તા અદશ્ય છે, એ આપણી ભીતર છૂપાયેલો છે. એ પ્રગટ થાય છે એનાં દ્રશ્યમાન કામોથી, કર્મથી. તેથી સ્થૂળ કર્મનો ઉપચાર કર્યા કરવાથી કશો ફાયદો થતો નથી. જો ઉપચાર કરવો જ હોય તો સૂક્ષ્મ કર્તાનો કરો.'
આટલું કહીને આચાર્ય પ્રશાંત કહે છે, 'એટલે જ વેદાંત વિશિષ્ટ છે. વેદાંતને થડ કે ડાળી કે પાંદડાંની વાતો કરવામાં રસ નથી. વેદાંતને મૂળમાં જવું છે... અને મૂળમાં કર્તા બેઠો છે, 'હું' બેઠો છે. જો કૃષ્ણની સામે અર્જુનની જગ્યાએ વધારે સૂક્ષ્મ સમજવાળો શિષ્ય ઊભો હોત તો કૃષ્ણ કદાચ કર્મણ્યેવાધિકારસ્તે... પણ ન કહેત, કેમ કે ખરો અધિકાર કર્મ પર નહીં, કર્તા પર છે. કર્તા ખરાબ હશે તો કર્મ અને કર્મફળ બન્ને ખરાબ જ હોવાનાં તે વાત પહેલેથી જ નક્કી થઈ ગઈ. કૃષ્ણ એટલે જ કહે છે કે જ્યારે તારું કર્મ જ અજ્ઞાન, ભય કે લાલચથી કરવામાં આવ્યું હોય ત્યારે એનું પરિણામ ખરાબ જ મળવાનું છે તે નિશ્ચિત છે. તેથી કર્મફળની ચિંતા કરવાનો શો અર્થ છે? તેથી તું કર્મ પર ધ્યાન આપ... અને કર્મ પર ધ્યાન આપવું હોય તો તારે પહેલાં કર્તા પર, પોતાની જાત પર ધ્યાન આપવું પડશે. આ સૂત્ર છે. એને તમારામાં સારી રીતે ઉતારી લો...'