માણસની પ્રકૃતિમાં જ કશુંક એવું છે જે એને હિંસા તરફ ધકેલે છે...
- વાત-વિચાર - શિશિર રામાવત
- ૫૩ વર્ષીય કોરિયન લેખિકા હેન કાંગે ૨૦૨૪નું સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતી લીધું છે. આઠ વર્ષ પહેલાં બૂકર પ્રાઇઝ જીતી ચૂકેલાં હેન કાંગ કહે છે, 'પુસ્તકોએ મને જીવન વિશે વધારે તર્કસંગત પ્રશ્નો પૂછતાં શીખવ્યું છે. મને સમજાયું છે કે લેખક એ છે જેની પાસે સવાલો હોય છે, જવાબો નહીં.'
એક કોરિયન સ્ત્રી છે. એની નવજાત દીકરી સખત બીમાર છે. ડોક્ટરે કહી દીધું છે કે બેબલીની જીવવાની આશા ન રાખશો. રડી રડીને ીની હાલત ખરાબ થઈ ગઈ છે. એ વારે વારે દીકરીને વિનવતી રહે છેઃ 'બેટા, મરતી નહીં... જીવી જજે...' પણ આ રીતે યમરાજને દૂર રાખી શકાતા હોય તો જોઈએ જ શું. જન્મના બે જ કલાક પછી બાળકી છેલ્લા શ્વાસ લઈ લે છે. સ્ત્રી પુનઃ ગર્ભવતી બને છે. આ વખતે પણ દર્દનાક ઘટનાક્રમનું પુનરાવર્તન થાય છે. બીજું સંતાન પણ જન્મતાંવેંત સ્વર્ગે સીધાવી જાય છે. સ્ત્રી ત્રીજી વખત ગર્ભ ધારણ કરે છે. આ વખતે એનાં મન અને શરીર બન્ને નબળાં પડી ગયાં છે. એ સખત બીમાર રહે છે. એને એકધારી ચિંતા રહ્યા છે કે મારું આ સંતાન પણ જન્મતાની સાથે મરી જશે તો? ના, ના... મારાથી હવે ત્રીજા સંતાનનું મોત સહન નહીં થાય. એના કરતાં અબોર્શન કરાવી નાખું? પણ અબોર્શન કરાવતાં ીનો જીવ ચાલતો નથી, કેમ કે પોતાના ગર્ભમાં સંતાનનાં સ્પંદનો એ સ્પષ્ટપણે અનુભવી શકે છે.
ખેર, પૂરા મહિને ીને દીકરીનો જન્મ થાય છે. સ્ત્રીના મનોમન સતત પ્રાર્થના કરતી રહે છેઃ હે ભગવાન.... મારી આ દીકરીને કશું થવું ન જોઈએ. એને જીવતી રાખજે, સાજીસારી રાખજે! શું એ વખતે સ્ત્રીએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે જે દીકરીને અબોર્શન કરાવીને એ 'પડાવી' નાખવા માગતી હતી એ દીકરી ભરપૂર જીવીને સાહિત્યની દુનિયામાં એવી જબરદસ્ત સફળતા હાંસલ કરશે કે દુનિયાના સૌથી પ્રતિતિ એવાં બૂકર પ્રાઇઝ અને નોબલ પ્રાઇઝ બન્ને જીતી લેશે? આ દીકરી એટલે મૂઠી ઉંચેરી કોરિયન સાહિત્યકાર હેન કાંગ, જેમનું નામ ૨૦૨૪ના સાહિત્ય માટેના નોબલ પ્રાઇઝનાં વિજેતા તરીકે હજુ બે દિવસ પહેલાં જ ઘોષિત થયું.
'જો મારી મોટી બહેન અને એના પછી જન્મેલું સંતાન - એ બન્ને જીવી ગયાં હોત તો મારો જન્મ જ ન થયો હોત!' હેન કાંગ એક મુલાકાતમાં કહે છે, 'હું જન્મી એ નસીબની વાત છે. મારાં મા-બાપ ક્યારેય મારી મોટી બહેનને ભૂલી શક્યાં નથી. મને હંમેશા લાગ્યું છે કે મારો જન્મ અને ઉછેર મારી બહેનના મૃત્યુના પાયા પર થયાં છે.'
હેન કાંગ નાનપણથી સાહિત્યના પ્રભાવ વચ્ચે ઉછર્યાં છે. એમના પિતા અને નાનો ભાઈ પણ લેખક છે. નાનપણમાં કાંગ પરિવાર વારે વારે ઘર બદલે. એમના ઘરમાં ખાસ ફનચર ન હોય, પણ બારી-બારણાંને બાદ કરતાં ઘરનો એકએક ખૂણો, એકએક દીવાલ પુસ્તકોથી ઊભરાતાં હોય. હેન કાંગને નાનપણથી જ વાંચનનો શોખ. બહેનપણીઓને ત્યાં જાય ત્યારે એમને નવાઈ લાગતી કે આ લોકોના ઘરમાં કયાંય પુસ્તકો કેમ દેખાતાં નથી? એમનાં મા-બાપ બાળકોને વાંચવા માટે સતત પ્રોત્સાહિત કરે. વાંચવાનો શોખ હતો એટલે લખવાનો શોખ પણ કુદરતી રીતે ઊતરી આવ્યો.
હેન કાંગનાં અત્યાર સુધીમાં ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાંથી આઠ નવલકથા છે, પાંચ લઘુનવલ છે, બે નવલિકાસંગ્રહ, બે નિબંધસંગ્રહ અને એક કવિતાસંગ્રહ છે. આમ, હેન કાંગ મૂળભૂત રીતે ગદ્યનાં માણસ છે. ૨૦૧૬માં એમની 'ધ વેજીટેરીઅન' નવલકથાને બૂકર પ્રાઇઝ મળ્યું ત્યારે પહેલી વાર એમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યું હતું. અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલી આ એમની પહેલી કૃતિ. શું છે આ નવલકથામાં? 'ધ વેજીટેરીઅન'માં યેઓંગ-હાઈ નામની એક સીધીસાદી ગૃહિણીની વાત છે, જેને એક વાર સપનામાં ક્શીક આજ્ઞાાા થાય છે અથવા તો પ્રેરણા મળે છે ને એ શાકાહારી બનવાનો નિર્ણય લે છે. હાડોહાડ માંસાહારી એવો એનો પરિવાર વિરોધ કરે છે, પણ સ્ત્રી વિદ્રોહના મૂડમાં આવી ગઈ છે. એનો વિદ્રોહ ઉત્તરોત્તર વિચિત્ર અને ખતરનાક બનતો જાય છે. ઘરના સભ્યો સાથેના એના સંબંધોમાં તિરાડ પડે છે, એટલું જ નહીં, એના સંબંધો વધારે હિંસક અને શરમજનક બનતા જાય છે. ઘર, પરિવાર અને સમાજ આ ત્રણેય સ્તરેથી સ્ત્રીને જાકારો મળે છે. વાર્તામાં શાકાહારી બનવાની વાતને, અલબત્ત, પ્રતીક તરીકે જોવાની છે. વિવેચકોને આ નવલકથા અતિ ડાર્ક તથા ડિસ્ટર્બિંગ અને છતાંય અત્યંત ખૂબસૂરત અને જકડી રાખે એવી લાગી છે.
હેન કાંગ ખુદ વચ્ચે થોડાં વર્ષો માટે શાકાહારી બની ગયાં હતાં. તે વખતે એમના પરિવારે એમને પાછા માંસાહાર તરફ વાળવા માટે ખાસ્સો ઉદ્યમ કર્યો હતો. ઘરના લોકોનું વર્તન જોકે કડવું નહીં, પણ રમૂજી હતું. કોઈ પણ લેખક ખુદના અનુભવો અને લાગણીઓનો ટ્રિગર પોઇન્ટ તરીક ઉપયોગ કરતો હોય છે, અનુભવનો શેડ અને ટોન જરૂરિયાત પ્રમાણે બદલી નાખતો હોય છે. હેન કાંગે એમ જ ર્ક્યું. પોતાના શાકાહારી બનવાનો અનુભવ એમણે 'ધ વેજિટેરીઅન' લખતી વખતે ઉપયોગમાં લીધો. જોકે આ નવલક્થાના ખરેખરાં મૂળિયાં તો એમણે છવ્વીસ વર્ષની ઉંમરે લખેલી 'ફ્રુટ્સ ઓફ માય વુમન' નામની ટૂંકી વાર્તામાં દટાયેલાં છે. આ પ્રતીકાત્મક નવિલકામાં એક પતિ ઓફિસેથી ઘરે આવે છે ને જુએ છે કે પત્ની નાનકડા છોડમાં પરિવતત થઈ ગઈ છે!
શું માનવપ્રકૃતિમાં રહેલું અસુરી તત્ત્વ યા તો ડાર્કનેસ હેન કાંગને સૌથી વધારે આકર્ષે છે? તેઓ ક્હે છે, 'હું એક જ વિષયને વારે વારે એક્સપ્લોર કરતી નથી, પણ હા, એક પ્રશ્ન જરૂર છે જે મને હંમેશા ખેંચતો રહે છે અને મારાં લખાણોમાં અવારનવાર દેખાતો રહે છે. તે છે હ્યુમન વાયોલન્સ. એક માણસ દ્વારા બીજા માણસ પર આચરવામાં આવતી હિંસા. મને ખુદને ભલે હિંસાનો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ ન હોય, પણ મારી પેઢીએ જુવાનીમાં હિંસાનો સંદર્ભ સતત જોયો છે.'
હેન કાંગ જે હિંસાના સંદર્ભની વાત કરે છે તેનો સંબંધ કેરિયામાં ૧૯૮૦ના મે મહિનામાં બનેલા લોહિયાળ ઘટનાક્રમ સાથે છે. ગ્વાન્જગુ નામનાં કોરિઅન શહેરમાં નાગરિકોએ સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. એમાં કોલેજિયનો પણ સામેલ હતા. સરકારે દમનનો વિકરાળ કોરડો વીંઝયો જેના લીધે ૬૦૦ કરતાં વધારે માણસો કમોતે મર્યા. આ બનાવ બન્યો એના થોડા સમય પહેલાં જ હેન કાંગનો પરિવાર ગ્વાન્જગુથી સાલ શિફ્ટ થઈ ગયો હતો. તે પછી એક વાર બન્યું એવું કે હેન કાંગના હાથમાં અચાનક એક ડાયરી આવી ગઈ. એમાં ગ્વાન્જગુ હત્યાકાંડ વિશે વિદેશી મીડિયામાં જે લેખો-તસવીરો છપાયાં હતાં તેનાં કટિંગ્સ ચીપકાવેલાં હતાં. મા-બાપે આ ડાયરી બાળકોના હાથમાં ન આવે તે રીતે છુપાવી રાખી હતી. આ ડાયરી જડી ત્યારે હેન કાંગ હજુ ટીનેજર હતાં. 'મને હજુય બરાબર યાદ છે. એ ઘાતકી રીતે છુંદાયેલા, કપાયેલા ચહેરાની તસવીરો જોઈને હું કાંપી ઊઠી હતી,' તેઓ ક્હે છે, 'ચુપચાપ, ક્શો જ શોરશરાબા કર્યા વિના મારી ભીતર કોઈક બહુ જ નાજુક વસ્તુ તૂટી ગઈ. એ નાજુક વસ્તુ શું છે તે હું સમજી શકતી નહોતી.'
કોઈ ભીષણ દુર્ઘટનામાંથી અણીના સમયે બાલ-બાલ બચી જનાર માણસ કયારેક સર્વાઈવલ ગિલ્ટથી પીડાતો હોય છે. ('બીજા નિર્દોષ લોકો મરી ગયા તો હું શું કામ જીવી ગયો? હું ય કેમ ન મર્યો? શું હું આ જીવનને લાયક છું?') હેન કાંગ આ પ્રકારના અપરાધીભાવ સાથે જીવ્યાં છે. ગ્વાન્જગુ હત્યાકાંડની વિગતોનું ખોદકમ કરીને તેમણે 'હ્યુમન એક્ટસ' નામની નવલક્થા લખી. આ 'ધ વેજિટેરીઅન' પછીની કૃતિ.
'મારી એક નવલકથાએ જે પ્રશ્નો જન્માવ્યા હોય તેમાંથી મને ઘણી વાર નવી નવલક્થાનું બીજ મળી જતું હોય છે,' હેન કાંગ ક્હે છે, 'દાખલા તરીક, 'ધ વેજિટેરીઅન'માં મેં માનવીય હિંસા અને શ્રેતા હાંસલ કરવાની માણસની ક્ષમતા વિશે પ્રશ્નો ખડા કર્યા છે. આપણે કંઈ છોડ કે ઝાડ ન બની શકીએ. આપણે જીવવા માગીએ છીએ. તો પછી આપણે હિંસક કેવી રીતે બની શકીએ છીએ? આ ચર્ચા મેં 'ગ્રીક લેસન્સ' નામની નવલકથામાં આગળ વધારી છે, એવું ધારી લઈને કે હિંસક માહોલ વચ્ચે જીવવું અશકય નથી. સવાલ એ ઊઠે કે માનવની પ્રકૃતિમાં એવું તે શું છે જે એને હિંસા તરફ દોરે છે અથવા હિંસાથી દૂર લઈ જાય છે? પોતાનાં સંતાનને બચાવવા ખુદનો જીવ પણ આપી શકતો માણસ અન્ય માણસની - કે જે બીજા કોઈનું સંતાન છે - એની હત્યા શી રીતે કરી શકે?'
પ્રશ્નો પૂછવા, પ્રશ્નોને ઘૂંટવા એ સાહિત્યકારનું કમ છે. હેન કાંગ ટીનેજર હતાં ત્યારે એમનાં દિમાગમાં ટિપિકલ અસ્તિત્ત્વવાદી પ્રશ્નો પેદા થયા કરતા - હું કોણ છું? મારી આઈડેન્ટિટી શી છે? મારા જીવનનો હેતુ શો છે? લોકો શું કામ મરે છે? મર્યા પછી એમનું શું થાય છે? વગેરે.
તેઓ કહે છે, 'આ પ્રશ્નોના ઉત્તર શોધવા હું પુસ્તકો તરફ વળતી, પણ પુસ્તકોમાંથી મને કોઈ ઉત્તર ન જડતો. આને કારણે સારી વાત એ બની કે હું વધારે તર્કસંગત પ્રશ્નો પૂછતાં શીખી. મને સમજાયું કે લેખક એ છે જેની પાસે સવાલો હોય છે, જવાબો નહીં.'
હેન કાંગ હજુ તો ફક્ત ૫૩ વર્ષનાં છે. આવનારા સમયમાં તેમની પાસેથી હજુય ખૂબ બધું ઉત્તમ સાહિત્ય મળવાનું છે એ તો નક્કી.