Get The App

'બ્રાહ્મણનો પુત્ર હંમેશા બ્રાહ્મણ જ હોય તે જરૂરી નથી'

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
'બ્રાહ્મણનો પુત્ર હંમેશા બ્રાહ્મણ જ હોય તે જરૂરી નથી' 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- સ્વામી વિવેકાનંદ કહે છે, 'માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બનાવનારા ગુણો તેનામાં ઓછેવધતે અંશે સ્વભાવગત જ હોય છે, પરંતુ ક્યારેક આમાંનો એક યા બીજો ગુણ માણસમાં જુદી જુદી માત્રામાં પ્રબળ બને છે, અને તે પ્રમાણે તે પ્રગટ થાય છે.'

જો સ્વામી વિવેકાનંદ આજે જીવતા હોત તો આવતી કાલે ૧૨ જાન્યુઆરીએ આપણે એમનો ૧૬૩મો જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોત. માત્ર ૩૯ વર્ષની નાનકડી જિંદગીમાં વિરાટ કાર્ય કરી ગયેલા સ્વામી વિવેકાનંદ જો ૮૦-૮૫ વર્ષનું સ્વસ્થ જીવન પામ્યાં હોત તો શું શું કરી શક્યા હોત તે કલ્પના કેટલી રોમાંચક લાગે છે. સ્વામીજીની વાણી સતત રિલેવન્ટ રહી છે અને હંમેશા રિલેવન્ટ રહેવાની છે. તેથી જ તેમનાં પુસ્તકોમાંથી પુનઃ પુનઃ પસાર થવાનું આપણને ગમે છે.  

'વિવેકાનંદજી સાથે વાર્તાલાપ' નામનું એક નાનકડું પણ સોનાની લગડી જેવું પુસ્તક છે. ખરૃં પૂછો તો સ્વામી વિવેકાનંદનાં વિચાર-વાણી સમાવતું એકેએક પુસ્તક અમૂલ્ય ખજાના જેવું છે. સ્વામીજી અમેરિકા, યુરોપ, જપાન વગેરે દેશોના એકાધિક પ્રવાસ કરી ચુક્યા હતા તે પછીની આ ઘટના છે. એમના એક શિષ્યે પૂછ્યું કે સ્વામીજી, પશ્ચિમમાં તમારા કેટલા શિષ્યો હશે? સ્વામીજીએ જવાબ આપ્યોઃ બે-ત્રણ હજાર તો હશે જ, એનાથી વધારે પણ હોય. શિષ્યે પૂછ્યુંઃ એ બધાને તમે મંત્રદીક્ષા આપી છે? એમને પ્રણવ (ઓમ)નો ઉચ્ચાર કરવાની પરવાનગી આપી છે? સ્વામી વિવેકાનંદે હા પાડી. શિષ્યે થોડા આશ્ચર્ય અને થોડી ચીડથી કહ્યુંઃ પણ તમે પશ્ચિમના લોકોનો ઓમકારનું ઉચ્ચારણ કરવાની પરવાનગી આપી જ કેવી રીતે શકો? કહે છેને કે શૂદ્રોને ઓમકાર ઉચ્ચારવાનો અધિકાર નથી? (યાદ રહે, આ ઓગણીસમી સદીની વાત છે.) આપણે ત્યાં તો ફક્ત બ્રાહ્મણો સિવાય બીજા કોઈને ઓમકાર ઉચ્ચારવાનો અધિકાર આપવામાં આવ્યો નથી, જ્યારે પશ્ચિના ગોરા લોકો શૂદ્ર તો શું, શૂદ્ર કરતાંય ઉતરતાં મ્લેચ્છ છે, તો પણ તમે એમને ઓમકાર બોલવાની મંજૂરી કઈ રીતે આપી દીધી? સ્વામી વિવેકાનંદે જે જવાબ આપ્યો તે ધ્યાનથી સાંભળવા જેવો છે. 

પ્રિયનાથ સિંહા નામના આ શિષ્યને સ્વામી વિવેકાનંદ પ્રતિપ્રશ્ન કરે છે, 'પણ તમે કઈ રીતે જાણો કે મેં જેમને દીક્ષા આપી છે તેઓ બ્રાહ્મણો નથી? મારા બધા જ (ગોરા અમેરિકન) શિષ્યો બ્રાહ્મણ છે! બ્રાહ્મણ સિવાય બીજા કોઈને ઓમકારના ઉચ્ચારણનો અધિકાર નથી એ શબ્દોની સચ્ચાઈનો હું સ્વીકાર કરૃં છું, પરંતુ બ્રાહ્મણનો પુત્ર હંમેશા બ્રાહ્મણ જ હોય એવું નથી. બેશક, એ બ્રાહ્મણ હોય તેવી તમામ શક્યતા છે, તો પણ એ બ્રાહ્મણ ન પણ હોય!'

એટલે? સ્વામી વિવેકાનંદ સ્વયં પોતાની વાતને વધારે ખોલે છે, 'બ્રાહ્મણ જ્ઞાાતિ અને બ્રાહ્મણના ગુણો - આ બે અલગ વસ્તુઓ છે. ભારતમાં માણસ પોતાની જ્ઞાાતિથી બ્રાહ્મણ મનાય છે, પરંતુ પશ્ચિમના માણસને તેના બ્રાહ્મણત્વના ગુણોથી બ્રાહ્મણ ગણવો જોઈએ. જેવી રીતે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો છે, તેવી જ રીતે માણસમાં પણ એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર છે તે બતાવી આપનારા ગુણો હોય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયના ગુણો આપણા દેશમાંથી નાબૂદ થતા જાય છે, પણ પશ્ચિમમાં હવે લોકોએ ક્ષત્રિયત્વ પ્રાપ્ત કર્યું છે, અને તેના પછીનું પગથિયું છે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું તે. પશ્ચિમમાં એવા કેટલાક લોકો છે કે જેમણે પોતાને બ્રાહ્મણત્વને લાયક બનાવ્યા છે.'

સ્વામી વિવેકાનંદના કથનનો સાદો અર્થ આ છેઃ કોઈ માણસ જન્મથી બ્રાહ્મણ (કે ક્ષત્રિય કે કંઈ પણ) હોતો નથી. એણે પોતાના સદગુણો અને ઊંચા કર્મોથી બ્રાહ્મણ બનવું પડે છે. એ જ રીતે જન્મથી કોઈ શૂદ્ર હોતું નથી. શૂદ્ર એટલે આજે આપણે જેને દલિત કે નીચલી જાતિના કહીએ છીએ, તે. જો માણસ સમજણા થયા પછી પણ દુર્ગુણો અને તામસિક વૃત્તિઓમાં સબડતો રહે, જો એનાં કામ અને વર્તન-વ્યવહાર હલકી કક્ષાના રહી જાય તો એ શૂદ્ર છે, દલિત છે. સ્વામીજી કહે છે, 'જેવી રીતે સત્ત્વ, રજસ્ અને તમસ્ પૈકીના એક કે બીજા ગુણો ઓછાવધતા પ્રમાણમાં રહેલા છે, તેવી રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બનાવનારા ગુણો તેનામાં ઓછેવધતે અંશે સ્વભાવગત જ હોય છે. પરંતુ ક્યારેક આમાંનો એક યા બીજો ગુણ માણસમાં જુદી જુદી માત્રામાં પ્રબળ બને છે, અને તે પ્રમાણે તે પ્રગટ થાય છે. ઉદાહરણરૂપે, માણસને એ જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકાયેલો હોય ત્યારે જુઓ. જ્યારે તે પગાર માટે બીજે નોકરી કરે છે ત્યારે તે શૂદ્રત્વમાં છે. જ્યારે તે પોતાને માટે નફો મળવવા સારું વેપારધંધામાં મશગુલ હોય છે ત્યારે તે વૈશ્ય છે. જ્યારે અન્યાયનો સામનો કરવા માટે તે લડાઈ કરે છે ત્યારે તેનામાં ક્ષત્રિયના ગુણો પ્રગટ થાય છે, અને જ્યારે ઈશ્વરનું ધ્યાન કરે છે અથવા ઈશ્વર વિશે વાતચીત કરવામાં પોતાનો સમય ગાળે છે ત્યારે તે બ્રાહ્મણ છે. સાહજિક રીતે જ એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવું એ માણસને માટે સંભવિત છે. નહીંતર વિશ્વામિત્ર બ્રાહ્મણ કેવી રીતે થયા, અને પરશુરામ ક્ષત્રિય કેવી રીતે થયા?... આપણા પંડિતો અને કુલગુરૂઓ આ વાત આ વસ્તુ પ્રજાને શીખવતા નથી એ આપણા દેશનું મોટું અનિષ્ટ છે.'

જરા વિચારો કે સદીઓ પહેલાં પણ ધર્મ અને સંસ્કૃતિના બની બેઠેલા ઠેકેદારો આપણને આ વાત શીખવતા નહોતા અને આજે જ્યારે પા ભાગની એકવીસમી સદી વીતી ગઈ છે ત્યારે પણ સ્થિતિ એની એ જ છે. આપણી સામે ધર્મનો અસલી અર્થ ઊઘાડી આપવાને બદલે, આપણને વાસ્તવિક આધ્યાત્મ તરફ દોરી જવાને બદલે આપણને અર્થહીન કર્મકાંડ અને રીતિ-રિવાજ-પરંપરાઓના ચોકઠાઓમાં જકડી રાખનારાઓને સ્વામી વિવેકાનંદે ખૂબ ચાબખા માર્યા છે. તેઓ કહે છે, 'તેમની પાસે (એટલે કે કહેવાતા પંડિતો પાસે) જે કંઈ છે તે (એટલે કે હિંદુ ધર્મના સનાતન સિદ્ધાંતોને, તેના ગૂઢ અર્થોને ઊઘાડીને તેનો પ્રચાર કરવાની ક્ષમતા અને નિયત) કુદરતી રીતે અને ક્રમે ક્રમે અદ્રશ્ય થતું જાય છે. ગુરૂ પોતાના શિષ્યને મંત્ર આપે છે ખરો, પણ એ એના ધંધા જેવું થઈ ગયું છે.'   

પશ્ચિમને ભારતીય દર્શનનું, ભારતીય અધ્યાત્મનું આકર્ષણ હંમેશા રહ્યું છે. પશ્ચિમ પાસે નીર-ક્ષીરને અલગ કરવાની વિવેકબુદ્ધિ છે. તેણે ભારતના આધ્યાત્મિક ક્ષેત્રમાંથી જે શ્રેષ્ઠતમ છે - વેદાંત, ઉપનિષદ, યોગ - તે લઈ લીધું અને આપણે ત્યાં ધર્મનો નામે ચાલતા ગોરખધંધા, અંધશ્રદ્ધા અને કુરીતિઓથી તેઓ દૂર રહ્યા. સ્વામીજી કહે છે, 'જે દેશના લોકોને પેટનો ખાડો પૂરવા પૂરતું અન્ન મળતું નથી, એ દેશના લોકો ધર્મપાલન શી રીતે કરી શકે? જે દેશના લોકોની ભોગની ઇચ્છાઓ જરાય સંતોષાઈ નથી, તે દેશના લોકોમાં ત્યાગ ક્યાંથી આવી શકે? આ કારણસર સૌથી પહેલાં જે રસ્તે અને જે સાધનો દ્વારા માણસોને પેટ પૂરતું ખાવાનું મળે અને સહેજ જિંદગી માણવા જેટલા ભોગો મળી શકે એ શોધી કાઢો, તે પછી જ ધીરે ધીરે તેમનામાં સાચો વૈરાગ્ય આવશે, અને જીવનમાં ધર્મનો સાક્ષાત્કાર કરવાને માટે તેઓ લાયક થશે અને તૈયાર થશે. ઇંગ્લેન્ડ અને અમેરિકાના લોકો રજસથી-ચેતનથી કેવા ભરેલા છે! એ લોકો દુનિયાના સર્વ પ્રકારના ભોગોથી ધરાઈ ગયા છે. વળી, ખ્રિસ્તી ધર્મમાં અંધશ્રદ્ધા અને વહેમો ભારોભાર ભરેલા હોવાથી તે ધર્મ આપણા પૌરાણિક (પ્રચલિત) ધર્મની કક્ષાએ જ માત્ર છે. શિક્ષણ અને સંસ્કૃતિનો ફેલાવો થવાને લીધે અત્યારની સ્થિતિ એવી છે કે તેમને થોડો ટેકો આપવાથી તેઓ સત્ત્વની સ્થિતિએ પહોંચી જશે... ભૌતિક પરિસ્થિતિ સુધારવા અને વ્યાવહારિક વિદ્યાઓ અને વિજ્ઞાાનોની બાબતમાં એ લોકો તમારા ગુરૂ બનશે, જ્યારે આપણા દેશના લોકો અસલી ધર્મને લગતી તમામ બાબતોમાં એમના ગુરૂ બનશે. ધર્મના ક્ષેત્રમાં આ ગુરૂ-શિષ્યનો સંબંધ ભારત અને બાકીની દુનિયા વચ્ચે સદાય ટકી રહેવાનો... જગતમાં આત્માને ઊંચે લઈ જનારા જે-જે વિચારો ને વિદ્યાઓ અસ્તિત્ત્વમાં છે તે બધાનું મૂળ ભારતમાં છે.'

આખી દુનિયાએ આપણા વેદાંત અને ઉપનિષદોને ખૂબ ઊંચા આસને બેસાડયાં છે તે સાચું, પણ ભારતમાં વેદાંત-ઉપનિષદ કદી લોકપ્રિય બન્યાં નથી કે જનમાનસ સુધી પહોંચી શક્યા નથી તે પણ એટલું જ સાચું. આમ પ્રજા સુધી પ્રમાણમાં સરળ એવાં પુરાણો પહોંચ્યાં છે, ધાર્મિક કથાઓ પહોંચી છે અને સંતોની વાણી પહોંચી છે. સ્વામી વિવેકાનંદને પૂછવામાં આવ્યું કે એક સમયે આપણું વેદાંત સુધ્ધાં લગભગ અદ્રશ્ય થઈ જવાની અણી ઉપર આવી ગયું હતું તેનું શું? 'તે હશે, એમાં શું? ' સ્વામીજી જવાબ આપે છે, 'કાળના પ્રવાહમાં વેદાંતની જ્યોત જાણે કે અવારનવાર હોલવાઈ જવા આવી હોય તેવું દેખાય છે, અને એવું જ્યારે બને ત્યારે ઈશ્વરને માનવશરીરમાં અવતાર લેવો પડે છે. એ ધર્મમાં એવું ચેતન અને શક્તિ ઈશ્વર પૂરે છે કે પાછો કેટલાક સમય સુધી અપ્રતિહત જોરપૂર્વક ચાલ્યા કરે છે, ફરી પાછું નવું જીવન અને બળ તેનામાં આવે છે.'  

અહીં સ્વામીજીએ કહેલી 'ઈશ્વરને માનવશરીરમાં અવતાર લેવો પડે છે' વાતને સ્થૂળ અર્થમાં લેવાની ભૂલ ન કરીએ. સ્વામીજી ઉચ્ચ ઈશ્વરીય ચેતના ધરાવતા કાળા માથાના માનવીની વાત કરી રહ્યા છે. શું સ્વામી વિવેકાનંદ જેવું વિરાટ વ્યક્તિત્વ ભારતને ફરી કદી જોવા નહીં મળે?  આ પ્રશ્ન એમને પૂછાયો ત્યારે એમણે જે જવાબ આપ્યો તે આશા જગાવે તેવો છે. સ્વામીજી કહે છે, 'શું તમે ધારો છો કે હું મરી ગયા પછી મારા જેવા બીજા વિવેકાનંદો થવાના જ નથી? ઘડી પહેલાં આવીને મને સંગીત સંભળાવી ગયા તે જુવાનિયાઓની મંડળી તમે જોઈ? નશાખોર તથા નકામા ફાલતુ માણસો કહીને તેમનો તિરસ્કાર કરો છો, પણ જો ઈશ્વરની ઇચ્છા હોય તો તેમાંનો દરેકે દરેક જુવાન એક-એક વિવેકાનંદ થઈ શકે! વિવેકાનંદોની ખોટ કદી પડવાની નથી. જો જગતને જરૂર પડશે તો લાખો ને કરોડો વિવેકાનંદો આવવાના. ક્યાંથી આવશે તે કોણ જાણી શકે? એટલું તો ચોક્કસ જાણજો કે મારાથી જે કાંઈ કાર્ય થયું છે તે વિવેકાનંદનું કાર્ય નથી, પણ ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વરનું પોતાનું જ છે! એક રાજ્યપાલ નિવૃત્ત થતાં કેન્દ્રસત્તા જરૂર તેની જગ્યાએ બીજાને મોકલે છે. તમે તમોગુણથી ગમે તેટલા ઘેરાયેલા હો, પરંતુ એટલું ચોક્કસ જાણજો કે જો તમે હૃદયના ઊંડાણ સુધી સાચા ઈશ્વરને શરણે જશો તો એ બધો તમોગુણ નીકળી જશે...'


Google NewsGoogle News