ઓલિમ્પિક્સમાં 23 ગોલ્ડ જીતનાર માઇકલ ફેલ્પ્સમાં એવું તે શું હતું?

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિક્સમાં 23 ગોલ્ડ જીતનાર માઇકલ ફેલ્પ્સમાં એવું તે શું હતું? 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

'મારે સ્વિમિંગના ક્ષેત્રમાં એવું કશુંક કરવું હતું જેવું દુનિયામાં અગાઉ કોઈએ કર્યું ન હોય. તે માટે જે ભોગ આપવો પડે તેમ હોય તે  આપવાનો. જો મારે કશુંક અસાધારણ કરવું હોય તો બીજાઓ કરતાં વધારે મહેનત તો કરવી જ પડેને? બીજાઓ જે કરતા આવ્યા છે એટલું જ હું કરૃં તો કશુંક વિશેષ શી રીતે હાંસલ કરી શકું?'

આપણી તેજસ્વી કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાં ડિસ્કવોલિફાઈ થઈ ગઈ ને એની પીડા (અમુક તત્ત્વોને બાદ કરતાં) આખા દેશે અનુભવી. ગઈ ઓલિમ્પિક્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ લઈ આવેલો નીરજ ચોપડા આ વખતે પાકિસ્તાની અર્શદ નદીમ સામે હારી ગયો ને (એણે જોકે સિલ્વર મેડલ તો જીત્યો જ, તો પણ) આપણે નવેસરથી દુખી થઈ ગયા. ગમગીનીના આ આલમમાં વિશ્વના સર્વકાલીન મહાનતમ એથ્લીટ તરીકે જેની ગણના થાય છે એવા માઇકલ ફેલ્પ્સની પાનો ચડાવી દેતી વાતો કરવી છે.

માઇકલ ફેલ્પ્સ એક એવો રિટાયર્ડ સુપર સ્વિમર છે, જેના નામે ઓલિમ્પિક્સના ૨૩ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ બોલે છે. ટોટલ ૨૮ ઓલિમ્પિક મેડલ્સ! આ કેટલી પ્રચંડ સિદ્ધિ છે તે સમજવા માટે થોડા તુલનાત્મક આંકડા પર નજર ફેરવોઃ ભારતે સૌથી પહેલો ઓલિમ્પિક ગોલ્ડ ઇ.સ. ૧૯૦૦માં જીત્યો હતો. હાલ ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિક્સને ગણનામાં ન લઈએ તો ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સમાં કુલ ૧૦ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સમગ્ર ભારત દેશનું  છેલ્લાં ૧૨૩ વર્ષનું પર્ફોર્મન્સ છે. એક વિરાટ દેશના ૧૦ ગોલ્ડ સામે માઇકલ ફેલ્પ્સના એકલાના ૨૩ ગોલ્ડ, જે એણે ફક્ત ૧૨ વર્ષના અંતરાલમાં જીત્યા છે! આ તો એકલા ઓલિમ્પિક્સની વાત થઈ. જો વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને પેન પેસિફિક ચેમ્પિયનશિપ્સને પણ ગણતરીમાં લઈએ તો માઇકલ ફેલ્પ્સ કુલ ૮૨ મેડલ તાણી ગયો છે, જેમાંથી ૬૫ તો ગોલ્ડ મેડલ છે! આંખો પહોળી થઈ જાય અને મોઢું ફાટેલું રહી જાય એવી ગજબનાક આ સિદ્ધિઓ છે. માઇકલ ફેલ્પ્સે જે હાંસલ કર્યું છે તે એટલું વિરાટ છે કે લાખો વર્ષોથી ઉત્ક્રાતિ પામી રહેલી માણસ નામની પ્રજાતિનું શરીર આ તબક્કે કેટલું સામર્થ્ય ધરાવે છે તેનું આકલન કરતી વખતે આ અમેરિકન તરવૈયાનો અનિવાર્યપણે એક કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરવો પડે. 

માઇકલ ફેલ્પ્સ પર કંઈકેટલાય કેસ સ્ટડી થયા જ છે. એનામાં આવી સુપરહ્યુમન ક્વોલિટીઝ ક્યાંથી આવી? શું એનું ડીએનએ કંઈક વિશિષ્ટ પ્રકારનું છે? માઇકલની હાઇટ ૬ ફૂટ ૪ ઇંચ છે. સ્વિમિંગ માટે આ ઊંચાઈ આદર્શ ગણાય. ૨૦૧૬ના રિઓ ઓલિમ્પિક્સમાં ફાઇનલિસ્ટ બનેલા તરવૈયાઓની એવરેજ હાઇટ ૬ ફૂટ ૨ ઈંચ હતી. (બાય ધ વે, આ જ ઓલિમ્પિક્સ પછી માઇકલે નિવૃત્તિની ઘોષણા કરી હતી). માઇકલના હાથ અસાધારણ લાંબા છે. સામાન્યપણે આપણે બન્ને હાથ પહોળા કરીને ટાઇટેનિક પોઝમાં ઊભા રહીએ તો બન્ને હથેળીની વચલી આંગળીની ટોચ વચ્ચેનું અંતર આપણા શરીરની હાઇટ જેટલું થાય. માઇકલના કેસમાં એમ નથી. એ ટાઇટેનિક પોઝમાં ઊભો રહે ત્યારે એના હાથોની પહોળાઈ ૬ ફૂટ ૭ ઇંચ થાય છે, એની હાઇટ કરતાં ૩ ઇંચ વધારે! તેને કારણે પાણીમાં એ છપાક્ છપાક્ કરતો આગળ ધસી જતો ત્યારે એનું પ્રોપલ્સિવ પેડલિંગ પ્રતિસ્પર્ધીઓ કરતાં કુદરતી રીતે જ વધારે પાવરફુલ રહેતું.

ના, વાત અહીં પૂરી થતી નથી.  સંશોધકો-વિશેષજ્ઞાોએ માઇકલ ફેલ્પ્સના આખા શરીરતંત્રની છાનબીન કરી નાખી છે. સામાન્ય રીતે માણસના પેડુથી ઉપરનો ભાગ (અપર બોડી) અને પેડુથી નીચેના ભાગ (લોઅર બોડી)ની લંબાઈ એકસરખી હોય છે. માઇકલ ફેલ્પ્સના કેસમાં એવું નથી. એનું ધડ મોટું છે, ૬ ફૂટ ૮ ઇંચ હાઇટ ધરાવતા પુરુષ જેવડું, જ્યારે પગ થોડાક નાના છે. સ્વિમિંગ દરમિયાન પાણીને પાછળ ધકેલતી વખતે ડ્રેગ (અવરોધ) પેદા થતો હોય છે, પણ માઇકલના પગ પ્રમાણમાં સહેજ નાના હોવાથી આ અવરોધ થોડોક ઓછો થઈ જાય છે. એના પગની પેનીની (જૂતાની) સાઇઝ ખાસ્સી મોટી છે - ૧૪. આ પણ એના માટે એક પ્લસ પોઇન્ટ છે.     

હજુ આગળ સાંભળો. માણસ દોડે, કસરત કરે કે કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ મહેનત કરે ત્યારે સ્નાયુઓમાંથી લેક્ટિક એસિડ પેદા થાય છે. એ એસિડનો ભરાવો થાય એટલે થાકી ગયાની અનુભૂતિ થાય. ફરી પાછી ફિઝિકલ એક્ટિવિટી કરતાં પહેલાં શરીરને પૂરતો આરામ આપવો પડે કે જેથી સ્નાયુઓમાં જમા થયેલા લેક્ટિક એસિડનો પ્રભાવ દૂર થઈ જાય. હવે આ કૌતુક જુઓઃ માઇકલ ફેલ્પ્સનું શરીર તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં અડધું જ લેક્ટિક એસિડ પેદા કરે છે! તેને કારણે એ વધારે પ્રેક્ટિસ કરી શકે, એને થાક ઓછો લાગે, આરામની જરૂર ઓછી પડે, એ ઝપાટાભેર રિકવર થઈ જાય. ટૂંકમાં, સમજોને કે, કુદરતના માઇકલ ફેલ્પ્સ પર ચાર હાથ રહ્યા છે. 

જેવું આવી સાંભળીએ એટલે તરત આપણા મનમાં વિચાર આવી જાય કે ભાઈ, ઉપરવાળાએ જ માઇકલનું શરીર આવું વિશિષ્ટ બનાવ્યું હોય તો પછી એ આટલી બધી સિદ્ધિઓ મેળવે જને! આમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? ના, આવું માની લેવાની જરાય જરૂર નથી. આપણે કેટલાય લંબૂસ લોકોને, પગ કરતાં ધડ મોટું હોય એવાં લોકોને, હાથ ખૂબ લાંબા હોય એવા લોકોને ઓળખીએ છીએ. શું આ બધાને પાણીમાં નાખો તો તેઓ સ્વિમિંગના વર્લ્ડ ચેમ્પિયન બની જશે? જિનેટિક્સ અલગ વાત છે અને પ્રચંડ ઇચ્છાશક્તિ, મહેનત કરી શકવાની જબરદસ્ત ક્ષમતા, કૌશલ્યો અને વજ્ર જેવી શિસ્ત તદ્ન જુદી વસ્તુ છે. આપણે જ્યારે માઇકલ ફેલ્પ્સ માટે અથવા તો કોઈ પણ ક્ષેત્રના સુપર અચીવર માટે એમ કહીએ કે એનામાં તો જન્મજાત પ્રતિભા છે ને એનો તો જન્મ જ ફલાણા કામ માટે થયો છે, ત્યારે આપણે એને અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણે એ વાતને નજરઅંદાજ કરી દઈએ છીએ કે એ માણસે આ સ્તર સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે ને કેવા કેવા ભોગ આપ્યા છે. 

માઇકલ ફેલ્પ્સે સાત વર્ષની ઉંમરથી સ્વિમિંગ પુલમાં છબછબિયાં કરવાનું શરૂ કરી દીધું હતું. એની મોટી બન્ને બહેનો સ્વિમિંગ કરવા  જાય ત્યારે માઇકલને પણ સાથે લેતી જાય. આ રીતે એને તરવાનો નાદ લાવ્યો. એની ટીચર મમ્મી ત્રણેય સંતાનોને બાલ્ટિમોર શહેરની એક ક્લબમાં તરવા લઈ જતી. અહીં જ એમનો ભેટો બોબ બોમેન નામના સ્વિમિંગ કોચ સાથે થયો. બોબે જોયું કે આ ટાબરિયામાં દમ છે. એણે માઇકલ પર વિશેષ ધ્યાન આપવા માંડયું.

માઇકલ ફેલ્પ્સ આજે ૩૮ વર્ષના છે. તેઓ કહે છે, 'હું સાવ નાનો હતો ને મેં સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું ત્યારે મને એટલી જ ખબર હતી કે મારે એક દિવસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવો છે ને ગોલ્ડ મેડલ જીતવો છે! બસ, આ વાત મારા મનમાં ઘૂસી ગઈ હતી ને એ જ મારું લક્ષ્ય બની ગઈ હતી!'

૧૯૯૯માં, ૧૪ વર્ષની વયે માઇકલ અમેરિકાની નેશનલ 'બી' ટીમમાં સામેલ થઈ ગયા હતા. પછીના વર્ષે અમેરિકાની સ્વિમિંગ ટીમનો હિસ્સો બનીને એ ખરેખર સિડની ઓલિમ્પિક્સમાં પહોંચી ગયા. તેના ચાર વર્ષ પછી, ૨૦૦૪ની એથેન્સ ઓલિમ્પિક્સમાં શું થયું? એમણે એક નહીં ૬ ગોલ્ડ મેડલ જીતી લીધા. બીજા બે બ્રોન્ઝ મેડલ લટકામાં. તે વખતે એમની ઉંમર ફક્ત ૧૯ વર્ષ હતી... અને આ તો વિજયયાત્રાની માત્ર શરૂઆત હતી!

માઇકલ ફેલ્પ્સ કહે છે, 'મારી સ્વિમિંગ કરીઅરનાં સાત-આઠ વર્ષ તો એવાં ગયાં છે, જ્યારે મેં એક દિવસ પણ બ્રેક લીધો ન નહોતો. વર્ષના ૩૬૫ દિવસ પ્રેકટિસ. માંદો હોઉં, બર્થડે હોય કે ક્રિસમસ હોય, સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરવા માટે પડવાનું એટલે પડવાનું. આનું કારણ હતું. મારે સ્વિમિંગના ક્ષેત્રમાં એવું કશુંક કરવું હતું જેવું દુનિયામાં અગાઉ કોઈએ કર્યું ન હોય. તે માટે જે ભોગ આપવો પડે તેમ હોય તો આપવાનો. જો મારે કશુંક અસાધારણ કરવું હોય તો બીજાઓ કરતાં થોડીક વધારે મહેનત પણ કરવી જ પડેને? બીજાઓ જે કરતા આવ્યા છે એટલું જ હું કરતો રહું તો કશુંક વિશેષ શી રીતે હાંસલ કરી શકું? બીજા ખેલાડીઓ અઠવાડિયામાં કમસે કમ એક દિવસ આરામ માટે ફાળવતા હોય છે, પણ હું સાતેસાત દિવસ પ્રેક્ટિસ કરતો. તેને કારણે મને એક વર્ષમાં બાવન દિવસ વધારાના મળી જતા! સ્વિમિંગમાં એવું છે કે તમે એક દિવસ બ્રેક લો તો તમારી રિધમ તૂટી જાય. તે રિધમ પાછી આવતાં બે દિવસ લાગી જાય. એટલે જો તમે રવિવારે બ્રેક લીધો હોય તો મંગળવાર પહેલાં મૂળ ફોર્મમાં આવી ન શકો. આમ, બીજા ખેલાડીઓને મંગળ-બુધ-ગુરૂ-શુક્ર-શનિ એમ પાંચ દિવસ મળતા, જ્યારે મને અઠવાડિયાના સાતેસાત દિવસ મળતા!'

માઇકલની પ્રેક્ટિસ પણ કેવી! સ્વિમિંગ પૂલમાં રોજ છ-છ કલાક ગાળવાના અને અઠવાડિયામાં ટોટલ ૮૦ કિલોમીટર જેટલું સ્વિમિંગ કરવાનું. રોજનું ૧૧.૪ કિલોમીટર કરતાંય વધારે સ્વિમિંગ! આટલું તો આપણે એક અઠવાડિયામાં મોર્નિંગ વોક પણ કરતા નથી! સ્વિમિંગ પુલમાં છ કલાક ગાળ્યા પછી જિમમાં પણ પરસેવો પાડવાનો તે અલગ. સ્વિમિંગ પ્રેક્ટિસ, જિમિંગ અને રોજની થોડી થોડી એક્સ્ટ્રા મહેનતનું પરિણામ એટલે? ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ્સનો ઢગલો! 

લંડન ૨૦૧૨ ઓલિમ્પિક્સ પૂરૃં થયું ત્યાં સુધીમાં માઇકલ ફેલ્પ્સ ૧૮ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા હતા. 

વિનેશ ફોગાટને એક ગોલ્ડ યા તો સિલ્વર ન મળ્યો ને એની સાથે આખું ભારત દુખી થઈ ગયું. હવે જરા વિચાર કરો, માઇકલ ફેલ્પ્સ જેવો અસાધારણ ખેલાડી લંડન ઓલિમ્પિક્સ પછી ભયાનક માનસિક  યાતનાનો ભોગ બને છે, એને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે! એવું તે શું થયું કે દુનિયામાં અગાઉ ક્યારેય પાક્યો ન હોય એવા આ અભૂતપૂર્વ રમતવીરને મરવાના વિચારો આવવા લાગ્યા? આવતા શનિવારે જોઈશું.


Google NewsGoogle News