ટ્રમ્પનો તરખાટઃ વોક કલ્ચરનું હવે આવી બનવાનું છે...
- વાત-વિચાર-શિશિર રામાવત
- વોક કલ્ચરના ગરમાયેલા માહોલમાં એલજીબીટીક્યુ કમ્યુનિટી પણ કૂદી પડીઃ અન્યાય તો અમનેય થાય છે, શોષણ તો અમારૂંય થાય છે, અમનેય અધિકારો જોઈએ... ટૂંકમાં, અમેય વોક!
અમેરિકાના નવા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારથી ખુદને 'વોક' ગણાવતા મનુષ્યપ્રાણીઓ દુખી દુખી થઈ ગયા છે. એક વાત સતત કહેવાઈ રહી છે કે હવે વોક લોકોનું આવી બનશે! આ 'વોક' એટલે એક્ઝેટલી શું? ક્યાંથી આવ્યો આ શબ્દ? આ શબ્દનાં મૂળિયાં આફ્રિકન અમેરિકન વર્નાક્યુલર ઇંગ્લિશમાં દટાયેલાં છે. ૧૯૩૧માં અમેરિકામાં નવ બ્લેક ટીનેજ છોકરાઓ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે ચાલુ ટ્રેનમાં બે વ્હાઇટ સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો છે. આ આક્ષેપ, અલબત્ત, ખોટો સાબિત થયો, પણ તે જમાનામાં આ કેસ ખૂબ ચગ્યો હતો. અમેરિકાનું ન્યાયતંત્ર ખુદ બ્લેક પ્રજા પ્રત્યે ભેદભાવભરી અન્યાયી અભિગમ દાખવે છે તેવી થિયરીનું પ્રતીક આ કેસ બની ગયો હતો. આ જ કિસ્સાને કેન્દ્રમાં રાખીને ૧૯૩૮માં લીડ બેલી નામના ગાયકે 'સ્કોટબોરો બોય્ઝ' નામનું ગીત લખ્યું અન કંપોઝ કર્યું હતું. ગીત પૂરૂં થયા પછી લીડ બેલી આ વાક્ય બોલે છેઃ 'હું સૌ કોઈને સલાહ આપું છું કે જ્યારે પણ એ લોકો (એટલ કે ગોરાઓ) તમારા વિસ્તારમાં આવે, તમે સચેત થઈ જજો. બેસ્ટ સ્ટે વોક, કીપ યોર આઇઝ ઓપન (જાગૃત રહેજો, તમારી આંખો ખૂલ્લી રાખજો).'
'વોક' શબ્દ સૌથી પહેલી વાર આ રીતે વપરાયો. ૧૯૪૦ના દાયકામાં પછી વોક યા તો 'સ્ટે વોક' જેવા શબ્દપ્રયોગ એક નિશ્ચિત વર્ગમાં પ્રચલિત બન્યા. આમ, વોક શબ્દનો મૂળ અર્થ જ થાય છે, રંગભેદને લીધે થતા અન્યાયો બાબતે બ્લેક લોકોની જાગૃતિ. ૧૯૬૨માં 'ધ ન્યુયોર્ક ટાઇમ્સ' જેવા મેઇનસ્ટ્રીમ અખબારમાં પહેલી વાર 'વોક' શબ્દ છપાયો. ૧૯૭૧માં બેરી બેક્હેમ નામના અમેરિકન નાટયલેખકે 'ગર્વી લાઇવ્ઝ!' નામના નાટકના એક સંવાદમાં પણ 'વોક' શબ્દ આવતો હતો.
આ શબ્દ જબરદસ્ત ફાટયો 'બ્લેક લાઇવ્ઝ મેટર' નામની ઝુંબેશ પછી. ૨૦૧૩થી ૨૦૨૦ વચ્ચે એક કરતાં વધારે નિઃશસ્ત્ર બ્લેક પુરૂષોએ (વ્હાઇટ) અમેરિકન પોલીસના હાથે જીવ ગુમાવ્યો તે પછી 'બ્લેક લાઇવ્ઝ મેટર' નામે ઝુંબેશ શરૂ થઈ હતી, જેના પર આખી દુનિયાની નજર હતી. આ ઝુંબેશને કારણે 'વોક' શબ્દ મેઇનસ્ટ્રીમ બની ગયો. સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીમાં 'બ્લેક લાઇવ્ઝ મેટર' શબ્દપ્રયોગ ત્રણ કરોડ કરતાંય વધારે વખત ટ્વિટ થઈ ચૂક્યો હતો. 'સ્ટે વોક' પણ અત્યંત પ્રચલિત સૂત્ર બની ચૂક્યું હતું. આ સૂત્ર એક્ઝિવિઝમનું પ્રતીક બની ગયું. ધીમે ધીમે 'સ્ટે વોક' નામની છત્રી નીચે 'બ્લેક લાઇવ્ઝ મેટર' ઉપરાંત 'મી ટૂ' મૂવમેન્ટ અને ગેરકાયદે ઘૂસણખોરોની તરફેણ કરતી 'નો બૅન નો વૉલ' ઝુંબેશ - આ બન્નેનો સમાવેશ પણ થઈ ગયો. સ્ત્રીઓના શોષણવિરોધી 'મી ટૂ' મૂવમેન્ટમાં કંઈ માત્ર બ્લેક સ્ત્રીઓ પર થયેલા અત્યાચારની વાત નહોતી. આ ઝુંબેશમાં તો દુનિયાભરની તમામ રંગ-વર્ણની સ્ત્રીઓએ ભાગ લીધો હતો. આમ, જે 'વોક' શબ્દનો જન્મ ફક્ત બ્લેક લોકોના સંદર્ભમાં થયો હતો, તેની અર્થચ્છાયાઓ ક્રમશઃ બદલાતી ગઈ. માત્ર બ્લેક નહીં, પણ તમામ પ્રકારના સમુદાયોમાં અન્યાય વિરુદ્ધ થતી લડાઈના સંદર્ભમાં 'વોક' શબ્દ વપરાવા લાગ્યો.
કોઈ શબ્દ આટલો બધો પોપ્યુલર બને અને મોટી કોર્પોરેટ કંપનીઓ એને લાભ ન ઉઠાવે એવું કેવી રીતે બને? નાઇકી, જિલેટ અને પેપ્સી જેવી બ્રાન્ડોએ ધડાધડ વોક સેન્ટીમેન્ટને કેન્દ્રમાં રાખીને એડ્સ બનાવી નાખી. આમાંથી પેપ્સીની એડનો એટલો વિરોધ થયો કે તે પાછી ખેંચી લેવી પડી.
ક્યાં અન્યાયનો વિરોધ, માનવતા અને કરૂણતાની લાગણી ને ક્યાં તકવાદી ઉપભોક્તાવાદ અને દેહવાદ. આ ગરમાયેલા માહોલમાં એલજીબીટીક્યુ કમ્યુનિટી પણ કૂદી પડીઃ અન્યાય તો અમનેય થાય છે, શોષણ તો અમારૂંય થાય છે, અમનેય અધિકારો જોઈએ... ટૂંકમાં, અમેય વોક!
એલજીબીટીક્યુ પ્લસ સમુદાયે જે રીતે ઉપાડો લીધો હતો (રાધર, લીધો છે) તે આખી દુનિયાએ જોયું છે. હું પુરૂષ તરીકે જન્મ્યો હોઉં, પણ મને લાગે કે ના ના, મને તો સ્ત્રી જેવું ફીલ થાય છે, મારે તો મારી જાતને સ્ત્રી તરીકે ઓળખાવવી છે તો તમારે ચુપચાપ મારી વાત માની લેવાની અને મને સ્ત્રી તરીકે ટ્રીટ કરવાની. આ તો હજુય ઠીક છે, પણ એવાંય કેટલાય નમૂના છે જેમને લાગે છે કે પોતે માણસ નહીં, પણ કૂતરો કે બિલાડી છે. આ મનુષ્યો ફેન્સી ડ્રેસનાં બચ્ચાંની જેમ કૂતરા કે બિલાડી જેવાં કોસ્ચ્યુમ પહેરીને એક જગ્યાએ એકઠાં થાય અને મોટે મોટેથી ભઉ ભઉ કે મ્યાંઉ મ્યાંઉના ચિસોટા પાડે ... અને આ લોકોને પણ પોતાના અધિકારો જોઈએ છે! એલજીબીટીક્યુ પ્લસ કમ્યુનિટીના હિસાબે સ્ત્રી અને પુરૂષ માત્ર બે જ જેન્ડર (જાતિ) નથી, અલગ અલગ ૭૨ પ્રકારના જેન્ડર છે... આ બધા પોતાને 'વોક' ગણાવે છે!
વચ્ચે હેરી પોટર જેવા અમર પાત્રનું સર્જન કરનાર લેખિકા જે.કે. રાઉલિંગે એવા મતલબનું ટ્વિટ કર્યું કે સ્ત્રી એટલે કોણ એવો પ્રશ્ન જ શા માટે પેદા થવો જોઈએ? જેને દર મહિને પિરીયડ આવે છે તે સ્ત્રી છે. પત્યું. ખુદને વોક કહેનારાઓ ને એમને સપોર્ટ કરનારાઓ જે.કે. રાઉલિંગ પર તૂટી પડયાઃ તેં આવું લખ્યું જ કેમ? તું ટ્રાન્સફોબિક છો! રાઉલિંગ વિરુદ્ધ થતું ટ્રોલિંગ એટલું ઝેરીલું બની ગયું કે એણે સોશિયલ મીડિયા છોડવું પડયું. વોક લોકોનો સીધો હિસાબ છેઃ અમને અનુકૂળ ન આવે કશું પણ તમે બોલ્યા તો તમે પાપી છો. ચાલો, જાહેરમાં માફી માગો! સામેનો માણસ માફી માગે તોય એમને સંતોષ ન થાય. આ માફીનો ક્યારેય સ્વીકાર ન થાય. ક્ષમા માગનાર વ્યક્તિનું જાહેરમાં ભયંકર અને સતત અપમાન થાય, એને 'કેન્સલ' કરી નાખવામાં આવે, રીતસર એની પાછળ પડી જઈને હેરાન-પરેશાન કરવામાં આવે.
'ધ ન્યુયોર્ક ટાઇમ્સ' અખબારના ઓપ-એડ પેજ પર કોઈક લેખ છપાયેલો, જે આ એલજીબીટીક્યુ પ્લસ કમ્યુનિટીને ગમ્યો નહીં. એમણે એટલું બધું પ્રેશર ઊભું કર્યું કે છાપાના મેનેજમેન્ટે ઓપ-એડ પેજના એડિટરને કાઢી મૂકવો પડયો. આવું જ 'ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર' અખબારના સ્ટાફ સાથે પણ બન્યું. અમેરિકાના અમુક વિસ્તારોમાં બાપડા પોલીસોના હાથ બાંધી દેવામાં આવ્યા છે. લોકો મોલ અને દુકાનો લૂંટીને જતા રહે તો પણ કોઈ કશું ન કરી શકે ને બીજી બાજુ ટીવી પર વોક ન્યુઝ એન્કરો આ ચોર-લૂંટારાઓનો બચાવ કરતા રહે કે ના ના, બિચારા ગરીબ છે, એમનો કંઈ વાંક નથી!
દેખીતી રીતે જ અમેરિકાની આમજનતા પોતાને વોક કહેડાવતા આ ચાંપલા લોકોથી અને સમગ્ર વોક કલ્ચરથી ત્રાસી ગઈ હતી. વોક કલ્ચરના ઘોર વિરોધી એવા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં વોક કલ્ચરને મોટો મુદ્દો બનાવ્યો હતો. ઇલોન મસ્કે ખુલ્લેઆમ ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ લઈને મોટું જોખમ ઉઠાવ્યું હતું, એનું એક કારણ એ પણ છે કે એ ખુદ વોક કલ્ચરનો ભોગ બની ચૂક્યા છે. એમનો સગો દીકરા સેક્સ ચેન્જ સર્જરી કરાવીને છોકરી બની ગયો ને અઢાર વર્ષની ઉંમરે એણે ઇલોન મસ્ક પર જાતજાતના આક્ષેપો કરીને પિટીશન દાખલ કરી કે મને મારા બાયોલોજિકલ બાપ સાથે કશી લેવાદેવા નથી!
મૂળ વોક શબ્દનો અર્થ અન્યાયનો વિરોધ, માનવતા, સહાનુભૂતિ અને કરૂણા સાથે હતો, પણ આ શબ્દે પોતાનો આ અર્થ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. વોક શબ્દ આજે એક ગાળની જેમ વપરાય છે ને ડાબેરીઓ કહે છે કે આ જમણેરીઓનું કામ છે! સેમ હેરિસ નામના એક અમેરિકન ચિંતક કહે છે, 'વોક કલ્ચરને કારણે આજે લોકોને કંઈ પણ બોલતા કે લખતા ડર લાગે છે. સૌને અંદરથી ફફડાટ થતો હોય છે કે જો મારાથી કશુંક પોલિટિકલી ઇનકરેક્ટ પગલું ભરાઈ ગયું તો આ વોક લોકો મારા હાલહવાલ કરી મૂકશે. આ બહુ જ ખરાબ સ્થિતિ છે, વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ આખા સમાજ માટે. જો તમે ડર્યા વગર પોતાની વાત ન મૂકી શકો તો સંવાદ શી રીતે થશે? જો હેલ્દી સંવાદ નહીં થાય તો સમાજ આગળ કેવી રીતે વધીશું?'
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે એટલે વોક હોવાના અંચળા હેઠલ મવાલીગીરી કરનારાઓનું આવી બનવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી આ આખું વોક કલ્ચર શિયાંવિયાં થઈ રહ્યું છે. સારૂં છે!