હવે આપણે સ્કૂલ-વેનમાં બાળકો જીવતાં સળગી જાય એની રાહ જોઈ રહ્યા છીએ?

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
હવે આપણે સ્કૂલ-વેનમાં બાળકો જીવતાં સળગી જાય એની રાહ જોઈ રહ્યા છીએ? 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- સ્કૂલ વેનમાં ફાટી નીકળેલી ભયાનક આગમાં પાંચ વર્ષની રુકૈયા એટલી ખરાબ રીતે સળગી ગઈ હતી કે ઓળખાતી નહોતી. એની માએ કહ્યું: તમે ધ્યાનથી જુઓ, રુકૈયાએ થોડા દિવસ પેહેલાં જ હાથે મેંદી મુકાવી હતી. પિતાએ જોયું કે કતારબધ્ધ સૂવડાવવામાં આવેલાં કાળા ભઠ્ઠ બાળકોમાંથી એકની પીગળી ગયેલી આંગળીમાં સહેજ મેંદી જેવું દેખાતું હતું. પિતાને સમજાઈ ગયુ: આ જ છે મારી રુકૈયા...

આ સત્ય ઘટનાક્રમમાંથી પસાર થતા પહેલાં તમારું કાળજું જરા કઠણ કરી નાખજો, કેમ કે આ વાંચીને તમને અરેરાટી થઈ જવાની છે અને તમે મનોમન કહેવાના છો કે હે ભગવાન, મારા સાત ભવના દુશ્મન સાથે પણ આવું ન થાય એનું ધ્યાન રાખજો.

સોમવારનો દિવસ હતો. રોજના જેવી જ એ સવાર હતી. મુંબઈના બોરીવલી વિસ્તારની એક ચાલમાં રહેતી રુકૈયા નામની પાંચ વર્ષની મીઠડી દીકરી એની સ્કૂલ વેનમાં બીજાં બચ્ચાંઓની સાથે સાંકડમૂકડ બેસે છે. આ એક જૂની થઈ ગયેલી મારુતિ ઓમ્ની વેન છે. શરૂઆતમાં તો રુકૈયા નજીકની મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જતી હતી, પણ એના રીક્ષાચાલક પિતા અબ્દુલ હલીમે વિચાર્યું કે રૂપિયા કમાવવા ભલે વધારે મહેનત કરવી પડે, પણ મારે મારી દીકરીને અંગ્રેજી સ્કૂલમાં ભણાવવી છે. તેઓ જોગેશ્વરી વિસ્તારમાં આવેલી મિલ્લત હાઇસ્કૂલમાં રુકૈયાનું એડમિશન કરાવે છે. બોરીવલીથી જોગેશ્વરી વચ્ચે ઘણું અંતર છે, પણ સારી સ્કૂલમાં દીકરીને ભણાવવી હોય તો થોડુંક તો સહન કરવું પડે.

લગભગ બારેક વાગે અબ્દુલભાઈને સ્કૂલમાંથી કોઈકનો ફોન આવે છે.

-થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. તમે પ્લીઝ સ્કૂલે આવી જાઓ.

-કેમ? શું થયું?

-ખાસ કંઈ નથી, તમે બસ આવી જાઓ, હમણાં જ.

-ભલે. નમાજ પઢીને નીકળું છું.

-નમાજ માટે ન રોકાતા. જરા એક્સિડન્ટ જેવું થઈ ગયું છે. તમે સ્કૂલે આવી જાઓ.   

અબ્દુલભાઈના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. શું થયું હશે? એ ફટાફટ લોકલ ટ્રેન પકડીને એસ.વી. રોડ પર ટ્વેન્ટીફોર કેરેટ્સ મલ્ટિપ્લેક્સ સામે ઊભેલી મિલ્લત હાઇસ્કૂલ પહોંચી જાય છે. બહાર લોકોની જમઘટ છે. પોલીસની જીપો ઊભી છે. ટીવી ચેનલોવાળાની વેનની કતાર થઈ ગઈ છે. આંધાધૂંધીનો માહોલ છે. પહેલી નજરે જ સમજાય જાય કે મામલો કંઈક ગંભીર છે.

શું થયું હતું?

રુકૈયા જે સ્કૂલ વેનમાં આવી હતી તે એલપીજી (લિક્વિડ પેટ્રોલિયમ ગેસ)થી ચાલતી હતી. એલપીજીનું સિલિન્ડર ખાલી થઈ ગયું હતું એટલે વેનના ડ્રાઇવર રફિક કુરેશી - કે જે વેનનો માલિક પણ હતો - એણે જુગાડ કર્યો હતો. એણે પાણી ભરવાની ખાલી બોટલોમાં પેટ્રોલ ભર્યું હતું. એક પાઇપ લઈને એક છેડો એણે પેટ્રોલ ભરેલી બોટલમાં રાખ્યો હતો અને બીજો છેડો કાર્બ્યુરેટર સાથે જોડી દીધો હતો. ભયંકર ખતરનાક રીત હતી આ વાહન ચલાવવાની. વળી, રફિક જાણતો હતો કે વેનમાં શોર્ટ સકટનો પ્રોબ્લેમ છે. એને જોકે એ એક વાતની ખબર નહોતી કે પેટ્રોલ બોટલોમાંથી લીક રહ્યું છે, જે વેનના આખા પાછલા હિસ્સામાં ફેલાઈ ચૂક્યું છે. 

સ્કૂલ પૂરી થઈ એટલે રોજની જેમ એણે બચ્ચાંઓને વેનમાં બેસાડયા. વેન ૮-સીટર હતી, પણ ૧૨ બાળકોને અંદર ઠાંસવામાં આવ્યાં હતાં. સૌથી નાનું બચ્ચું પાંચ વર્ષનું હતું, સૌથી મોટું નવ વર્ષનું. છ દીકરા ને છ દીકરી. જેવા ડ્રાઇવરે વેન સ્ટાર્ટ કરવા માટે ઇગ્નિશન કી ઘુમાવી, ક્યાંક શોર્ટ સકટ થઈ ગઈ ને પેટ્રોલથી ભીના થઈ ગયેલા વેનના હિસ્સામાં તણખો પડયો. આગ ભડકી ઉઠી. કોઈને કંઈ ખબર પડે તે પહેલાં તો અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બાળકોએ ચીસાચીસ કરી મૂકી. રફિક ડ્રાઇવર અને આજુબાજુ ઊભેલા લોકોએ બાળકોને બચાવવાની બહુ કોશિશ કરી, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. આગ એટલી ભયાનક હતી કે પાછળની સીટ પર બેઠેલી ત્રણ દીકરીઓ ત્યાં જ બળીને ભડથું થઈ ગઈ. ત્રણેયનો જીવ ઉડી ગયો. 

રુકૈયાના પિતાની છાતી બેસી ગઈ. એને કહેવામાં આવ્યું કે દાઝી ગયેલાં બધાં બાળકોને જુહુસ્થિતિ કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અબ્દુલભાઈ કૂપર હોસ્પિટલ ઘસી ગયા. મીડિયાના કારણે આ દુર્ઘટનાની વાત આખા શહેરમાં ફેલાઈ ચૂકી હતી તેથી હોસ્પિટલમાં પણ હો-હો ને દેકારો થઈ રહ્યો હતો.

બાળકો લીકેજવાળી વેનમાં આવ-જા કરતા હોવાથી પેટ્રોલના અંશો શ્વાસ વાટે તેમનાં શરીરમાં પણ મોજૂદ હતા. તબીબી ભાષામાં કહીએ તો, જેવી આગ લાગી કે તે સાથે જ બાળકોના રિસ્પાયરેટરી એપીથેલીઅન ટિશ્યુઝ (Respiratory epithelial tissues) એટલે કે શ્વાસનળીના હવા પસાર થવાના માર્ગની માંસપેશીઓ પણ સળગી ઉઠી. આ અતિ ગંભીર થર્મલ ઇન્જરીઝ હોવાથી બાળકોને હાઇ કોન્સન્ટ્રેશન ઓક્સિજન પર રાખવા પડે તેમ હતાં. 

હોસ્પિટલમાં બધાં બાળકોને કતારમાં સૂવડાવવામાં આવ્યાં હતાં. બધાં એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે ઓળખાતાં નહોતાં. શરીર કોલસાની માફક કાળાંભઠ્ઠ થઈ ચૂક્યાં હતાં. આમાંથી રુકૈયાને ઓળખવી કેવી રીતે? અબ્દુલભાઈએ ઘરે ફોન કર્યો. રુકૈયાની માએ કહ્યું: તમે ધ્યાનથી જુઓ, રુકૈયાએ થોડા દિવસ પેહેલાં જ હાથે મેંદી મુકાવી હતી. અબ્દુલભાઈએ જોયું કે એક બાળકની પીગળી ગયેલી આંગળીઓમાં સહેજ મેંદી જેવું દેખાતું હતું. અબ્દુલભાઈને સમજાઈ ગયું: આ જ છે મારી રુકૈયા...

રુકૈયાના શરીરનો ૯૦ ટકા ભાગ દાઝી ગયો હતો, પણ એના શ્વાસ હજુ ચાલતા હતા. હોસ્પિટલમાં ઘમાઘમ તો ખૂબ થઈ રહી હતી, પણ સુવિધાઓ ખાસ દેખાતી નહોતી. રુકૈયાના શરીર પર હજુ પટ્ટી સુધ્ધાં  લગાડવામાં આવી નહોતી. એમ જ પડી હતી બિચારી. કોઈક આવીને એના શરીર પર મલમ જેવું કશુંક લગાવી ગયું હતું. પછી તમામ દાઝેલાં બાળકોને ભાયખલા વિસ્તારમાં આવેલી મસીના હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. અહીં અર્લી બર્ન્સ ટ્રીટમેન્ટ પ્રમાણમાં સારી થાય છે એમ કહેવાય છે. 

અબ્દુલભાઈને કહેવામાં આવ્યંુ: ભાઈ, તમારી દીકરીના બચવાના ચાન્સ બહુ ઓછા છે. અબ્દુલભાઈ કહે: તમારાથી જે કંઈ થાય તે બધું કરી છૂટો... 

એક તો મુંબઈ જેવું વિરાટ શહેર. ગંદા ટ્રાફિકમાં જુહુથી સાઉથ બોમ્બે પહોંચતા સહેજે પોણી-એક કલાક થઈ જાય. રુકૈયાને વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સમાં મસીના હોસ્પિટલ લઈ જવામાં આવી. એ બેહોશ હતી, પણ એના શ્વાસ હજુ ચાલતા હતા. મસીના હોસ્પિટલ પહોંચ્યા બાદ અડધી-પોણી કલાકમાં જ અબ્દુલભાઈને કહી દેવામાં આવ્યું: ભાઈ, તમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી...

મિલ્લત હાઇસ્કૂલની આ વેન દુર્ઘટનામાં ત્રણ દીકરીઓ તો ઓન-ધ-સ્પોટ મૃત્યુ પામી હતી. પછી રુકૈયાએ પ્રાણ છોડયા ને ત્યાર બાદ બીજાં બે બચ્ચાઓ મોત સામે હારી ગયાં. કુલ બાર બાળકોમાંથી છ જીવ્યાં, છ મૃત્યુ પામ્યાં. આ જીવી ગયેલાં બચ્ચાંઓનું પછી શું થયું? વેનના ડ્રાઇવરને શું સજા થઈ? 

*  *  *   

વેકેશન પૂરું થવામાં છે. થોડા દિવસોમાં સ્કૂલો ખૂલશે અને તે સાથે જ સ્કૂલોની વેનમાં ને રીક્ષાઓમાં બાળકોને એમનાં વજનદાર દફતર સાથે ઘેટા-બકરાની ઠાંસી દેવામાં આવશે. વેનના પાછલા ભાગમાં એલપીજીનું કે એવા કશાકનું સિલિન્ડર હશે, તેની ઉપર જ પાટિયું પાડી દઈને છોકરાંવને બેસાડી દેવામાં આવશે. આ સ્કૂલ વેન નથી, જીવતો ટાઇમ બોમ્બ છે. તે ગમે ત્યારે ફાટી શકે છે ને તમારાં ફૂલ જેવા કુમળાં સંતાનોને ભરખી જઈ શકે છે. શું આટલી સાદી વાત શું વાલીઓને સમજાતી નથી? આપણે શા માટે દુર્ઘટના બને તેની પહેલાં આગોતરાં ને નક્કર પગલાં લેતાં નથી? શું આપણે હવે સ્કૂલ વેનમાં બાળકો જીવતા સળગી મરે એની રાહ જોઈ રહ્યા છીએ?    

લોકસભાની ચૂંટણીનાં પરિણામોની કાગારોળમાં આપણે રાજકોટના ગેમ ઝોનનો અગ્નિકાંડ ભૂલી જવાનો નથી. એ કાળમુખા ગેમ ઝોનમાં બળી મરેલાં આપણાં દીકરા-દીકરી-ભાઈઓ-બહેનોને, એમનાં સળગીને કાળાં થઈ ગયેલાં, છુટ્ટા પડી ગયેલાં અંગોને આપણે સતત યાદ રાખવાનાં છે. સાથે સાથે એ મામલે સક્રિય સતર્કતા દાખવવાની છે કે મુંબઈની મિલ્લત હાઇસ્કૂલ સ્કૂલ વેન જેવી દુર્ઘટના જેવા સમાચાર આપણે સાંભળવા ન પડે. ૨૦૦૮માં બની ગયેલી મુંબઈની આ દુર્ઘટના આજે પણ રિલેવન્ટ એટલા માટે છે કે આજની તારીખેય પરિસ્થિતિમાં ખાસ કંઈ સુધારો થયો નથી. સ્કૂલ વેનો અને સ્કૂલ બસોમાં આગ ફાટી નીકળી હોય તેવા કિસ્સા બંધ થવાનું નામ લેતા નથી. હજુ બે મહિના પહેલાં બિહારમાં એક સ્કૂલ બસ ભડ ભડ કરતી સળગી ગઈ ને એમાં બેઠેલાં બાળકો ખરાબ રીતે દાઝી ગયાં.  

તો શું સ્કૂલ બસો અને સ્કૂલ વેનો માટે ધારાધોરણો જેવું કશું છે જ નહીં? સરકારે તેના માટે કોઈ દેશવ્યાપી નિયમો બનાવ્યા જ નથી? શું છે આ નિયમોમાં? આ અત્યંત મહત્ત્વની ચર્ચા આવતા શનિવારે કરીશું. 


Google NewsGoogle News