નાઇન-ટુ-ફાઇવની પરંપરાગત નોકરીઓ જ્યારે ભૂતકાળ બની જશે ત્યારે...
- વાત-વિચાર-શિશિર રામાવત
- 'લોકો એક નોકરી પકડીને બેસી નહીં રહે. તેઓ ફ્રીલાન્સર તરીકે એક કરતાં વધારે કંપનીઓમાં કોન્ટ્રેક્ટ-બેઝ પર કામ કરશે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે લોકો સામે ઘણા વિકલ્પો ખુલ્લા રહેશે, પોતાના વર્કિંગ અવર્સ તેઓ જાતે નક્કી કરી શકશે. સામે પક્ષે, જોબ સિક્યોરિટી ઓછી થઈ જશે.'
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક એવો રાક્ષસ છે, જે લાખો-કરોડો લોકોની નોકરીઓ ખાઈ જશે એવું સતત કહેવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં આજકાલ સોશિયલ મીડિયા પર રીડ હોફમેન નામના એક અમેરિકન આન્ત્રપ્રિન્યોરની વીડિયો ક્લિપ ખૂબ જોવાઈ રહી છે. રીડ હોફમેન એટલે લિન્ક્ડઇન નામના અફલાતૂન પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મના કો-ફાઉન્ડર. નોકરીઓ શોધવા માટે, પોતાના કે અન્ય ફિલ્ડના પ્રોફેશનલ્સ સાથે નેટવર્કિંગ કરવા માટે, ઓનલાઇન કોર્સીસ શીખવા તેમજ ખુદની બ્રાન્ડ ચમકાવવા માટે લિન્કડઇન પ્લેટફોર્મનો દુનિયાભરમાં ભરપૂર ઉપયોગ થાય છે. આ ફેસબુક પ્રકારનું સોશિયલ મીડિયા જ છે, પણ અહીં પંચાત કે ટાઇમપાસ નહીં, બલકે માત્ર અને માત્ર કામ-ધંધા-નોકરીઓની જ વાત થાય છે.
રીડ હોફમેન પાછા ટેકનોલોજિકલ ભવિષ્યવેત્તા પણ ખરા. હજુ સોશિયલ મીડિયાની એટલી હવા નહોતી ત્યારે એમણે આગાહી કરી નાખી હતી કે આ સોશિયલ મીડિયા દુનિયાના કમ્યુનિકેશનનો ચહેરો બદલી નાખશે. આવું જ એમણે AI વિશે કહેલું. હજુ ચેટજીપીટીનું કોઈને સપનું પણ નહોતું આવ્યું ત્યારે, આજથી ૨૭ વર્ષ પહેલાં, હોફેમને ભવિષ્ય ભાખેલું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિરાટ ક્રાંતિ લાવશે કે આપણે ધારી નહીં હોય એવી ઉથલપાથલ થશે. એવું જ થયું. રીડ હોફમેને શેરિંગ ઇકોનોમીનું ભવિષ્ય બહુ ઉજળું છે તેવું પણ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી વર્ષો પહેલાં જોઈ લીધેલું. તેથી જ એમણે હોસ્પિટાલિટી (હોટલ) ઇન્ડસ્ટ્રીમાં નવો પ્રવાહ પેદા કરનાર એરબીએનબી (પ્રવાસીઓ માટેનું એક ઓનલાઇન માર્કેટપ્લેસ)માં ખૂબ બધાં નાણાં રોક્યા હતા.
આવા જાણકાર માણસની લેટેસ્ટ ભવિષ્યવાણી સાંભળો. રીડ હોફમેન કહે છે કે ૨૦૩૪ સુધીમાં, એટલે કે આવનારાં દસ જ વર્ષમાં, નાઇન-ટુ-ફાઇવ પ્રકારની ટિપિકલ નોકરીઓ ગાયબ થઈ જશે. નોકરિયાતો રોજ નિશ્ચિત કલાકો માટે ઓફિસ જાય છે, કામ કરે છે, અઠવાડિયે એક-દોઢ-બે દિવસની રજા માણે છે અને મહિનો પૂરો થાય એટલે પગારની રાહ જોવાનું શરૂ કરી દે છે. રીડ હોફમેન કહે છે, AIને પ્રતાપે નોકરીઓનું આ પરંપરાગત માળખું પડી ભાંગવાનું છે. પૂરેપૂરું તો નહીં, પણ ઘણે બધે અંશે. લોકો એક નોકરી પકડીને વર્ષોનાં વર્ષો સુધી બેસી નહીં રહે. તેઓ ફ્રીલાન્સર બનીને એક કરતાં વધારે કંપનીઓમાં કોન્ટ્રેક્ટ-બેઝ પર કામ કરશે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે લોકો સામે ઘણા વિકલ્પો ખુલ્લા રહેશે, એક જ જગ્યાએ બંધાઈ રહેવાને બદલે તેઓ બે-ત્રણ કે એનાથીય વધારે કંપનીઓમાં પોતાને જેમાં સૌથી વધારે ફાવટ હોય તેવાં કામ પસંદ કરી શકશે, પોતાના વર્કિંગ અવર્સ પણ જાતે નક્કી કરશે. સામે પક્ષે, નુક્સાન એ થશે કે પરંપરાગત નોકરીઓમાં જે જોબ સિક્યોરિટી હોય છે તે ઓછી થઈ જશે.
આવનારા સમયમાં વધુ ને વધુ લોકો ગિગ ઇકોનોમી તરફ આગળ વધશે. ગિગ ઇકોનોમી એટલે પ્રોફેશનલો અને નોકરીઓનું એવું માળખું જ્યાં કામ ફ્લેક્સિબલ છે અને નોકરીઓ ટૂંકા ગાળાની છે. ટૂંકમાં, ફ્રીલાન્સરો વડે ચાલતું અર્થતંત્ર. વાત દ્વિપક્ષી છે. માત્ર કામ કરનારાઓનો જ અભિગમ બદલાશે એવું નથી. આ બદલાયેલી નવી પરિસ્થિતિમાં કંપનીઓને પણ કાયમી સ્ટાફ રાખવા કરતાં ફ્રીલાન્સરો રાખવાનું વધારે અનુકૂળ આવશે.
'ગિગ ઇકોનોમી સાવ ઘરઆંગણે ઊભી છે અને આપણે ધારીએ છીએ એના કરતાં તે ઘણી મોટી છે,' રીડ હોફમેન એક તાજા ઇન્ટવ્યુમાં કહે છે, 'દસ વર્ષની અંદર અમેરિકાની અડધોઅડધ વસ્તી ફ્રીલાન્સિંગ કરતી હશે.' વર્લ્ડ ઇકોનોમી ફોરમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ આગાહી કરી છે કે ૨૦૨૫ના અંત સુધીમાં AI સાડાઆઠ કરોડ નોકરીઓ ઓહિયા કરી ગઈ હશે. ગભરાવાની જરૂર નથી. આ જ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે AIને કારણે ૮.૯ કરોડ જેટલી નવી નોકરીઓ ઊભી થઈ હશે. બીજો એક અહેવાલ કહે છે કે આજની તારીખે અમેરિકાના ૩૮ ટકા પ્રોફેશનલો ઓલરેડી ફ્રીલાન્સિંગ કરે છે. ફ્રીલાન્સરો અથવા સેલ્ફ-એમ્પ્લોઇડ લોકો વધારે કામઢા હોય છે, પોતાને શું કરતાં સરસ આવડે છે અને પોતે હજુ શામાં કાચા છે તે આ ફ્રીલાન્સરો બરાબર જાણે છે. તેથી જ ખુદનું બ્રાન્ડિંગ કરવામાં અને કંપનીની જરૂરિયાત અનુસાર ખુદને ઢાળવામાં તેઓ હોશિયાર હોય છે. તેઓ સતત નવા કામની શોધમાં હોય છે અને નવું નવું શીખતા રહે છે કે જેથી બદલાતા જતા સમયની સાથે ખુદને રિલેવન્ટ રાખી શકાય. ઇવન આજેય કેટલીય કંપનીઓને ફ્રીલાન્સરોને કામ આપવામાં વધારે સુવિધા રહે છે. ફ્રીલાન્સરો પ્રતિસાદ આપવામાં ઝડપી હોય છે.
AIને કારણે માનવજાત પર ઊભા થયેલા સંભવિત ખતરા વિશે સતત ચર્ચા થતી રહે છે. તેથી AIને વધારે વિકસાવવાને બદલે તેના પર બ્રેક મારી દેવી જોઈએ એવો મત પણ વ્યક્ત થતો રહે છે. રીડ હોફમેન જોકે AI પર બ્રેક મારવાની વાતને ચક્રમ અને માનવતાવિરોધી ગણાવે છે. તેઓ કહે છે કે આવી અદભુત ટેકનોલોજી પર ચોકડી મૂકવાને બદલે એને સારી ને સાચી દિશામાં વાળવાનો પ્રયત્ન કરવાનો હોય કે જેથી આપણે હાલ જે સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છીએ તેમાં મદદ મળે. દાખલા તરીકે, હેલ્થકેર. વિચાર કરો કે પ્રત્યેક માણસ પાસે પોતાનો અંગત મેડિકલ AI આસિસ્ટન્ટ હોય તો કેટલું સારૃં પડે. તમારી તબિયત કેવી છે તેના પર સતત તે નજર રાખતું રહે, તમારે ખાવા-પીવામાં-હરવા-ફરવા-કસરત વગેરે કરવામાં શું ફેરફાર કરવા પડે તેમ છે તે તમને કહેતું રહે. એવી જ રીતે સૌને પોતાનો પર્સનલ AI ટયુટર, ટીચર કે કોચ હોય, જે તમને ભણવામાં, નવો કોર્સ કરવામાં મદદ કરતો હોય તો તે શું ઇચ્છનીય નથી? માણસ પોતાની રીતે ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ કોણ જાણે ક્યારે શોધશે. જો તેને AI જેવી અતિ બુદ્ધિશાળી ટેકનોલોજી મદદ કરે ઉકેલ તરફ વધારે ઝડપથી પહોંચી શકાય. ટૂંકમાં, રીડ હોફમેન AIને ખતરા કરતાં મદદગાર તરીકે જોવાનું વધારે પસંદ કરે છે.
'AI ઇકોનોમી હજુ તો પા-પા પગલી ભરી રહી છે,' રીડ હોફમેન કહે છે, 'નજીકના ભવિષ્યમાં એવો સમય આવશે જ્યારે કોઈ પણ વ્યક્તિ AI ટૂલ્સની મદદથી પોતાનો ઓનલાઇન બિઝનેસ શરૂ કરી શકશે. એની પાસે એક લેપટોપ હોવું જોઈએ, બસ. એણે પછી યોગ્ય કનેક્શન્સ અને યોગ્ય તકો શોધવાનાં રહેશે. AIને કારણે સોંઘવારી આવશે, વર્કલોડ ઓછો થશે. અત્યારે તમે ડોક્ટર કે વકીલ પાસે જાઓ છો ત્યારે એમનું બિલ જોઈને ચોંકી જાઓ છો. AIને કારણે લીગલ અને મેડિકલ સુવિધાઓ સસ્તી થઈ જશે. ભવિષ્યમાં પરિશ્રમ કરતાં આઇડિયાઝને, વિચારોને વધારે મહત્ત્વ મળશે.'
હંમેશા કહેવાય છે કે ટેકનોલોજી તો બિચારી નિર્દોષ છે. તેનો સારો ઉપયોગ થાય છે કે ખરાબ તેનો આધાર માણસ પર છે. 'મેં ટેકનોલોજીને ક્યારેય તટસ્થને ગણી જ નથી,' રીડ હોફમેન કહે છે, 'પ્રત્યેક ટેકનોલોજીમાં કેટલાક ઇન-બિલ્ટ લક્ષણો હોવાનાં. આપણું કામ છે આ લક્ષણોનો પોઝિટિવ ફાયદો ઉઠાવવાનું.'
વચ્ચે અમેરિકાના પ્રમુખપદ માટે રેસમાં ઉતરેલાં કમલા હેરીસે AI સમજવા માટે રીડ હોફમેનનો સંપર્ક કર્યો હતો. 'મેં કમલા હરીસને એ જ કહ્યું કે જનતાના કલ્યાણ માટે આપણે AIનો અદભુત ઉપયોગ કરી શકીએ છીએ,' હોફમેન કહે છે, 'અત્યારે જેમ જુદી જુદી કંપનીઓ ઓનલાઇન કસ્ટમર સર્વિસ પૂરી પાડે છે તે જ રીતે લોકોની નોકરીઓ જતી રહે ત્યારે તેમને નવી જોબ શોધી આપવામાં અને નવી જગ્યાએ નવું કામ શીખવવામાં AI ખૂબ મદદ કરી શકે તેમ છે.'
AIના ક્ષેત્રમાં ઇમાદ મોસ્તેક નામના એક મહાશય પણ વચ્ચે ચર્ચામાં હતા. તેઓ સ્ટેબિલિટી AIના સ્થાપક અને સીઈઓ છે. તેમણે હમણાં એક મોટું સ્ટેટમેન્ટ કરી નાખ્યું કે AI એક પરપોટો માત્ર છે. ધ બિગેસ્ટ બબલ ઓફ ઓલ ટાઇમ! વર્ષો પહેલાં જેમ ડોટકોમનો પરપોટો ફૂટી ગયો હતો તેમ આ AIનો પરપોટો પણ ફૂટી જવાનો છે! રીડ હોફમેન આના વિશે શું કહે છે? 'વહેલામોડી અમુક એવી કંપનીઓ જરૂર આવવાની, જેના વિશે એવી હવા બની શકે કે 'ઓહ માય ગોડ, ભવિષ્યમાં આ કંપનીઓ છવાઈ જવાની છે...' ને લોકો ગાંડાની જેમ તેમાં ઇન્વેસ્ટ કરવા માંડે, એમ બને. જો આ કંપનીઓનો પાયો કાચો હશે તો તેનો પરપોટો ફૂટવાનો જ છે. બાકી પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક સમાજને, પ્રત્યેક કંપનીને, પ્રત્યેક ઇન્ડસ્ટ્રીને AI શી રીતે પ્રભાવિત કરશે તે હજુ આપણે પૂરેપૂરું સમજ્યા જ નથી. સ્માર્ટ ઇન્વેસ્ટરો સમજીવિચારીને ઇન્ટરનેટ, મોબાઇલ, ક્લાઉડ વગેરેની મજબૂત કંપનીઓમાં રોકાણ કરશે, જ્યારે બીજાઓને રડવાનો વારો આવશે.'
ખેર, AI એક પરપોટો છે કે કેમ એવી સંભાવનાનો ભય મિલિયન્સ-બિલિયન્સનું રોકાણ કરતા ધનપતિઓએ રાખવાનો હોય. સામાન્ય માણસો માટે તો AI એક વાસ્તવિકતા છે, જે નજીકના ભવિષ્યમાં એમના નોકરી-ધંધાનું સ્વરૂપ વત્તેઓછે અંશે બદલી નાખશે એ તો નક્કી.