જે કંઈ તમારા મનને શાંત કરે છે તે યોગ થેરપી છે
- વાત-વિચાર-શિશિર રામાવત
- 'મેડિકલ સાયન્સનાં પુસ્તકો માઈન્ડની વાત કરે છે, કોગ્નીશન પ્રોસેસની વાત કરે છે, પણ માઈન્ડ (મન) અને બ્રેઈન (મગજ) વચ્ચેનો ભેદ તેઓ કરતા નથી. તેઓ કહી દે છે કે જો તમારે મનના ઊંડાણમાં જવું હોય તો ફિલોસોફિકલ પુસ્તકો વાંચો. મોડર્ન સાયકોલોજી જે બાબત સમજમાં ન આવે તેને એબનોર્મલમાં ખપાવી દે છે.'
ચાલો, સૌથી પહેલાં તો નીચેના સવાલોના એકદમ પ્રમાણિકતાથી જવાબ આપો:
(એક) શું તમે સહેલાઈથી મિત્રો બનાવી શકો છો? (બે) શું તમે તમારા કરતાં વધારે ડહાપણ ધરાવતા લોકોની સંગતિ ઝંખતા હો છો? (ત્રણ) શું તમને તમારા કરતાં વધારે સફળ લોકોની કંપનીમાં ગૂંગળામણ થતી હોય છે?
આવા ૪૦ ધારદાર પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. પ્રત્યેક ઉત્તરમાં તમારે સહમત, અસહમત, જોરદાર સહમત, જોરદાર અસહમત અને 'નિર્ણય લઈ શકાતો નથી' - આ પાંચમાંથી કોઈ એક જવાબ પસંદ કરવાનો છે. તમારા જવાબોના વિશ્લેષણ પરથી તમારા અસલી સ્વભાવની, તમારી આંતરિકતાની એક સ્પષ્ટ ઝલક મળી જશે એ તો નક્કી.
આ પ્રશ્નોત્તરીનું શીર્ષક રસપ્રદ છે 'યોગસૂત્ર બેઝડ કોપિંગ સ્ટ્રેટેજીઝ કવેશ્ચનેર.' એવા સવાલોની સૂચિ જે તમે પરિસ્થિતિનો સામનો શી રીતે કરો છો તેનો તાગ મેળવે છે અને આ સવાલોનો આધાર યોગસૂત્ર છે! યોગ એટલું ગહન, વ્યાપક અને વૈજ્ઞાાનિક શાસ્ત્ર છે કે આપણે ત્યાં તેના પર પીએચડી કરી શકાય છે અને જો તમારો શોધનિબંધ દમદાર હોય તો તમને રીતસર ડોક્ટરેટની ડિગ્રી મળે છે. યોગ એક ચિકિત્સા વિધિ તરીકે કેટલું અસરકારક છે તે વિશે યુરોપ-અમેરિકામાં પુષ્કળ સંશોધનો થતાં રહે છે તે વિશે આપણે ગયા શનિવારે જોયું. આજે આપણે જે પ્રશ્નોત્તરીથી વાતની માંડણી કરી છે તે પણ એક પીએચડી થીસિસનો જ ભાગ છે. આ પીએચડીનો વિષય છે: 'પતંજલિ યોગસૂત્ર એન્ડ કોપિંગ સ્ટ્રેટેજીઝ: અ સિસ્ટેમેટીક રીવ્યુ', અને આ શોધનિબંધ તૈયાર કરવા માટે વર્ષોની મહેનત કરી છે, વિરલ રાવલે.
કહે છે ને કે ડિફાઇન બેફોર યુ ડિસ્કસ. ચર્ચા કરતાં પહેલાં વ્યાખ્યાઓ વિશે સ્પષ્ટ થઈ જાઓ. કોપિંગ એટલે સાદી ભાષામાં કહીએ તો, અણગમતી પરિસ્થિતિનો મુકાબલો કરવો. વિરલ રાવલ આ રીતે વ્યાખ્યા બાંધે છે, 'સ્ટ્રેસ કે વિખવાદ પેદા થયો હોય તેવી પરિસ્થિતિમાં માણસ પોતાની અંગત કે પારસ્પરિક સમસ્યાઓ પર કાં તો વિજય મેળવી લેતો હોય છે, કાં તો એની તીવ્રતા ઘટાડવાનો પ્રયાસ કરતો હોય છે અથવા તો જે-તે પરિસ્થિતિને સહન કરી લેતો હોય છે. માણસ સભાનપણે આ જે પ્રયત્નો કરે છે તેને જ મોડર્ન કોપિંગ સ્ટ્રેટેજીઝ કહે છે. સ્ટ્રેસ વગરનું જીવન શક્ય નથી. માનસિક તાણ તો પેદા થવાની જ છે. કાં તો માણસ સ્ટ્રેસની પરિસ્થિતિને ખેંચ્યા કરે છે, અથવા મિત્રો - પરિવારજનો સાથે ચર્ચા કરી તેને હળવી કરવાનો પ્રયાસ કરે, કાં તો પછી હસી કાઢે...'
આટલું કહીને તેઓ ઉમેરે છે, 'યોગની વ્યાખ્યા એ રીતે થઈ છે કે, મન: પ્રશમનોપાયો યોગ ઇત્યભિધીયતે, અર્થાત્ મનને પ્રશમન કરે એટલે કે શાંત કરે તે યોગ છે. તમે જુઓ કે મોડર્ન કોપિંગ સ્ટ્રેટેજીઝમાં તો માત્ર તમારા વ્યક્તિત્વના એક એવા પાસાને ટાર્ગેટ કરવામાં આવે છે કે જ્યાંથી સમસ્યા પેદા થઈ છે. મનને શાંત કરવાની કે મન સાથે સંબંધ સ્થાપિત કરવાની તેમાં હજુ વાત જ નથી થઈ! મોડર્ન કોપિંગ સ્ટ્રેટેજીઝની આ મર્યાદા છે. મારા રીસર્ચનું આ એક મહત્ત્વનું તારણ છે. કોન્શિયસનેસને, માનવીય ચેતનાને સમજાવી શકે તેવા અધિકૃત ન્યુરો-બાયોલોજીકલ થિયરીસ્ટ્સનો અભાવ છે. મેડિકલ સાયન્સનાં પુસ્તકો માઈન્ડની વાત કરે છે, કોગ્નીશન પ્રોસેસની વાત કરે છે, પણ માઈન્ડ (મન) અને બ્રેઈન (મગજ) બંને વચ્ચેનો ભેદ તેઓ કરતા નથી. તેઓ કહી દે છે કે જો તમારે મનના ઊંડાણમાં જવું હોય તો ફિસોલોફિકલ પુસ્તકો વાંચો. મોડર્ન સાયકોલોજી જે બાબત સમજમાં ન આવે તેને એબનોર્મલમાં ખપાવી દે છે. આઈન્સ્ટાઈને કહ્યું છેને કે વિજ્ઞાાનને હજુ ઘણી વાતો સમજાઈ નથી તે શક્યતા આપણે સ્વીકારી લેવી જોઈએ.'
વિરલ રાવલ બેંગલોર નજીક આવેલી એસ-વ્યાસા યુનિવર્સિટીમાંથી યોગીક સાયન્સમાં એમએસસી કર્યું છે. 'આ એક ડીમ્ડ-ટુ-બી, રિસર્ચ બેઇઝ્ડ યુનિવસટી છે,' વિરલ કહે છે, 'હવે તો આ યુનિવસટી દુનિયાભરમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂકી છે અને અહીં વિદેશના વિદ્યાર્થીઓ પણ ભણવા આવે છે. મેં ૨૦૦૮માં એડમિશન લીધું ત્યારે એમએસસીમાં બાર છોકરા છોકરીઓ હતાં. અહીં તમે બીએસસી, એમએસસી અને પીએચડી કરી શકો છો. તમે આર્ટસ, કોમર્સ કે કોઈ પણ સ્ટ્રીમમાંથી આવો, અહીં યોગને તમારે એક વિજ્ઞાાન તરીકે શીખવું પડશે. સવારના ચાર-સાડા ચારથી રાતના નવ સાડા નવ સુધીની અહીં તમારી દિનચર્યા નિશ્ચિત હોય.'
આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર એનવીસી સ્વામી તમને ભગવીતા અને યોગસૂત્ર ભણાવતા હોય, પદ્મશ્રી એચ.આર. નાગેન્દ્ર યોગસૂત્ર ભણાવતા હોય. યોગ રિસર્ચમાં વિશ્વ કક્ષાએ જાણીતાં ડોક્ટર નાગરત્ના કોમન એ ઈલમેન્ટ્સ એન્ડ યોગ થેરપી ભણાવતા હોય. તેઓ વાસ્તવમાં અમેરિકામાં ભણેલા એલોપથિક ડાક્ટર છે, પણ પછી તેઓ યોગ તરફ વળી ગયાં હતાં. અહીં ૨૫૦ બેડની રેસીડેન્સીઅલ યોગીક હોસ્પિટલ છે, જે એક સમયે વિશ્વમાં આ પ્રકારની એક માત્ર હોસ્પિટલ હતી. અહી યોગ થેરપી દ્વારા જુદા જુદા રોગોની ટ્રીટમેન્ટ થાય છે.
અહીં અલગ અલગ સેકશન (વોર્ડ) છે - હાઇપરટેન્શન વોર્ડ, એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન વોર્ડ, ડાયાબિટીસ વોર્ડ, વગેરે. 'એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન સેકશનમાં સૌથી વધુ ભીડ રહેતી,' વિરલ રાવલ કહે છે, 'દરેક દર્દીને એના રોગ પ્રમાણે યોગ પ્રેક્ટિસ કરાવવામાં આવે. જેમ કે, પીઠના દુખાવાના દર્દીને સૂર્ય નમસ્કાર કરાવવામાં ના આવે. તે જ રીતે, હાઇપરટેન્શન દર્દીને બ્રીધિંગ (શ્વાસોચ્છવાસ) પ્રેક્ટિસ વધારે કરવાની હોય. યોગ અને આયુર્વેદના સમન્વયથી દર્દીને સારવાર આપવામાં આવે. અફકોર્સ, જરૂર પડે ત્યારે મોડર્ન મેડિકલ સાયન્સની દવાઓ પણ આપવામાં આવે. અમારી વિદ્યાર્થીઓની બીજા સેમેસ્ટરથી જ આ આરોગ્ય ધામમાં ઇન્ટર્નશિપ શરૂ થઈ જતી. અમારે નિયમિત રીતે પ્રેઝન્ટશન આપવાના રહેતા, જેના આધારે રિસર્ચ પેપર તૈયાર થતા અને પ્રતિષ્ઠિત જર્નલોમાં પ્રકાશિત થતાં. મોડર્ન મેડિકલ સાયન્સમાં યોગને વધુને વધુ સ્વીકૃતિ મળે તે માટે ટકોરાબંધ રિસર્ચ એક માત્ર સાધન છે.'
યુનિવર્સિટીનું સૌથી પહેલું રિસર્ચ પેપર, કે જે અસ્થમા વિશે હતું, તે અતિ પ્રતિષ્ઠિત બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું હતું. ડાક્ટર નાગરત્નાને તે તૈયાર કરવામાં વર્ષો લાગી ગયાં હતાં. હવે તો pubmed.com, સાયન્સ ડાયરેક્ટ, ગૂગલ સ્કોલર, અમેરિકન સાયકોલોજી સોસાયટી વગેરે જેવા અધિકૃત ઓનલાઇન પ્લેટફોર્મ પર અસંખ્ય પેપર્સ અવેલેબલ છે.
આરોગ્યધામમાં યોગ વડે કેવા કેવા દર્દીઓનો ઉપચાર થાય છે તેનો એક કિસ્સો સાંભળવા જેવો છે. એક શૈલજાદીદી હતાં. તે વખતે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષના. માનસિક સ્તરે નાદુરસ્ત. કશુંય બોલી ન શકે. તેઓ જોકે જન્મજાત મૂંગા હતાં એવું નહોતું. એમના પરિવારે એમની વાણી પાછી આવે તે માટે બહુ બધી જગ્યાઓએ કોશિશ કરી જોઈ હતી. આખરે તેઓ એમને અહીં મૂકી ગયા હતા. આરોગ્યધામમાં શૈલજાદીદીએ અલગ અલગ ક્લાસ અટેન્ડ કરવાનું શરૂ કર્યું - ચાંટિંગના ક્લાસ, યોગાસનના ક્લાસ, ભજનના ક્લાસ વગેરે. બન્યું એવું કે ભજન ક્લાસની પ્રવૃત્તિઓ તેમને અપીલ કરી ગઈ. શરૂઆતમાં તેઓ આંખો બંધ કરીને સંભાળતાં, પછી 'અ... અ... અ...' કરીને ગણગણવાનું શરુ કર્યું. ધીમે ધીમે શબ્દો આવવા માંડયા અને એક તબક્કે તેઓ રીતસર ભજનો ગાવા લાગ્યાં. પછી તો તેઓ આ સંસ્થાનનાં કાયમી સભ્ય બની ગયાં. સંસ્થાના નાનાંમોટાં કામ કરે, મેડીકલ ઉપકરણોથી માપ લઈ લે, ક્યારેક વિદ્યાર્થીઓના ક્લાસ પણ લઈ લે.
વિરલ રાવલ કહે છે, 'કહેવાનો અર્થ એ છે કે શૈલજાદીદી માટે ભજન સેશન યોગ થેરપી સાબિત થઈ. ભજનોને કારણે તેમની ભીતરની ગાંઠો ખૂલી, તેઓ બોલતાં થયાં, વાતો કરતાં થયાં, ખેલતાં કૂદતાં થયાં, સામાન્ય વ્યવહાર કરતાં થયાં, બધાંના ફેવરિટ બન્યાં.'
વિરલ રાવલ સ્વયં એક ઉત્તમ યોગ શિક્ષક છે અને અમદાવાદમાં સંસ્થા દ્વારા યોગાસનોની તાલીમ આપવી, યોગ શિક્ષક તૈયાર કરવા સહિતની એકાધિક પ્રવૃત્તિઓ કરે છે. આપણે કરીઅરની વાત કરતા હોઈએ ત્યારે યોગ તરફ આપણું ધ્યાન તરત તરત જતું નથી. બાકી યોગમાં ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરવા માટે બેંગલોરની એસ-વ્યાસા યુનિવર્સિટી ઉપરાંત હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય છે, જે ગાયત્રી પરિવાર સાથે સંલગ્ન છે. હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ પણ છે. સૌથી જૂની બિહાર સ્કૂલ ઓફ યોગા છે, જે મુંગેરમાં આવેલી છે. લોનાવાલામાં કૈવલ્ય ધામ છે, જેણે વિશ્વને યોગ થેરપીનો કોન્સેપ્ટ આપ્યો. સ્વામી કૈવલ્યનંદજી યોગ થેરપીના પાયોનિયર ગણાય છે. અમદાવાદમાં લકુલેશ યુનિવર્સિટી છે. એસ-વ્યાસા યુનિવર્સિટીના રહેણાંક વિભાગ, કે જેને પ્રશાંતિ કુટિરમ નામ આપવામાં આવ્યું છે, તેમાં વિદ્યાર્થીઓ સિવાયના અન્ય લોકો પણ થોડા દિવસો રહીને યોગાભ્યાસ કરી શકે છે, ખુદને ડીટોક્સ કરી શકે છે.
'યોગ એટલે માત્ર આસન કે પ્રાણાયામ કરવા એમ નહીં,' વિરલ રાવલ સમાપન કરે છે, 'વાંચવું, સંગીત સાંભળવું, રાંધવું, ફરવા નીકળી જવું, લોંગ ડ્રાઇવ પર જવું, લોકોનું અવલોકન કરવું... એવું કંઈ પણ, જે તમારા મનને શાંત કરી શકે છે, તે તમારા માટે યોગ થેરપી છે.'
(સંપૂર્ણ)