કાં તો તમારો અહમ્ ટકશે, કાં તમારો સંબંધ ટકશે
- વાત-વિચાર-શિશિર રામાવત
- 'એક સત્ય સ્વીકારી લો કે એવો કોઈ સંબંધ નથી જેમાં તમારી તમામ અપેક્ષાઓ પૂરી થાય,' મહાત્રિયા રા કહે છે, '...અને સાથે સાથે એ પણ સ્વીકારી લો કે એવો કોઈ સંબંધ નથી જેમાં તમારી બધ્ધેબધ્ધી અપેક્ષાઓ અધૂરી રહી જાય.'
મહાત્રિયા રા - આ નામ આપણે ત્યાં પ્રમાણમાં ઓછું જાણીતું છે, પણ અધ્યાત્મમાં રૂચિ ધરાવતા એક ચોક્કસ શહેરી વર્ગમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, તેઓ ખાસ્સા આદરપાત્ર છે. એમનું મૂળ નામ ટી. ટી. રંગરાજન. ઉંમર ૫૯ વર્ષ. મહાત્રિયા રા એમનું આધ્યાત્મિક ઉપનામ યા તો ઓળખ છે. કમ્પ્યુટર સોફ્ટવેરનાં ક્ષેત્રમાં કન્સલ્ટન્ટ તરીકે ઘણાં વર્ષો પસાર કરી ચુકેલા મહાત્રિયા રા જે આધ્યાત્મિક અભિયાન ચલાવે છે તેને ઇન્ફિનિટીઝમ નામ અપાયું છે. તેમણે પુસ્તકો લખ્યાં છે, તેમનાં વકતવ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાય છે. નોંધપાત્ર બાબત એ છે કે એમની ઇમેજ ખૂબ ચોખ્ખી છે અને એમનાં નામ સાથે સાચોખોટો કોઈ વિવાદ સંકળાયો નથી.
ગહન વાતને ખૂબ સરળ રીતે પેશ કરવી એ મહાત્રિયા રાની વિશેષતા છે. સુખ, પ્રેમ, સંબંધ વગેરે વિશે તેઓ શું કહે છે? ઓવર ટુ મહાત્રિયા રા...
આપણે કહીએ છીએ કે સુખનું રહસ્ય... પણ આમાં રહસ્ય જેવું શું છે?
જે છે તે છે. જે નથી તે નથી. માનસિક તાણ પ્રતિકારમાંથી જન્મે છે. સુખ એ સ્વીકારમાંથી જન્મે છે. તમારી સાથે જે કંઈ થઈ રહ્યું હોય એને તમે કંટ્રોલ કરી શકતા નથી, પણ જે કંઈ બની રહ્યું હોય એને કઈ રીતે રિએક્ટ કરવું એ જરૂર તમારા હાથમાં છે. હું જેવો છું એવો જ (અથવા જેવી જ છું એવી જ) રહીશ, પણ મારી આસપાસના લોકો તેમજ પરિસ્થિતિઓ બદલાય જાય એવી અપેક્ષા રાખવાને બદલે, જો તમે આસપાસના લોકો અને પરિસ્થિતિઓને જેવાં છે એવાં સ્વીકારી લેશો અને તમારો એમની તરફનો દષ્ટિકોણ બદલી નાખશો તો તમે હંમેશાં 'ટોપ ઓફ ધ વર્લ્ડ' રહી શકશો. જિંદગી તમે ઇચ્છો તેવી બની જાય એવી અપેક્ષા રાખવાને બદલે જિંદગી પ્રત્યેનો તમારો અભિગમ અને રિસ્પોન્સને બદલવાની કોશિશ કરવી.
આપણે કહીએ છીએ કે પ્રેમનું રહસ્ય... પણ આમાં રહસ્ય જેવું શું છે?
પ્રેમ એટલે એવા સંબંધમાં પ્રવેશવું જેમાં તમને જેટલું મળશે એના કરતાં વધારે આપવાની તમારી તૈયારી હોય. પ્રેમ ન મળવાથી પ્રેમનો અભાવ સર્જાતો નથી, તમે પ્રેમ આપવાનું ઓછું કરો છો ત્યારે પ્રેમનો અભાવ સર્જાય છે. તમને પ્રેમની તરસ રહ્યા કરતી હોય તો એનું કારણ એ નથી કે તમને પ્રેમ કરવાવાળા લોકો ઓછા છે. તમને પ્રેમની તરસ રહ્યા કરતી હોય એનો મતલબ એ છે કે તમે ઓછા લોકોને પ્રેમ કરો છો. 'સામેની વ્યક્તિ મારી સાથે ગમે તેવો વર્તાવ કરે, પણ મારા એની તરફની લાગણીમાં કશો ફેર નહીં પડેદ એવી ભાવના સતત ધબકતી હોય તો જ પ્રેમ, પ્રેમ રહી શકે છે. બીજી મહત્ત્વની વાત. પ્રેમની ભાષા સ્પર્શ છે. સ્પર્શ વડે પ્રેમ જેટલી અસરકારકતાથી વ્યક્ત થઈ શકે છે એટલો બીજા કોઈ માધ્યમથી વ્યક્ત થઈ શકતો નથી.
આપણે કહીએ છીએ કે સંબંધનું રહસ્ય... પણ આમાં રહસ્ય જેવું શું છે?
કાં તો તમારો અહમ્ ટકશે, કાં તમારો સંબંધ ટકશે. ઇગો આવે છે ત્યારે બીજું બધું જતું રહે છે. ઇગો જાય છે ત્યારે બીજું બધું આવે છે. તમારા ઇગોને પોષણ આપીને સંબંધ મારી નાખવાને બદલે, તમારા સંબંધને પોષણ આપો ને ઇગો મારી નાખો. સવાલ એ નથી કે ભુલ કોની છે. સવાલ એ છે જિંદગી કોની છે.
જિંદગીની ગુણવત્તા આપણા સંબંધોની ગુણવત્તાના આધારે નક્કી થતી હોય છે. સંબંધમાં એગ્રીમેન્ટ નહીં, અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. સામેની વ્યક્તિને સમજવા માટે એને સાંભળો. તમારી લાગણી અને વિચારો એના સુધી પહોંચાડવા માટે એની સાથે વાત કરો. દિલથી સાંભળો, પૂરેપૂરું સાંભળો. દિલથી વાત કરો, પૂરેપૂરી વાત કરો. એક સત્ય સ્વીકારી લો કે એવો કોઈ સંબંધ નથી જેમાં તમારી તમામ અપેક્ષાઓ પૂરી થાય... અને સાથે સાથે એ પણ સ્વીકારી લો કે એવો કોઈ સંબંધ નથી જેમાં તમારી બધ્ધેબધ્ધી અપેક્ષાઓ અધૂરી રહી જાય. અત્યંત ગાઢ સંબંધમાં ભલે તમારી જિંદગી અને સામેના પાત્રની જિંદગી એકબીજામાં ભળીને 'આપણી' જિંદગી બની ગઈ હોય એવું લાગે, પણ જિંદગીનો અમુક હિસ્સો એવો જરૂર બચે છે, જે માત્ર તમારો છે અને માત્ર એનો છે. સંબંધ ગાઢ અને સચ્ચાઈભર્યો હોય તો પણ અંગત અવકાશની આવશ્યકતા વર્તાઈ શકે છે. એકમેકના અવકાશને આદર આપો.
આપણે કહીએ છીએ કે અપેક્ષાઓ પર અકુંશ રાખવાનું રહસ્ય... પણ એમાં રહસ્ય શું છે?
અપેક્ષાભંગને કારણે સર્જાતી માનસિક તાણનું કારણ મોટે ભાગે એક જ હોય છેઃ આપણે ઊભા હોઈએ છીએ સફરજનના ઝાડ નીચે અને અપેક્ષા રાખીએ છીએ કે ઉપરથી કેરી ટપકે. આવું ન થાય એટલે સફરજનના ઝાડને ગાળો પણ આપીએ છીએ કે તું મને કેરી કેમ આપતું નથી? આવો ચમત્કાર તો ખુદ ભગવાન પણ ન કરી શકે! સામેનો માણસ હું ઇચ્છું છું એવો બની જાય, સમાજ મારી નૈતિક માપદંડ પ્રમાણે ચાલે, વિરાટ કોર્પોરેટ કંપનીઓ મારાં નીતિમૂલ્યો પ્રમાણે બિઝનેસ કરે... આ પ્રકારની અવાસ્તવિક અપેક્ષાનું લિસ્ટ બનાવવા બેસીએ તો ક્યારેય પૂરું ન થાય. તમારી સામે બે જ વિકલ્પો છેઃ કાં તમે સફરજનના ઝાડ નીચે ઊભા રહીને સફરજનનો સ્વાદ માણતા શીખી જાઓ, અને જો તમારે કેરી જ ખાવી હોય તો પછી સફરજનના ઝાડનો ત્યાગ કરીને આંબાની શોધમાં નીકળો. કાં તો આનંદપૂર્વક સ્વીકાર કરો અથવા આનંદપૂર્વક ત્યાગ કરો. ન લોહીઉકાળા કરીને ભેગા રહો કે ન લોહીઉકાળા કરીને અલગ થાઓ. અપેક્ષાઓ પર અંકુશ રાખવાનો એક જ નિયમ છેઃ જે બદલી શકાતું હોય તે બદલો, જે બદલી શકાતું ન હોય તેનો સ્વીકાર કરો અને જે બિલકુલ અસ્વીકાર્ય હોય તેનાથી તમારી જાતને અલગ કરી દો.
આપણે કહીએ છીએ કે સંતાનને સારી રીતે ઊછેરવાનું રહસ્ય... પણ આમાં રહસ્ય જેવું શું છે?
પ્રત્યેક બાળક અજોડ, અનોખું, ઓરિજિનલ અને માસ્ટરપીસ છે. આ માસ્ટરપીસને શો-પીસ બનાવવાની કોશિશ ન કરો. પ્રત્યેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એને પોતાનું જ વ્યક્તિત્વ ધારણ કરવા દો, બીજા કોઈનું નહીં. બાળઉછેરની પહેલી જવાબદારી બાળકની ઓરિજિનાલિટીને જાળવી રાખવાની છે. જિંદગીમાં એ સૌથી આગળ રહે એ માટે એણે સ્કૂલની પરીક્ષાઓમાં પહેલો નંબર લાવવાની જરૂર નથી. માબાપની જવાબદારી સમથળ છે, હોરિઝોન્ટલ છે. બાળક જેમ જેમ મોટું થતું જશે તેમ તેમ એ ખુદનાં કૌશલ્યોનાં વટકલ્સ આપોઆપ શોધતું જશે. આ શોધમાં એની મદદ કરો. બાળક પહેલી વાર માબાપથી કશુંક છૂપાવે છે ત્યારે એનામાં પહેલી વાર અપરાધી માનસિકતાનાં બીજ રોપાય છે. એણે ગમે તેવો ગંભીર ગુનો કે મોટી બેવકૂફી કેમ ન કરી હોય, બીજાઓની હાજરીમાં એને ક્યારેય ઉતારી ન પાડો. સૌથી મોટી વાત તો આ છેઃ તમે મા કે બાપ તરીકે ખુદ એવા રોલમોડલ બનો જેને બાળક જીવનમાં આગળ જતાં અનુસરી શકે. બાળક સૌથી પહેલું શું વાંચતું અને શીખતું હોય છે? પોતાનાં માબાપનું જીવન અને વર્તન.