અવતરણ - પ્રીતિ શાહ .
જનતાના પૈસા પર મોજમજા કરનારાઓની વિરુદ્ધમાં જ્યારે મોદી કાર્યવાહી કરે છે તો ભ્રષ્ટાચારીઓ બહાનાં બનાવે છે અને તપાસથી દૂર ભાગે છે. જ્યાં આશા ખતમ થઈ જાય છે ત્યાં મોદીની ગેરંટી શરૂ થાય છે. ઝારખંડમાં કોલસાના પહાડ જોયા હતા, પરંતુ નોટો (પૈસા)ના પહાડ જોઈને હું દંગ થઈ ગયો છું.
- નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
ભારત સેમીકંડકટર ઉત્પાદનના યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. ભવિષ્યમાં ઘરેલુ જરૂરિયાતોને પૂરા કરવા સાથે સેમીકંડકટર ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળમાં જોવા મળશે. એનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશ આત્મનિર્ભર બનશે.
- અશ્વિની વૈષ્ણવ (કેન્દ્રીય મંત્રી)
જી-૨૦ અને સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચ હવે સુધારાઓ માટે ભારતની વાત સાંભળી રહ્યું છે. ભારતનો રૂપિયો અન્ય ચલણની સરખામણીમાં અમેરિકાના ડોલર સામે વધુ સ્થિર રહ્યો છે તેથી આજે ઘણા દેશો રૂપિયામાં વેપાર કરવા ઇચ્છે છે.
- નિર્મલા સીતારામન (નાણામંત્રી)
સામાન્ય માનવીને ઝડપી ન્યાય અપાવવા માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે અને તેના માટે સંવેદનશીલ બનવું જોઈએ. ઝીરો ટોલરન્સ સમાજ વિરોધી, રાષ્ટ્ર વિરોધી તત્ત્વો, માફિયાઓ અને અપરાધીઓ માટે હોવું જોઈએ.
- યોગી આદિત્યનાથ (ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને સેટેલાઇટ ટ્રેકિંગ સુધીની ટેકનોલોજી દ્વારા આ ગ્રહની જૈવ-વિવિધતાનું રક્ષણ કરવામાં અને એને સમજવામાં આપણને ઘણી મદદ મળી રહી છે. આ પૃથ્વીના બહુમૂલ્ય વન્યજીવનની સુરક્ષા માટે આ શક્તિનો લાભ ઉઠાવવો જોઈએ.
- ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)
એ જોવું અત્યંત દુઃખદ છે કે આજે ઇઝરાયલના હુમલાઓથી બચવા માટે ભાગી રહેલા હજારો લોકો બાળકોના શિક્ષણ અને તાલીમની જગ્યાએ શરણ લઈ રહ્યા છે. ગાઝાનું દરેક બાળક શાંતિ અને પોતાની સ્કૂલનું અધિકારી છે. યુદ્ધવિરામ માટે હવે વધુ રાહ જોઈ શકાય નહીં.
- મલાલા યુસુફ જઈ (નોબેલ પ્રાઇઝ વિજેતા)
ઘરઆંગણાના ક્રિકેટના દરજ્જાને બચાવવા માટે અત્યંત જરૂરી એવા પગલાં લેવા બદલ હું બોર્ડને ધન્યવાદ આપું છું. આનાથી કેટલાંક લોકોને તકલીફ થશે, પરંતુ દેશથી મોટું કોઈ નથી. સ્ટાર ખેલાડીઓ ઘરઆંગણાના ક્રિકેટની ઉપેક્ષા કરે છે ત્યારે દુઃખ અનુભવું છું.
- કપિલ દેવ (ક્રિકેટર)
હું જ્યારે મારા કપરાકામમાંથી પસાર થઈ રહી હતી અને હાર માની લેવાની તૈયારીમાં હતી ત્યારે મને 'આર્યા' સિરીઝનો પ્રસ્તાવ મળેલો. આર્યાનો રોલ સાંભળીને મારામાં એક એનર્જી આવી ગઈ અને એણે મારામાં છૂપાઈ ગયેલા કલાકારને શોધવામાં મદદ કરી છે.
- સુસ્મિતા સેન (અભિનેત્રી)