અવતરણ - પ્રીતિ શાહ .
કેન્દ્રીય એજન્સીઓની ધમકી સામે અમારી પાર્ટી ઝૂકશે નહીં. એનઆઈએ, આવકવેરા વિભાગ, બીએસએફ અને સીઆઈએસએફ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. ભાજપ આચારસંહિતાનું પાલન કરતો નથી. ઝેરી સાપ પર ભરોસો કરી શકાય, પરંતુ ભાજપ પર નહીં.
- મમતા બેનર્જી (પ.બંગાળનાં મુખ્યમંત્રી)
હવે રાજનીતિની પરિભાષા બદલાઈ ગઈ છે. હવે વિકાસવાદ અને કામની રાજનીતિ કરવામાં આવે છે, તુષ્ટિકરણની નહીં. વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે.
- જે.પી.નડ્ડા
(ભાજપ પ્રમુખ)
આપણા સૌથી મહત્ત્વપૂર્ણ કર્તવ્યોમાંનું એક કર્તવ્ય મતદાન કરવાનું છે. આ ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં યુવાનો મતદાન કરવાને પાત્ર બન્યા છે. હું નવયુવાનોને અપીલ કરું છું કે તેઓ લોકતંત્રના આ તહેવારમાં ચોક્કસ સામેલ થાય.
- શબાના આઝમી (અભિનેત્રી)
ભારતને પોતાની આગવી રેટિંગ સિસ્ટમની જરૂર છે. પશ્ચિમી માપદંડ વિશ્વસનીય નથી. પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત ૧૬૧મા સ્થાને છે, જ્યારે તાલિબાનનું અફઘાનિસ્તાન ૧૫૨મા સ્થાને ! હેપીનેસ ઈન્ડેક્સ માટે હજાર નમૂના લેવામાં આવે છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં હજાર લોકો દ્વારા શું જાણશે?
- પાલકી શર્મા (પત્રકાર)
જે સંસ્કૃત ભાષામાં ગાર્ગી, મૈત્રેયી, આપાલા અને લોપામુદ્રા જેવી મહાન મહિલા વિભૂતિઓએ જ્ઞાાનનું અમર પ્રદાન કર્યું છે તેના અધ્યયન અને અધ્યાપનમાં મહિલાઓની ભાગીદારી વધુને વધુ હોવી જોઈએ.
- દ્રૌપદી મુર્મૂ
(રાષ્ટ્રપતિ)
ભારત-શ્રીલંકાના સંબંધોને તનાવપૂર્ણ બનાવનારાં નિવેદન આપતાં પહેલાં તમામ જવાબદાર લોકોએ એ યાદ રાખવું જોઈએ કે શ્રીલંકામાં પચીસ લાખ શ્રીલંકાઈ તમિલ અને દસ લાખ ભારતીય તમિલ રહે છે.
- પી. ચિદમ્બરમ્
(પૂર્વ નાણામંત્રી)
એક વ્યક્તિ દિવસમાં સરેરાશ ૨૧,૬૦૦ વખત શ્વાસ લે છે અને બહાર કાઢે છે. દર મિનિટે તેને આઠ લિટર હવાની જરૂર પડે છે જેમાં વીસ ટકા ઓક્સિજન હોય છે. દેશની વસ્તી પ્રમાણે ભવિષ્યમાં આપણી પાસે એટલાં વૃક્ષો હશે કે જેથી આપણે સારો શ્વાસ લઈ શકીએ?
- ડૉ.અનિલ પ્રકાશ જોશી (પર્યાવરણવિદ્)
શારીરિક ફિટનેસ માટે જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવો અત્યંત જરૂરી છે. દિવસભર ગમે તેટલી મહેનત કરો, કસરત કરો કે ડાયેટ કરો, પરંતુ જો તમારી માનસિક સ્થિતિ બરાબર ન હોય, તમે ખુશ ન હો તો બધું નકામું છે.
- અનિલ કપૂર
(અભિનેતા)