અવતરણ - પ્રીતિ શાહ .
રામમંદિર આંદોલન સમયે એ વિશ્વાસ હતો કે મંદિર તો બનશે જ, પરંતુ ક્યારે તે પ્રશ્નનો જવાબ નહોતો. વાત જમીનના ટુકડાની નહીં, જન્મભૂમિની હતી. જન્મભૂમિ બદલી શકાય નહીં તેથી અમે મક્કમ રહ્યા. ૨૨ જાન્યુઆરી સાંસ્કૃતિક સ્વતંત્રતાનો દિવસ બની રહેશે.
- ચંપત રાય (રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ)
ભાજપ પોતાની દસ વર્ષની નિષ્ફળતાઓને છૂપાવવા માટે ભાવનાત્મક મુદ્દા ઉઠાવે છે. દરેક મુદ્દામાં ભાજપ હાથે કરીને કોંગ્રેસને સામેલ કરે છે. આવી પરિસ્થિતિમાં આપણે સહુએ સાથે મળીને અંદરોઅંદરના મતભેદ ભૂલીને જ ભાજપની ખોટી વાતોનો જડબાતોડ જવાબ આપવો જોઇએ.
- મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ અધ્યક્ષ)
રાજનેતાઓ લોકોને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરે છે. અમૃતકાળમાં પણ આ જ વિચારસરણી ચાલે છે, કારણ કે તેઓ જાણે છે કે મતદાતાઓ પાસેથી મત મેળવવાનો આ જ રસ્તો છે. વડાપ્રધાન પણ ગરીબ, યુવાન, મહિલા અને ખેડૂતની વાત કરીને મત તો જુના મુદ્દા પર જ મેળવે છે.
- તવલીન સિંહ (પત્રકાર)
માનવ સભ્યતાને આગળ લઇ જવાનું દાયિત્વ ભાજપ પાસે છે. તેથી આપણા સહુનું કર્તવ્ય એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના માધ્યમથી ભારતને ૨૧મી સદીના બૌદ્ધિક વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરીએ.
- ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)
વિદ્યાર્થીઓને તમે બહાર જતા રોકી ન શકો, પરંતુ એવા પ્રયત્ન કરી શકાય કે જેથી ઓછામાં ઓછી વિદ્યાર્થીઓ વિદેશ જાય અને વિદેશથી ભારત આવનારાની સંખ્યા વધે. ૨૦૧૯માં સાત લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ ગયા.
- હરિવંશ ચતુર્વેદી (બીમટેકના શિક્ષણ સલાહકાર)
સમગ્ર વિશ્વ એ.આઈની પાછળ છે, પરંતુ એ ચર્ચા માત્ર એ.આઈ. સંબંધી સુરક્ષા કે નૈતિકતાની નથી, પરંતુ એનાથી ઉપર છે તે એ કે આપણે આપણા માટે કેવા પ્રકારનું ભવિષ્ય ઇચ્છીએ. એ.આઈ.એ બુનિયાદી પરિવર્તનનું એવું સાધન છે જે માણસ અને મશીનોના સંબંધોને પ્રભાવિત કરશે.
- જસપ્રીત બ્રિંદા (ટેકનોલોજી નિષ્ણાત)
ચૂંટણીમાં સો ટકા વીવીપેટ (વોટર-વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રાયલ) ઉપકરણ આપવાનો ઉકેલ મેં આપ્યો છે. આ કામમાં એક દિવસથી વધુ સમય નહીં લાગે, પરંતુ આ કામ લોકોનો વિશ્વાસ સંપાદિત કરશે. વિશ્વસનીય ચૂંટણી માટે આ આવશ્યક છે.
- એસ.વાય. કુરેશી (પૂર્વ ચૂંટણી કમિશનર)
બોલિવુડમાં અતિશય લાગણીશીલ વ્યક્તિનું કામ નથી. અહીં તો ડગલે ને પગલે તમારું અપમાન થઇ જાય અને તમે હતાશાથી ઘેરાઈ જાઓ એવું બનતું રહે છે. હૃદય પર પથ્થર રાખીને આવો તો કદાચ તમે ટકી જઇ શકો.
- સોહા અલી ખાન (અભિનેત્રી)