દિલ્હીમાં પતંગ હવામાં રાખવા રાજકીય પક્ષોનાં વચનોના ઠુમકા
- દિલ્હીમાં કોણ કોનો પતંગ કાપશે તે કોયડા સમાન
- પ્રસંગપટ
- મતદારોના મોઢા પર સ્મિત નથી, તેઓ જાણે છે કે ચૂંટાયા પછી બધા પક્ષો વાયદા પૂરા કરવામાં ઠાગાઠૈયા કરે છે
આજે ઉતરાણ. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ નિમિત્તે ઉજવાતા આ તહેવારમાં લોકો પતંગ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. જોકે ભારતના રાજકીય આકાશમાં ૩૬૫ દિવસ ઉતરાણ હોય છે. રાજકીય આકાશ બદલાયા કરે છે, પણ પતંગ ચગાવનારા એના એ જ જૂના જોગીઓ હોય છે. હાલ દિલ્હીના આકાશમાં રાજકીય ઉતરાણ જેવો માહોલ છે. કોણ કોનો પતંગ કાપશે તે કહેવું મુશ્કેલ છે, કેમ કે નેતાઓ પ્રજાનાં કામ કરવાના બદલે સત્તા હાંસલ કરવામાં રચ્યાપચ્યા રહે છે.
દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન તૂટતાં ભાજપ અને આમ આદમી પાર્ટીની સાથે હવે કોંગ્રેસ પણ મેદાનમાં છે. ત્રણ ખમતીધર રાજકીય પક્ષો વચ્ચે દિલ્હી પર કબજો જમાવવાની હોડ જામી છે ત્યારે આક્ષેપોનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આ ત્રણેય પક્ષો મતદારો બહુ સારી રીતે ઓળખે છે. નેતાઓ જાણે છે કે મતદારોને આસાનીથી ભૂલી જવાની ટેવ છે. તેથી આ ટેવનો લાભ ઉઠાવવા તેઓ મતદારો સામે હાથ જોડીને ઊભા રહી જાય છે. ભારતના મતદારને હવે ઓળખવો મુશ્કેલ બની ગયો છે. મતદારોની નજર મફતની સ્કીમો અને કોણ કઇ રાહતો આપશે તે દિશામાં વધુ તકાયેલી રહેતી હોય એમ લાગે છે.
કેટલાક મતદારોનો સમૂહ કદાચ એવું માની રહ્યો છે કે રાજકીય પક્ષને ભ્રષ્ટાચાર કરવો હોય તે ભલે કરે, પરંતુ અમને જો નિયમિત પૈસા મળતા રહે, અમારાં વિજળી-પાણીનાં બિલો માફ થઈ જાય એટલે ભયો ભયો. બીજી તરફ ભણેલોગણેલો મતદાર સરકારી યોજનાઓના ભરોસે બેસી રહેવા તૈયાર નથી. તે આપબળે, સ્વમાનપૂર્વક જીવન જીવવા માગે છે.
અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી અન્ય રાજકીય પક્ષો કરતાં વધારે બોલ્ડ છે, તેમની પાસે ઇનોવેટીવ આઇડિયા છે, દિલ્હીનો યુવા વર્ગ તેમને ટેકો આપી રહ્યો છે, પરંતુ આપના શરીર પર ભ્રષ્ટાચારની ખૂબ બધી બગાઈઓ ચોંટેલી છે.
કેન્દ્રીય સ્તરે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી જોડાણમાં આમ આદમી પાર્ટી પણ ભાગીદાર હતી, પરંતુ બેઠકોની ફાળવણીમાં પડેલી તકરાર અંતે છૂટાછેડામાં પરિણમી હતી. સમગ્ર વિપક્ષી ગઠબંધન તૂટી ગયું તેની પાછળ દિલ્હીની ચૂંટણીને અમુક અંશે જવાબદાર ગણી શકાય. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે લડીને અને ફરી પોતાના કાર્યકરોનું સંગઠન મજબૂત બનાવીને લાંબા યુદ્ધની તૈયારી કરતું હોય એમ લાગે છે.
કોંગ્રેસનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના સમયનું શાસન મતદારોને યાદ કરાવીને કોંગ્રેસ તેમનાં દિલ જીતવા માગે છે. મહારાષ્ટ્રમાં હાર પછી કોંગ્રેસ વધુ હતાશ થઇ છે. એક તો આખેઆખું રાજ્ય હાથમાંથી ગયું અને પાછી વિપક્ષી એકતા પણ તેના કારણે તૂટી. કોંગ્રેસ સામે દિલ્હીને એકલા હાથે જીતવાની તક ઊભી થઇ છે. જો કોંગ્રસ તે કરી બતાવશે તો શક્યતઃ ફરી વાર કેન્દ્ર સ્તરે એ વિપક્ષી એકતાનું નેતૃત્વ કરી શકશે. કોંગ્રસ પાસે દિલ્હીમાં કાર્યકરો કરતાં નેતાઓ વધારે છે, જે તેના માટે અવરોધરૂપ સાબિત થઇ શકે છે.
મહારાષ્ટ્રનો જંગ જીત્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. અલબત્ત, તેનો અર્થ એનથી કે ભાજપ દિલ્હી પણ જીતી લેશે.
રાજકારણમાં પતંગ ચગાવવાના આકાશ અલગ હોય છે. દિલ્હીના આકાશમાં ભાજપે અરવિંદ કેજરીવાલના પતંગને કાપવાનો છે. ભાજપ પાસે જાહેર સભા ગજવતા નેતાઓ અન્ય પક્ષો કરતાં વધારે છે. જોકે વધારે પડતી મહત્ત્વાકાંક્ષા ક્યારેક મુશ્કેલી સર્જી શકે છે. ભાજપના રાષ્ટ્રીય પ્રોગ્રામો અને ચૂંટણી વ્યૂહરચના એને ઉપયોગી બની શકે છે. અલબત્ત, ભ્રષ્ટાચારના મામલામાં ભાજપ પણ દૂધે ધોયેલો નથી.
દિલ્હીમાં રાજકીય પક્ષો પોતાના પતંગને હવામાં રાખવા વિવિધ સ્કીમો જાહેર કરી રહ્યા છે. જેમ કે, કોંગ્રેસે યોગ્ય શિક્ષિત બેરોજગારોને એક વર્ષ સુધી દર મહિને ૮૫૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મતદારોના મોઢા પર તોય સ્મિત દેખાતું નથી. તેઓ જાણે છે કે ચૂંટાયા પછી કોઈ પણ પક્ષ વાયદા પૂરા કરવામાં ઠાગાઠૈયા જ કરવાનો છે. દિલ્હીનું રાજકીય આકાશ ધૂમ્મસથી ભરેલું છે. દરેક પક્ષ પાસે લંગસ નાખનારા ઉસ્તાદો છે. ખરી રાજકીય ઉતરાણ તો દિલ્હીના આકાશમાં રમાઇ રહી છે.