Get The App

ચીને ભારતમાં નિકાસ પર નિયંત્રણો મૂકીને નાક દબાવતાં ઉદ્યોગોની હાલત કફોડી

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
ચીને ભારતમાં નિકાસ પર નિયંત્રણો મૂકીને નાક દબાવતાં ઉદ્યોગોની હાલત કફોડી 1 - image


- એક તરફ કાચા માલની અછતના કારણે હાથમાં જે ઓર્ડર છે એ પૂરા કરી શકાતા નથી તેથી ઓર્ડરો ધડાધડ કેન્સલ થઈ રહ્યા છે

- ચીને ઈલેક્ટ્રોનિક્સ, સોલર પાવર અને ઈલેક્ટ્રિકલ વ્હીકલ ઉદ્યોગના કાચા માલની ભારતમાં નિકાસ પર નિયંત્રણો લાદી દીધાં છે.  આ ઉદ્યોગો સંપૂર્ણપણે ચીનથી થતી આયાત પર નિર્ભર છે. ભારતમાં ટુ-વ્હીલર ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટેની બેટરીઓ અને સોલર પાવર માટેની સોલર પેનલો જ્યારે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે તો ચીપ્સથી માંડીને બોડી સુધીનું બધું ચીનથી આવે છે. ચીને આ ઉદ્યોગો માટેનાં ઈક્વિપમેન્ટ ભારતમાં મોકલવા પર પણ નિયંત્રણો લાદી દેતાં ભારતના મધ્યમ અને નાના ઉદ્યોગોનો બે બાજુથી મરો થઈ ગયો છે. એક તરફ કાચા માલની અછતના કારણે હાથમાં જે ઓર્ડર છે એ પૂરા કરી શકાતા નથી તેથી ઓર્ડરો ધડાધડ કેન્સલ થઈ રહ્યા છે. બીજી તરફ મશીનરી અને ઈક્વિપમેન્ટ નથી આવતાં તેથી પ્રોડક્શન વધારવા માટે વિસ્તરણ કરી શકાતું નથી.

ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવની સ્થિતી વચ્ચે ચીને ભારતનું નાક દબાવવા માટે કેટલીક ચીજોની ભારતમાં નિકાસ પર નિયંત્રણો મૂકી દેતાં ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી થઈ ગઈ છે. ચીનનાં નિયંત્રણોની અસર સંખ્યાબંધ ક્ષેત્રો પર થઈ છે પણ સૌથી ખરાબ અસર ઈલેક્ટ્રોનિક્સ, સોલર પાવર અને ઈલેક્ટ્રિકલ વ્હીકલ ઉદ્યોગને થઈ છે કેમ કે આ ઉદ્યોગો સંપૂર્ણપેણ ચીનથી થતી આયાત પર નિર્ભર છે. ભારતમાં ટુ-વ્હીલર ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટેની બેટરીઓ અને સોલર પાવર માટેની સોલર પેનલો જ્યારે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે તો ચીપ્સથી માંડીને બોડી સુધીનું બધું ચીનથી આવે છે. ચીને આ ઉદ્યોગો માટેનાં ઈક્વિપમેન્ટ ભારતમાં મોકલવા પર પણ નિયંત્રણો લાદી દેતાં ભારતના મધ્યમ અને નાના ઉદ્યોગોનો બે બાજુથી મરો થઈ ગયો છે. એક તરફ કાચા માલની અછતના કારણે હાથમાં જે ઓર્ડર છે એ પૂરા કરી શકાતા નથી તેથી ઓર્ડરો ધડાધડ કેન્સલ થઈ રહ્યા છે. બીજી તરફ મશીનરી અને ઈક્વિપમેન્ટ નથી આવતાં તેથી પ્રોડક્શન વધારવા માટે વિસ્તરણ કરી શકાતું નથી. પ્રોડક્શન વધારે તો ઉત્પાદન ખર્ચ ઘટે અને વધતી જતી ડીમાન્ડને પણ સંતોષી શકાય પણ ચીને એવી હાલત કરી નાંખી છે કે, બંને મોરચે આપણા ઉદ્યોગો માર ખાઈ રહ્યા છે. 

ચીને ભારતમાં નિકાસ પર નિયંત્રણોની ગંદી રમત શરૂ કરી તેનું કારણ વિદેશની મોટી ટેક પ્રોડક્ટ કંપનીઓનું ભારત તરફ પ્રસ્થાન છે. આઈફોન બનાવતી એપલથી માંડીને ચીપ્સ બનાવવામાં દુનિયાભરમાં અવ્વલ ફોક્સકોન સહિતની કંપનીઓ પોતાના પ્લાન્ટ ચીનથી ભારત ખસેડી રહી છે અથવા ભારતમાં નવા પ્લાન્ટ નાંખી રહી છે. તેના કારણે ચીનને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે તેનું ખુન્નસ ચીન ભારતમાં નિકાસ પર નિયંત્રણો દ્વારા કાઢી રહ્યું છે.

ભારતમાં એક વર્ગ એવો ભ્રમ ઉભો કરે છે કે, ભારત ચીનનો માલ ના લે તો ચીનની હાલત ખરાબ થઈ જાય તેથી ભારતને માલ આપવામાં ચીનની પણ ગરજ છે જ. વાસ્તવિકતા આ વાતોથી બિલકુલ અલગ છે. આવી બેવકૂફીભરી વાતો કરનારાંને ચીનની રાક્ષસી તાકાતનો અંદાજ જ નથી. ચીન દુનિયામાં સૌથી મોટો નિકાસકાર દેશ છે. ૨૦૨૨માં ૩.૭૩ ટ્રિલિયન ડોલરની નિકાસ ચીને કરી છે. ભારતની કુલ જીડીપી ૩.૫૫ ટ્રિલિયન ડોલર છે એ જોતાં ભારતની કુલ જીડીપી કરતાં તો ચીનની નિકાસ વધારે છે. ૧ ટ્રિલિયન એટલે ૧૦૦૦ બિલિયન થાય એ જોતાં ચીનની નિકાસ ૩૭૩૦ અબજ ડોલરની થઈ. આ નિકાસમાં ભારતનો ફાળો માત્ર ૧૨૦ અબજ ડોલરની આસપાસ છે. મતલબ કે, ચીનની કુલ નિકાસમાં ભારતનો ફાળો માંડ ત્રણેક ટકા જેવો છે. પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે ભારતમાં નિકાસ સાવ બંધ કરી દેવી પડે તો એ પણ ચીનને પરવડે તેમ છે. ચીનની રાક્ષસી તાકાતનો બીજો મોટો પરચો એ છે કે, ચીન ટ્રેડ સરપ્લસ ધરાવતો દેશ છે. મતલબ કે, ચીનની નિકાસ કરતાં આયાત ઓછી છે. અમેરિકાના સહિતના મોટા ભાગના દુનિયાના આર્થિક રીતે મજબૂત દેશો વ્યાપાર ખાધ ધરાવે છે ત્યારે ચીન એક ટ્રિલિયન ડોલર દુનિયાભરના દેશોમાંથી વધારાને લઈ આવે છે. ભારતની નિકાસ કરતાં આયાત ઘણ વધારે છે તેથી ભારત પણ ૭૫ અબજ ડોલરથી વધારે વ્યાપાર ખાધ ધરાવતો દેશ છે. ભારત ચીનની જેમ કોઈ દિવસ સરપ્લસ ધરાવતો દેશ બની શકશે કે કેમ તેમાં શંકા છે કેમ કે ભારતમાં સરકાર પાસે જ કોઈ વિઝન નથી. 

ભારતમાં આર્થિક મુદ્દે હઈસો હઈસો ચાલ્યા કરે છે. મેઈક ઈન ઈન્ડિયા ને આત્મનિર્ભર ભારત સહિતનાં સૂત્રો આપી દેવાય છે, સ્ટાર્ટ અપ્સ શરૂ કરવાની વાતો થાય છે પણ એ બધા માટે જરૂરી કાચો માલ, ટેકનોલોજી, ઈનોવેશન વગેરે છે કે નહીં તેનો કદી વિચાર નથી કરાયો. એવું વિચારવાની આપણા શાસકોની બૌધ્ધિક ક્ષમતા જ નથી.

જીટીઆરઆઈ સહિતની થિંક ટેન્ક લાંબા સમયથી ભારતીય ઉદ્યોગોને ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે કહ્યા કરે છે પણ સરકાર કે ઉદ્યોગો બંનેમાંથી કોઈએ આ દિશામાં કદી વિચાર્યું નહીં. ભારતે ચીનના બદલે જાપાન અને દક્ષિણ કોરીયા સાથે વ્યાપારી સંબંધો મજબૂત કરવા જોઈએ એવો મત વિશ્લેષકોએ બહુ પહેલાં જ વ્યક્ત કરી દીધેલો પણ ભારત સરકાર અને ઉદ્યોગો બંનેને ચીન પર વધારે ભરોસો હતો. આ ભરોસાની ભેંસે પાડો જણતાં અત્યારે ઉદ્યોગપતિએ રડી રહ્યા છે.  

ભારત ચીનથી વધારે કાચો માલ આયાત કરતું રહ્યું છે તેનું કારણ એ છે કે, ચીનથી આવતો માલ સસ્તો પડે છે. તેના કારણે પ્રોડક્ટ સસ્તી બને તેથી નફો વધારે મળે. જીટીઆરઆઈના મતે, ભારતીય ઉદ્યોગોએ નફાના બદલે વિશ્વસનિયતા અને ટકાઉપણા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. જાપાન અને દક્ષિણ કોરીયા બંને ઈલેકેટ્રોનિક્સ, ઈવી, સોલર પાવર વગેરે માટે હાઈ ક્વોલિટી કોમ્પોનન્ટસ બનાવે છે કે જે ચીનના કાચા માલ કરતાં મોંઘાં પડે પણ તેના કારણ બનતી પ્રોડક્ટ વધારે સારી બને. તેના કારણે વિદેશમાં પણ ભારતીય ઉત્પાદનોની શાખ ઉભી થાય પણ ભારતીય ઉદ્યોગોએ એ દિશામાં કદી વિચાર્યું જ નહીં તેના કારણે સમસ્યા છે. 

'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ની વાતો પણ સ્ટાર્ટ અપ્સ ચીન પર નિર્ભર

ભારતમાં ચાઈનીઝ પ્રોડક્ટસના બહિષ્કારની વાતો થાય છે પણ એ શક્ય નથી. કોરાનાના કારણે દેશમાં લોકડાઉન લાદવું પડયું તેથી આર્થિક મંદી આવી ગયેલી. દેશને મંદીમાંથી બહાર કાઢવા માટે નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર ભારત અભિયાન'ની હાકલ કરીને 'વોકલ ફોર લોકલ'ની વાત મૂકી હતી. લોકો ભારતમાં બનતી ચીજોનો જ ઉપયોગ કરીને વિદેશી ચીજો પર નિર્ભરતા ઘટાડે એવી અપીલ મોદીએ કરી હતી. મોદીના સમર્થકોએ એ વખતે ચાઈનીઝ પ્રોડક્ટ સહિતની વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાની વાતોનો સોશિયલ મીડિયા પર મારો ચલાવી દીધો હતો. એ વખતે ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ શરૂ થયેલી. 

દેશના સાત કરોડ નાના દુકાનદારો અને ૪૦ હજાર જેટલાં નાનાં-મોટાં વેપારી સંગઠનો પોતાની  સાથે જોડાયેલાં હોવાનો દાવનો કરતા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટ્રેડર્સ (સીએઈટી) નામના સંગઠને  ચીનના માલનો બહિષ્કાર કરવાનું અભિયાન છેડવાનું એલાન કર્યું હતું. આ સંગઠને ૩૦૦૦ જેટલી એવી ચાઈનીઝ પ્રોડક્ટ્સની યાદી બનાવી હતી કે જેનો  ભારતીય વિકલ્પ ઉપલબ્ધ હોય. સંગઠને એલાન કરેલું કે, ચાઈનીઝ ચીજોના બદલે ભારતીય ચીજો વેચવામાં આવશે.

મોદી સરકારે પણ ટિકટોક, ચાઈનીઝ ફટાકડા, ચાઈનીઝ દોરી વગેરે પર પ્રતિબંધ મૂકીને આ વાતોને હવા આપી પણ તેના કારણે ભારતની ચીન પરની નિર્ભરતા ઘટી નથી. તેનું કારણ એ કે, ચીનની ભારતમાં કુલ નિકાસમાં મોટું પ્રમાણ તો ઔદ્યોગિક ચીજોનું છે. મોદી સરકાર આ નિર્ભરતા ઓછી કરવામાં સાવ નિષ્ફળ ગઈ છે. મોદી સરકાર લાખો સ્ટાર્ટ-અપ્સ ઉભાં થયાં હોવાના દાવા કરે છે પણ એ બધા નિર્ભર ચીનથી આવતા કાચા માલ પર છે તેથી તેમને પણ તાળાં મારવાં પડશે.

ભારતમાં 15 કરોડને રોજગારી આપતું એમએસએમઈ સેક્ટર ચીનના કાચા માલ પર અવલંબિત 

ભારતમાં અર્થતંત્રની કરોડરજ્જુ મનાતું એમએસએમઈ સેક્ટર લગભગ સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. ભારતીય અર્થતંત્રમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ)નું મોટું યોગદાન છે. એમએસએમઈ એટલે કે નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ ભારતમાં સૌથી વધારે રોજગારી આપે છે. દેશની કુલ જીડીપીમાં ૩૦ ટકા યોગદાન આપતું એમએસએમઈ સેક્ટર ૧૫ કરોડ લોકોને રોજગારી આપે છે. દેશની નિકાસમાં ૫૦ ટકાથી વધારે હિસ્સો એમએસએમઈનો છે અને દેશને પ્રાપ્ત થતા વિદેશી હૂંડિયામણમાં લગભગ ૩૦ ટકા હિસ્સો એમએસએમઈ સેક્ટરનો છે. ભારતને વિદેશી હૂંડિયામણ રળી આપવામાં આઈટી સેક્ટર મોખરે છે પણ આઈટી એમએસએમઈ જેટલા મોટા પ્રમાણમાં રોજગારી નથી આપતું તેથી ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ તો એમએસએમઈ સેક્ટર જ ગણાય છે. 

 ભારતના એમએસએમઈ સેક્ટરને કાચા માલના રૂપમાં ટેલીકોમ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, કોમ્પ્યુટર હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ, પ્રોજેક્ટ ગુડ્સ, ડ્રગ્સ ઈન્ટરમીડિયેટ વગેરે જંગી પ્રમાણમાં ચીનથી મંગાવે છે. નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ એસેમ્બલિંગ કરીને કે બીજો  ફિનિશ્ડ ગુડ્ઝ બનાવીને તેની નિકાસ કરે છે.ચીનનો માલ સાવ સસ્તામાં પડતો હોવાથી ભારતીય ઉત્પાદકો ચીનથી કાચો માલ ખરીદે છે. કેનેડા ને યુરોપના દેશો કરતાં ચીનનો માલ ઓછામાં ઓછા ચાલીસેક ટકા સસ્તો પડે છે, ટ્રાન્સપોર્ટેશન પણ સસ્તુ પડે છે ને બહુ ઝડપથી આ માલ મળી જાય છે. બહુ પહેલાંથી પેમેન્ટ પણ કરવું પડતું નથી. બીજા કોઈ પાસેથી માલ લો તો મોંધો પડે ને ઉંચા ભાવે વેચાય નહીં તેથી આપણી ફેક્ટરીઓનો તાળાં મારવા પડે, કરોડો લોકો બેરોજગાર થાય.

News-Focus

Google NewsGoogle News