Get The App

ટ્રમ્પે મોદીને અપમાનિત કરીને હેસિયત બતાવી, મોદીભક્તોમાં સોપો

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પે મોદીને અપમાનિત કરીને હેસિયત બતાવી, મોદીભક્તોમાં સોપો 1 - image


- મોદીએ વિશ્વના કરોડો સામાન્ય લોકોની જેમ ટીવી પર ટ્રમ્પની શપથવિધિ જોઈને સંતોષ માનવો પડશે કેમ કે તેમને આમંત્રણ નથી

- અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીનો તખ્તો તૈયાર છે. 20 ડિસેમ્બર, 2025ના રોજ અમેરિકાનાં પૂર્વનાં રાજ્યોના સ્ટાન્ડર્ડ ટાઈમ ઈસ્ટર્ન ટાઈમ પ્રમાણે બપોરે 12 વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે, રાત્રે 10.30 કલાકે ટ્રમ્પની શપથવિધી  શરૂ થશે. અમેરિકામાં ટ્રમ્પની શપથવિધી માટે જોરદાર ઉત્સાહ છે ત્યારે ભારતમાં મોદીભક્તોમાં સોપો પડી ગયો છે કેમ કે, નરેન્દ્ર મોદીને શપથવિધી માટે ટ્રમ્પે વ્યક્તિગત રીતે નિમંત્રણ નથી મોકલ્યું.

અમેરિકાની સરકારે સત્તાવાર રીતે ભારતને નિમંત્રણ મોકલ્યું છે તેથી વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતના પ્રતિનિધી તરીકે હાજર રહેશે પણ નરેન્દ્ર મોદી હાજર નહીં રહે. મોદીએ વિશ્વનાં કરોડો સામાન્ય લોકોની જેમ ટીવી પર ટ્રમ્પની શપથવિધી જોઈને સંતોષ માનવો પડશે. 

ટ્રમ્પે નિમંત્રણ નહીં આપીને નરેન્દ્ર મોદીને સણસણતો તમાચો માર્યો છે તેથી મોદીભક્તો સમસમી ગયા છે. નરેન્દ્ર મોદીએ પોતે દુનિયામાં સૌથી મોટા નેતાઓમાંથી એક છે, વિશ્વગુરૂ છે અને ટ્રમ્પના ખાસ મિત્ર છે એવો ફુગ્ગો પોતાની ચમચાગીરી કરતા મીડિયા દ્વારા ફૂલાવ્યો હતો પણ ટ્રમ્પે ફુગ્ગાની હવા કાઢી નાંખતાં મોદી અને મોદીભક્તો બંને જમીન પર પછાડાયા છે. ભારત અને અમેરિકા બંનેમાં રહેતા મોદીભક્તો મનમાં ને મનમાં બળી રહ્યા છે.  

ટ્રમ્પને અમેરિકાની ચૂંટણીમાં જીતાડવા માટે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો ત્યારે પણ અમેરિકામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને ઠાલવી દીધા હતા. આ ભક્તોની જીભ પણ મોદીનાં વખાણ કરતાં સૂકાતી નહોતી. વૈશ્વિક સ્તરે પહેલી વાર ભારતનો આવો જોરદાર જલવો જોવા મળ્યો એવા દાવા કરીને સોશિયલ મીડિયા પર વીડિયો ને ફોટા મૂકાતા હતા. હવે પિક્ચર જ બદલાઈ ગયું છે ને ટ્રમ્પ પાછા દુનિયાના સૌથી શક્તિશાળી નેતા બનવા જઈ રહ્યા છે ત્યારે મોદીનો ભાવ પણ નથી પૂછી રહ્યા. 

અમેરિકા લાલ આંખ કરે તો મોદીની તાકાત નથી કે સામે ચૂંકે ચાં પણ કરી શકે. અમેરિકાએ હમણાં પોતાની તાકાતનો પરચો હમણાં ગુપતવંતસિંહ પન્નુનના કેસમાં આપ્યો જ છે. ભારતીય એજન્સીઓએ પન્નુનની હત્યાનું કાવતરું ઘડયું હોવાનો દાવો કરીને ભારતને આ કેસમાં તપાસ કરવા ફરમાન કરેલું. છ મહિનામાં તો ભારત સરકારે તપાસ કરીને રીપોર્ટ આપી દેવો પડયો અને ભારતના વિકાસ યાદવ નામના ભૂતપૂર્વ જાસૂસ સામે કેસ કરવાની જાહેરાત પણ કરવી પડી છે. 

ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગને વ્યક્તિગત રીતે નિમંત્રણ આપીને મોદીના ઘા પર મીઠું ભભરાવ્યું છે. ટ્રમ્પે મોદીને બદલે જિનપિંગને મહત્વ આપીને મોદીનું નાક વાઢીને તાસકમાં ધરીને આપી દઈ તેમની હૈસિયત બતાવી દીધી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. 

ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછી સતત ચીન વિરોધી નિવેદનો આપ્યા કરે છે. 

ચીનના માલ પર 100 ટકા કર લાદવાની ધમકી પણ ટ્રમ્પ આપી ચૂક્યા છે. તેના કારણે મોદીભક્તો એવી વાતો કરતા હતા કે, ટ્રમ્પ મોદી સાથે હાથ મિલાવીને ચીનને સીધું કરી નાંખવાની વ્યૂહરચના અમલમાં મૂકશે. મોદી સાથેની દોસ્તીના કારણે ટ્રમ્પ ભારતનાં હિતોને બહુ નુકસાન નહીં કરે પણ ટ્રમ્પે આ બધી વાતો ખોટી પાડી છે. 

ટ્રમ્પ દ્વારા જિનપિંગને નિમંત્રણ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, અમેરિકા માટે ભારત કરતાં ચીન વધારે મહત્વનું છે. મોદીભક્તો ભલે ગમે તેવી વાતો કરે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા સાથે સંબધો વધારે બગાડવા નથી માગતા. 

રાજકીય વિશ્લેષકોના મતે, ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા અને બગડેલા સંબંધોને સુધારવા દોસ્તીનો હાથ લંબાવ્યો તેનું કારણ ચીનનું આર્થિક પ્રભુત્વ છે. મોદીએ ભારતની આર્થિક તાકાત અંગે બણગાં બહુ ફૂંક્યાં પણ ગગડતો રૂપિયો, શેરબજારોમાંથી પાછું ખેંચાઈ રહેલું વિદેશી રોકાણ, ઘટતી જતી નિકાસ વગેરે પરિબળો ભારતની સાચી આર્થિક સ્થિતી દર્શાવે છે. સામે વિદેશી રોકાણકારો ચીનનાં શેરબજારોમાં રોકાણ કરવા લાઈન લગાવી રહ્યા છે. 

ટ્રમ્પે મોદીની જેમ આત્મગૌરવને પણ કોરાણે નથી મૂક્યું.  જિનપિંગને વ્યક્તિગત નિમંત્રણ આપ્યું હોવા છતાં જિનપિંગે પોતે હાજર નહીં રહે એવી જાહેરાત કરી છે. બીજી તરફ મોદી દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશના વડાપ્રધાન હોવા છતાં નિમંત્રણ મળે એ માટે ફાંફાં મારતા હતા અને વિદેશ મંત્રી જયશંકર તથા એનએસએ અજીત દોવાલને અમેરિકા દોડાવ્યા હતા.

ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ 'ધી કેપીટોલ'ના મધ્યસ્થ ખંડમાં યોજાશે

વોશિંગ્ટન : પૂર્વ અમેરિકામાં -6 ડીગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાન પ્રવર્તે છે. આ પરિસ્થિતિ તા. 20 જાન્યુઆરીએ પણ ચાલુરહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. તે સંયોગોમાં અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ વિધિ, જે સામાન્યતઃ સંસદગૃહ 'ધી કેપીટોલ'ના પગથિયા પાસે યોજાય છે. તે સંસદ ગૃહના અંદરના ભાગમાં આવેલા મધ્યસ્થ ખંડમાં યોજવા નિર્ણય લેવો પડયો છે. તે માટે તૈયારીઓ ચાલી રહી છે.

40 વર્ષ પછી આ પ્રમાણે કરવું પડયું છે. પ્રશ્ન તે છે કે આટલા બધા મહેમાનોને સમાવવા માટે તેટલી જગ્યા ઓછી પડે તેમ છે. તેથી કેટલાકને પ્રો.બાસ્કેટ બોલ અને હોકી એરીયામાં શમીયાણા નીચે બેસવાની વ્યવસ્થા કરવી પડે તેમ છે.

ધી કેપીટોલનો વિશાળ ગોળાકાર ખંડ ધી રોટુન્ડા કહેવાય છે.પ્રમુખ રોનાલ્ડ રીગને 1985માં બીજી વખત પદ સંભાળ્યું ત્યારે પણ સખત ઠંડીને લીધે આ ખંડમાં શપથવિધિ યોજાઈ હતી. ટ્રમ્પ શપથ લેશે, તે સમયે વિદાય લેતા પ્રમુખ જો બાયડને, અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. શપથ વિધિ માટેનું નાનું એવું પ્લેટફોર્મ અત્યારે તૈયાર થઈ રહ્યું છે.

આ વિધિ નજરો-નજર જોવા અનેક નાગરિકો સ્થળે પહોંચવા માગે તે સહજ છે, પરંતુ જગ્યાના અભાવે તેઓને બહાર જ રાખવા પડશે. રોનાલ્ડ રીગને -14 ડીગ્રી સેલ્સીયસ ઉષ્ણતામાન હતું ત્યારે (બીજી વખત) શપથ લીધા હતા. ઉષ્ણતામાન આટલું નીચું જવાનું કારણ તે સમયે ફૂંકાતા ઠંડા હેમ પવનો હતું.

બરાક ઓબામાએ બીજી વખત શપથ લીધા ત્યારે ટેમ્પરેચર 28 ડીગ્રી ફેરનહીટ (-2 ડીગ્રી સેલ્સિયસ) હતું. જ્યારે પહેલી વખતે ટેમ્પરેચર ૫.૫ ડીગ્રી સેલ્સિયસ હતું તેથી શપથવિધિ બહાર ખુલ્લામાં યોજાઈ શકયા હતા. આ વખતે ટ્રમ્પ શપથ લેશે ત્યારે ટેમ્પરેચર -6 ડીગ્રી જેટલું થવાની હવામાન ખાતાની આગાહી છે. તે સંદર્ભે ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું મારા શપથવિધિ દરમિયાન નાગરિકોને મુશ્કેલી પડે તે જોવા માગતો નથી.'

ઉલ્લેખનીય છે કે પ્રમુખ જ્હોન એફ કેનેડીએ શપથ લીધી ત્યારે પણ ઘણી ઠંડી હતી. તેમ છતાં તેઓએ ધી કેપીટોલ નાં પગથિયા પાસે જ (ખુલ્લામાં) શપથ લીધા હતા. શપથ લેતી વખતે તેમજ તે પછી આપેલા ટૂંકા વક્તવ્ય સમયે તેઓના મુખમાંથી નીકળતી વરાળ ઉપર ઝાકળ-કણો જામેલા જોવા મળતાં હતાં.

આટલી ઠંડી છતાં શપથ ગ્રહણ પછી વિધિવત પ્રમુખ બનેલા ટ્રમ્પ મોટર કાફલો વ્હાઈટ હાઉસ પહોંચશે. તે પૂર્વે કેપિટોલના પટાંગણમાં નાની એવી સેરીમોનિયલ પરેડ પણ યોજાશે. જે નેશનલ કેપિટલ રીજીયનના જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા યોજવામાં આવશે.

ટ્રમ્પે દુનિયામાં સત્તા ના હોય એવા નેતાએને પણ નિમંત્રણ આપ્યાં

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શપથવિધી સમારોહ માટે વિશ્વમાંથી ૧૨ નેતાઓને નિમંત્રણ આપ્યું તેમાંથી અડધાથી વધારે નેતા તો સત્તામાં જ નથી પણ વૈચારિક રીતે ટ્રમ્પ સાથે એક વેવ લેન્થ પર હોવાથી તેમને નિમંત્રણ મળ્યું છે. 

ટ્રમ્પે વ્યક્તિગત નિમંત્રણ આપ્યું તેમાં શી જિનપિંગ (ચીનના પ્રમુખ), જેવિયર મિલેઈ (આર્જેન્ટિનાના પ્રમુખ), વિક્ટર ઓર્બાન (હંગેરીના વડાપ્રધાન), નયીબ બુકેલે (એલ સાલ્વાડોરના પ્રમુખ), શિગેરૂ ઈશિબા (જાપાનના વડાપ્રધાન) અને જ્યોર્જિયા મેલોની (ઈટાલીનાં વડાપ્રધાન) એમ છ નેતા હાલમાં સત્તાસ્થાને છે જ્યારે છ નેતા સત્તાસ્થાને નથી. 

આ નેતાઓમાં નિગેલ ફરાઝ (યુકે રીફોર્મ પાર્ટીના પ્રમુખ), ઝાયર બોલસોનારો (બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ), એરિક ઝેનમ્મોર (ફ્રાન્સના કટ્ટરવાદી જમણેરી નેતા), ટીનો ચ્રુપાલા (જર્મનીના જમણેરી નેતા), ટોમ વાન ગ્રીકેન (બેલ્જિયમની વ્લામ્સ પાર્ટીના નેતા) અને સાન્ટિયાગો એબેસ્કલ (સ્પેનની વોક્સ પાર્ટીના નેતા) સત્તામાં નથી. 

આ છ નેતા ટ્રમ્પની જેમ જ પોતપોતાના દેશમાં વિદેશીઓને નહીં ઘૂસવા દઈને રાષ્ટ્રવાદની વિચારધારાને મહત્વ આપી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમો સામેનો તેમનો અણગમો જગજાહેર છે. 

મોદીએ પણ પોતે રાષ્ટ્રવાદી અને હિંદુવાદી નેતા હોવાનો ડોળ કરેલો પણ ધીરે ધીરે મોદીનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. 

મોદીને રાષ્ટ્રવાદ કે હિંદુવાદમાં નહીં પણ તકવાદ અને સત્તામાં જ રસ છે. પોતાના ફાયદા માટે જરૂર પડે ટ્રમ્પનો પણ ઉપયોગ કરીને ફેંકી દેવાની યુઝ એન્ડ થ્રો માનસિકતાના કારણે ટ્રમ્પે મોદીથી વેગળા રહેવાનું પસંદ કર્યું હોવાનું મનાય છે.

News-Focus

Google NewsGoogle News