ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ગેંગ રેપની પોલીસ ફરિયાદ, ભાજપ નેતાગીરી ચૂપ
- યુવતીની ફરિયાદ છે કે જુલાઈ 2023માં મોહનલાલ બદોલીએ એક હોટલમાં ગાયક જયભગવાન ઉર્ફે રોકી મિત્તલ સાથે મળી તેના પર ગેંગરેપ કર્યો હતો
- ભાજપના હરિયાણા પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી સામે દિલ્હીની યુવતીએ ગેંગ રેપની ફરિયાદ નોંધાવી એ મુદ્દે હરિયાણાની ભાજપ સરકાર અને ભાજપની નેતાગીરી આ મામલે ચૂપ છે પણ હરિયાણાની ભાજપ સરકારના મંત્રી અનિલ વિજે અસંતોષનો સૂર કાઢયો છે. વિજે બડોલી સામેના આરોપોને અત્યંત ગંભીર ગણાવીને હાઈકમાન્ડ પગલાં લે એવી ખુલ્લી માગણી કરી છે. બડોલી સામેના કેસમાં સાક્ષી તરીકે ભાજપનો જ સોનીપતનો નેતા અમિત બિંદલ સાક્ષી છે તેથી ભાજપની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. બડોલી સામે બળાત્કારની ફરિયાદ કરનારી યુવતીનો આક્ષેપ છે કે, બડોલી અને ગાયક રોકી મિત્તલે તેને બળજબરીથી દારૂ પિવડાવીને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
ભાજપ કોલકાત્તામાં આર.જી. કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મુદ્દાને ચગાવી રહ્યો છે ત્યારે ભાજપના હરિયાણા પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી સામે દિલ્હીની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ઘમાસાણ મચ્યું છે. હરિયાણાની ભાજપ સરકાર અને ભાજપની નેતાગીરી આ મામલે ચૂપ છે પણ હરિયાણાની ભાજપ સરકારના મંત્રી અનિલ વિજે અસંતોષનો સૂર કાઢયો છે. વિજે બડોલી સામેના આરોપોને અત્યંત ગંભીર ગણાવીને હાઈકમાન્ડ પગલાં લે એવી ખુલ્લી માગણી કરી છે. બડોલી સામેના કેસમાં સાક્ષી તરીકે ભાજપનો જ સોનીપતનો નેતા અમિત બિંદલ સાક્ષી છે તેથી ભાજપની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે.
બડોલી સામે બળાત્કારની ફરિયાદ કરનારી યુવતી અમિત બિંદાલને ત્યાં કામ કરતી હતી. યુવતીની ફરિયાદ છે કે, જુલાઈ ૨૦૨૩માં મોહનલાલ બડોલીએ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના કસૌલીની એક હોટલમાં ગાયક જય ભગવાન ઉર્ફે રોકી મિત્તલ સાથે મળીને તેના પર ગેંગ રેપ કર્યો હતો.
અત્યારે ૨૮ વર્ષની યુવતીને સરકારી નોકરી જોઈતી હતી તેથી બિંદલ તેને બડોલીને મળવા લઈ ગયો હતો. યુવતીની સાથે તેની એક ફ્રેન્ડ પણ આવી હતી. હોટલમાં બિંદલ પોતે એક રૂમમાં અને બે યુવતીઓ અલગ રૂમમાં રહી હતી. બિંદલનું કહેવું છે કે, બડોલીએ તેને યુવતીઓને પોતાના રૂમમાં મોકલવા કહ્યું પછી બંને યુવતી બડોલીના રૂમમાં ગઈ હતી. અંદર શું બન્યું એ પોતાને ખબર નથી પણ યુવતીએ બહાર આવીને પોતાના પર ગેંગ રેપ થયાની ફરિયાદ કરી હતી.
યુવતીના કહેવા પ્રમાણે, બડોલીના રૂમમાં ગયા પછી રોકી મિત્તલે તેની ફ્રેન્ડને બહાર મોકલી દીધી હતી. રોકીએ તેને પોતાના મ્યુઝિક વીડિયોમાં કામ અપાવવાનું વચન આપ્યું હતું જ્યારે બડોલીએ સરકારી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. એ પછી બડોલી અને મિત્તલે તેને બળજબરીથી દારૂ પિવડાવ્યો અને પહેલાં બડોલીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા ને પછી રોકી મિત્તલે હવસનો શિકાર બનાવી હતી. બડોલી અને રોકીએ યુવતીને નગ્ન કરીને તેના શરીરને ચેડાં કરતા હોય એવા વીડિયો-ફોટા પણ શૂટ કર્યા હતા એવો પણ યુવતીનો આક્ષેપ છે.
યુવતી પર ગેંગ રેપની ઘટના દોઢ વર્ષ પહેલાં બની હતી પણ બડોલી-રોકીએ તેને ધમકી આપેલી અને સામાજિક બદનામીનો ડર હતો એટલે તેણે ફરિયાદ નહોંતી નોંધાવી એવું યુવતીનું કહેવું છે. યુવતી અત્યારે ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ એ માટેનું કારણ પણ એ છે કે, લગભગ બે મહિના પહેલા બડોલી અને રોકીએ તેને પંચકુલામાં આવવા દબાણ કર્યું હતું અને તેની સાથે શરીર સંબંધો બાંધવા દબાણ કર્યું હતું પણ યુવતી તૈયાર ના થતાં તેની વિરુદ્ધ કેસ નોંધવાની ધમકી આપીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી. એ પછી સતત તેના પર વશ થવા માટે દબાણ કરાતું હતું તેથી કંટાળીને યુવતીએ છેવટે પોલીસ ફરિયાદ કરી નાંખી.
યુવતીની ફરિયાદ પછી બડોલી-રોકી બંને ગાયબ છે પણ તેમણે પોતાના બચાવમાં યુવતીની ફ્રેન્ડને મેદાનમાં ઉતારી છે. યુવતીની ફ્રેન્ડનું કહેવું છે કે, પોતે બડોલીને ઓળખતી નથી પણ ભાજપના જ નેતા અમિત બિંદલે જાહેરમાં મીડિયા સામે આવીને કહ્યું છે કે, પોતે બંને યુવતીની સાથે કસૌલીની હોટલમાં ગયો ત્યારે બડોલી અને રોકી મિત્તલ હોટલમાં જ હતા. બંનેનો રૂમ અમારા ફ્લોર પર જ હતો.
હિમાચલ પ્રદેશમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે તેથી કસૌલી પોલીસ સ્ટેશનમાં બડોલી અને રોકી મિત્તલ સામે કેસ નોંધાઈ ગયો પણ તપાસ આગળ નથી વધતી કેમ કે કેસ જૂનો છે. યુવતીએ રેપની તારીખ કહી એ દોઢ વર્ષ જૂની છે અને યુવતીએ એ વખતે મેડિકલ ચેક-અપ કરાવ્યું નહોતું તેથી બળાત્કાર થયો હોવાનું સાબિત કરતા કોઈ પુરાવા નથી. હોટલમાં દોઢ વર્ષ જૂના સીસીટીવી પણ સચવાયેલા નથી તેથી કસૌલી પોલીસ મૂંઝાયેલી છે. યુવતીના આક્ષેપો ગંભીર છે પણ પુરાવાના અભાવે પોલીસના હાથ બંધાયેલા છે. પોલીસે યુવતી, તેની ફ્રેન્ડ, સાક્ષી અમિત બિંદલનાં નિવેદનો નોંધ્યાં છે પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
યુવતીએ બે મહિના પહેલાં પોતાને પંચકુલામાં બોલાવાઈ હતી એવું પણ ફરિયાદમાં કહ્યું છે. પંચકુલા હરિયાણામાં છે ને હરિયાણામાં તો ભાજપની સરકાર છે તેથી બડોલી માટે મોસાળમાં જમણનાર ને મા પિરસે જેવો ઘાટ છે. પંચકુલામાં પોલીસે યુવતીને બોલાવીને ધમકાવી એવો પણ આક્ષેપ થયેલો જ છે પણ તેની તપાસ કરવાની તસદી સુદ્ધાં લેવાઈ નથી.
તપાસ થવાની પણ નથી કેમ કે બડોલીના ઈશારે પોતે યુવતીને ખોટો કેસ કરવાની ધમકી આપેલી એવો ક્યો પોલીસવાળો સ્વીકારવાનો છે ?
અત્યારે જે સ્થિતી છે તેમાં યુવતી પર બળાત્કાર થયો હોવાનું સાબિત કરવું મુશ્કેલ છે પણ આ મુદ્દો અપરાધની સાથે સાથે નૈતિકતા સાથે પણ જોડાયેલો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર બેઠેલી વ્યક્તિ સામે ગેંગ રેપમાં સંડોવણીની ફરિયાદ નોંધાય પછી ભાજપે તેને ગંભીરતાથી લેવી જ જોઈએ. કોંગ્રેસ સહિતના વિપક્ષો તો બડોલીને પ્રદેશ ભાજપ પ્રમુખપદેથી દૂર કરવાની જ માંગ કરી રહ્યા છે.
ભાજપ એવું પગલું ના ભરે તો પણ કમ સે કમ બડોલી સામે તપાસ તો કરાવી જ શકે પણ ભાજપ એ માટે પણ તૈયાર નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળુંની માનસિકતા ધરાવે છે. બીજા રાજ્યમાં બળાત્કારની ઘટના વખતે ભાજપ રાડારાડ કરે તેમાં કંઈ ખોટું નથી પણ પોતાના મોટા નેતા સામે પોલીસ ફરિયાદ થાય ત્યારે ચૂપ થઈને બેસી રહેવું ક્યા પ્રકારની નૈતિકતા છે ?
હરિયાણવી સિંગર રોકીએ મોદીભક્તિમાં 200થી વધારે ગીતો લખ્યાં, રાહુલની માફી માંગી કોંગ્રેસમાં જોડાયો
રોકી મિત્તલનું મૂળ નામ જય ભગવાન મિત્તલ છે. એક જમાનામાં રોકી નરેન્દ્ર મોદીનો પરમ ભક્ત હતો.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં રોકીએ મોદીની પ્રશસ્તિમાં ગીતો ગાઈને મોદીની તરફેણમાં હરિયાણામાં માહોલ ઉભો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોદી વડાપ્રધાન બન્યા પછી પણ રોકીએ ભક્તિ ચાલુ રાખીને ગીતો પર ગીતો બનાવ્યાં છે. રોકી મિત્તલે મોદી પર ૨૦૦થી વધારે ગીતો બનાવ્યાં છે.
આ ભક્તિના કારણે રોકી મિત્તલને હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની ભાજપ સરકારે માહિતી અને જનસંપર્ક વિભાગના પબ્લિસિટી સેલનો ચેરમેન બનાવ્યો હતો. એ પછી ખટ્ટરે રોકીને હરિયાણા સરકારના સુધાર સેલનો ચેરમેન બનાવ્યો હતો.
સુધાર સેલના ચેરમેન તરીકે રોકીએ આતંક મચાવેલો. રોકી ગમે ત્યાં દરોડા પાડવા પહોંચી જતો તેના કારણ ભારે વિવાદો થયા પછી સુધાર સેલ જ બંધ કરી દેવો પડેલો.
૨૦૧૯ની લોકસભા અને હરિયાણા વિધાનસભા ચૂંટણી વખતે રોકીએ મોદીનાં વખાણ કરવાની સાથે સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ભૂપિન્દરસિંહ હુડ્ડાને ગાળો આપતાં ગીતો બનાવીને વિવાદ સર્જ્યો હતો.
રોકીને ભાજપ પોતે કરેલી લેવાના બદલામાં મોટો હોદ્દો આપશે એવી આશા હતી પણ ૨૦૧૯ પછી ભાજપે તેને અવગણવા માંડતાં રોકી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હાજર રહ્યો હતો અને જાહેરમાં રાહુલની માફી માગી હતી. રોકીએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત પણ કરી હતી. રોકીએ મોદી સહિતના નેતાઓને લખેલા પત્રમાં આક્ષેપ કરેલો કે, પોતે નિઃસ્વાર્થભાવે સેવા કરી હોવા છતાં ભાજપ પોતાની અવગણના કરે છે અને હરિયાણામાં ભાજપ શાસનમાં પોતાની સામે ઘણા ખોટા કેસો દાખલ કરાયા છે.
મોદી પાસે હરિયાણાનો હવાલો હતો ત્યારે સંઘમાંથી આવેલા બડોલી મોદીની નજીક આવેલા
ગેંગ રેપના આરોપનો સામનો કરી રહેલા મોહનલાલ બડોલી માત્ર મેટ્રિક પાસ છે અને સોનિપતમાં કપડાંની દુકાન ધરાવે છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હોવાથી ભાજપમાં આગળ આવ્યા છે. બડોલીની છાપ સારા વક્તા તરીકેની છે. છેક ૧૯૮૯થી ભાજપમાં સક્રિય બડોલી આ પહેલાં કોઈ મોટા વિવાદમાં ફસાયા નથી.
ચૌટાલા પરિવારનો ગઢ મનાતા સોનિપતમાં ભાજપનાં મૂળિયાં ઉંડાં કરનારા કાર્યકર તરીકે બડોલીનું નામ જાણીતું છે. ભાજપ સંગઠનમાં લાંબો સમય કામ કરનારા અને સંગઠન મહામંત્રી રહી ચૂકેલા બડોલી સોનિપતમાં ઈન્ડિયન લોકદળનો દબદબો હતો ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે જીતનારા ભાજપના પહેલા સભ્ય હતા.
ગુજરાતમાં કેશુભાઈ પટેલ સરકાર સામે થયેલા બળવાના પગલે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડીને દિલ્હી લઈ જવાયેલા. મોદીને હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોનો હવાલો સોંપાયો ત્યારે બડોલી મોદીની નજીક આવ્યા હોવાનું મનાય છે.
બડોલીને ભાજપે ૨૦૧૯માં સોનિપત જિલ્લાની રાઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. પરંપરાગત રીતે કોંગ્રેસની મનાતી બેઠક આંચકી લઈ બડોલીએ સોપો પાડી દીધો હતો. ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બડોલીને સોનિપત લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી પણ કોંગ્રેસના સતપાલ બ્રહ્મચારી સામે ૨૧ હજાર મતે હારી ગયા હતા. આ હાર છતાં ભાજપે બડોલીને જુલાઈમાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારે આશ્ચર્ય સર્જાયેલું પણ બડોલીએ બિન-જાટ મતદારોને એક કરીને ભાજપને જીત અપાવવામાં ભજવેલી મહત્વની ભૂમિકાના કારણે તેમનું વર્ચસ્વ વધ્યું છે.