ટ્રમ્પના ફતવાઓથી 54 લાખ ભારતીય ચિંતિત, વિદેશીઓ નથી ગમતા! અમેરિકન પ્રમુખને ફક્ત આ વાતમાં રસ
- ટ્રમ્પે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો તેના 10 દિવસ પછી 'પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન' એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડેલો. આ ઓર્ડર 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે.
- ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફસ્ટના તેમના નારાને વધારે ગંભીરતાથી લઈ રહ્યા છે. અમેરિકામાં જન્મેલા નહીં પણ જેમનાં મૂળિયાં સદીઓથી અમેરિકામાં છે એવા લોકો સિવાય બીજાં બધાં લોકો અમેરિકામાં કોઈ કામના નથી, નકામા છે એવો અહેસાસ ટ્રમ્પ વિદેશીઓને કરાવી રહ્યા છે. અમેરિકાના વિઝા મળી ગયા તેથી અમેરિકા તમારા બાપનું નથી થઈ ગયું અને ગમે ત્યારે અમેરિકાની સરકાર તમને લાત મારીને કાઢી મૂકી શકે છે એવો અહેસાસ ટ્રમ્પ વિદેશીઓને કરાવી રહ્યા છે. આ રીતે ટ્રમ્પ વિદેશીઓ પર દબાણ લાવીને તેમને અમેરિકા તરફ વધારે વફાદાર બનાવવા મથી રહ્યા છે પણ તેના કારણે વાસ્તવમાં તેમનો ડર વધી રહ્યો છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી પછી વિદેશીઓ માટે અમેરિકામાં રહેલું વધારે ને વધારે કપરું થતું જાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓનો તો લાત મારીને તગેડાવા જ માંડયા છે પણ જે લોકો કાયદેસર વિઝા લઈને અમેરિકા આવ્યા છે તેમના માટે પણ અમેરિકામાં રહેવાનું કપરું થતું જાય એવા નવા નવા નિયમો બનાવ્યા જ કરે છે.
એક સમયે વિદેશીઓ માટે સ્વર્ગ સમાન ગણાતા દેશ અમેરિકામાં જતાં જ બીજા દેશના નાગરિકો સો વાર વિચાર કરે એવી હાલત ડોનાલ્ડ ટ્રમ્પે કરી નાંખી છે. આપણને કલ્પના પણ ના આવે એક પછી એક ફતવા બહાર પાડીને ટ્રમ્પ અમેરિકામાં રહેતા વિદેશીઓ ભાગવા માંડે એવો માહોલ પેદા કરવા માંડયો છે. તેના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો ફતવો બહાર પાજ્યો છે કે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે હંમેશા અમેરિકામાં પોતાની કાયદેસર સ્થિતિનો પુરાવો સાથે રાખવો જ પડશે.
ટ્રમ્પે પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો તેના 10 દિવસ પછી 'પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન' એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડેલો. આ ઓર્ડર 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. ટ્રમ્પ સરકારના કહેવા પ્રમાણે, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાનો અને ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશનિકાલ કરવા માટે આ ઓર્ડર બહાર પડાયો છે પણ ટ્રમ્પ જે રીતે આગળ વધી રહ્યા છે એ જોતાં એ અમેરિકાના નાગરિકો ના હોય એ સિવાયના બધા વિદેશીઓને અમેરિકામાં રહેવા દેવા ના માગતા હોય એવી હાલત છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે બહાર પાડેલા નવા ફતવા પ્રમાણે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ હોલ્ડર હોય, H-1B કે અન્ય કોઈ વિઝા ધારક હોય, અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે પોતાની સાથે માન્ય ઓળખ દસ્તાવેજો રાખવા પડશે. ટ્રમ્પે વખારમાં પડેલા લગભગ 85 વર્ષ જૂના કાયદાનો અમલ કરવાનું ફરમાન કર્યું છે. એલિયન રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ 1940 એક્ટ પ્રમાણે અમેરિકામાં આવતા તમામ વિદેશીઓએ નોંધણી કરાવવી પડતી. એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તેથી યુદ્ધગ્રસ્ત દેશોમાંથી લોકો ભાગીને અમેરિકામાં આવતા હતા. તેમને રોકવા માટે આ ખાસ કાયદો બહાર પડાયેલો કે જેમાં યુ.એસ.માં ઇમિગ્રન્ટ્સને નોંધણી કરાવવાની જોગવાઈ કરાઈ હતી એ આ કાયદાનો અમલ ક્યારેય સતત અમલ કરવામાં આવ્યો નથી.
હવે ટ્રમ્પે આ જૂના કાયદાનો અમલ શરૂ કરાવ્યો છે તેથી તમામ ઇમિગ્રન્ટ્સે ફેડરલ સરકારમાં નોંધણી કરાવવી પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેેશન સવસીસ દ્વારા બહાર પડાયેલા આદેશ પ્રમાણે, યુએસ વિઝા માટે અરજી કરતી વખતે નોંધણી કરાવી ના હોય કે ફિંગરપ્રિન્ટ ના આપ્યા હોય એવા, 30 દિવસ કે તેથી વધુ સમય માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા 14 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા એલિયન્સ (વિદેશી) માટે નોંધણી અને ફિંગરપ્રિન્ટિંગ માટે અરજી કરવી ફરજિયાત છે.
એકવાર નોંધણી કરાવ્યા પછી, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા ઇમિગ્રન્ટ્સે 247 પોતાની સાથે રજિસ્ટ્રેશનનો પુરાવો રાખવો આવશ્યક છે.
કોઈની પાસે નોંધણીનો પુરાવો ના હોય તો તેમને 5000 ડોલર સુધીનો દંડ અથવા 30 દિવસની જેલ અથવા બંને થઈ શકે છે. જે લોકો 30 દિવસ કરતાં વધારે રોકાશે તેમને રોજના 998 ડોલરનો દંડ થશે. 11 એપ્રિલના રોજ કે તે પછી અમેરિકા આવનારાઓએ અમેરિકામાં આગમનના 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુંપડશે અને તેનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ દંડ, કેદ અથવા બંને થઈ શકે છે. એ જ રીતે સરનામું બદલાયું હોય તો પણ વ્યક્તિએ 10 દિવસની અંદર જાણ કરવી પડશે, પાલન નહીં કરવા બદલ 5000 ડોલર સુધીના સુધીનો દંડ થશે. 14 વર્ષના બાળકોએ 30 દિવસની અંદર ફરીથી નોંધણી કરાવવી પડશે અને ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરવા પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિદેશીઓ અમેરિકા છોડીને જતા રહે એ માટે સેલ્ફ-ડીપોર્ટ કરવા પણ સલાહ આપી છે.
અમેરિકન સરકારે બહાર પાડેલા આદેશ પ્રમાણે, જે લોકો સેલ્ફ ડીપોર્ટ કરશે એટલે કે પોતાની રીતે જ વિદેશ છોડીને જતા રહેશે તેમને અમેરિકામાં કરેલી કમાણીની રકમ સાથે લઈ જવાની મંજૂરી પણ અપાશે.
ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારનાં પગલાં કેમ લઈ રહ્યા છે એ સમજવું અઘરું છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને કાઢી મૂકવા માટે ટ્રમ્પ પગલાં લે તેમાં કોઈને કશું ખોટું નથી લાગતું. કોઈ પણ દેશની સરકાર ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને તગેડવા માટે પગલાં લે એ તેનો અધિકાર છે પણ જે લોકો કાયદેસર રીતે અમેરિકામાં આવ્યા છે, કાયદેસર અમેરિકામાં રહે છે તેમનું જીવવું હરામ કરવું એ માનસિક વિકૃતિ છે એવું અમેરિકનોને જ માને છે.
વિશ્લેષકોનો એક વર્ગમાને છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફસ્ટના તેમના નારાને વધારે ગંભીરતાથી લઈ રહ્યા છે. અમેરિકામાં જન્મેલા નહીં પણ જેમનાં મૂળિયાં સદીઓથી અમેરિકામાં છે એવા લોકો સિવાય બીજાં બધાં લોકો અમેરિકામાં કોઈ કામના નથી, નકામા છે એવો અહેસાસ ટ્રમ્પ વિદેશીઓને કરાવી રહ્યા છે.
અમેરિકાના વિઝા મળી ગયા તેથી અમેરિકા તમારા બાપનું નથી થઈ ગયું અને ગમે ત્યારે અમેરિકાની સરકાર તમને લાત મારીને કાઢી મૂકી શકે છે એવો અહેસાસ ટ્રમ્પ વિદેશીઓને કરાવી રહ્યા છે. આ રીતે ટ્રમ્પ વિદેશીઓ પર દબાણ લાવીને તેમને અમેરિકા તરફ વધારે વફાદાર બનાવવા મથી રહ્યા છે પણ તેના કારણે વાસ્તવમાં તેમનો ડર વધી રહ્યો છે.
ટ્રમ્પ અમેરિકાને ફરી મહાન બનાવવા માગે છે પણ વિદેશીઓમાં ડર પેદા કરીને કઈ રીતે મહાન બની શકશે એ ખબર નથી. બલ્કે તેના કારણે ભવિષ્યમાં અમેરિકાને કોઈ પણ પ્રકારનો વર્ક ફોર્સ નહીં મળે એવો ખતરો વધતો જાય છે. સતત લટકતી તલવાર નીચે જીવવાના બદલે વિદેશીઓ અમેરિકા જ નહીં આવવાનું પસંદ કરશે.
ટ્રમ્પનાં વિઝાને લગતા ફતવાઓથી અમેરિકામાં રહેતા 54 લાખ ભારતીયો તણાવમાં
અમેરિકામાં આશરે 54 લાખ ભારતીયો અલગ અલગ કેટેગરી હેઠળ રહે છે. આ પૈકી 2.20 લાખ ભારતીયો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. કુલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના માત્ર 2 ટકા ભારતીયો છે પણ સ્ટુડન્ટ વિઝા ધરાવતા કે H1B વિઝા ધરાવતા ભારતીય નાગરિકોની સંખ્યા બહુ મોટી છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અથવા અન્ય પ્રકારના વિઝા પર અમેરિકામાં રહેતા ભારતીયોને અત્યારે તગેડી મૂકાય એવી સંભાવના ઓછી છે. અત્યારે તેમણે નોંધણી કરાવવાની જરૂર નથી પણ અમેરિકામાં કાયદેસર રીતે રહી શકે છે એ અંગેના દસ્તાવેજો સાથે રાખવા પડશે. અમેરિકાની સરકારે સ્પષ્ટતા કરી જ છે કે, નોંધણી યુએસમાં રહેવાની પરવાનગીની ગેરંટી આપતી નથી અને યોગ્ય કાનૂની દસ્તાવેજો વિના, વ્યક્તિઓને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. તેના કારણે કાયદેસરના વિઝા સાથે રહેનારા ભારતીયો પણ દબાણમાં આવશે જ.
અમેરિકામાં રહીને ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પહેલેથી દબાણ હેઠળ છે કેમ કે અમેરિકાની સંસદમાં ખરડો લવાયો છે કે, સાયન્સના વિદ્યાર્થીઓને પહેલાં ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષ નોકરી શોધવા માટે અમેરિકામાં રહેવા માટેનો જે સમય મળતો હતો એ હવે નહીં મળે. મતલબ કે ગ્રેજ્યુએશન પછી તરત તેમને ડીપોર્ટ કરીને પોતપોતાના દેશ મોકલી દેવાશે. હવે આ નવા નિયમના કારણે તેમના પર તણાવ વધશે.
ટ્રમ્પને 44 કરોડનાં ગોલ્ડ કાર્ડ વેચવામાં રસ, મફતિયા વિદેશી નથી જોઈતા
વિશ્લેષકોના મતે, ટ્રમ્પ વિદેશીઓ પર દબાણ લાવીને તેમને અમેરિકામાંથી ભગાડવા માગે છે કેમ કે તેમને અમેરિકાની સિટિઝનશીપમાં જોરદાર નફો દેખાઈ રહ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં રોકાણ દ્વારા અપાતા ઈબી-૫ વિઝા બંધ કરાવીને ગોલ્ડ કાર્ડ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. ગોલ્ડ કાર્ડની કિંમત ૫૦ લાખ ડોલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
ટ્રમ્પને લાગે છે કે, લોકો ગોલ્ડ વિઝા લેવા માટે પડાપડી કરી મૂકશે. લોકો નાણાં ખર્ચીને અમેરિકા રહેવા આવવા માગતાં હોય તો પછી મફતમાં અમેરિકામાં રહેવા માગતાં લોકોની પોતાને જરૂર નથી એવું ટ્રમ્પ માને છે.
ટ્રમ્પ બિઝનેસમેની રીતે વિચારે છે અને એક દેશ નહીં પણ રીસોર્ટ ચલાવતા હોય એ રીતે વર્તી રહ્યા છે. તેમને ધનિકો આવીને અમેરિકામાં રહે એવું જોઈએ છે પણ અર્થતંત્ર કે સિસ્ટમ ધનિકોથી નથી ચાલતી.