Get The App

'વન નેશન, વન ઈલેક્શન'ના કારણે ચૂંટણીનો ખર્ચ ઘટશે નહીં પણ વધશે, 5000 કરોડના તો EVM ખરીદવા પડે

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
'વન નેશન, વન ઈલેક્શન'ના કારણે ચૂંટણીનો ખર્ચ ઘટશે નહીં પણ વધશે, 5000 કરોડના તો EVM ખરીદવા પડે 1 - image


- મોદી સરકારની યોજના તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની સાથે યોજવાની છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી હોય છે પણ ગ્રામીણ વિસ્તારોમાં તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રણ ચૂંટણી હોય છે તેથી ગ્રામીણ વિસ્તારોમા દરેક બૂથ પર એક સાથે પાંચ-પાંચ ઈવીએમ જોઈએ જ્યારે શહેરી વિસ્તારોમાં પણ ૩-૩ ઈવીએમ તો જોઈએ જ. હવે આટલી જંગી સંખ્યામાં ઈવીએમ ખરીદવાં પડે તો તેના કારણે ચૂંટણીનો ખર્ચ ઘટશે કે વધશે ?  

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવા માટેના ખરડાને મંજૂરી આપી દીધી.  'વન નેશન, વન ઈલેક્શન'ના વિચાર સાથેનું આ બિલ સંસદના ચાલુ સત્રમાં જ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિએ ત્રણ મહિના પહેલાં 'વન નેશન, વન ઈલેક્શન'ના વિચારને વધાવી લેતો રીપોર્ટ આપેલો. મોદી સરકારે તેની ભલામણો સ્વીકારી લીધેલી તેથી ગમે ત્યારે 'વન નેશન, વન ઈલેક્શન' આવશે જ એ નક્કી હતું. મોદી સરકારે આ ભલામણો સ્વીકાર્યાના ત્રણ મહિનામાં જ તેને લગતો ખરડો લાવવાનું એલાન કરી દીધું છે. 

આ ખરડાની બધી વિગતો જાહેર કરાઈ નથી પણ પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય અને પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાએની ચૂંટણી પણ સાથે કરાય એ રીતે તેનો અમલ કરાશે એવું મનાય છે. 'વન નેશન, વન ઈલેક્શન'નો અમલ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી થશે કે પછી ૨૦૩૪માં થશે એ પણ નક્કી નથી પણ ભાજપના નેતા 'વન નેશન વન ઈલેક્શન'ના કારણે ચૂંટણીનો ખર્ચ બચી જશે અને દેશને જોરદાર ફાયદો થશે એવો પ્રચાર કરીને માહોલ જમાવવા મચી પડયા છે. 

'વન નેશન, વન ઈલેક્શન'ના કારણે ખર્ચ ઘટશે એવી દલીલ વાહિયાત છે. વાસ્તવમાં 'વન નેશન વન ઈલેક્શન'ના કારણે ચૂંટણીનો ખર્ચ વધશે. 'વન નેશન વન ઈલેક્શન' હેઠળ પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવાની દરખાસ્ત છે. એ પછી ધીરે ધીરે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ લોકસભા-વિભાનસભાની ચૂંટણી સાથે જ યોજાશે. 

શરૂઆતમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજાય તો પણ  ચૂંટણી પંચને નવા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈફસ્) ખરીદવા માટે દર ૧૫ વર્ષે અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે. આ આંકડો રાષ્ટ્રીય ચૂંટણી પંચે જ આપેલો છે. કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ઈવીએમનું આયુષ્ય ૧૫ વર્ષ છે એ જોતાં દર ૧૫ વર્ષે ઈવીએમ બદલવાં પડે ને એ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય.   આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં આખા ભારતમાં કુલ ૧૧.૮ લાખ મતદાન મથકો હતાં. લોકસભાની સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તો બૂથ એટલે કે  મતદાન મથક દીઠ બે ઈવીએમના સેટની જરૂર પડે.  લોકસભાની ચૂંટણીમાં વપરાયેલાં ઈવીએમ જ વારાફરતી દરેક રાજ્યમાં વાપરી શકાય છે પણ બંનેની ચૂંટણી સાથે થાય તો અલગ અલગ ઈવીએમ જોઈએ.  મતલબ કે, દેશમાં કુલ ૨૩.૬૦ લાખ ઈવીએમ જોઈએ. 

અત્યારે ચૂંટણી પંચ પાસે ૧૧.૮ લાખ બૂથ માટે ઈવીએમ હોય તો બીજાં ૧૧.૮ લાખ ઈવીએમ જોઈએ. આ ઈવીએમ માટે ૫૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ખર્ચવા પડે. એ વિના લોકસભાનીની સાથે વિધાનસભાની ચૂંટણી ના થઈ શકે. મતલબ કે, જ્યારે પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાશે ત્યારે કેન્દ્ર સરકારે ૫૦૦૦ કરોડ રૂપિયાનું આંધણ તો ઈવીએમ માટે કરી જ નાંખવું પડશે. આ આંધણ બિલકુલ નવાં ઈવીએમ માટે છે, બાકી વચ્ચે વચ્ચે ૧૫ વર્ષની આવરદા પૂરી થઈ ગઈ હોય એવાં ઈવીએમ બદલવાનો ખર્ચો અલગ. 

લોકસભાની ચૂંટણી પહેલાંના છેલ્લા ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટમાં માટે રૂપિયા ૧,૮૯૧.૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ રજૂ કરાયું નહોતું પણ ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું તેમાં ઈવીએમ માટે બીજા ૬૧૧.૨૭ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. મતલબ કે, લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈવીએમ માટે ૨૫૦૦ કરોડ રૂપિયા તો ફાળવી જ દેવાયા છે ને હવે માનો કે ૨૦૨૯માં લોકસભા ને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય તો બીજા ૫૦૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરવું પડે. 

આ ખર્ચ તો પાછો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાય તેનો છે. મોદી સરકારની યોજના તો સ્થાવિક સ્વરાજની ચૂંટણી પણ સાથે યોજવાની છે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી હોય છે પણ ગ્રામીણ વિસ્તારોમાં તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ત્રણ ચૂંટણી હોય છે તેથી ગ્રામીણ વિસ્તારોમા દરેક બૂથ પર એક સાથે પાંચ-પાંચ ઈવીએમ જોઈએ જ્યારે શહેરી વિસ્તારોમાં પણ ૩-૩ ઈવીએમ તો જોઈએ જ. હવે આટલી જંગી સંખ્યામાં ઈવીએમ ખરીદવાં પડે તો તેના કારણે ચૂંટણીનો ખર્ચ ઘટશે કે વધશે ?  

૨૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજવાનો ખર્ચ રૂપિયા ૧૧૦૦ કરોડ હતો.  ૨૦૧૪માં વધીને રૂપિયા ૪૦૦૦ કરોડ થયો અને ૨૦૧૯માં વધીને ૭૦૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયો.  આ વખતે ૧૨ હજાર કરોડનું આંધણ થયું હોવાનું કહેવાય છે. 

ચૂંટણી પંચે પોતે કેન્દ્ર  સરકારને લખેલા પત્રમાં લખ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવી હોય તો પણ ૪૬,૭૫,૧૦૦ બીયુ, ૩૩,૬૩,૩૦૦ સીયુ અને ૩૬,૬૨,૬૦૦ વીવીપેટની જરૂક પડે. ચૂંટણી પંચે ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરીમાં કાયદા મંત્રાલયને લખેલા તેના પત્રમાં આ વિગતો આપી હતી. એ વખતે બીયુના ૭,૯૦૦ રૂપિયા, સીયુના ૯,૮૦૦ રૂપિયા અને વીવીપેટના ૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ યુનિટ હોવાનો ઉલ્લેખ પંચે કરેલો. મતલબ કે એક ઈવીએમ ૩૪ હજાર રૂપિયાની આસપાસ પડે. આવાં ૧૨ લાખથી વધારે ઈવીએમ જોઈએ એ જોતાં ૪૧૦૦ કરોડનો ધુમાડો તો નવાં ઈવીએમ પાછળ જ કરવો પડે. આ સિવાય વીવીપેટ મશીન માટેના કાગળો, ઈલેક્ટોરલ સ્લીપ, સ્ટાફ, સીક્યુરિટી વગેરેનો ખર્ચ પણ વધવાનો છે એ જોતાં 'વન નેશન વન ઈલેક્શન'ના કારણે ચૂંટણીનો ખર્ચ બચી જશે એ વાતમાં માલ નથી. 

ચૂંટણી પંચે છેક 1983માં એક સાથે ચૂંટણીઓ યોજવાની તરફેણ કરેલી

'વન નેશન, વન ઇલેકશન'ની વાતો લાંબા સમયથી ચાલે છે. ૧૯૬૭ સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ યોજાતી પણ પછી રાજ્ય સરકારોને બરતરફ કરવાનું શરૂ કરાયું તેમાં બધું ખોરવાઈ ગયું. ૧૯૮૩માં ચૂંટણી પંચે 'વન નેશન, વન ઇલેકશન'ની તરફેણ કરેલી અને ઈન્દિરા ગાંધીને તેમાં રસ પણ પડેલો પણ ઈન્દિરા ગાંધીની હત્યા થતાં  બધું અભરાઈ પર ચડી ગયુ.  

૧૯૯૯માં આયોજન પંચે ૧૧૭માં રિપોર્ટમાં રાજકીય અસ્થિરતાને આધાર બનાવી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે કરવાની ભલામણ કરી હતી.  અટલ બિહારી વાજપેયી સરકારે એ દિશામાં વિચારણા પણ શરૂ કરાવેલી પણ વાજપેયી ગયા એટલે બધું ફરી અભરાઈ પર ચડી ગયું. વડાપ્રધાન બન્યાના બે વર્ષ પછી નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ઈચ્છા વ્યક્ત કરી હતી કે,  દેશમાં લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ યોજવી જોઈએ.  ૨૦૧૭માં નીતિ આયોગે પણ 'વન નેશન, વન ઇલેકશન'ની ભલામણ કરી નાંખેલી.  એ રીતે લગભગ ૪૧ વર્ષની ક્વાયત પછી ફરી 'વન નેશન, વન ઇલેકશન'નો કાયદો બનશે.

'વન નેશન, વન ઇલેકશન' માટે ભાજપ સાથી પક્ષો પર નિર્ભર

'વન નેશન, વન ઇલેકશન' હેઠળ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા બંધારણની કલમ ૩૨૪-એ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પણ લોકસભા અને વિધાનસભાની સાથે યોજવા માટે કલમ ૩૨૫માં સુધારો કરવો પડે. 

બંધારણીય સુધારો હોવાથી લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃતિયાંશ બહુમતી જોઈએ પણ મોટા ભાગના વિપક્ષો આ ખરડાની વિરૂધ્ધ છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પહેલાં જ વિરોધ કરી ચૂક્યાં છે. ડીએમકે સહિતના બીજા મોટા ભાગના પ્રાદેશિક પક્ષો પણ વિરૂધ્ધ હોવાથી આ ખરડો પસાર કરવો સરળ નથી. ભાજપ પાસે લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં  સ્પષ્ટ બહુમતી નથી તેથી ભાજપ આ ખરડાને પસાર કરાવવા માટે સાથી પક્ષો પર નિર્ભર છે.

News-Focus

Google NewsGoogle News