આપત્તિનો મહાસાગર એના અડગ અરમાનને અટકાવી શક્યો નહીં

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
આપત્તિનો મહાસાગર એના અડગ અરમાનને અટકાવી શક્યો નહીં 1 - image


- બસો વર્ષ પહેલાં ચીનના પ્રવાસે જનારો એકલો-અટૂલો અને ખમીરવંતો તારાચંદ

- મૈં સિર્ફ યહ જમીં પર બસતા હૂં,

ઔર પ્યાર મેરા ગગન હો ગયા હૈ,

મૈં સિર્ફ ચુભતે કાંટો મેં હીં પલા હૂં,

ફિર ભી તુમસે સુમન હો ગયા હૂં.

આજથી બસો વર્ષ પૂર્વેની આ ઘટના છે, પણ એ ઘટના છે એક ખમીરવંતા માનવીની, અજાણી દુનિયા ખેડવાની ખ્વાહિશની. આને માટે આણે કેટલાંય સાહસો કર્યાં, કેટલુંય સહન કર્યું, કેટલીય પછડાટ ખાધી, કેટલોય પુરુષાર્થ કર્યો અને અંતે સિદ્ધિ હાંસલ કરી!

એ સરફરોશ માનવીનું નામ હતું તારાચંદ મોતીચંદ શાહ, પણ ચીન તરફની એની દિવાનગી જોઈને સહુ એમને 'શાહ'ને બદલે 'ચિનાઈ' અટકથી સંબોધતા હતા. ચીન સાથે એમને અદ્ભુત ઘરોબો હતો.

મૂળે કાઠિયાવાડના મહેનતુ વતની. મુંબઈ શહેરની જાહોજલાલીનો સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યારે એ કાઠિયાવાડથી મુંબઈ આવ્યા અને કાબેલ વેપારી તરીકે સારી એવી ખ્યાતિ મેળવી. મુંબઈ આવ્યા છતાં એમની ભાષામાં કાઠિયાવાડી બોલીની ખુમારી હતી, તો વ્યવહારમાં શ્રદ્ધાળુ જૈનની નમ્રતા અને ધાર્મિકતા હતી, એમનો વ્યવસાય અફીણનો હતો. એ જમાનામાં ભારતમાંથી ચીનમાં પુષ્કળ પ્રમાણમાં અફીણ મોકલવામાં આવતું હતું. મોટા મોટા વેપારીઓ આવા અફીણની ખરીદી કરીને ચીનમાં મોકલતા હતા. કેટલાય શ્રેષ્ઠીઓ આ વ્યાપારથી અતિ શ્રીમંત બન્યા હતા.

તારાચંદ મોતીચંદ શાહ પણ એક એવો જ અદનો વેપારી હતો, પરંતુ એની દ્રષ્ટિ માત્ર વેપાર કે આવક-જાવક યા નફા-તોટા સુધી સીમિત નહોતી. આથી પોતાના વેપાર ધંધાથી સંતુષ્ટ રહેવાને બદલે એ સતત અવનવા વિચારો કરતો હતો. બીજા બધા વેપારીઓ વહાણમાં અફીણ ભરીને ચીનમાં વેચવા મોકલતા હતા. એમને માત્ર લે-વેચનો સંબંધ હતો. બાકી ચીન દેશ વિશે એમને સ્નાન-સૂતકનો ય સંબંધ નહોતો. આવા સમયે તારાચંદને એમ થયું કે આ ચીનમાં અફીણ મોકલીને આવક મેળવીએ છીએ, એ તો ઠીક, પરંતુ એ ચીન દેશ કેવો છે એની જાણકારી મેળવવી જોઈએ.

વેપાર કરીને રળીએ તે પૂરતું નથી. સાહસ કરીને એને સમજવો જોઈએ. બસો વર્ષ પૂર્વે કોઈ હિંદુ ચીનમાં ગયો નહોતો. સહુ કોઈ ચીન દેશના માત્ર નામથી જ વાકેફ હતા, પરંતુ એ દેશની સ્થિતિ-પરિસ્થિતિથી તદ્દન અજ્ઞાાત હતા. પણ તારાચંદ એવો જિજ્ઞાાસુ હતો કે એની જિજ્ઞાાસાને કોઈ બંધન અટકાવી શકે તેમ નહોતું. 

બસો વર્ષ પૂર્વે કોઈ હિંદુ ચીનમાં ગયો નહોતો. એ સમયે મુંબઈમાં જે ચીનાઓ વસતા એમની એણે મુલાકાત કરી. ચીનને લગતી સઘળી હકીકત મેળવી. ચીનના પ્રવાસ અંગે કુટુંબીજનોની સલાહ પૂછી તો સહુએ સ્પષ્ટ ઇન્કાર કર્યો. તારાચંદની પત્નીએ પણ ઘસીને ના પાડી, પરંતુ તારાચંદને તો ચીનની સફર કરવાની લગની લાગી હતી. એ સમયે દરિયાપારના દેશોમાં ભાગ્યે જ કોઈ જતું. એમાં પણ ચીનની તો કોઈએ મુસાફરી કરી નહોતી. સાવ અજાણ્યો મુલક. સાવ અજાણી ભાષાને સાવ અજાણ્યા લોક. 

કોઈએ કહ્યું કે, આવા અજાણ્યા દેશમાં ગયેલા કોઈ પાછા આવ્યા નથી, તો વળી કોઈએ સવાલ કર્યો કે, ત્યાં આપણા જૈનના આચાર-વિચાર જળવાશે ખરા? જ્યાં આચાર ન જળવાય ત્યાં જવાય નહીં. અરે! તમારા સારા-ખોટા સમાચાર આપનાર પણ ક્યાંથી કોઈ હોય? તારાચંદ સામે પરિવારજનોએ ઘણી દલીલો કરી. તારાચંદને પરિવારજનો પ્રત્યે અગાધ પ્રેમ હતો, આથી એણે તાત્કાલિક ચીનના પ્રવાસે જવાનું મુલતવી રાખ્યું, પરંતુ કુટુંબીજનોને સમજાવવાનું ચાલુ રાખ્યું.

આમને આમ બે વર્ષ વીતી ગયાં. આખરે તારાચંદની ઇચ્છાનો વિજય થયો. કુટુંબીજનોએ એને રજા આપી, પણ સાથોસાથ કહ્યું કે, 'કોઈ એક સેવકને સાથે લઈ જજે કે જે તારા ભોજનની સઘળી સગવડ સંભાળે.'

તારાચંદનાં નસીબે એક હિંમતવાન ઘાટી નોકર મળી ગયો અને ચીન જતાં વહાણમાં તારાચંદને બધાથી અલાયદી રસોઈ કરવાની મંજૂરી પણ મળી ગઈ. પણ બન્યું એવું કે રસ્તામાં ભારે તોફાન થયું. જોરદાર કડાકા સાથે વીજળી થવા લાગી, ઝંઝાવાતી પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો. આવા પવનને કારણે સમુદ્રમાં એક વાવાઝોડું ઉમટયું અને એ વાવાઝોડાના વંટોળિયામાં ફસાઈ ગયેલા વહાણની ગતિ સાવ અટકી ગઈ.

મોટા હાથી જેવાં મોજાં ઊંચે ઉછળીને વહાણ પર આમ તેમ પછડાવા લાગ્યા. દરિયાઈ ઉછળતાં મોજાંઓને કારણે વહાણ દડાની પેઠે સાગરનાં પાણી પર ઉછળતું હતું. ચોતરફ ઘોર ગર્જનાઓ અને વીજળીનાં ઝબકારા વચ્ચે વહાણના અનુભવી કપ્તાને વહાણને ઝંઝાવાતભર્યા તોફાનમાંથી બચાવવા માટે અથાગ પ્રયત્નોે કર્યાં.

બન્યું એવું કે જેટલો એકાએક આ સુસવાટાભર્યા પવનનો ઝંઝાવાત આવ્યો હતો, એટલી જ ઝડપથી એ આગળ વધી ગયો. એક સમયે સાગરનાં મોજાંઓ જે તાંડવ નૃત્ય કરતા હતા, એ નૃત્ય હવે શાંત થઈ ગયું. વહાણને પુષ્કળ નુકસાન થયું હતું. તોફાનને કારણે એનાં દોરડાં, સામાન અને સઢ - એ સઘળું નાશ પામ્યું હતું. વહાણનાં ડક્કા ઉપરની ચીજવસ્તુઓને જાણે મોજાંઓએ ઝડપીને સમુદ્રમાં સ્વાહા કરી દીધી હતી.

એક ઘવાયેલા પક્ષીની પેઠે વહાણ સાગરમાં લથડિયાં ખાતું હતું. તરત જ કપ્તાનની આજ્ઞાાથી ખલાસીઓ ચારેક દિવસો સુધી કામચલાઉ સમારકામ કર્યું. ચીન તરફ જતા રસ્તામાં એક બીજું વહાણ મળ્યું. એની પાસેથી થોડી ભોજનસામગ્રી અને બીજી વસ્તુઓ મળી.

 મુંબઈ બંદરેથી નીકળેલો તારાચંદ પંદર દિવસે શાંગહાઈ પહોંચ્યો. હવે કરવું શું? બસો વર્ષ પૂર્વે શાંગહાઈની વસ્તી દસ લાખની હતી. આ મહાનગરમાં તારાચંદની સ્થિતિ અત્યંત વિકટ હતી. એને ચીની ભાષા આવડતી નહોતી અને આસપાસનાં સહુ કોઈને ચીની સિવાય બીજી કોઈ ભાષા સમજાતી નહોતી. તારાચંદ ભારે વિમાસણમાં પડયો.  એણે બંદર પર શોધ આદરી, તો એક અંગ્રેજ અધિકારી મળી ગયો. એ અધિકારીને એણે ચીનમાં જેને માલ મોકલતો હતો એ આડતિયાનું સરનામું આપ્યું. આ એકલા-અટૂલા તારાચંદને જાણે ભગવાન મળ્યા હોય તેમ એ સજ્જન અંગ્રેજ અધિકારીએ આડતિયાને ત્યાં પહોંચવા માટે તારાચંદને ગાડી કરી આપી.

તારાચંદ આડતિયાને ત્યાં ગયા, ત્યારે પણ એ જ કૂટ પ્રશ્ન, પરંતુ એવામાં કોઈ થોડું ઘણું અંગ્રેજી જાણનાર મળી ગયો. તારાચંદે કહ્યું કે એ ચીનમાં થોડો સમય રહેવા માંગે છે, ચીની ભાષા જાણવા માંગે છે, આ દેશને ઓળખવા માંગે છે અને અહીં રહેવા માટે એક ઘરની જરૂર છે.

ચીનમાં ગયેલા આ પહેલા ભારતીય મુસાફરને આડતિયાની ઓળખાણને ભાડાનું ઘર મળ્યું અને તારાચંદે ચીનની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માંડયો. એણે જોયું તો હિંદુસ્તાન કરતાં આ તો ઘણો મોટો દેશ હતો. ચીન એક દેશ નહોતો, પણ એમાં અનેક દેશો સમાયેલા હતા. મન્ચુરિયા, મોંગોલિયા, કોરિયા, તિબેટ, ઇન્ડોચાઈના, ચિનાઈ તુર્ર્કસ્તાન એવા કેટલાંય દેશો પર ચીનનું સામ્રાજ્ય પથરાયેલું હતું. એ સમયે ચીનની ચાલીસથી પિસ્તાળીસ કરોડની વસ્તી હતી. વસ્તીને રહેવા માટે ક્યાંક પૂરતી જમીન નહીં હોવાથી કેટલોક ભાગ નદી પરની બોટમાં વસતો હતો.

તારાચંદને પારાવાર આશ્ચર્ય થયું. ભાષા અઘરી તો પ્રજા બધી સરખી, ચીની પ્રજા રીતરિવાજોને બરાબર વળગી રહેતી હતી. યુરોપના સુધારાનો પવન સહેજ ફૂંકાયો હતો, પરંતુ એના તરફ જનસમાજ નફરત ધરાવતા હતા. એથીયે વધુ ચીનની સંસ્કૃતિમાં કોઈ પરિવર્તન કે સુધારો કરવો નહીં એવો ઉપદેશ આપવામાં આવ્યો હતો.

તારાચંદ તો કોઈ અજીબ દુનિયામાં આવી ગયો. એ જાણતો હતો કે ચીની પ્રજા ભારે મહેનતુ છે. એણે જગતમાં ઘણી શોધો કરી હતી. રેશમ વણવું, ચીની વાસણો બનાવવા, સુંદર કલાયુક્ત ચિત્રોનું ચિત્રકાર્ય કરવું - આમાં ચીનાઓની આવડત ભારે અનોખી હતી. ચીન વિશેની જાણકારી લઈને આવેલા તારાચંદે જોયું કે ભારત અંગ્રેજોની ગુલામી હેઠળ પરાધીન હતું. જ્યારે ચીનમાં તો એક પછી એક મહાન સમ્રાટો થયા. એ સમ્રાટોએ ચીનની પ્રગતિ માટે સદા પ્રયત્ન કર્યો. 

તારાચંદને આ ચીન સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરેલો દેશ લાગે છે અને સાહિત્ય, સંગીત વગેરે કળાઓમાં એનો વિકાસ થયેલો જુએ છે. તારાચંદ વિચારે છે કે અંગ્રેજ રાજ્યકર્તાનાં સમયમાં મારા દેશમાં જેમ અંધકાર ફેલાયો તે રીતે મન્ચુ રાજકર્તાઓનાં હાથમાં ચીન ગયું એટલે એણે ચીનની પ્રજાને ગુલામીમાં રાખવા માટે પુરુષોને ચોટલીઓ અને સ્ત્રીઓનાં પગ નાનાં રાખવાની પ્રથા દાખલ કરી. એનાથી પણ ભયાનક બાબત એ બની કે ચીનમાં અફીણની આદતનો પગપેસારો કરાવ્યો અને ચીનને ફોલી ખાવાની પેરવી કરી.

તારાચંદ વિચારમાં પડયો. ભારતમાંથી જહાજનાં જહાજ ભરીને અફીણ ચીનમાં આવે છે અને એ અફીણનાં ચીનાઓ એવા બંધાણી બની ગયા છે કે એમના જીવન પર અફીણ છવાઈ ગયું છે.

તારાચંદે ચીનીભાષા શીખવાની શરૂ કરી. ચીનને ઓળખવું હોય તો ચીની ભાષા શીખવી પડે અને આ તારાચંદે ઈતિહાસમાં યાદગાર બની રહે એવી એક ઘટનાનું સર્જન કર્યું. જેને વિશે હવે પછી જોઈશું.

પ્રસંગકથા

આક્ષેપોની આતંકબાજીમાંથી દેશને બચાવીએ 

બાજીરાવ પેશ્વાના મરાઠા લશ્કરે નિઝામના લશ્કરને ચોમેરેથી ઘેરી લીધું. બાજીરાવ પેશ્વાએ એવો મજબૂત ઘેરો ઘાલ્યો હતો કે નિઝામના લશ્કરને બહારથી અનાજ-પાણી આવતું બંધ થઇ ગયું. લશ્કરના સેનાપતિએ નિઝામને કહ્યું, 'જહાંપનાહ, આપણા આ વિશાળ લશ્કરની હાલત અત્યારે દયાજનક છે.'

બીજા અધિકારીએ કહ્યું, 'બાદશાહ સલામત, આજે લશ્કર પાસે કશું ખાવાનું નથી. પીવા માટે પૂરતું પાણી પણ રહ્યું નથી.' ત્રીજાએ કહ્યું , 'જહાંપનાહ, પેશ્વાના ઘેરાને કારણે અન્ન-પાણી વિના રિબાઇ રિબાઇને મોતને ભેટવા કરતા જાતે મરી જવું સારૃં. વળી પરમદિવસે તો ઇદ છે. એ તહેવારના દિવસે આપણે ભૂખ્યા રહેવું પડશે ?'

નિઝામે ઉશ્કેરાયેલા લશ્કરી અધિકારીઓને કહ્યું, 'તમે શાંત થાઓ. આ પરિસ્થિતિ પર મેં પૂરેપૂરો વિચાર કર્યો છે. બાજીરાવ પેશ્વાને પવિત્ર ઇદના એક દિવસ માટે આ મજબૂત ઘેરો હળવો કરવાની વિનંતી મોકલું છું.' 

નિઝામે બાજીરાવ પેશ્વાને પત્ર લખ્યો. બીજી બાજુ પેશ્વાના લશ્કરની ભીંસ વધતી જતી હતી. એવો સખત ઘેરો કર્યો હતો કે કોઇ ચીજવસ્તુ તો શું, પણ એક ચકલુંય અંદર પ્રવેશી શકે તેમ નહોતું. આ સમયે મરાઠા લશ્કરના અધિકારીએ કહ્યું, 'મહારાજ, નિઝામની વિનંતી પર લક્ષ્ય આપશો નહીં. ગમે તેવી વ્યક્તિ હોય, પણ દુશ્મન એ તો દુશ્મન જ ગણાય.' કોઇએ પેશ્વાને કહ્યું, 'દુશ્મનને સામે ચાલીને બચવાની તક આપવી એ ભૂલ ન ગણાય.'

ત્યારે બાજીરાવ પેશ્વાએ કહ્યુંઃ 'આપણે સહુએ સાથે રહીને ઇદની ઉજવણી કરવી જોઈએ. બધાને પૂરતું ભોજન અને પાણી મળે તેવો પ્રબંધ કરવો જોઈએ. આપણે  એટલી બધી ઉમદા રીતે યુદ્ધ ખેલવું જોઇએ કે જેથી તેઓ આપણી પ્રશંસા કરે. આથી જે ઘેરો ઘાલ્યો છે તે હળવો બનાવો.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું અને નવી સરકારની રચના પણ થઇ ગઇ, છતાં ક્યાંય પક્ષો વચ્ચે બાજીરાવ અને નિઝામ જેવી ખેલદિલી જોવા મળતી નથી. શાસકપક્ષ હોય કે વિરોધપક્ષ હોય પણ એ સતત સામસામા એકબીજા પર આક્ષેપો કરતા હોય છે.

બીજી બાજુ વિચારો કે ઇંગ્લેન્ડમાં દોઢ દાયકાથી પ્રભુત્વ ધરાવતી કન્ઝર્વેટિવ પાર્ટીની સખત હાર થઇ. લેબર પાર્ટીએ ચારસો પાર કરીને ૪૧૨ બેઠક મેળવી, પરંતુ એ પછી આવી કોઇ આક્ષેપબાજી એની પાર્લામેન્ટમાં કે અન્યત્ર જોવા મળતી નથી. સત્તા પરિવર્તન પછી પણ ઇંગ્લેન્ડમાં ક્યારેય આવા હોંકારા - પડકારા સંભળાતા નથી, બલ્કે ખેલદિલીથી પરાજિત નેતા રિશી સુનક પોતાનો પરાજય સ્વીકારે છે અને એટલી જ ખેલદિલીથી વિજયી નેતા સર કેર સ્ટાર્મર પરાજિત નેતાની કામગીરીની પ્રશંસા કરે છે.

આપણે ત્યાં તો આક્ષેપોનો ઉત્તર આપવામાં જ નેતાઓનો સમય જાય, એમને પ્રજાના મનોભાવોને સાંભળવાની તક ક્યારે મળે?


Google NewsGoogle News