દિલ્હી પછીનો ચૂંટણી જંગ હવે બિહારમાં: બજેટમાં સીધા સંકેત
- મખાના પોલિટિક્સ એ ચાણક્ય દાવ
- ઇનસાઇડ સ્ટોરી
- નિતીશ વારંવાર બિહારના લોકોને કહેવા માંગે છે કે કેન્દ્રમાં મોદીને ટેકો આપીને કોઇ ભૂલ નથી કરી..
બજારમાં હજુ બજેટની વાતો ચાલી રહી છે. બિહારને બજેટમાં મળેલા લાભની ચર્ચા થઇ રહી છે. બજેટની અસર બે રાજ્યોની ચૂંટણી પર પડી શકે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર બજેટના લાભની સીધી અસર પડી શકે છે જ્યારે બિહારમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ નીતીશ કુમારની સરકારને લાભ થઇ શકે છે. બિહારના રાજકારણીઓએ કલપ્યું ના હોય તેવું બજટે છે. દિલ્હી પછી હવે બિહારની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્ર જેવી સત્તા હડપવાની વોર જોવા મળશે. જો દિલ્હીમાં ભાજપ જીતશે તો તેના માટે બિહારમાં આસાન જીત બની શકે છે અને જો હારશે તો તે બમણા જોરથી જંગમાં ઝૂકાવશે. સામે છેડે વિપક્ષોનું ગઠબંધન હવે રહ્યું નથી પરંતુ જો આમ આદમી પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવશે તો કોંગ્રેસ સિવાયના વિપક્ષો એક થઇને ભાજપને હંફાવી શકે છે.
બિહારને બજેટમાં લાભ કરી આપી ને ભાજપના નેતાઓએ ચાણક્ય ચાલ રમી છે. કહે છે કે બજેટ પહેલાં નિતીશકુમારનો સંપર્ક કરાયો હતો અને તેમણે આપેલા ચૂંટણીના આઇડયા પ્રમાણે બજેટમાં તેનું અમલીકરણ કરાયું છે. વિપક્ષી ગઠબંધનમાં સૌથી વાચાળ અને બોલ્ડ કહી શકાય એવો સાથી લાલુપ્રસાદ યાદવનો પક્ષ રાષ્ટ્રીય જનતાદળ છે. વિપક્ષી ગઠબંધનમાં દિલ્હીની ચૂંટણી દરમ્યાન ફાટફૂટ થઇ ચૂકી છે ત્યારે બિહારમાં વિપક્ષી ગઠબંધનની બહુ અપેક્ષા રખાતી નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારશે તો તે જાહેરમાં કહેશે કે કોગ્રેસે અમારા વોટ તોડયા છે જેના કારણે વિપક્ષો વચ્ચે ખટરાગ વધુ વધશે.
બિહારની ૨૪૩ વિધાનસભાની બેઠકો પૈકી ૩૦ ટકા બેઠકો પર મખાના પોલિટીક્સની અસર જોવા મળશે. નાણાપ્રધાને બજેટમાં મખાના બોર્ડની જાહેરાત કરીને બિહારના રાજકારણીઓને ચોંકાવી દીધા છે. ૭૦ બેઠકો પર મખાની બોર્ડની જાહેરાતની ઉજવણી કરાશે અને તેમના મત અંકે કરી લેવાશે એમ મનાય છે. રાજકારણના જાણકારો કહે છે કે બજેટના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સરકારે બિહારની ચૂંટણી પર પ્રભાવ ઉભો કર્યો છે. બિહારની ચૂંટણી અગાઉ સરકાર મખાના બોર્ડ જાહેર કરત તો એનડીએ ને સત્તાની ભૂખ છે એવી ટીકા થાત.
ગયા શનિવારે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલાએ પદ્મ એવોર્ડ વિજેતા બિહારના દુલારી દેવીએ ભેટ આપેલી સાડી પહેરી હતી તેને પણ બિહારના લોકોને ખુશ કરવાના પગલાં સાથે જોડી દેવાયું છે. કેમકે હવેના ચૂંટણી જંગનું મેદાન બિહાર છે. કેટલાક કહે છે કે નિતીશ કુમારનો સાથ લીધો ત્યારે બિહારને સ્પેશ્યલ પેકેજ આપવાની વાત કરી હતી એટલે તેમને ખુશ કરવા બજેટમાં મખાના બોર્ડની જાહેરાત કરવામાં આવી છે. મખાનાની સાથે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પણ એક પ્રકારે તો રાજકીય લાભ ઉઠાવવાની વાત છે.
પરતું બજેટનું પ્લટફોર્મ અનેક ટીકાઓને ગળી જઇ શકે છે. કેમકે મધ્યમ વર્ગને આપેલી રાહતોમાં બિહારને આપેલી સવલતો લગભગ ઢંકાઇ ગઇ છે.પરંતુ જ્યારે બિહારની વાત આવે ત્યારે લોકોનું ખાસ કરીને રાજકરાણીઓનું ધ્યાન તેને આપેલી સવલતો તરફ જાય તે સ્વભાવિક છે. નિતીશ કુમાર વારંવાર બિહારના લોકોના મનમાં એમ ઠસાવવા માંગે છે કે અમે કેન્દ્રમાં મોદી સરકારને ટેકો આપીને કોઇ ભૂલ નથી કરી. બિહારની ચૂંટણીમાં પણ હવે કોઇ નિતીશકુમારની ટીકા નહીં કરી શકે અવો તખ્તો મખાની બોર્ડથી ઉભો કરાયો છે. મખાની હવે વિદેશમાં એક્સપોર્ટ કરાઇ રહી છે અને બિહારમાં મોટા પાયે તેનું ઉત્પાદન કરાઇ રહ્યું છે.