Get The App

'માં શબ્દ'ની વ્યાખ્યા વિશાળ, બાળકનો ઉછેર ફક્ત જૈવિક માં જ નથી કરતી : સુપ્રીમ

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
'માં શબ્દ'ની વ્યાખ્યા વિશાળ, બાળકનો ઉછેર ફક્ત જૈવિક માં જ નથી કરતી : સુપ્રીમ 1 - image


નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, માં શબ્દની વ્યાખ્યા વિશાળ છે. વાયુ સેનાના કર્મચારીની સાવકી માને કૌટુંબિક પેન્સન આપવાનો ઇન્કાર કરવા બાબતે કોર્ટે વાયુ સેનાને પ્રશ્ન પૂછયો હતો. કોર્ટે કહ્યું હતું કે, તે એ વાતની તપાસ કરશે કે સાવકી માને ભારતીય વાયુ સેનાના નિયમો બદલ કૌટુંબિક પેન્સન આપી શકાય કે નહીં. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ એન કોટિશ્વર સિંહની બેન્ચે ભારતીય વાયુ સેનાના એ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો કે, એક મહિલાને કૌટુંબિક પેન્સન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ મહિલાએ પુત્ર છ વર્ષનો હતો ત્યારથી જ એનો ઉછેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આ નિયમ બંધારણીય હુકમ નથી. આજકાલ દુનિયામાં ઘણી વસ્તુઓ થઈ રહી છે ત્યારે ફક્ત જન્મ આપનાર માં જ બાળકનો ઉછેર નથી કરતી.

જજોને રહેઠાણ નહીં ફાળવવા બદલ હિમાચલ હાઇકોર્ટેનો સરકારને ઠપકો

જજો અને જિલ્લા ન્યાયાલયના અન્ય અધિકારીઓને સરકારી રહેઠાણ નહી આપવા બદલ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બેન્ચે સરકારની ટીકા કરતા કહ્યું છે કે, બંધારણ પ્રમાણે દરેક ન્યાયાધિશ અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા અધિકારીઓને સરકારી રહેઠાણ આપવું એ રાજ્ય સરકારની ફરજ છે. સરકાર જાણી જોઇને કોર્ટના હુકમનું પાલન નથી કરતી. બેન્ચે આગલી સુનાવણી સુધીમાં સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. મુખ્ય ન્યાયાધિશ જીએસ સંગાવાલિયા અને ન્યાયાધિશ રંજન શર્માની બેન્ચે કહ્યું છે કે, સરકાર હજી સુધી હાઇકોર્ટના જજોને પણ રહેઠાણ આપી શકી નથી. કેટલાક ન્યાયાધિશો પોતાના ખાનગી રહેઠાણોમાં રહે છે. જો હાઇકોર્ટના જજોને રહેઠાણ મેળવવામાં આટલી તકલીફ થતી હોય તો ન્યાયતંત્ર સાથે જોડાયેલા બીજા અધિકારીઓની પરિસ્થિત કેવી હશે એનો અંદાજ મેળવી શકાય છે.

પક્ષમાં અસંતોષ વચ્ચે એનસીપી (શરદ પવાર)એ પ્રવક્તાઓને હટાવાયા

મહારાષ્ટ્રમાં કેટલાક સમયથી એનસીપી (શરદ પવાર)માં આતરીક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે હવે શરદ પવારે પ્રવક્તાઓની કમીટી વિખેરી નાંખી છે. આ નિર્ણય જયંત પાટીલનો હોવાનું મનાય છે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં પ્રતિનિધત્વ કરવા માટે એનસીપી (શરદ પવાર)ના ૨૨ જેટલા પ્રવક્તાઓ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવક્તાઓને જયંત પાટીલે લખેલો પત્ર મળ્યો હતો જેમાં આ પગલા લેવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર)નો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. પક્ષને ફક્ત ૧૦ બેઠકો મળી હતી. એવી પણ ચર્ચા થઈ રહી છે કે પક્ષ પરથી શરદ પવારનો પ્રભાવ ઘટી રહ્યો છે.

વકફ કાયદા બાબતે સરકારની ૧૩૩૨ પાનાની એફીડેવીટમાં શું છે

વકફ સુધારા કાયદાનો બચાવ કરતા કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે, આ કાયદો સંપૂર્ણ રીતે બંધારણને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. બંધારણના કોઈપણ મૌલીક અધિકારોની અવગણના કરવામાં આવી નથી. આવા કાયદાને અટકાવી શકાય નહીં. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે, અરજીઓમાં કરવામાં આવેલી ચેલેન્જની તપાસ થશે. જો કાયદાનો અમલ કરવામાં મોડુ થશે તો મુસ્લિમો સહિત દેશનો મોટુ નુકશાન થશે. કેન્દ્રએ ૧૩૩૨ પાનાની એફીડેવીટમાં કાયદા પર સ્ટે મૂકવાની તમામ અરજીઓને ફગાવી દેવા માટે વિવિધ કારણો રજૂ કર્યા છે. બંધારણના આર્ટીકલ ૨૫ અને ૨૬ હેઠળ મળતી ધાર્મિક સ્વતંત્રતાની ગેરંટીનો ભંગ કાયદો કરતો નથી.

સમગ્ર વિપક્ષ નારાજ હોવા છતાં દારૂબંધી બાબતે નિતિશે જીદ છોડી નહીં

બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરીથી દારૂબંધીનો મુદ્દો ચર્ચામાં છે. ૨૦૧૬ની ચૂંટણી પહેલા નિતિશકુમારની આગેવાનીવાળા મહાગઠબંધને સમગ્ર રાજ્યમાં દારૂબંધીની જાહેરાત કરી હતી. હવે બિહારમાં ફરીથી ચૂંટણી છે ત્યારે તમામ વિરોધ પક્ષો દારૂબંધી ઉઠાવી લેવાની માંગણી કરી રહ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના સિનિયર નેતા આર કે સિંહએ પણ દારૂબંધીને નિષ્ફળ ગણાવી, ઉઠાવી લેવાની વાત કરી છે. ચૂંટણી સ્ટ્રેટજીસ્ટમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરએ તો એવું નિવેદન આપ્યું છે કે તેઓ સત્તા પર આવશે તો એક કલાકની અંદર જ દારૂબંધી હટાવી લેશે. જોકે આ બાબતે નિતિશકુમાર માને છે કે, બિહારની મહિલાઓ એમની મજબૂત વોટ બેન્ક છે. દારૂબંધી બાબતે જો તેઓ એમનું વલણ બદલે તો તેઓ આ વોટ બેન્ક ગુમાવી શકે.

કેરળમાં એસએનડીપી યોગમનો રાજકીય પ્રભાવ

ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ના કંગાળ દેખાવ પછી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ એઝાવા સમુદાયના મતો ન મળવા માટે શ્રી નારાયણ ધર્મા પરિપાલાના (એસએનડીપી) યોગમને આંશિક રીતે જવાબદાર ઠેરવ્યો હતો. કેરળના સૌથી વિશાળ હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો એસએનડીપી યોગમ સત્તાવાર રીતે બિનરાજકીય હોવા છતાં મોટો પ્રભાવ ધરાવે છે. ઐતિહાસીક રીતે ડાબેરી પક્ષોના સમર્થક એઝાવા સમુદાયે ૨૦૨૪માં નોંધપાત્ર રીતે ભાજપને સમર્થન કર્યું હતું. સીપીઆઈ (એમ) રાજ્ય સચિવ એમ.વી. ગોવિંદમએ યોગમને ભગવાકરણનો વિરોધ કરવાની અપીલ કરી હતી પણ  યોગમ નેતા વેલ્લાપ્પાલી નટેસને તેની રાજકીય નિષ્પક્ષતા પર ભાર મુક્યો હતો. તેમના અભિગમનો અર્થ હતો કે યોગમનું કોઈ કાયમી રાજકીય જોડાણ નથી. કેરળમાં ટૂંક સમયમાં સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે રાજ્યના રાજકરણમાં તેની મહત્વની ભૂમિકાને ઓળખીને સીપીઆઈ(એમ) પ્રભાવશાળી યોગમ સાથે તેનો સંબંધ ફરી સ્થાપવા તત્પર છે.

- ઈન્દર સાહની


Tags :