દિલ્હીની વાત : જ્ઞાનેશકુમાર રામમંદિર ટ્રસ્ટના સભ્ય પણ હતા જેમને અડધી રાતે મુખ્ય ચૂંટણી કમિશનર બનાવાયા
New Delhi News | ત્રણ દાયકાથી વધુ સમય સુધી વિવિધ સરકારી હોદ્દાઓ ઉપર કામ કરી ચૂકેલા જ્ઞાનેશકુમાર દેશના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. જ્ઞાનેશકુમારે અગાઉ ગૃહમંત્રાલયમાં પણ કામગીરી કરી છે. જમ્મુ-કાશ્મીરના આર્ટીકલ 370 રદ કરવાના સમયે જ્ઞાનેશકુમાર ગૃહમંત્રાલયમાં સચીવ તરીકે હતા. કોંગ્રેસ સરકાર વખતે જ્ઞાનેશકુમારે સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપી હતી. જ્ઞાનેશકુમાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીક હોવાનું કહેવાય છે. જ્ઞાનેશકુમાર સહકાર મંત્રાલયમાં હતા ત્યારે અમિત શાહ એમની સતત સલાહ લેતા હતા. યુપીએ સરકાર વખતે પણ એ વખતના શક્તિશાળી મંત્રીઓ સાથે જ્ઞાનેશકુમારને સારા સંબંધ હતા. અયોધ્યાના રામ મંદિરનો વિવાદ ચાલતો હતો ત્યારે બનાવવામાં આવેલી કમિટીમાં પણ જ્ઞાનેશકુમાર હતા.
ગૌરવ ગોગોઈ ભાજપ સામે કાયદાકીય પગલા લેશે
આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા દ્વારા વારંવાર મુકવામાં આવતા ઓરોપોથી ક્રોધીત થયેલા કોંગ્રેસના સાંસદ હવે પલટવાર કરવા માટે તૈયાર થયા છે. મુખ્યમંત્રી સરમાએ ગોગોઇના પત્ની પર ગંભીર આરોપ મૂક્યા હતા. ગોગોઇએ હવે ભાજપ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી અને કોંગ્રેસના ટોચના નેતાઓએ ગોગોઇને પલટવાર કરવા માટે સલાહ આપી છે. ગોગોઇએ કહ્યું છે કે, 'કાલે આસામના લોકોએ મુખ્યમંત્રીનો ચહેરો જોયો હતો. એમને જોઇને જ લાગતું હતું કે, તેઓ ભારે તણાવમાં છે. મુખ્યમંત્રી ડરી રહ્યા છે. ડરને કારણે તેઓ દરરોજ બેફામ નિવેદનો આપે છે.'
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારમાં ગરબડ હોવાની આશંકા
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સત્તા પર આવી ત્યારથી જ ત્રણે પક્ષના નેતાઓ વચ્ચે તાલમેલ નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે ખેંચતાણ ચાલુ જ રહે છે. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેટલાક એવા નિર્ણય લઈ રહ્યા છે કે જેનાથી એવો સંદેશો જાય કે તેઓ હજી પણ પોતાને મુખ્યમંત્રી જ માને છે. એકનાથ શિંદે મંત્રાલયમાં પોતાના ખાતાના અધિકારીઓ માટે વિશિષ્ટ જગ્યાની ફાળવણી કરી રહ્યા છે. તેઓ અધિકારીઓની આંતરીક બાબતમાં પણ દખલગીરી કરતા હોવાનું કહેવાય છે. અજીત પવાર એવું માને છે કે, દેવેન્દ્ર ફડણવીશ એકનાથ શિંદેની મનમાની બાબતે ટોકતા નથી, પરંતુ અજીત પવારના મંત્રાલયમાં મનમાની કરવા દેતા નથી. ત્રણે નેતાઓ ભેગા મળે છે ત્યારે પણ એમની બોડી લેંગવેજ ચાડી ખાય જાય છે કે, ત્રણેને એક બીજા સાથે ગોઠતું નથી.
એનએફઆરએની કંપનીઓની તપાસ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટીંગ ફર્મોને કારણ બતાવ નોટીસ આપવી, તપાસ કરવી અને દંડીત કરવાના અધિકાર માટે એનએફઆરએ (નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી) એ દાખલ કરેલી અરજીની સૂનાવણી સુપ્રિમ કોર્ટ કરશે. દિલ્હી હાઇકોર્ટના એક ચૂકાદાથી નારાજ થઈને એનએફઆરએએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે કંપની લો ૨૦૧૩ની કલમ ૧૩૨ (૪)ની કાયદેસરતાને યોગ્ય ગણાવી હતી અને એનએફઆરએ કોઈપણ ઓડીટ સંબંધે ભાગીદારો કે સીએ ઉપરાંત ઓડીટીંગ ફર્મો સામે પગલા લઈ શકે એનો અધિકાર આપ્યો હતો. જોકે કેટલીક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મોએ એનએફઆરએની તટસ્થતા સામે સવાલ ઉભો કર્યો હતો. આ બાબતે હાઇકોર્ટે એવો નિર્ણય આપ્યો હતો કે જે ફર્મોને એનએફઆરએ નોટીસ આપે છે એમની પાસેથી દંડ વસુલ કરવાની સત્તા એનએફઆરએને નથી. મુખ્ય ન્યાયાધિશ સંજીવ ખન્ના અને ન્યાયાધિશ સંજયકુમારને બેન્ચે એવુ પ્રાથમિક તારણ કાઢયું છે કે ફર્મોની દંડ ભરવાની શક્તિની તપાસ પણ સુપ્રિમ કોર્ટ કરશે.
પ્રયાગરાજ જવાના વિમાની ભાડા સતત વધી રહ્યા છે
મહાકુંભમાં જવા માટે સમૃદ્ધ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ વિમાન મારફતે જાય છે. મોકો પારખીને એરલાઇન્સ કંપનીઓ પણ મનફાવે એવા ભાડા વસુલ કરી રહી છે. પ્રયાગરાજના એરપોર્ટ પર લેન્ડ થતા વિમાનોની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. પ્રયાગરાજ એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓની સંખ્યાના નવા રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યા છે. દિલ્હીથી એક દિવસમાં પ્રયાગરાજની ૧૦ ફલાઇટ ઉતરી રહી છે આમ છતાં ભાડા ઓછા થતા નથી. દિલ્હીથી પ્રયાગરાજનું ભાડુ ૨૦ હજાર કરતા વધુ થઈ ગયું છે. ફક્ત બે દિવસમાં પ્રયાગરાજ લેન્ડ થયેલા વિમાનોની સંખ્યા ૧૦૦ કરતા વધુ છે. દેશના મહત્વના મોટા શહેરોથી પ્રયાગરાજનું ભાડુ યુરોપના દેશોના ભાડા કરતા વધુ વસુલવામાં આવે છે. બેંગુલુરુથી પ્રયાગરાજનું ભાડુ ૪૫ હજાર રૂપિયા જેટલું છે. મુંબઈથી પ્રયાગરાજના વિમાની ભાડા પણ આસમાનને આંબી રહ્યા છે.
'હુઆ સો હુઆ'થી માંડીને 'ચીન આપણું દુશ્મન નથી' : પિત્રોડાના જાણીતા બફાટ
કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સામ પિત્રોડાથી હવે કોંગ્રેસની ટોચની નેતાગીરી પણ કંટાળી ગઈ છે. પિત્રોડા વારંવાર કોંગ્રેસ નેતાગીરીને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે. પિત્રોડાએ હમણા ચીન આપણું દુશ્મન નથી એ મતલબનું નિવેદન આપ્યું હતું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ એ નિવેદન પિત્રોડાનું અંગત છે એમ કહી હાથ ખંખેરી નાખ્યા હતા. જોકે ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા પણ ૧૯૮૪માં થયેલા શિખ હત્યાકાંડ બાબતે પિત્રોડાએ કહ્યું હતું કે, 'હુઆ સો હુઆ' પિત્રોડાના આ નિવેદનને કારણે શિખ મતદારો નારાજ થઈ ગયા હતા. કોંગ્રેસના આંતરીક વર્તુળો કહી રહ્યા છે કે કઈ બાબતે કેવા નિવેદનો આપવા એ બાબતે કોંગ્રેસે એક એડવાઇઝરી જાહેર કરી છે. પિત્રોડા હંમેશા આ એડવાઇઝરીની વિરુદ્ધના નિવેદનો આપે છે. કોંગ્રેસના સાંસદ ડો. અભિષેક મનુસિંઘવી તો શબ્દો ચોર્યા વગર પિત્રોડાની ટીકા કરતા રહે છે.
ઉપલબ્ધ હોવા છતાં ભારતીઓ યોગ્ય પ્રોટીન આહાર નથી લઈ રહ્યા
ભારતના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોના લોકો પ્રોટીનની ઉણપથી પીડાઇ રહ્યા છે. પ્રોટીનની ઉણપથી પીડાતી વ્યક્તિ આસાનીથી પ્રોટીન યુક્ત આહાર ખરીદી શકે છે ઇન્ટરનેશનલ ક્રોપ્શ રીચર્સ ઇન્સ્ટિટયુટ ફોર ધ સેમી એરીડ ક્રોપીક્સ, ઇન્ટરનેશનલ ફુડ પોલીસી... ના વૈજ્ઞાનીકોએ કરેલા અભ્યાસમાં આ હકીકત જાણવા મળી છે. દેશના છ રાજ્યોના ૯ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારોના લોકો ભોજનમાં મુખ્યત્વે ભાત અને ઘઉં જેવા અનાજનો ઉપયોગ વધારે કરે છે. દિવસભરના જરૂરી પ્રોટીનનો ૬૦ થી ૭૫ ટકા હિસ્સો આ ખોરાકમાંથી મળી શકે છે. જોકે આ આવા અનાજોમાં જરૂરી એમીનો એસીડની ઉણપ હોય છે. જેને લીધે યોગ્ય પોષણ મળતું નથી.
'લોકોને ન્યાયાલયોના ચુકાદાની ટીકા કરવાનો અધિકાર છે'
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ અભય એસ ઓકાએ કહ્યું છે કે, દેશના દરેક નાગરિકને અદાલતી ચૂકાદાઓની ટીકા કરવાનો અધિકાર છે. આવી ટીકા રચનાત્મક અને દ્વેષ વગરની હોવી જોઈએ. ટીકા કરતી વખતે પૂરતો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે. જસ્ટીસ ઓકાએ એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલીક વખત ન્યાયાલયો વિશે અભદ્ર ભાષામાં ટીપ્પણીઓ થાય છે એ ખોટું છે. અદાલતો કોઈ ચૂકાદો જાહેર કરે કે ગણતરીના કલાકોમાં જ એના પર દલીલ બાજી ચાલુ થઈ જાય એ યોગ્ય નથી. જસ્ટીસ ઓકાએ એમ પણ કહ્યું હતું કે, જજ તરીકે એમને હંમેશા લાગ્યું છે કે તેઓ લોકોને જવાબદાર છે.
યમુનામાં સ્વચ્છતા અભિયાન શરૂ : ભાજપ-આપના નેતાઓ સામ-સામે
યમુના નદીમાં છેલ્લાં બે દિવસથી સ્વચ્છતા શરૂ થયું છે. ભાજપના નેતાઓએ તો એના વિડીયો શેર કરીને ક્રેડિટ લેવાનું શરૂ પણ કરી દીધું છે. આતિશી સામે ચૂંટણી હારી જનારા પૂર્વ સાંસદ રમેશ બિધૂડીએ કહ્યું કે જે રીતે ભાજપે વાયદો કર્યો હતો એ પ્રમાણે જ કામ શરૂ થઈ ચૂક્યું છે. ભાજપ પોતાના કામ પૂરા કરવામાં માને છે. એ સિવાયના નેતાઓએ પણ આ અભિયાનનો પ્રચાર કર્યો હતો. એ પછી આપના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા. આપે કહ્યું હતું કે હજુ સુધી એ ન ભૂલી જશો કે કેરટેકર સીએમ તો આતિશી જ છે. આતિશીએ ખુદ એવું નિવેદન આપ્યું કે દિલ્હીમાં વીજળી ગૂલ થઈ ગઈ તો ભાજપે કેરટેકર સીએમ તરીકે મારા પર માછલા ધોયા, જ્યારે આ કામ શરૂ થયું તો ક્રેડિટ લેવાનું શરૂ કર્યું. હવે જો આ કામની ક્રેડિટ લેવી હોય તો વીજળી ગૂલ થઈ એનો અપજશ પણ લેવો જોઈએ.