દિલ્હીની વાત : BJP દલિત ચહેરાને CM બનાવે તેવી શક્યતા, બીજી તરફ કેજરીવાલની નજર પંજાબ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હોવાથી દિલ્હીના મુખ્યમંત્રીપદની શપતવિધિ ૨૩મી ફેબ્રુઆરી પછી થઈ શકે છે. ૨૭ વર્ષ પછી ફરીથી સત્તામાં આવવાને કારણે ભાજપના નેતાઓ મુખ્યમંત્રીના સોગંધવિધિ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવા માંગે છે. મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દોઢ કલાક સુધી બંધ બારણે બેઠક કરી હતી. ભાજપ અને આરએસએસના નેતાઓ હજી વધુ બેઠકો કરી શકે એમ છે. અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્માનું નામ મુખ્યમંત્રી તરીકે લેવાય છે, પરંતુ બિહાર વિધાનસભાની આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ કદાચ દલિત ચહેરાને પણ મુખ્યમંત્રી બનાવે. આજે દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નહી હોવાથી ભાજપના કેટલાક નેતાઓ માને છે કે દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો રાજકીય રીતે ભાજપને મોટો ફાયદો થઈ શકે એમ છે.
આપના 15 ધારાસભ્યોએ શિવસેનાનું ચિન્હ માંગ્યુ હોવાનો શિંદેનો દાવો
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ ઠાકેર)ના પ્રમુખ એકનાથ શિંદેએ એવો ધડાકો કર્યો છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા માટે આપના ૧૫ ઉમેદવારોએ એમનો સંપર્ક કર્યો હતો. આપના ઉમેદવારોએ શિવસેના (એકનાથ શિંદે)નું ચૂંટણી ચિન્હ ધનૂષ્ય - બાણ માગ્યાં હતા, પરંતુ શિંદેએ મના કરી દીધી હતી. શિંદેના કહેવા પ્રમાણે એમના માટે 'યુતિ ધર્મ' વધુ મહત્ત્વનો છે. મહારાષ્ટ્રમાં શિવસેના (એકનાથ શિંદે) મહા ગઠબંધનમાં ભાજપનો સહ્યોગી પક્ષ છે. જો શિવસેના (એકનાથ શિંદે)નું ચૂંટણી ચિન્હ આપના ઉમેદવારોને આપવામાં આવતે તો ભાજપ - શિવસેના વચ્ચે મતો વહેચાઈ જતે અને બીજા પક્ષને ફાયદો થતે. એકનાથ શિંદેની આ વાતમાં કેટલું તથ્ય છે એ નક્કી કરવું મુશ્કેલ છે.
'પ્રજાના દબાણ, કોર્ટની તપાસની ચિંતાથી બીરેનસિંહનું રાજીનામું'
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે રાજીનામું આપ્યા પછી વીપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે મણિપુરની જનતા તેમ જ સુપ્રિમ કોર્ટની તપાસ અને કોંગ્રેસના દબાણને કારણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડયું છે. રાજ્યમાં ચાલી રહેલી અવિરત હિંસા માટે બીરેન સિંહ જવાબદાર હતા અને નરેન્દ્ર મોદીએ એમને છાવર્યા હતા એવો આક્ષેપ પણ ગાંધીએ કર્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર મૂકેલી એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, બે વર્ષ સુધી બીરેન સિંહે મણિપુરમાં લોકોને લડાવ્યા. મણિપુરમાં મોટા પાયે જાનમાલનું નુકશાન થયું અને આઇડિયા ઓફ ઇન્ડિયા વેરવિખેર થઈ ગયું હોવા છતાં મોદીએ બીરેન સિંહને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા દીધા. વડાપ્રધાને તાત્કાલીક મણિપુરની મુલાકાતે જવું જોઈએ.
અભિનેતા સોલાપુરકર ફરીથી વિવાદમાં, આંબેડકર વિશે વાંધાજનક ટીપ્પણી કરી
મરાઠી ફિલ્મોના અભિનેતા રાહુલ સોલાપુરકર એમના વિવાદીત નિવેદનોને કારણે આજકાલ ચર્ચામાં છે. અગાઉ એમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન કર્યું ત્યારે પણ એમની ભારે ટીકા થઈ હતી. હવે સોલાપુરકરે ડો. બાબા સાહેબ આંબેડકરને જ્ઞાાન મેળવવા બાબતે બ્રાહ્મણ ગણાવ્યા હતા. જેને કારણે નવો વિવાદ થયો છે. સોલાપુરકરે એક વિડિયોમાં કહ્યું છે કે આંબેડકરનો જન્મ બહુજન પરિવારમાં થયો હતો, પરંતુ ત્યારે પછી એક શિક્ષકે એમને દત્તક લઈને ઉપનામ આપ્યું હતું. વેદોમાં જે વ્યક્તિ જ્ઞાાન પ્રાપ્ત કરે છે એ બ્રાહ્મણ બની જાય છે એ રીતે આંબેડકર પણ બ્રાહ્મણ જ હતા. અભિનેતાના આ નિવેદન પછી એમની ભારે ટીકા થતાં એમણે જાહેરમાં માફી માંગવી પડી છે.
'આપ અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડવી જોઈતી હતી'
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. આપના ગોવા અધ્યક્ષ અમિત પાલેકરને ચૂંટણીના પરિણામો આવી ગયા પછી જ્ઞાાન થયું છે કે, કોંગ્રેસ અને આપે સાથે મળીને ચૂંટણી લડવી જોઈતી હતી. પાલેકરના કહેવા પ્રમાણે જો આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોતે તો ચૂંટણીનું પરિણામ અલગ આવ્યું હોત. કેટલીક બેઠકો પર ભાજપ મામૂલી મતોથી જીત્યો છે. કેટલીક બેઠકો પર હારનાર ઉમેદવારનું માર્જીન જોતા એમ લાગે છે કે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું હોતે તો મદદરૂપ થાત. પાલેકરના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીએ કેટલીક બાબતોને અવગણી હતી અને ધ્યાન આપ્યું નહોતું. એનટી ઇન્કમબન્સીનું ફેક્ટર પણ આપને નડી ગયું. ભાજપ અને આપના મતોમાં ફક્ત બે ટકાનો ફેર છે જે બતાવે છે કે દિલ્હીના લોકોના દિલમાં હજી પણ આપ માટે પ્રેમ છે.
દિલ્હીની ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નબળું રહ્યું
દિલ્હીની ચૂંટણીમાં દરેક પક્ષની મહિલા ઉમેદવારોનો દેખાવ ખાસ નોંધવાલાયક રહ્યો નથી. ચૂંટણીમાં કુલ ૯૬ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી ફક્ત પાંચ મહિલાઓ જ જીતી છે. આમ આદમી પાર્ટીના એક માત્ર મહિલા ઉમેદવાર આતીશી મારલેનાએ કાલકાજી બેઠક પરથી જીત મેળવી છે. બીજી તરફ ભાજપના ચાર મહિલા ઉમેદવારો રેખા ગુપ્તા, પુનમ શર્મા, નિલમ પહેલવાન અને શીખા રોય વિજયી થયા છે. દિલ્હીના કુલ મતદારોમાંથી મહિલા મતદારોની સંખ્યા અડધી હતી.
ભાજપની આંધીને કારણે એનડીએના સાથી પક્ષો પણ જીતી શક્યા નહીં
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની લહેર ચાલવાને કારણે એનડીએના સાથીપક્ષોને પણ હારનો સામનો કરવો પડયો હતો. ભાજપે ૭૦માં ૬૮ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે એનડીએના બે સાથી પક્ષો જેડીયુ અને એલજેપીના ઉમેદવારો હારી ગયા હતા. આ બે બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીત મળી હતી. દિલ્હીમાં એવી ચર્ચા થાય છે કે ભાજપના સ્ટાર પ્રચારકોએ સાથી પક્ષના ઉમેદવારો માટે દિલથી પ્રચાર કર્યો નહોતો. હારેલા બંને ઉમેદવારોને કચવાટ છે કે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમની બેઠક પર પણ પ્રચાર કર્યો હોત તો એમની જીતવાની શક્યતા વધી જાત.
સ્વાતી માલીવાલનો આક્રમક પ્રચાર પણ આપને ભારે પડયો
દિલ્હીમાં આપનો પરાજય થયો એમાં ઘણાં કારણો છે. એમાંનું એક કારણ છે સ્વાતી માલીવાલ. સ્વાતીને કેજરીવાલે જ રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતાં, પરંતુ પછી તેમને કેજરીવાલ સાથે વાંધો પડયો. સ્વાતી માલીવાલ સાથે મુખ્યમંત્રીના ઘરે જે વિવાદ થયો એ બહુ ચગ્યો. પછીથી ચૂંટણી ચાલતી હતી ત્યારે સ્વાતી માલીવાલે કેજરીવાલની વિરૂદ્ધમાં અને આપ સરકાર સામે આક્રમક પ્રચાર કર્યો. આપના પરાજય પછી સ્વાતીએ સોશિયલ મીડિયામાં દ્રોપદીના વસ્ત્રાહરણનું ચિત્ર પોસ્ટ કર્યું હતું, જે બહુ સૂચક હતું. હવે સ્વાતી માલીવાલ કહી રહ્યા છે કે આપ કંઈ કેજરીવાલની પોતાની જાગીર નથી. તેણે પણ ૧૨ વર્ષ પાર્ટીને આપ્યા છે.
દિલ્હીના CMની રેસમાં બે નવા નામો ઉમેરાયા
દિલ્હીમાં ભાજપ કોને મુખ્યમંત્રીનો તાજ આપશે એના વિશે જાત-ભાતની અટકળો ચાલે છે. સૌથી વધુ ચર્ચા કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માની ચાલી રહી છે. પ્રવેશ વર્માના પિતા સાહિબ સિંહ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દિલ્હીમાં રાજકીય તેમના સમર્થકોનો બેઝ છે એ પ્રવેશ વર્માને સીએમ બનાવવાની તરફેણ કરે છે. પરંતુ બીજા બે નામો જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. એમાં એક છે પવન શર્મા અને બીજા નેતા છે આશિષ સૂદ. ભાજપ કોને પસંદ કરે છે એની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે.
અરવિંદ કેજરીવાલ પંજાબના CM બની જશે : ભાજપનો દાવો
ભાજપના નેતાઓ બે દિવસથી દાવો કરી રહ્યા છે કે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની છૂટ્ટી થઈ જવાની છે. કારણ કે કેજરીવાલ પંજાબના સીએમ બની જશે. છેલ્લાં ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં સીએમ બદલશે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં સંગઠનના સ્તરે ફેરફારો કરી નાખ્યા છે. હવે સત્તામાં કોઈ મોટા ફેરફારો થાય એવી શક્યતા નકારી શકાતી નથી. ભાજપ સતત દાવો કરે છે કે કેજરીવાલ જ પંજાબના સીએમ બની જશે. પરંતુ કદાચ બીજા કોઈ નેતાને સીએમ બનાવાય અથવા તો આખા મંત્રાલયમાં ફેરબદલ થાય એવી શક્યતા નકારી શકાતી નથી.
મોદી જેમાં ભાગ લેવા ગયા છે એ AI એક્શન સમિટ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસે ગયા છે. ફ્રાન્સમાં પીએમ મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક્શન સમિટની અધ્યક્ષતા કરવાના છે. આ એક ઈન્ટર ગવર્નમેન્ટ કોન્ફરન્સ છે. યુએનના સભ્યદેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજર રહેશે. એમાં એઆઈનો પોઝિટિવ ઉપયોગ શું થઈ શકે તે બાબતે ચર્ચા થશે. એઆઈનો દુરુપયોગ વધ્યો છે તેને ડામવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને કેવી પૉલિસી ઘડવી જોઈએ એની પણ ચર્ચા થશે. આ સમિટમાં ટેકનોલોજી કંપનીના સીઈઓ પણ હાજર રહેશે અને એઆઈથી કેવું જોખમ છે અને કેવા ફાયદા છે તેના વિશે ઓપિનિયન આપશે.
ઈન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું બન્યું હતું
ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ કોંગ્રેસની ટીકા કરી છે. દિલ્હીમાં કોંગ્રેસે આપના વોટશેરમાં ભાગ પડાવ્યો ન હોત તો ભાજપને સત્તાથી દૂર રાખી શકાત એમ ઘણાં નેતાઓ માને છે. કોંગ્રેસે બચાવમાં સ્પષ્ટતા કરવા માંડી છે કે ઈન્ડિયા ગઠબંધનનો મુખ્ય હેતુ લોકસભાની ચૂંટણી હતો. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન બન્યું ત્યારે જ લોકસભા માટે આ ગઠબંધન થઈ રહ્યું છે એવું સ્પષ્ટ થયું હતું. વિધાનસભાની ચૂંટણીઓ માટે ગઠબંધન જો સહયોગીઓને અનુકૂળ હોય તો જ કરવાની વાત હતી. એ માટે સૌ પોત-પોતાની રીતે સ્વતંત્ર હતા. અગાઉ તેજસ્વી યાદવ પણ એવું નિવેદન આપી ચૂક્યા છે કે ગઠબંધન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયું હતું. વિધાનસભામાં થાય એ જરૂરી નથી.
મણિપુર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશે કહ્યું, રાજ્યની હાલત ખૂબ ખરાબ
મણિપુર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ મૃદુલે એક ઈન્ટરવ્યૂમાં મણિપુરની હિંસા બાબતે ઘણી જાણકારી આપી. તેમણે કહ્યું કે તત્કાલિન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ સાહેબે તેમને મણિપુરની સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી હતી. વળી, સરકારે ઈન્ટરનેટ પર બેન લગાવ્યો તે બાબતે હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે સિદ્ધાર્થ મૃદુલે સરકારને સવાલ કર્યો હતો. તેમના સૂચન પછી હિંસા ન હોય એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો હતો. તેમણે એવુંય કહ્યું કે સીએમનું રાજીનામું એ એક શરૂઆત છે. હજુ વધુ રાજીનામા પડશે.