હવે મોંઘવારીના બોમ્બનો ધડાકો નથી થતો, માત્ર આંખો બળે છે
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સીબીઆઈ અને ઈડીની લૂમ સામેવાળાના કમ્પાઉન્ડમાં જ ધડાકા કરે છે
ફટાકડા બજારમાં એક વેપારીની બૂમરાણે લોકોનું ધ્યાન ખેંચ્યું.
'લઈ જાઓ બોલિવુડ બોમ્બ... લઈ જાઓ બોલિવુડ બોમ્બ.'
એક ઘરાકે પૂછ્યું, 'આ વળી નવો બોમ્બ સાંભળ્યો. આની શું વિશેષતા છે ?
દુકાનદાર કહે, 'આ બોમ્બ ના ડઝનના પેકેટમાંથી એકાદ બોમ્બ બહુ મોટો અવાજ કરે છે. બીજા બે-ચાર બોમ્બ નો કોઈ ભરોસો નહીં. ફાટે તો ફાટે નહીં તો સૂરસૂરિયું પણ થાય. બાકીના બોમ્બ ખાલી કલર વધારે કરશે, પણ અવાજ સાવ બોદો આવશે.'
બીજા ઘરાકે કહ્યું, 'બોમ્બની વાત પડતી મૂકો.કોઈ લૂમ છે. '
દુકાનદાર કહે, 'છે ને. બે લૂમ છે. એક છે સીબીઆઈ લૂમ ને બીજી ઈડીની લૂમ. આ બે લૂમની વિશેષતા એવી છે કે તમારા આંગણામાં ફોડશો તો સૂરસૂરિયુ થશે, પણ સામેવાળાના કમ્પાઉન્ડમાં જઈને ફોડશો તો ધડાકા કરશે. તેમાં એવું જીપીએસનું વિસ્ફોટક સેટિંગ છે.'
જોતજોતામાં આ વેપારીની દુકાને નવી વેરાયટીઓ આવી છે તેવું જાણીને ઘરાકોનાં ટોળાં વળી ગયાં. વેપારી ઉત્સાહભેર સૌને બતાવવા માડયો.
'જુઓ, આ વખતે કરપ્શન કોઠી નામની નવી કોઠી આવી છે. તેની વિશેષતા એ છે કે એ બીજાના કમ્પાઉન્ડમાં હોય તો મસ્ત ફૂટે છે અને લાલચોળ અંગારા વેરે છે, પરંતુ તેને તમારા કમ્પાઉન્ડમાં લઈ આવો તો સરસ મજાના રંગીન મનોહર કાગળના ટુકડા જ વેરે છે. બીજાના કમ્પાઉન્ડમાં હોય તો વિસ્ફોટક ને તમારા કમ્પાઉન્ડમાં હોય તો આકર્ષક લાગે તેવી આઈટમ છે. '
એક વેરાયટી ડેટા ચક્કરની પણ છે. તેમાં જીડીપી, ઈન્ફલેશન, રોજગારી એવી બધી પેટા વેરાયટીઓ છે. આ ચક્કરની વિશેષતા એ છે તેને સળગાવવા માટે તમારે જ જાતે તેની ફરતે ગોળ ગોળ ફરવું પડશે. જેમ ચક્કર વધારે ફરે તેમ તમારે વધારે ગોળ ગોળ ફરવાનું, જેમ તમે વધારે ગોળ ગોળ ફરો તેમ આ ચક્કર વધારે જ્વાળા છોડશે.
અચાનક કોઈનું ધ્યાન દુકાનમાં રહેલા એક વિશાળ બોમ્બ પર ગયું. તેણે વેપારીને પૂછ્યું, 'પેલો આટલો મોટો બોમ્બ છે તેનું તો તમે કોઈ માર્કેટિંગ કરતા જ નથી.'
વેપારી નિસાસાના સૂર સાથે કહે, 'અર,ે એ તો જૂનો અને જાણીતો મોંઘવારી બોમ્બ છે. એનોય એક જમાનો હતો. એ ફાટતો ત્યારે ભલભલી સરકારો ધૂ્રજી જતી હતી, પરંતુ હવે એમાં કસ નથી રહ્યો. એમાં હવે બહુ ધડાકો નથી થતો. બસ, ખાલી લોકોની આંખો બળ્યા કરે એટલું જ .'
આ સાંભળી ઘરાકની આંખમાં પાણી આવી ગયાં.
આદમનું અડપલું
સરકારી પ્રચાર એક એવી લૂમ છે જે સળગતી જ રહે છે સળગતી જ રહે છે, તેનો કોઈ અંત જ નથી.