ચીનના ડીપ, ભારતમાં ડૂબકીનો મહિમા અપરંપાર
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- દુનિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછળ ગાંડી, આપણે આપણી સુપરફિશિયલ હોંશિયારી પર મુસ્તાક
ચેલાલાલઃ ગુરુજી, હું મારી આંખે ન ભૂતો ન ભવિષ્યતિ દ્રશ્યો જોઈ રહ્યો છું. નેતાઓ સામે ચાલીને ઉઘાડા થઈ રહ્યા છે અને ડૂબકી લગાવીને પવિત્ર થઈ રહ્યા છે.
ગુરુલાલઃ હે મતિભ્રષ્ટ શિષ્ય, તને કેટલીયવાર કહ્યું છું કે હવાલદારોએ મુદ્દામાલમાંથી સગેવગે કરેલો સસ્તો ગાંજો ફૂંકવાનું રહેવા દે. નેતાઓ ન ભૂતો ન ભવિષ્યતિમાં માનતા જ નથી, કારણ કે તેઓ જે ન બન્યું હોય તેવો ઈતિહાસ પણ આઈટી સેલ મારફતે ફોરવર્ડ કરાવે છે અને દરેકના ખાતાંમાં ૧૫ લાખ જમા થાય એવી ઘટના જે ક્યારેય બનવાની જ નથી તેને પણ નક્કર ભવિષ્ય તરીકે ખપાવી શકે છે. નેતાઓ ઉઘાડા થતા નથી, પરંતુ ઉઘાડા પડી ગયા હોય એવાઓ જ નેતા બને છે. તેઓ ડૂબકી લગાવતા નથી, પરંતુ કાયમ પબ્લિકને ગોથાં ખવડાવે છે. અને નેતાઓની ડિક્શનરીમાં તો પવિત્ર નામનો શબ્દ જ નથી.
ચેલાલાલઃ ગુરુજી, તમે લાંબી લાંબી ઈન્ટેલિજન્ટ વાતો કરો છે એ બધી મારા માથેથી જાય છે.
ગુરુલાલઃ ડોબા, તું આખા દેશની જેમ ડૂબકીઓ જોઈ જોઈને ઘેલો થઈ ગયો છો ને પેલા ચીને ડૂબકીના જ અંગ્રેજી શબ્દ ડીપ પરથી ડીપ સીકની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો તરખાટ મચાવી દીધો છે. અત્યારે આપણે ત્યાં ડૂબકીનો, પણ દુનિયભારમાં ચીનના ડીપનો મહિમા છે.
ચેલાલાલઃ ગુરુજી,મારી અલ્પમતિ મને એવું સુઝાડે છે કે તમે આપણા દાના દુશ્મન ચીનના વખાણ કરવાનું પાપ કરી રહ્યા છો એટલે તમારે પણ એ પાપ ધોવા આપણા નેતાઓની જેમ ડૂબકી મારવા જવું પડશે.
ગુરુલાલઃ હે મૂઢમતિ, આ જ તો તકલીફ છે. દુનિયા આખી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પાછળ પડી છે ને આપણી પબ્લિક સુપરફિશિયલ હોશિયારીમાંથી બહાર આવતી નથી. દુશ્મન આપણાથી દસ કદમ આગળ હોય એ વાતની નોંધ લેવી એ તેના વખાણ કર્યા ન કહેવાય. અને સાંભળ, લોકશાહી રાજ છે. ભૂલેચૂકેય કોઈ નેતાને પાપી ન કહેતો. નેતાઓ ડૂબકી મારવા જાય છે એ તો જનતા વતી જનતાનાં પાપ ધોવા જાય છે.
ચેલાલાલઃ ફરી તમે આવું અષ્ટમપષ્ટમ બોલીને મને ફસાવ્યો. નેતાઓ જનતાના પાપ ધોવા જાય એટલે? એમ કોઈ બીજા કોઈ વતી તેમના પાપ ધોવા માટે ડૂબકી લગાવી શકે?
ગુરુલાલઃ ન લગાવી શકે, પણ એ જ તો વાત છે. નેતાઓ પ્રજાને સમજાવી દેશે કે આ તો અમારે તમારાં પાપ ધોવા માટે ડૂબકી લગાવવી પડે છે બાકી અમે તો પાપ-પુણ્યની બધી જંજાળથી પર છીએ.પણ, તોય જનતાનું આ પાપ ક્યારેય ધોવાવાનું નથી. આવા નેતાઓને ચૂંટી કાઢવાનું અને ચૂંટયા પછી પણ તેમને સતત વધાવતા રહેવાનું પાપ...
ચેલાલાલ વગર પાણીએ જ ડૂબકી મારવાની અદામાં નીચે નમીને ચાલતો થઈ ગયો.
આદમનું અડપલું
એઆઈના કારણે ડીપ ફેકનું દૂષણ તો આજકાલનું છે, આપણા રાજકારણમાં તો એકદમ ડીપ ફેંકનારાઓની પહેલેથી બોલબાલા છે