મારી ઈમરજન્સીમાં દર્શકો અન્ડરગ્રાઉન્ડ થઈ જશે: કંગના

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
મારી ઈમરજન્સીમાં દર્શકો અન્ડરગ્રાઉન્ડ થઈ જશે: કંગના 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- 'મારી ફાલતુ એક્ટિંગ જોયા પછી ઈન્દિરા ગાંધીના ચાહકોને પણ તેમના માટે અણગમો પેદા થશે, યહી તો પ્લાન હૈ'

'તો માનનીય સંસદસભ્યશ્રી...'

'વેઈટ...અત્યારે તમે મને માત્ર  કંગનાજી કહેશો તો ચાલશે. અત્યારે હું નેતા નહીં, પણ અભિનેત્રી તરીકે મારી ફિલ્મ 'ઈમરજન્સી'નું પ્રમોશન કરવા આ ઈન્ટરવ્યુ આપી  રહી છું. '

'મેડમ, ઈમરજન્સી શબ્દનું પ્રમોશન તો ભાજપે એટલું બધું કરી નાખ્યું છે કે...'

'ઓહ... નો  ભાજપ, પ્લીઝ! જુઓ, તમને બધાને તો ખબર જ છે ે કે પાર્ટીમાંથી મને સૂચના છે કે મારે કશું રાજકીય વિવાદાસ્પદ ન બોલવું. આ ઈન્ટરવ્યુ બિલકુલ ફિલ્મી રાખો. નો પોલિટિક્સ, પ્લીઝ!'

'મેડમ, પણ તમે તો ફિલ્મ 'ઈમરજન્સી' રાજકીય બનાવો વિશે જ બનાવી છે. તો થોડા રાજકીય સવાલો તો આવશે જને.'

'તમને ઈમરજન્સીનો મતલબ ખબર નથી લાગતી. કોઈ જાતના  સવાલો પૂછવાની મનાઈ હોય એ જ ઈમરજન્સી. ને મને તો આમેય એવા જ જવાબો આપવાની ટેવ છે જેના સવાલ કોઈએ પૂછ્યા જ નહોય.'

'ઓહો મેડમ, તમે તો ટોપ લેવલે જવાની બધી તૈયારી કરી લીધી લાગી છે.'

'જુઓ, તમે ફિલ્મની વાત કરતા હો તો  હા, તેમાં મેં પ્રાઈમ મિનિસ્ટર ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. '

'વાહ મેડમ, અત્યાર સુધી બહુ ફિલ્મો-ઓટીટીમાં ઈન્દિરા ગાંધીનાં પાત્ર આવી ગયાં, પણ એ બધાં કરતાં તમારી એક્ટિંગ સો ટકા કરતાં દમદાર હશે. '

'યસ્સ..બટ નો નો..એટલે કે એક્ટિંગ તો હું સંસદસભ્ય તરીકે પણ દમદાર જ કરું છું, પણ આ  ફિલ્મમાં મેં જાણી જોઈને મારી કારકિર્દીની સૌથી ખરાબ એક્ટિંગ કરી છે. મારી ઈન્દિરા ગાંધી તરીકેની ખરાબ એક્ટિંગ જોઈને ઈન્દિરા ગાંધીના ચાહકો પણ તેમને નફરત કરતા થઈ જશે. યહી તો પ્લાન  હૈ, યુ સી!'

'પણ મેડમ, પંજાબના લોકો તો તમને ખરેખર નફરત કરતા થઈ ગયા છે. '

'તમે એકલા પંજાબનું જ ક્યાં નામ લો છો. મને તો લાગે છે કે આખા દેશના લોકો મને નફરત કરે છે. તમને ખબર જ હશે કે છેલ્લાં આઠ-નવ વર્ષથી મારી એક પણ ફિલ્મ, આઈ રિપીટ , એક પણ ફિલ્મ ટિકિટબારી પર ચાલી જ નથી.'

'તો મેડમ, આ 'ઈમરજન્સી ' ફિલ્મમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે કે પરિવર્તન?'

'યસ્સ અને નો. મતલબ કે મારી ફિલ્મ નહીં ચાલવાના ઈતિહાસનુ ંપુનરાવર્તન જ થવાનું છે, પણ પરિવર્તન એ આવશે કે અસલી ઈમરજન્સી વખતે કેટલાય નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા, જ્યારે મારી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે તો દર્શકો જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હશે.'

'મેડમ, હવે તમે ખરેખર લીડર થઈ ગયાં છો, તમે જનતાની નાડ બરાબર પારખી ચૂક્યાં છો.'

'યસ...નો... યસ...નો...!'

આદમનું અડપલું

 કંગનાને કોઈ સમજાવો, ભાજપમાં સિનિયર નેતાઓને જ ડાયલોગ મળે છે, બાકીનાઓએ સાયલન્ટ ફિલ્મની જેમ જ જીવવાનું હોય છે!


Google NewsGoogle News