Get The App

પર્સન નહીં, પરેશાન ઓફ ધી યરના ટાઈટલ માટે પડાપડી

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
પર્સન નહીં, પરેશાન ઓફ ધી યરના ટાઈટલ માટે પડાપડી 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અલ્લુ અર્જુન અને કંગના, ઉદ્ધવ અને શિંદે વચ્ચે પણ હોડ જામશે 

વિદેશમાં પર્સન ઓફ ધી યર ની જાહેરાત થાય છે. જોકે, ભારતમાં 'પરેશાન ઓફ ધી યર'ના ટાઈટલની જાહેરાત થાય તો જબરી પડાપડી થાય તેમ છે. 

સૌથી પહેલાં તો અલ્લુ અર્જુન જ ઘાંટો પાડશે, 'લ્યા મારી હાલત તો જુઓ, મારી ફિલ્મે ૧૫૦૦ કરોડનો બિઝનેસ આપ્યો છતાં પણ મારે જેલમાં જવું પડયું. મારાથી વધારે પરેશાન માણસ તો આખી દુનિયામાં તમને ક્યાંય નહીં મળે.'

તરત જ આ  હોડમાં કંગના ઝંપલાવશે. 'મારી પરેશાની પણ કોઈ સમજો. મારી બનાવેલી ફિલ્મોમાં તો ત્રણેય કલાક મારી એકલીના જ ડાયલોગ હોય છે. અહીં સંસદમાં તો મારા સિવાય ૫૦૦ લોકો ડાયલોગ બોલનારા છે અને તેમાં પણ સૌથી જોરદાર અને લાંબા ડાયલોગ તો બે-ચાર ગણતરીના લોકોને જ મળે છે. મારા જેટલું પરેશાન કોઈ નથી.'

આ બાજુ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને એકનાથ શિંદે પણ આ મુદ્દે સામસામે આવી જશે. ઉદ્ધવ કહેશે, 'મારી તો પાર્ટી ગઈ, પોસ્ટ ગઈ, પોલ સિમ્બોલ પણ ગયું અને હવે મ્યુનિસિપાલિટીની ચૂંટણી પૂરતા સિમિત થવાનું આવ્યું. હું કેટલો પરેશાન છું. ' તરત જ એકનાથ શિંદે વિરોધ કરશે, 'ના, ભાઈ, ના. હું ભલે જાહેરમાં ના પાડું પણ એ જગજાહેર છે કે હું જ સૌથી વધારે પરેશાન છું. સીએમ બનવા ન મળ્યું અને નહોતું બનવું તો પણ ડેપ્યુટી સીએમ બનવું  પડયું. મારી હાલત સમજો. '

જોકે, પરેશાન બનવાની હોડ થાય તો ભાજપના તમામ મુખ્યપ્રધાનો એમાં જોડાઈ શકે તેમ છે. તેઓ કહેશે કે, 'વાત જવા દો. અમે મુખ્યમંત્રી છીએ પણ બધાને ખબર છે કે અમારે દિલ્હીથી આદેશ આવે તેટલું જ કરવાનું હોય છે. '

અલબત્ત, ભાજપના કેન્દ્રીય મંત્રીઓ તરત પ્રતિકાર કરશે, 'અરે હોય કાંઈ, આ પરેશાની કાંઈ તમારા એકલાની થોડી છે ? અમે તો દિલ્હીમાં હાજરાહજુર છીએ તો પણ એક પાંદડું પણ અમારી મરજીથી હલાવી શકતા નથી.'

આ બધા કેન્દ્રીય મંત્રીઓમર્થી  'પરેશાન ઓફ ધી યર' માટે સૌથી વધુ હક્ક જમાવતી ચીસ તો નિર્મલા તાઈ જ પાડશે. તેઓ કહેશે, 'મારી પરેશાની તો જુઓ. જીએસટીના હજુ ચાર-પાંચ જ સ્લેબ છે. મારી ઈચ્છા તો હોટલમાં સલાડની ડિશમાં લાંબા કપાયેલાં ગાજર પર અલગ જીએસટી અને ગોળ પતીકા સ્વરુપે કપાય તો અલગ જીએસટી લાવવો છે, પણ એ બધાં માટે મારે ઓછામાં ઓછા સો સ્લેબ જોઈએ. એ નહીં આવે  ત્યાં સુધી હું પરેશાન જ રહેવાની છું.'

જોેકે, એક વાત તો નક્કી છે કે આ દેશમાં સૌથી ખુશ અને જોશમાં હોય તો તે મધ્યમવર્ગનો માણસ છે. તે બિચારો ક્યારેય 'પરેશાન ઓફ ધી યર'નું ટાઈટલ ક્યારેય નહીં માગે. બોલો સાચુંને?

આદમનું અડપલું

અસલી હોડ તો 'નકલી પર્સન ઓફ ધી યર' માટે જામશે - જજ, આઈએએસ, આઈપીએસ... લાંબું લિસ્ટ છે!


Google NewsGoogle News