આત્મનિર્ભર તારણહાર યોજના: પબ્લિક જાતે તરતાં શીખી લે

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
આત્મનિર્ભર તારણહાર યોજના: પબ્લિક જાતે  તરતાં શીખી લે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

'સર, ચારે બાજુ પાણી ભરાયાના સમાચાર છે.'

'એમ? તત્કાળ મંત્રીશ્રીઓના બંગલા ખાતે  વ્યક્તિ દીઠ છ-છ હોડી ગોઠવી દો.દરેક હોડીમાં ચાર-ચાર  કમાન્ડો ગોઠવી દો, જેઓ જરુર પડે મંત્રીશ્રીને ઉંચકી શકે.મંત્રીશ્રીઓના રેસ્ક્યુ માટે આપણે ટેન્ડર આપી રાખ્યું છે  એ કંપનીને હેલિકોપ્ટરો  મંત્રાલય પાસે સાબદાં કરાવી દો. '

'સર... વેઈટ..વેઈટ! પાણી અહીં ગાંધીનગરમાં નથી ભરાયાં. વડોદરા, સુરત જેવાં શહેરોમાં ભરાયાં છે.'

'ઓહો...તો પહેલાં કહેવું હતુંને. મેં ખોટું  મારું બીપી  વધાર્યું. તરત એક સરક્યુલર બહાર પાડો.  પબ્લિકને કહો કે જળનાં મંગલ વધામણાંના કાર્યક્રમો દરેકે વોર્ડમાં ગોઠવે. કલેક્ટરો અને મ્યનિસિપલ કમિશનરો સહિત પાર્ટી પદાધિકારીઓને કહો કે  તમામ અધિકારીઓ, કોર્પોરેટરોેને આ વધામણાંમા ં જોતરે. આ તો ઈમરજન્સી પણ છે  ને ઉત્સવ પણ છે, ઈમરજન્સીનો ઉત્સવ છે.'

'સર, ઈમરજન્સીના ઉત્સવમાં લોચો પડશે.સરકારે પહેલેથી પચ્ચીસમી જૂને કાંઈક ઈમરજન્સીનો ઉત્સવ મનાવવાની જાહેરાત કરી ચૂકી છે. બધી ભેળસેળ થઈ જશે.'

'ઓહો, સારું થયું તમે  યાદ અપાવ્યું. આપણે એ જ ઈમરજન્સીમાં રસ લેવો જોઈએ જે  મનાવવામાં સરકારને ખુદને રસ હોય.  બાકી તો જેમ પાણી પોતાનો રસ્તો કરી લે એમ પબ્લિક પણ પાણી વચ્ચેથી પોતાનો રસ્તો કરી લેશે.'

'સર, રસ્તા પરથી યાદ આવ્યું. આપણે કાયમ સરકારના સપોર્ટમાં  રહેતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની મદદથી એવી વાત ચલાવીએ કે પાણી ભરાય છે તેનો મતલબ એ કે રસ્તા છે ખરા. પબ્લિકે રસ્તાનાં અસ્તિત્વ માટે સરકારનો આભાર માનવો જોઈએ. બાકી જૂના જમાનાના ગામડાંના વોકળા જ હોત તો પાણી ચોમાસાંમાં એની મેળે જતું રહેત અને પબ્લિક બાકીના દસ મહિના રસ્તાના અભાવે  કેડીઓ જ ખૂંદતી હોત.'

'અરે ભાઈ, આપણી પબ્લિક તો  નકરી વાંકદેખી પ્રજા છે. રસ્તા  છ ે એવું  યાદ અપાવશું તો પાછી ખાડાઓની વાર્તા માંડશે.  હવે આટલા સારા રસ્તા છે તો એમાં પાણી કેમ ભરાય છે તેની ફરિયાદો કરશે. '

'સર, આપણે એમ કરીએ. આત્મનિર્ભર તારણહાર યોજના બહાર પાડીએ. આ વરસાદી પાણીમાં પબ્લિક જાતે તરતાં  શીખી લે. પાણી ભરાવાની ફરિયાદોને બદલે પાણીમાં ગેલગમ્મત કરતાં શીખી લે.'

'પણ એમાં એક પ્રોબ્લેમ છે. પબ્લિક જો તરતાં શીખી ગઈ તો ચોમાસાં તો બે મહિના પાણી ભરાયેલાં રહેશે. બાકીના દસ મહિના માટે  તરી શકાય એવું અને પાછું કોઈ પ્રદૂષણ નહીં ધરાવતી પાણીથી ભરપૂર  નદી માગશે, તરવા માટે  ગામતળાવો  માગશે. એ બધું આપણે ક્યાંથી કાઢશું?'

'જવા દો. આપણા સરકારી કવિઓને કહી દો કે વરસાદી કવિતાઆ લખીને પબ્લિકને મોજમાં રાખે. બાકી પાણી તો પોતે ઓસરી જશે.'

'વાહ, સર. આ પબ્લિક તો કવિતાઓના જ લાગની છે. વાહ!'

આદમનું અડપલું

ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ નહીં, મેનેજમેન્ટ જ ડિઝાસ્ટર હોય એનું નામ સરકાર! દરેક વોર્ડમાં જળનાં મંગલ વધામણાં ગોઠવો, આ તો ઈમરજન્સીનો ઉત્સવ છે


Google NewsGoogle News