Get The App

પત્ની સાથે આવો તો 28 ટકા જીએસટી, ગર્લફ્રેન્ડ હોય તો પાંચ ટકા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
પત્ની સાથે આવો તો 28 ટકા જીએસટી, ગર્લફ્રેન્ડ હોય તો પાંચ ટકા 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ફિલ્મમાં ફાઇટિંગ કે રડારોળના સીન હશે તો પાંચ ટકા જીએસટી, સૂરજ બડજાત્યા ટાઈપ મીઠી મીઠી વાતો હશે તો 18 ટકા... 

જીએસટી કાઉન્સિલવાળા ટેન્શનમાં હતા. 'યાર, અત્યારના જીએસટીમાં સાદા પોપકોર્ન પર પાંચ ટકા અને કેરેમલવાળા પર ૧૮ ટકા ને એ બધું તો બહુ સિમ્પલ છે. હજુ જીએસટી થોડુંક વધારે અઘરું કરવું જોઈએ.'

એક સભ્ય કહે, 'લ્યા, 'પુષ્પા- ટુ' ૧૫૦૦ કરોડ કમાય તો પણ એટલો જ જીએસટી ને અક્ષયકુમારની  ફિલ્મમાં કાગડા ઉડે તો પણ એટલો જ જીએસટી એ તો જરા વધારે પડતું સિમ્પલ ન થઈ ગયું?'

બીજા સભ્ય કહે, 'એવું લાવો કે ફાઈટિંગ કે રડારોળવાળી  ફિલ્મ હોય તો પાંચ ટકા જીએસટી ને સૂરજ બડજાત્યાની મીઠી મીઠી વાતો વાળી ફિલ્મ હોય તો ૧૮ ટકા જીએસટી.'

ત્રીજા સભ્ય કહે, 'આ જ ફોમ્યુલા મોબાઈલ બિલમાં પણ લાવો. લોકો મોબાઈલ પર ગાળાગાળી કે તકરાર કરે તો પાંચ ટકા જીએસટી ને જો પ્રેમથી વાતો કરે તો ૧૮ ટકા જીએસટી. સાચું કહું છું, ૯૦ ટકા યંગ જનરેશનનો ફોનનો વપરાશ ઘટી જશે. એમનાં માં-બાપ આશીર્વાદ આપશે.'

એક સભ્ય કહે,'વેપારીઓ માટે અત્યારે જીએસટીની ગણતરી બહુ સરળ છે. તેને બદલે એવુ રાખોન ેકે ગ્રાહક દર બેકી તારીખે બેકી સમયે જમણો પગ મૂકી દુકાનમાં દાખલ થાય તો પાંચ ટકા જીએસટી ને એકી સમયે ડાબો પગ મૂકી દુકાનમાં દાખલ થાય તો ૧૮ ટકા જીએસટી.'

બીજા સભ્ય કહે, 'અમુક સેલ્સમેનો મીઠી મીઠી વાતો કરીને ગ્રાહકોને ખોટી વસ્તુઓ પકડાવી જાય છે. તો આપણે એવું પણ રાખીએ કે સેલ્સમેન 'લેવું હોય તો આ ભાવમાં લ્યો, બાર્ગેન નહીં થાય' એવું કહે  તો પાંચ ટકા જીએસટી રાખીએ ને  સેલ્સમેન 'અરે સાહેબ, તમારી જ દુકાન છે, તમે  વસ્તુ લઈ જાઓ, ગમે તો જ પૈસા આપજો. ન પસંદ પડે તો પાછી મને માથે મારજો ' એમ કહીને વેચાણ કરે તો ૧૮ ટકા જીએસટી.'

એક સભ્ય કહે, 'હજુ આપણે હોટલમાં કોઈ ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યૂસ પીએ તો ૧૮ ટકા, કાચના ગ્લાસમાં પીએ તો પાંચ ટકા ને વેઈટર આવીને જગ ત્રાંસો કરેન ેગ્રાહક ખોબે ખોબે પી લે તો પાંચ ટકા એવો સ્લેબ તો લાવ્યા જ નથી.'

બીજા સભ્ય કહે, 'આ હોટલ પરથી આઇડિયા આવ્યો. એવું રાખીએ તો કે કોઈ હોટલમાં પત્ની સાથે રુમ બૂક કરાવે તો  ૨૮ ટકા જીએસટી ને ગર્લફ્રેન્ડ સાથે હોય તો પાંચ જ ટકા જીએસટી. વિચાર કરો કે ગર્લ ફ્રેન્ડને વાઈફ તરીકે રજિસ્ટરમાં દર્શાવવાના ખોટા ધંધા બંધ થઈ જશે. લોકો ગર્લફ્રેન્ડની ઓળખ નહીં છૂપાવે. જીએસટી ડિપાર્ટમેન્ટમાં પતિએ  કેટલો ટેક્સ ભર્યો છે તે જાણવા માટે પત્નીઓની લાઈનો લાગશે. આપણા થકી કેટલીય પત્નીઓનું ભલું થઈ જશે.'

'ખામોશ...' મોટા સાહેબે બરાડો પાડયો. 'જીએસટીની રચના કોઈનુંય ભલું કરવા માટે નથી થઈ. સમજ્યા ? '

મીટિંગ રુમમાં સન્નાટો છવાઈ ગયો.

આદમનું અડપલું

જેએનયુવાળાથી ચેતવા જેવું  એવા ભાજપના કાર્યકરોના આરોપને નિર્મલા સિતારામન જ સાચો પાડી રહ્યા છે


Google NewsGoogle News