Get The App

જનતંત્રથી ભજનતંત્ર સુધીની સફરના અભિનંદન

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
જનતંત્રથી ભજનતંત્ર સુધીની સફરના અભિનંદન 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- બાળકો દેશનું ભવિષ્ય છે, તેઓ ઉત્તમ ભક્ત બને તેમાં જ દેશનો ઉદ્ધાર છે

સ્કૂલમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીના પ્લાનિંગ માટે સાહેબોની મીટિંગ મળી.

આચાર્યઃ દર વખતે આપણે ધ્વજવંદન અને રમતોત્સવ યોજીએ છીએ. આ વખતે ૨૬મી માટે કોઈ નવું સજેશન આપો.

શિક્ષક૧ઃ સર, આ નવું કરવાની ઈચ્છા મૂકી દો. નવું કરવાની ઈચ્છા એ આપણને શિક્ષક તરીકે ગેરલાયક ઠેરવે છે. આપણે તો વર્ષો જૂની રીતે ભણાવ્યા કરવાનું ને જૂની ઢબે જ પરીક્ષાઓ લીધા કરવાની. જૂનું એ સોનું કહેવત આપણા શિક્ષણ તંત્ર માટે  જ બની છે. 

શિક્ષક ૨ઃ તે સરકાર શું મૂરખી છે કે નવી શિક્ષણ નીતિ લાવી છે? 

શિક્ષક ૩ઃ નવી શિક્ષણ નીતિ લાવીને શું કાંદા કાઢ્યા, કોણ શું ભણશે, કોણ શું ભણાવશે, કેવી રીતે પરીક્ષા યોજાશે, સાયન્સની કોલેજમાં મ્યુઝિક ભણાવાશે ને કોમર્સ કોલેજમાં ડાન્સના ક્લાસ ચાલશે એ બધું બહુ કન્ફ્યુઝિંગ થઈ ગયું છે. 

શિક્ષક ૪ઃ માનો યા ના માનો, શિક્ષણમાં પરિવર્તન તો આવ્યું જ છે. પહેલાં જેટલા પૈસામાં છોકરાં પ્રાથમિકથી માંડીને ડોક્ટર-એન્જિનીયરનું ભણી જતાં હતાં તેટલા પૈસામાં તો અત્યારે જુનિયર કેજી-સિનિયર કેજીની ફી થઈ જાય છે.

આચાર્યઃ અરે મારા સાહેબો, ૨૬મી પર ફોકસ કરો. 

શિક્ષક ૫ઃ સાહેબ, મારું ફોકસ તો પહેલી ફેબુ્રઆરીએ બજેટ આવવાનું છે તેના પર જ છે. જોઈએ, આ વખતે ટેક્સ સ્લેબમાં શું લાવે છે. 

આચાર્યઃ જુઓ, કોઈને ૨૬મીના કાર્યક્રમ વિશે કોઈ ઈનપુટ ન આપવાનાં હોય તો આપણે આ મીટિંગ માંડી વાળીએ. જનતંત્રના આટલા મોટા તહેવારનો તમને લોકોને જ ઉત્સાહ ન હોય તો વિદ્યાર્થીઓેને તો કેવી રીતે આવશે? 

શિક્ષક ૬ઃ સાહેબ, આ તમે જનતંત્રની વાત કરી તો મને ખ્યાલ આવ્યો કે આપણે આ વખતે ૨૬મીના બધા કાર્યક્રમ પડતા મૂકીને માત્ર ભજન કાર્યક્રમ રાખીએ. આમ પણ જુઓ છેલ્લા કેટલાય સમયથી આપણું જનતંત્ર ભજનતંત્ર જ બની ગયું છે. તમામ નાના નેતાઓ મોટા નેતાની આરતી ઉતારે છે, અમલદારો પણ વાહવાહી કરવામાં વ્યસ્ત છે. સેલેબ્સ, સ્પોર્ટસ પર્સન્સ, કથાકારો, ડાયરા કલાકારો સૌ સરકારના ગુણગાનમાં વ્યસ્ત છે. અગાઉ રૂપિયો તૂટતો હતો કે ગેસના બાટલાનો ભાવ વધતો હતો ત્યારે જનતા સડક પર આવી જતી હતી, પણ હવે જનતા પણ ભજનમંડળીમાં જોડાઈ તાળી પાડતી થઈ ગઈ છે અને જાપ જપ્યા કરે છે.

શિક્ષક ૭ઃ આ સારૃં છે. ભક્તિ સંગીતની ઈવેન્ટ જ રાખો. આખરે બાળકો જ દેશનું ભવિષ્ય છે. હાલનાં બાળકો ભવિષ્યના નાગરિક તરીકે ઉત્તમોત્તમ ભક્ત બને, મંજીરા વગાડી, તાળીઓ પાડી , પ્રશસ્તિ ગુણગાન કરી કરીને ધન્યતા અનુભવતાં ભજનો ગાય તેમાં જ દેશનાં જનતંત્ર, સોરી, ભજનતંત્રનો ઉદ્ધાર છે. 

સૌ શિક્ષકોએ આ દરખાસ્તને તાળીઓ પાડીને વધાવી લીધી. આચાર્યએ નિસાસો નાખ્યો. 

આદમનું અડપલું

જાગૃત નાગરિકો બનાવે ગણતંત્ર, બાકીના રચે ઘેટાઓનું ધણતંત્ર!


Google NewsGoogle News