રસીવાળા બોલિવુડમાં : હવે માથાના દુ:ખાવા માટે રસી આવશે
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ફિલ્મો જોઈને વિજ્ઞાાનીઓને લાગ્યું કે એક રસી તો લવેરિયા સામે જ બનાવવા જેવી છે
કોરોનાથી માંડીને બીજી કેટલીય રસીઓ બનાવનારી કંપનીએ કરણ જોહરની ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં ૫૦ ટકાની ભાગીદારી કરીને બોલીવૂડમાં એન્ટ્રી મારી તે સાથે જ અસલી સીન શરુ થયો.
ભવિષ્યમાં કંપનીએ કેવી કેવી ફિલ્મોના પ્રયોગો કરવાના છે તેના અભ્યાસ માટે વિજ્ઞાાનીઓને કેટલીક ફિલ્મો જોવાનું કહેવામાં આવ્યું.
આ અભ્યાસ સેશન બાદ વિજ્ઞાાનીઓએ કહ્યું, 'સૌથી પહેલી રસી તો લવેરિયા સામે જ બનાવવાની જરુર છે. દસમાંથી નવ ફિલ્મોમાં તો લવ પ્રોબ્લેમ જ છે. એમ લાગે છે કે દુનિયામાં પ્રેમમાં પડવા ને પ્રેમમાં દુ:ખી થવા સિવાય બીજું કોઈ કામ જ નથી.'
બોસે તેમેને ટપકાર્યા, 'અરે જ્ઞાાનીજનો, પ્રેમ તો બોલિવુડની જીવાદોરી છે. લવ સ્ટોરી બંધ થઈ જશે તો બોલિવુડને તાળાં વાગી જશે અને આપણું રોકાણ નકામું જશે. આ રસીનો આઇડિયા કેન્સલ કરો.'
એક વિજ્ઞાાની કહે, 'સર, આ ફિલ્મોમાં ગુરુત્વાકર્ષણ અને ગતિના સિદ્ધાંતોમાં પણ થોડા લોચા ચાલે છે. એક દડો ન ઉછળી શકે એટલી ઉંચાઈએ તોતિંગ કારો ઉછળે છે, હીરો વિલનને એક મુક્કો મારે તેમાં વિલન એટલો દૂર ઉછળી પડે છે કે એટલે દૂર તો આપણી ઝાપટથી માખી પણ ન ઉડે. મેડિકલ સાયન્સને લગતી પણ કેટલીક તકલીફો છે, હીરોને ગોળી વાગે એ પછી પણ તે અડધો કલાક સુધી લડતો રહે, દસ જણાને મારે અને પાછો બચી પણ જાય.'
બોસે માથું કૂટયું, 'અરે સાહેબો, છોડો આ બધી બુદ્ધિશાળી વાતો. તમે મનમોહન દેસાઈનું નામ સાંભળ્યું છે ? એમની ફિલ્મો જોવા માટે લોકો મગજ મૂકીને ઘરે જતા હતા.'
એક વિજ્ઞાાની રાજી થયા. 'સાઉન્ડસ ઈન્ટરેસ્ટિંગ. આના પરથી તો અદ્ભુત સાઈફાઈ ફિલ્મ બને તેમ છે.'
'ખબરદાર, બોલિવુડમાં બહુ સાઈફાઈ ફિલ્મો ચાલતી નથી. આપણે બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને એવી ફિલ્મો બનાવવાની છે કે જેની રિપીટ વેલ્યુ હોય, લોકો એક જ વાર નહીં, વારંવાર એ ફિલ્મ જોવા આવે.'
બીજા વિજ્ઞાાની હસી પડયા. 'ઓહો સર, એમ કહોને કે આપણે કોરોના રસી જેવું જ કરવાનું છે. લોકો પહેલો ડોઝ લે, પછી બીજો ડોઝ પછી બૂસ્ટર ડોઝ લેવા આવતા રહે.'
બોસે નિસાસો નાખ્યો. 'અરે, મેં ક્યાં તમારી સાથે ભેજાંફોડી કરી. જવા દો. ફિલ્મ પ્રોડક્શન માટે મારે નવી ભરતી જ કરવી પડશે. તમે લોકો રસી બનાવવાના કામમાં જ પાછા લાગી જાઓ.'
'એ તો લાગવું જ પડશે. ' એક વિજ્ઞાાનીએ બહુ સિરીયસ થઈને કહ્યું. 'આટલી બોલિવુડની ફિલ્મો જોયા પછી અમને લાગે છે કે દેશના લોકોને આવી ફિલ્મો જોયા પછી પણ માથું ન દુ:ખે તેવી રસી બનાવવાની તાતી જરુર છે. '
બોસે માથું કૂટયું.
આદમનું અડપલું
કરણ જોહરની સાથે રહીને રસી કંપની કમસે કમ પોપકોર્નનો ૫૦૦ રુપિયા ભાવ સાંભળીને મગજ બહેર ન મારી જાય તેવી રસી શોધે તો પણ સારું!