Get The App

અસલ ભક્તો હવે જૂતાં ચોરીની ચિંતા છોડી દે

Updated: Jun 24th, 2023


Google NewsGoogle News
અસલ ભક્તો હવે જૂતાં ચોરીની ચિંતા છોડી દે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- જૂતામાં પણ ક્વોલિટી કન્ટ્રોલ: કૂતરા ચાવી શકે તેવા જ જોડા પહેરવાનો કાયદો આવી શકે 

આવતા દિવસોમાં કદાચ એવો સીન જોવા મળશે કે એકાદ લાલિયો મોઢામાં કોઈનું જૂતું લઈને ભાગતો હશે અને તેની પાછળ ભૂરિયો ને કાળિયો ને લાલી એમ શ્વાન ટોળી પાછળ પડીને બૂમો પાડી ભસતી હશે, 'લ્યા , જૂતું ઉપાડીને ભાગવું નહીં, પણ આ જૂતું જ ગેરકાયદેસર છે.એ જૂતું મૂકી દે.' 

કલ્પના કરતાં હકીકત હંમેશાં વધારે રોચક હોય છે. જેમ આપણો શ્વાન સમુદાય રસ્તે રખડતા ચોરને જોઈને કે નેતાઓની ચૂંટણી યાત્રાઓ વખતે ભસીને સૌને ચેતવી આપે છે  તેમ ભવિષ્યમાં સરકાર દેશી કૂતરાઓની ફોજને  માત્ર સુંઘીને જ એ સરકાર માન્ય કૂતરાં છે કે નહીં તેવી જણાવી દેવાની તાલીમ આપી શકશે. કૂતરાંને પગાર તરીકે ગેરકાયદે ઠરેલાં જૂતાં ચાવવા મળશે.

સરકાર પબ્લિકનાં પેટ કે મગજનું ધ્યાન રાખતી નથી એવો કકળાટ કરનારા વિરોધીઓ જાણી લે  કે હવે સરકાર પ્રજાના પગ પકડવા બેઠી છે.   તેણે આપણે પગમાં કેવાં જૂતાં પહેરીએ છીએ તેની  ચિંતા કરવી શરૂ કરી દીધી છે. સરકાર ફૂટવેરની બાબતમાં પણ ક્વોલિટી કન્ટ્રોલ લાવી રહી છે. ચીનના મોબાઈલ વાપરવાનો વાંધો નથી, પણ જો ચીની બનાવટના ંહલ્કી ક્વોલિટીનાં જૂતાં પહર્યાં હોય તો શક્ય છે કે પોલીસ ભરરસ્તે તમને ઉઘાડા પગે કરી મૂકશે. 

જેમ એકવાર હજારની નોટ નાબૂદ કરનારી સરકાર ભવિષ્યમાં બે હજારની નોટનો પણ ઘડો લાડવો કરી શકે તેમ છે, તે રીતે ભવિષ્યમાં જૂતાં બાબતે આ ક્વોલિટી કન્ટ્રોલ માત્ર ચીનની જ નહીં, પરંતુ દેશીવિદેશી તમામ બનાવટનાં હલ્કી ક્વોલિટીનાં જૂતાં બાબતે પણ લાગુ પડશે. કદાચ એવું બને કે જૂતાંની એક-એક પેર પર સરકાર માન્યનો સિક્કો લગાવવો પડે. પછી તો ભવિષ્યમાં રસ્તા પર પોલીસ રોકે એટલે જેમ ડ્રાઈવિંગ લાયસન્સ બતાવીએ છીએ એમ  સરકાર માન્ય જ જૂતાં પહેર્યાં છે તે પુરવાર કરવા પોલીસને પગ પણ બતાવવો પડશે. કદાચ ખરા અર્થમાં પોલીસ પ્રજાને પગે પડતી હોય તેવાં દૃશ્યોે દરેક ગલીએ દેખાશે.

ભવિષ્યમાં જીવદયા પ્રેમીઓ ડિમાન્ડ કરશે કેફાલતુ ક્વોલિટીનાં ચંપલ ચાવી ચાવીને કૂતરાઓએ ચર્મડીનર અડધેથી પડતું મૂકી દેવું પડે છે. તેને બદલે ઈટેબલ (કૂતરાં માટે)  જૂતાં જ પહેરવાનો કાયદો ફરજિયાત બનાવો. હમણા ઔરંગાબાદ શહેરમાં કૂતરાં માજી ડેપ્યૂટી મેયરનું ચંપલ ઉપાડી ગયાં તો તાબડતોબ મ્યુનિસિપાલિટીએ ચાર કૂતરાઓને પકડી તેમનું ખસીકરણ કરી નાખ્યું હતું, પરંતુ ભવિષ્યમાં ઈટેબલ જૂતાં આવશે તો કૂતરાંઓની ભાવિ પેઢીઓનું એડવાન્સ નિકંદન અટકી જશે. 

ભવિષ્યમાં કોઈનાં બેસણાંની જાહેરાતમાં લખાશે કે સદગતના દેશપ્રેમને છાજે તે રીતે સરકાર માન્ય જૂતાં પહેરીને જ આવવા વિનંતી છે. કદાચ  મંદિરો બહાર પણ બોર્ડ મૂકાશે કે ચોરીની ચિંતા વિના અસલ ભક્તો માત્ર સરકાર માન્ય જૂતાં પહેરીને જ મંદિરે આવે. આમાં મજા 'અસલ ભક્ત' શબ્દની છે. જુઓને અત્યારે પણ અસલ સરકારી ભક્તો ક્યાં કોઈ પણ પ્રકારની ચોરીની ચિંતા કરે જ છે?

આદમનું અડપલું 

'આદિપુરૂષ'ના ડાયલોગ લખતી વખતે પોતાનાં સહિત બધાના જૂતાં બહાર ઉતરાવી દેવાતાં હતાં એવા મનોજ મુન્તશિરના ખુલાસા પછી જ સરકાર જૂતાં બાબતે ક્વોલિટી કન્ટ્રોલ લાવી રહી છે. છે ને યોગાનુયોગ !


Google NewsGoogle News