આ મોંઘવારીમાં રાંધણ છઠ્ઠ મનાવનારાઓ પર ઈન્કમટેક્સની નજર

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
આ મોંઘવારીમાં રાંધણ છઠ્ઠ મનાવનારાઓ પર ઈન્કમટેક્સની નજર 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- એક ઘરમાંથી બે કિલો હળદર પકડાઈ, કહ્યું કે રસ્તાના ખાડાઓને લીધે લેપ કરવા રાખી છે

ઈન્કમટેક્સના સાહેબે  આદેશ આપ્યો, 'હાઈ નેટવર્થવાળા , હાઈ વેલ્યુના વહેવારો કરનારાઓને શોધી લાવો.'

તરત જ  અધિકારીઓ નીકળી પડયા. એકે સાહેબને ફોન કર્યો, 'સાહેબ, એક જણ મારી નજર સામે ત્રણ ડિશ ભજીયાંની ઝાપટી ગયો છે. ઉપરથી પાછી કટિંગ નહીં, પણ આખો કપ ચા મગાવી છે. હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનનો કેસ બને છે.'

સાહેબે તરત  જ રિજેક્ટ કર્યું, 'છોડી દો. ભજીયાંવાળા આપણા દિલ્હીના સાહેબોને બહુ પ્રિય છે, કારણ કે ભજીયાં તળવાં એ પણ બહુ મોટો રોજગાર છે તેવું તેઓ જતાવી ચૂક્યા છે. અને  દેશમાં ચા પીવા-પીવડાવવાવાળાને કોઈ પણ પ્રકારના વાંકમાં લાવવા સામે ૨૦૧૪થી પ્રતિબંધ છે.'

બીજા અધિકારીેએ સાહેબને મેસેજ કર્યોઃ 'સર, એક ઘરમાંથી બે કિલો હળદર પકડાઈ છે. આટલા મોટા પાયે સંઘરાખોરી બેનામી આવક  સિવાય શક્ય ન બને. નોટિસ આપી તો કહે છે કે આ તો રસ્તા પર એટલા બધા ખાડા છે કે રોજ ઘરે આવીને અંગેઅંગમાં પીડા થાય છે, એટલે લેપ કરવા હળદર રાખી છે.'

સાહેબ નિરાશ થઈને કહે, 'રસ્તા પરના ખાડાઓ મામલે વધુ તપાસ કરવા જઈશું તો  કોઈ બિચારો કોન્ટ્રાક્ટર કૂટાઈ જશે. એના કરતાં એ હળદરવાળાને જવા દો.'

ત્રીજા અધિકારીનો ફોન આવ્યો, ' સર, એક કરિયાણાની દુકાનમાં મેં જોયું. એક ભાઈએ રાંધણ છઠ્ઠ નિમિત્તે ૨૫૦ ગ્રામ શુદ્ધ દેશી ઘી, બે કિલો તેલ, એક કિલો મેંદો વગેરેનો ઓર્ડર આપ્યો છે. હજુ તો કદાચ સોજી અને દાળનાં પણ પડીકાં બંધાવે તેવું તેની હિલચાલ પરથી કળાય છે.'

સાહેબ ખુશ થઈ ગયા. 'શાબાશ! આવી મોંઘવારીમાં  રાંધણ છઠ્ઠ નિમિત્તે જાતજાતની વાનગીઓ બનાવે તે તો બ્લેક મની સિવાય શક્ય જ નથી. એની થેલી, ખિસ્સાં બધું ચેક કરો.   જ્યાં જ્યાં રાંધણ છઠ્ઠ નિમિત્તે ધૂમ રસોડાં ચાલતાં હોય એ બધી જગ્યાએ ત્રાટકો.'

લાંબી રાહ બાદ  સાહેબે અકળાઈને સામેથી ફોન કર્યો, ' કેટલો આંકડો થાય છે?'

પેલા અધિકારી કહે, '૧૮૭૫.'

સાહેબ બગડયા, 'વ્હોટ ?'

અધિકારી કહે, 'સાહેબ, ૧૮૭૫ તો કોઈ કરચોરીની રકમ નહીં, પણ સોશિયલ મીડિયા  ફોલોઅર્સનો આંકડો છે. આ  ભાઈ કોઈ ફૂડ બ્લોગર છે. કહે છે કે પહેલાં એમનો કેટરિંગનો ં ધંધો હતો. તેમાં મંદી આવી  એટલે વાનગીઓ બનાવવાના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને કમાવાની કોશિશ કરે છે. રાંધણ છઠ્ઠ નિમિત્તે બે-ચાર વાનગીઓના લાઈવ ડેમો માટે આ બધી  વસ્તુઓ લેવા આવ્યા હતા.'

 'ફુડ બ્લોગર? જવા દો. દેશમાં આજકાલ ફૂડ બ્લોગરના ગમે તેવા  ગુના  માફ છે... અને હા દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ઈવેન્ટ મેનેજમેન્ટનો ધંધો બેસી ગયો છે  એટલે કેટરર્સને પણ બિઝનેસ ન મળે સ્વાભાવિક છે.' આવું કહી સાહેબે ઉચ્છવાસ કાઢ્યો. 

'સાહેબ, એક મિનિટ, મન કોઈના દિલમા  કશુંક બહુ બળી ગયું હોય તેવી ગંધ આવી. હું જાઉં.' એમ કહી અધિકારીએ ફોન મૂકી દીધો.

આદમનું અડપલું

કાચું બાફવુ, એ રસોડાંમાં નહીં પણ સરકારમાં બેઠેલા સૌની હોટ ફેવરિટ એક્ટિવિટી છે!


Google NewsGoogle News