Get The App

હવે સિતારની લેનમાં ઘૂસી ગયેલા તબલાંવાળાને મેમા મળશે

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
હવે સિતારની લેનમાં ઘૂસી ગયેલા તબલાંવાળાને મેમા મળશે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- રસ્તા પર કોઈ હોર્ન  કેમ મારે છે તેવો ઝઘડો કરશે તો જવાબ મળશે કે હું તો ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યો છું

આરટીઓ,  ટ્રાફિક પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મ્યુનિસિપાલિટી અને વાહન ઉત્પાદકોની બેઠક શરુ થઈ. 

આરટીઓ : સરકારે  ભારતીય સંગીત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા નક્કી કર્યું છે કે હવેથી વાહનોમાં કર્કશ હોર્નને બદલે તબલાં,  સારંગી, વાંસળી વાગવાં  જોઈએ. આઇડિયા એવો છે કે પછી લોકો ટ્રાફિક જામની ફરિયાદો કરતા જ બંધ થઈ જશે. ટ્રાફિક જામમાં ફસાયો છું એમ કહેવાને બદલે કહેશે કે  સંગીત સમારોહમાંથી પસાર થઈ રહ્યો છું. 

ટ્રાફિક પોલીસ: વાહ, પછી તો કોઈ ફરિયાદ કરશે કે હોર્ન કેમ વગાડે છે તો સામો માણસ જવાબ આપી શકશે કે હું તો ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહ્યો છું. યુવાનો હિંદુસ્તાની ક્લાસિક્લ સંગીતને ઉત્તેજન આપવા ધૂમ સ્ટાઈલથી બાઈકો દોડાવતા નીકળશે.

મ્યુ. અધિકારી:  બરાબર છે. ફોરેનવાળાને એવો વહેમ છે કે ભારતીય સંસ્કૃતિ તો રસ્તા પર એકબીજાની સાઈડ કાપીને, રોંગમાંથી ઓવરટેક કરીને, જરુર ન પડે ત્યાં હોર્ન મારવામાં, ચાલુ ગાડીએ બહાર થૂંકવામાં, લાગ મળે ત્યારે સિગ્નલ તોડવા જેવી પ્રવૃત્તિઓમાં જ છે. તેમને અસલી ભારતીય સંસ્કૃતિનું ભાન થશે. 

વાહન  ઉત્પાદક: અમારે એક જ ગાડીના હોર્નમાં બધી જાતનાં વાદ્ય ફિટ કરવાનાં છે કે પછી નાની  ગાડીમાં વાંસળી, મોટી ગાડીમાં સારંગી, ટ્રકમાં તબલાં, બાઈકમાં હારમોનિયમ એમ અલગ અલગ વાદ્ય ગોઠવવાનું છ? 

ટ્રાફિક પોલીસ:  એવું થાય તો અમારે ટ્રાફિક મેનેજમેન્ટ સિમ્પલ થશે. અમે  વાહન અને હોર્નના વાદ્ય પ્રમાણે લેન ફિક્સ કરી દઈશું. પછી સિતારની લેનમાં વાયોલિનવાળા  કે તબલાંવાળા ઘૂસશે તો  તેમને પકડી પકડીને મેમા ફટકારીશું. 

પ્રદૂષણ અધિકારી: ભાઈ, જે  પણ હોર્ન ફિટ કરો તેમાં જરાક રાગ, સૂરતાલ બધું વ્યવસ્થિત રાખજો. શક્ય હોય તો એવી ગોઠવણ કરજો કે  વહેલી સવારે ભૈરવ રાગ વાગવો જોઈએ. સાંજે યમન કલ્યાણ કે ભૂપાલીની રમઝટ મચવી જોઈએ, રાત પડે માલકૌંસ કે બાગેશ્રી પ્રમાણે હોર્ન વાગવું જોઈએ. આમાં શું છે કે સાંજે તમે સવારનો ભૈરવ રાગ વગાડશો તો  પાછી નાહકની ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો આવશે. 

 મીટિંગમાં ચા આપવા આવેલા ચાવાળાએ આ બધી વાતો સાંભળતાં સાંભળતાં કહ્યું, 'આમ તો રસ્તા પર ટ્રાફિક ઘટાડવો કે મેનેજ કરવો હોય તો દરેક વાહનનું હોર્ન 'અચ્છે દિન આને વાલે હૈં' રાખી દેવું જોઈએ. જોજો પછી રસ્તા પર કોઈ ગાડી ઊભી નહીં રહે. ફટાફટ ક્લિયર થઈ જશે.' 

આ સૂચન સાંભળી બધા અધિકારીઓ ચા પીધા વગર જ ફટાફટ બહાર ભાગ્યા. 

આદમનું અડપલું

 નેતાઓ ભાષણો આપ્યા કરે પરંતુ જનતાની ફરિયાદો પ્રત્યે સરકાર બહેરી  જ રહે એને કહેવાય વન-વે ટ્રાફિક. 

Tags :