Get The App

આપણે પણ હવે બોરિંગ શપથ છોડી સરકારનું ઉદ્ધાટન કરો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
આપણે પણ હવે બોરિંગ શપથ છોડી સરકારનું ઉદ્ધાટન કરો 1 - image


- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- એક પછી એક મંત્રીઓ કાતર લઈને સ્ટેજ પર આવે અને ફાઈલ પરની દોરી કાપતા જાય તો મજા પડે 

અમેરિકમાં ટ્રમ્પનું 'ઈન્ગ્યુરેશન' લાઈવ જોયા પછી  એક નેતાએ બીજા નેતાને ફોન કર્યો, 'આ અમેરિકાવાળો આઇડિયા આપણે અપનાવવા જેવો છે.'

બીજા નેતા બરાડયા, 'ચૂઉઉપ...અહીં આપણે વિશ્વગુરુ બનવાની ફિરાકમાં છીએ. અમેરિકા આપણા આઇડિયા ઉઠાવે તેવા પ્રયાસો કરીએ છીએ. આપણે આપણા દેશને દસ હજાર  વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિમાં પાછો લઈ જવાનો છે. અને તમે હજુ જેને ૫૦૦ વર્ષ પણ નથી થયાં તેવાં અમેરિકાનું અનુકરણ કરવાનું કહો છો ?'

પેલા નેતા કહે, 'અરે પ્રભુ, તમે નારાજ ન થાઓ. હું તો આ ઈન્ગ્યુરેશનવાળું અપનાવવા જેવું છે એમ કહું છું. આપણે ત્યાં તો સરકાર રચાયા પછી   સૌ કોઈ ઉદ્ધઘાટનો કરવા મચી પડે છે. પણ અમેરિકામાં તો જુઓ, એમણે તો સરકારનું જ ઉદ્ધઘાટન કરી નાખ્યું.'

હવે બીજા નેતાને ચમકારો થયો. 'ઓહો, તમે 'ઈન્ગ્યુરેશન'ની વાત કરો છો ? ભલા માણસ એ ઈન્ગ્યુરેશન એટલે શરુઆતના અર્થમાં છે. આપણે ત્યાં જેમ ઉદ્ધઘાટનો કરીએ છીએ એ અર્થમાં નહીં. '

પેલા નેતા કહે, 'એ અર્થ-અનર્થ હું કાંઈ ન સમજું. તમે વિચારો કે આપણે પણ અમેરિકાની સ્ટાઈલથી સરકારનું ઉદ્ઘાટન કરીએ. અત્યારે તો શપથ વિધિ બહુ બોરિંગ થઈ જાય છે. તેને બદલે બધા મંત્રીઓ હાથમાં કાતર લઈને ઊભા હોય , એક લાંબી લચક લાલ રિબન બાંધવામાં આવી હોય. જે જે મંત્રીનું નામ બોલાતું જાય તે તે રિબન પર કાતરનો છરકો મૂકતા જાય તો મજા પડે કે નહીં?'

બીજા નેતા ફરી  બગડયા. 'અરે, શું મજા પડે ? એકવાર એક મંત્રી જોરથી કાતર મારી દે તો આખી રિબન તૂટી પડે. એવું ન ચાલે. બીજું કાંઈક ગોઠવવું પડે.'

પેલા નેતા કહે, 'આપણી  સંસ્કૃતિમાં તો ઉદ્ધઘાટનની અનેક રીતો છે. એવું કરીએ કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન રીબન પર કાતર મારે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ નાળિયેર ફોડે, રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો હોય એ લોકો તક્તીઓનું અનાવરણ કરે અને માત્ર રાજ્ય કક્ષાના મંત્રી હોય એ લોકો આરતી ઉતારે એટલે સરકાર ચાલુ થઈ ગઈ ગણવી.'

બીજા નેતા  હસતાં હસતાં કહે, 'એના કરતાં એવું કરીએ તો કે ટેબલ પર જૂની સરકારોના નિર્ણયોની ફાઈલો લાવવામાં આવે. નવા મંત્રીઓ તેના પર કાતર મારે એટલે નવી સરકારની શરુઆત ગણવી.'

પેલા નેતા કહે, 'એમ તો એક આઇડિયા એવો પણ છે કે નવા મંત્રીઓ પહેલાં શપથ લઈ લે અને પછી બંધારણ પ્રમાણે જ  વર્તવાના એ શપથના કાગળ પર જ કાતર મારી દે. આમેય સરકારમાં રહીને હવે તો એ જ કામ કરવાનું હોય છે ને. '

આ વખતે પેલા નેતાએ ફોન જ મૂકી દીધો. 

આદમનું અડપલું

આપણે ત્યાં મંત્રીઓ ધારે તો ચૂંટણી ઢંઢેરાના કાગળો પર કાતર મારીને પણ સરકારનું ઉદ્ધાટન કરી શકે છે, એ જરા યથાર્થ પણ લાગશે.


Google NewsGoogle News