Get The App

હવે જ્ઞાતિઓ અને મેરેજ બ્યૂરોવાળા દ્વારા આંદોલનો થશે

Updated: Feb 23rd, 2023


Google NewsGoogle News
હવે જ્ઞાતિઓ અને મેરેજ બ્યૂરોવાળા દ્વારા આંદોલનો થશે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સ્વરા ભાસ્કર પરથી પ્રેરણા લેવા જેવી છે, કારણ કે  ભાષણ, સૂત્રોચ્ચાર, ધરણાં, તોડફોડ એ બધી આંદોલનની પ્રેક્ટિસ મેરેજ લાઈફમાં પણ કામ આવશે

 સ્વરા ભાસ્કરે એક નવી દિશા ચીંધી બતાવી છે. તેણે એક આંદોલનમાંથી પોતાનો  જીવનસાથી શોધી લીધો છે.આપણા જેવા આંદોલનજીવી દેશમાં આંદોલનની આફત લગ્ન મેળાપક સમારોહ તરીકેનો  રુડો અવસર આસાનીથી બની શકે તેમ છે. 

અત્યારનાં જ્ઞાતિઓનાં જીવનસાથી પસંદગી સંમેલનો બહુ બોરિંગ હોય છે. તેને બદલે વિચારો કે આજના જમાનામાં દરેક જ્ઞાતિને કોઈ કોઈ અન્યાયની લાગણી કે બીજી કોઈ માગણી  તો હોય જ છે, તો જ્ઞાતિવાર આંદોલનો જ  શરુ થાય ે તો કેવું! ફાયદો એ થશે કે જ્ઞાતિની માંગ સંતોષાઈ જશે ને સાથે સાથે જ્ઞાતિના કેટલાય લગ્નોત્સુક કન્યાઓ અને કુમારોનું પણ ગોઠવાઈ જશે. 

ભવિષ્યમાં કોઈ મોટાં આંદોલન પાછળ મેરેજ બ્યૂરો મંડળનો હાથ હોવાનું બહાર આવે તો નવાઈ ન પામવી જોઈએ. વાસ્તવમાં કેટલાય સંગઠનો આ બાબતે મેરેજ બ્યૂરોવાળા સાથે સમજૂતી કરાર કરી શકે છે. પછી મેરેજ બ્યૂરોવાળા જાહેરાતો પણ આપી શકશે કે, ચાલો..ચાલો...ચાલો...સમસ્ત ગુજરાત પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા વેરા ઘટાડા માટે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ આંદોલનનું આયોજન કરેલ છે, પાંચ દિવસનાં ધરણાં બુક કરાવનારને બીજા બે દિવસનાં ધરણાંનો પાસ ફ્રી.'

પછી તો નેતાઓ પણ છાશવારે કોઈને કોઈ મુદ્દે  આંદોલન  યોજીને પોતાના મતવિસ્તારનાં કુમારો અને કન્યાઓને અરસપરસ મેળાપની તક પૂરી પાડી શકશે. મત મળે કે ના મળે પણ કેટલાય ઉંમરલાયક પાત્રોના આશીર્વાદ જરુર મળશે. 

બાદમાં એવું બની શકે કે  કોઈ છોકરી બહુ આંદોલનોમાં જવા માંડી છે એ વાતે માં-બાપ એલર્ટ થઈ જશે. કે પછી જેનો ક્યાંય મેળ ના પડતો હોય એવા ઉંમરલાયક કુમારને આખો પરિવાર પરાણે કોઈને કોઈ આંદોલનમાં ધકેલશે. સામાન્ય રાજકીય આંદોલનોમાં સરકારી ગુપ્તચરો હાજરી પુરાવતા હોય છે એમ બીજાં બધાં આંદોલનોમાં કદાચ કોઈ પત્ની પણ પોતાના પતિ માટે ડિટેક્ટિવ મોકલી શકે કે ચેક કરો તો, એ કોઈ બીજી સાથે ગોઠવાઈ જવાના ચક્કરમાં નથીને!

આંદોલનમાં લગ્ન ગોઠવાય તેનો મોટો ફાયદો એ કે આંદોલનમાં જરુરી હોય છે એ બધું જ જેમ કે ભાષણો, સામસામા સુત્રોચ્ચાર, ભાંગફોડ, ભાગદોડ, આરોપબાજી, ધરણાં, વર્ક ટૂ રુલ,  પ્રતીક ઉપવાસ, મોઢે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન, મૌન રેલી આ બધી જ પ્રેક્ટિસ આગળ જતાં લગ્નજીવનમાં પણ કામ આવશે. બાકી, દરેક આંદોલન પછી પારણા કે સુખદ સમાધાન તો હોય જ છે એટલે ગભરાવું નહીં.

આદમનું અડપલું 

એકાદું આંદોલન તો ઉનાળામાં ૫૦ ડિગ્રી તાપમાં ગોઠવાતાં લગ્નો સામે પણ થવું જોઈએ.


Google NewsGoogle News