ભલા માણસ, આને યુ-ટર્ન ન કહેવાય... આ તો ચક્કર આવ્યાં ગણાય

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ભલા માણસ, આને યુ-ટર્ન ન કહેવાય... આ તો ચક્કર આવ્યાં ગણાય 1 - image


- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- લેટરલ એન્ટ્રીની લમણાંઝીકમાં ભક્તોની માનસિક શાંતિની એક્ઝિટ

ખુલ્લાં મેદાનમાં એક  જણ ગોળ ગોળ ફરતો હતો. 

બીજો જણ તેને પૂછવા ગયો. 'ભાઈ, તમે કોણ?'

પેલો કહે, 'મારા  વીલાયેલા ચહેરા પરથી નથી દેખાતું? હું એક ભક્ત છું.'

'અચ્છા, ભક્તિમાં પ્રદક્ષિણા આવે ખરી. પરંતુ તમે કોને ફરતે પ્રદક્ષિણા કરો છો? 

'ભઈ, હું પ્રદક્ષિણા નથી કરતો. આ તો યુ-ટર્નની પ્રેક્ટિસ કરું છું. જુઓ છોને, અમે જેની ભક્તિ કરીએ છીએ એ સરકાર યુ-ટર્ન પર યુ-ટર્ન લીધા કરે છે. એટલે અમારે પણ તમારા જેવા લોકો સાથે રુબરુ ચર્ચામાં, વ્હોટસએપ મેસેજીસમાં, ટ્વિટર પર એમ બધે યુ-ટર્ન લઈ ને સરકારે આ  યુ-ટર્ન કેમ લીધો તેનો સપોર્ટ કર્યા કરવો પડે છે.'

'બોસ, તમે ગોળ ગોળ ફરતા હો તેનો મતલબ એ નહીં કે આવી ગોળ ગોળ વાતો કરો. જરાક સમજાવો. આખા દેશની જનતા તમારા જેવા ભક્તો જેટલી ઈન્ટેલિજન્ટ નથી.'

'હમણાં છેલ્લી ચૂંટણીમાં થોડો લોચો પડયો. જનતાએ ક્યાંકથી ખબર નહીં કેટલીક બદામ ખાઈ લીધી.'

'મેં સાદો સિંગદાણો પણ ખાધો નથી. મને સમજાવો.''જુઓ દોસ્ત, એવું થયું કે હમણા સરકારે  સરકારી તંત્રમાં લેટરલ એન્ટ્રીથી ભરતીની જાહેરાત બહાર પાડી હતી. પછી વિપક્ષોએ રાબેતા મુજબ તેનો વિરોધ કર્યો. તરત જ અમે બધા મેદાનમાં આવી ગયા અને આ લેટરલ એન્ટ્રીથી થનારા ફાયદા ગણાવી નાખ્યા. હવે શું છે કે સરકારે આ લેટરલ એન્ટ્રીની વાત પડતી મૂકી દીધી. આ લેટરલ એન્ટ્રીની લમણાંઝીકમાં અમારી મગજના શાંતિની એક્ઝિટ થઈ ગઈ છે. હવે અમારે આ શું કામ કેન્સલ કર્યું તેનો પણ બચાવ કરવાનો છે.'

'ઓહો, બસ આટલું જ?'

'શું આટલું જ? અમારા માટે યુ-ટર્નનો બચાવ કરવાનું આ પહેલીવારનું નથી. હમણાં અમે વક્ફ બોર્ડ બાબતે સરકારની બહાદૂરીની પ્રશંસા કરતા હતા ત્યાં તે જેપીસીમાં જતું રહ્યું, અમે લોકોને ઈન્ડેકસેશન કાઢી નાખવાથી થતા ફાયદા ગણાવી નાખ્યા તો ઈન્ડેકસેશન અપવાદરુપ કેસમાં પણ પાછું આવ્યું. વર્ષો પહેલાં અમે લોકોએ ફાર્મ લોઝના  ફાયદા આખા દેશને ભણાવી દીધા હતા તો સરકારે એ જ કેન્સલ કરી નાખ્યા હતા. અગાઉ અમે લોકોને મોટી નોટોના ગેરફાયદા ગણાવ્યા તો સરકાર બે હજારની નોટ લાવી. અમે એના ફાયદા ને વિશેષતાઓ માંડ માંડ સમજાવી રહ્યા ત્યાં સરકારે એ નોટો કાઢી નાખી. બોલો, અમારે પછી આ રીતે યુ-ટર્ન ઉપર  યુ-ટર્નની પ્રેક્ટિસ કર્યા કરવી પડે ને! તમે એને પ્રદક્ષિણા કહો છો.'

'ભલા માણસ, એક વાત કહું, આ જેને તમે યુ-ટર્ન લીધો કહો છો એને અમારા  જેવા સામાન્ય નાગરિકની નજરે તો ચક્કર આવી ગયાં એમ ગણાય.'

' હા,  લોકો દિલોદિમાગથી હળવા હોય એને ચક્કર આવે, અમારા કેસમાં અમે બેઠકોથી હળવા થયા એટલે ચક્કર ખાઈએ છીએ.ં'

આદમનું અડપલું

કંપનીઓના અધિકારીઓની સરકારમાં લેટરલ એન્ટ્રી તો દેખાડો છે, બાકી તો કંપની માલિકો જ સરકારો ચલાવતા હોય છેને!


Google NewsGoogle News