મહારાષ્ટ્રમાં સરકાર રચવા ધારાસભ્યોને મણિપુર લઈ જાઓ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આર્મી તો ત્યાં છે જ, એક-એક ધારાસભ્ય ફરતે 50 જવાનનો પહેરો ગોઠવી શકાશે
મહારાષ્ટ્રમાં મતદાન પતી ગયા પછી તમામ પક્ષોના કાર્યકરો વડાપાંઉ ખાવા ભેગા થયા.
કાર્યકર ૧: અલ્યા, ગોવા તો જવાય એવું રહ્યું જ નથી. ત્યાં ટેક્સીવાળા એવાં ભાડાં લે છે કે ટૂરિસ્ટો ત્યાં જતા બંધ થઈ ગયા છે.
કાર્યકર ૨ : અરે પણ ગોવાનું બુકિંગ તો ૩૧મી ડિસેમ્બર માટે કરાવવાનું છે ને.
કાર્યકર ૩: લ્યા, આ પરિણામો જાહેર થયા પછી ફરી બધા પાર્ટીઓએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટસમાં ખસેડવા પડશેને. તો હું વિચારતો હતો કે અહીંથી નજીકનું ગોવા કેમનું રહે.
કાર્યકર ૪ : અરે ડફોળ, હવે તો સાવ મિડલ ક્લાસ પબ્લિક પણ વિએટનામ ને ફૂકેટ વિના વાત નથી કરતી.
કાર્યકર ૫ : ફોરેનનું જોખમ લેવાય એમ નથી.ધારાસભ્યો બધી શરમ મૂકીને કરોડોમાં વેચાય તેનો પબ્લિકને બહુ વાંધો નથી હોતો. પબ્લિક તો એમાંય મજા લે છે, પણ ધારાસભ્યો બધી શરમ મૂકીને કપડાં કાઢીને બીચ પર આળોટતા હોય તો સો ટકા હોબાળો થાય.
કાર્યકર ૬ : ગુવાહાટી શું ખોટું છે ? જૂનું ને જાણીતું તો ખરું?
કાર્યકર ૭: એના કરતાં ગુવાહાટીથી સ્હેજ જ આઘે મણિપુરનું રાખીએ તો કેવું? યાર, ભાજપના ટોચના નેતાઓ પર આક્ષેપ થાય છે કે તેઓ મણિપુર પર ધ્યાન જ નથી આપતા. તેને બદલે ધારાસભ્યો જ ત્યાં હશે તો ભાજપ હાઈકમાન્ડના દિમાગમાં મણિપુર જ મણિપુર છવાયેલું રહેશે. મહિનાઓ સુધી ચાલેલી હિંસાથી ન થયું તે મહારાષ્ટ્રના ધારાસભ્યોનાં ત્યાં આગમનથી થશે, મણિપુર રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની જશે.
કાર્યકર ૮ : વાત સાચી છે. ત્યાં તો બહુ આર્મી છે. એક-એક ધારાસભ્ય માટે ૫૦-૫૦ મિલિટરી જવાનનો પહેરો ગોઠવી શકાશે.
કાર્યકર ૪: ભઈ, ત્યાં આમેય એવી હોળી સળગી છે કે હોમગાર્ડના સાદા જવાનનો પહેરો નહીં હોય તો પણ કોઈ ધારાસભ્ય રિસોર્ટની બહાર નીકળવાની હિંમત નહીં કરે ને બીજી પાર્ટીવાળા પણ ધારાસભ્યને ઉઠાવવા આવવાનું જોખમ નહીં ખેડે.
કાર્યકર ૧ : યાર, મને એક ટેન્શન થાય છે. ત્યાંની હિંસા જોઈને આપણા એકેય ધારાસભ્યનું દિલ દ્રવી ઉઠે ને પછી એ એમ કહી દે કે હું તો લોકોની સેવા માટે અહીં જ રહી જાઉં છું એવું તો નહીં થાય ને. આપણને તો એકેય ધારાસભ્ય આઘોપાછો થાય એ પોસાય એમ નથી.
કાર્યકર ૭: ચિંતા કરો નહીં, આપણા ધારાસભ્યો પર ભરોસો રાખો. એમને કહેશું કે અહીં મણિપુરમાં જે લાશો પડી છે તેની પાસે જે સૌથી લાંબો સમય ડાન્સ કરે તેને મિનિસ્ટર બનાવીશું તો આપણા ધારાસભ્યો તો વગર ડીજેએ આખી રાત નાચે એવા છે.
આ વાત પર બધા કાર્યકરોની આંખમાં પાણી આવી ગયાં. પછી એક કાર્યકર કહે, 'કાંઈ નહીં, આ તો વડાપાઉંની ચટણી વધારે તીખી આવી ગઈને એટલે..'
આદમનું અડપલું
મહારાષ્ટ્રમાં પરિણામ આવે એટલે શો પૂરો? ના, ના... પોલિટિકલ એન્ટરટેઈનમેન્ટની સિરીઝની નવી સીઝન શરુ થશે.