Get The App

સંસદમાં સાંસદોને એકબીજા સામે કઈ કેટેગરીની સુરક્ષા મળેે ?

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
સંસદમાં સાંસદોને એકબીજા સામે કઈ કેટેગરીની સુરક્ષા મળેે ? 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આઝાદીના 78મા વર્ષે સાંસદો હજુ સાદી ધક્કામુક્કીથી જ પતાવે છે. કેટલું શરમજનક કહેવાય!

સંસદમાં ધક્કામુક્કી થઈ ને એમાં બે-ચાર સાંસદોને વાગ્યું પણ ખરું તેનાં અજબગજબનાં રિએક્શન આવ્યાં. 

કાલથી ફાટેલાં કપડા પહેરીને જજો

નવા નવા સાંસદ તરીકે ચૂંટાયા પછી ત્રણ ડઝન જેકેટ અને કુર્તા સીવડાવી નાખનારા યુવા નેતાને ઘરવાળીએ કહ્યું, 'હવેથી તમારું સત્ર હોય ત્યારે ફાટેલાં કપડાં પહેરીને જ જજો. તમારે તો ધક્કામુક્કીનુ ંરોજનું થયું. એમાં આમ રોજેરોજ નવાં કપડાં ફાટે એ ચાલે નહીં. જોઈએ તો પેલા ઝુંપડાવાળાઓએ તમને બહુ મત આપ્યા છે ને તો ત્યાંથી થોડા ફાટેલા કપડાંનો સ્ટોક મગાવી રાખો.'

સંસદમાં ફાટેલાં કપડાનું સેલ

જોકે, કેટલાક વેપારીઓ આફતમાંથી અવસર શોધીને સંસદ ભવનની બહાર જ ફાટેલાં કપડાંનું સેલ લગાવવાના છેઃ 'સંસદમાં ખાસ ધક્કામુક્કી જેવા અવસરોએ પહેરવાનાં ફાટેલાં કપડાં...જલ્દી સ્ટોક ખાલી કરો. દરેક સરકારી હોસ્પિટલોમાં દવાનું હોય છે તેમ આમાં પણ લિમિટેડ સ્ટોક જ છે.'

ભાજપમાં મૂળ સંઘવાળા રાજી રાજી

ભાજપમાં કોંગ્રેસીઓના રાફડાથી દુઃખી દુઃખી થઈ ગયેલા અસલ સંઘના બેકગ્રાઉન્ડવાળા રાજી રાજી થઈ ગયા છે. હાશ, હવે પાર્ટી આપણને સંસદ-ધારાસભાની ટિકિટમાં ખાસ અગ્રતા આપશે. આખરે લાઠી ગુમાવવાની પ્રેક્ટિસ આપણા જેવા શાખાઓમાં જઈ આવેલાને જ છે. 

સંસદભવનની સાઉન્ડ સિસ્ટમમાં ફેરફાર

દરમિયાન બોલિવુડ તરફથી પ્રસ્તાવ આવ્યો છે કે આઝાદીનાં ૭૮ વર્ષ પછી આપણી ફિલ્મો 'પુષ્પા' અને 'એનિમલ' લેવલની હિંસા સુધી પહોંચી ગઈ છે અને તમે સાંસદો હજુ ધક્કામુક્કીમાં જ અટવાયેલા છો એ જોઈને અમને શરમ આવે છે. અમારી ઈન્ડસ્ટ્રી તરફથી  કશું નહીં તો સંસદની સાઉન્ડ સિસ્ટમમાં ફેરફાર કરી અમારું 'ઢિશુમ ઢિશુમ'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડોનેટ કરી દીએ. પછી શું છે કે તમને લોકોનેય ધક્કામુક્કીમાં મજા આવશે. 

સત્ર ચાલુ થાય ત્યારે ઓર્થો ડોક્ટરોની રજા રદ

દિલ્હીમાં નવો કાયદો આવવાનો છે કે સત્ર ચાલુ થાય ત્યારે શહેરના તમામ ઓર્થોપેડિક ડોક્ટરોની રજાઓ રદ કરી દેવાશે. જોકે, કેટલાક સાંસદો સ્પીકરને રજૂઆત કરવાના છે કે ગમે તેટલાં હાડકાં ભાંગે તેવા સંજોગોમાં અમને અમારા ગામના સાંધાલાલ હાડવૈદ વગર નહીં ચાલે. એમને સત્ર વખતે દિલ્હી બોલાવીને રહેવાની વ્યવસ્થા કરો.

પાટાપિંડી એલાઉન્સ માટે એકતા

સમાચાર એવા છે કે અંદરોઅંદર ધક્કામુક્કી કરનારા જુદી જુદી પાર્ટીઓના સાંસદો હવેથી દરેક સાંસદને ખાસ નવું પાટાપિંડી અલાઉન્સ આપવામાં આવે તેવી માગણીના ટેકામાં એક થઈ ગયા છે. 

બોલો આમાં કઈ કેટેગરીની  સિક્યુરીટી

એથી માંડીને એક્સ-વાય-ઝેડ સુધીની સિક્યુરિટી ધરાવતા નેતાઓએ સંસદભવનની અંદર પણ એકબીજા સામે સિક્યોરિટી માગી છે. આ સિક્યોરિટીને એ-વન કે ઝેડ-માઈનસ એમ કઈ કેટેગરીમાં સમાવવી તે અંગે  અધિકારીઓ માથું ખંજવાળે છે.

આદમનું અડપલું

સંસદમાં ધક્કામુક્કીથી યુવા નેતાઓને બહુ મોટો ફાયદો થશે કારણ કે આમને આમ ચાલ્યું તો બહુ ઘરડા નેતાઓ હવેથી ટિકિટ જ નહીં માંગે!


Google NewsGoogle News