મહારાષ્ટ્રમાં બહેનોને 1500 મળ્યા, હવે સૌના 15 લાખ પાકા!
- અગડમ્બ ગડમ્-બાબા આદમ
- મહારાષ્ટ્રમાં પબ્લિકને મિસળ ભાવે છે, પણ નેતાઓને ખિચડી પસંદ છે
કોંગ્રેસના કાર્યકરે ભાજપના કાર્યકરને ફોન કર્યો, 'અભિનંદન, મફત વીજળી, લોન માફી, ચીજ વસ્તુઓની વહેંચણીનું અમારું રેવડી કલ્ચર અપનાવી લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.'
ભાજપનો કાર્યકર ચિડાયો. 'ખબરદાર, અમે રેવડી કલ્ચરમાં માનતા નથી. અમારા નેતાઓ કહે છે કે આપણે તો દેશનો બહુ જ વિકાસ કરીને પ્રજાને એટલી સક્ષમ બનાવવાની છે કે પ્રજા કોઈ રેવડી માગે જ નહીં.'
'એમ તો આ મહારાષ્ટ્રમાં તમે દરેક બહેનોને ૧૫૦૦ રુપિયા આપો છો એ શું છે?'
ભાજપનો કાર્યકર ગૂંચવાયો. 'જુઓ એ તો શું છે કે, એવું છે કે, એમાં કંઈ ખોટું નથી.'
કોંગ્રેસી કાર્યકર હસવા માંડયો. 'ભઈલા, આપણે સત્તામાં રહીને આપણા ગજવામાં અબજો રુપિયા ભરવાના. પછી ચૂંટણી આવે ત્યારે સરકારી તિજોરીમાંથી થોડું પરચૂરણ પબ્લિકમાં વેરવાનું. એટલે ફરી પાંચ વર્ષમાં બીજો અબજો કમાવાનો પરવાનો મળી જાય. બસ, આ જ તો કોંગ્રેસ કલ્ચર છે. અમે આ જ કરતા હતા, તમે આ જ કરી રહ્યા છો. આવ ભાઈ હરખા...'
ભાજપી કાર્યકરને શંકા પડી. 'ક્યાંક તારો અમારી પાર્ટીમાં આવવાનો ઈરાદો તો નથી ને? જોજે હોં, હવે પાર્ટીમાં કોઈ હોદ્દો બચ્યો નથી. સરકારમાં પણ જેને સાચવવાના હતા તે બધાને સાચવી લીધા છે. હવે તારા માટે ભાગ્ય ેજ કાંઈ બચે.'
'જો એ બાબતમાં મને ખાતરી છે. તમારા નેતાઓ તમારા જેવા ૧૦૦ કાર્યકરોને પણ આઘા હડસેલીને અમારા જેવા કોંગ્રેસી આયાતી માટે ક્યાંક તો જગ્યા કરશે જ. એ બાબતે તમારા નેતાઓની પરોણાગત બહુ સારી છે.'
'રહેવા દે .એમ કાંઈ જેને આવવું હોય તે અમારી પાર્ટીમાં આવી જાય તેવું નથી. બધાને ચકાસી ચકાસીને અને બહુ ઉપયોગી હોય તો જ એન્ટ્રી આપીએ છીએ.'
'પણ, તમે લોકો પંગત તો કોઈની પણ સાથે માંડીને બેસી શકો છોને .જુઓ મહારાષ્ટ્રમાં કેવા અજિત સાથે બેસી ગયા. મહારાષ્ટ્રમાં ભલે મિસળ લોકોને ભાવતું હોય પણ નેતાઓને તો ખિચડી જ ભાવે છે.'
'હવે તે અત્યારે કઈ ખિચડી પકાવવા ફોન કર્યો છે એ કહેને.'
'આ તો હું એમ કહેતો હતો કે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી એટલે તમે લોકો બહેનોેને ૧૫૦૦-૧૫૦૦ રુપિયા વહેંચવા માંડયા. તે પરથી મને ખાતરી થઈ ગઈ છે. દેશમાં જ્યારે પણ 'વન નેશન વન ઈલેક્શન'નો અમલ થશે ત્યારે તમે આખા દેશને પેલા ભૂલાઈ ગયેલા ૧૫ લાખ સો ટકા આપશો. હેં ને?'
ભાજપવાળાએ ફોન મૂકી દીધો.
આદમનું અડપલું
ફક્ત ૧૫૦૦ રુપિયા પકડાવી વોટ લઈ શકાય એટલા જ કારણોસર નેતાઓ પ્રજાને થોડીક તો ગરીબ રાખે છે...