Get The App

બાપા ભીખ આપતાં પકડાતાં છોકરાની સગાઈ તૂટી

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
બાપા ભીખ આપતાં પકડાતાં છોકરાની સગાઈ તૂટી 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભીખ આપનારા સામે ગુનો નોંધવાનો નિયમ દેશભરમાં લાગુ થાય તો કેવી દશા થશે 

ઈન્દોરવાળાઓને એવું સૂઝ્યું છે કે ભીખ આપવી એ પણ ગુનો ગણવો જોઈએ અને ભીખ આપે તેની સામે પણ એફઆઇઆર થવી જોઈએ. આ નિયમનો અમલ આખા દેશમાં આવે તો કેવી હાલત સર્જાય તેની કલ્પના થઈ શકે છે. 

- આપણી પોલીસ તો આપણી પોલીસ જ રહેવાની છે એટલે એવા સમાચાર આવી શકે કે પાંચ રુપિયાની ભીખ આપવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસે ૫૦ રુપિયાનો તોડ કર્યો. 

-જોકે, પોલીસ 'ગુના ન થાય' તેની આગોતરી વ્યવસ્થા પણ કરશે. મકર સંક્રાતિ જેવા દિવસોએ પોલીસ ખાતાની પ્રેસનોટ આવશે કે ભીખ આપવાના ગુનાઓ પર ચાંપતી નજર રાખવા મંદિરો આસપાસ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

-અત્યારે ચકુ જમાદાર અને મકુ હવાલદાર દારુની બાટલીઓનો મુદ્દામાલ સગેવગે કરી નાખે છે તેમ હવાલદારો દ્વારા  'ગુનાના મુદ્દામાલ' જેવા પાંચ કે દસ રુપિયાના સિક્કા ઓળખીતા દુકાનદારો કે રીક્ષાવાળાઓમાં સગેવગે કરી દેવાના કેસો બન્યા જ સમજો.

-પોલીસ કેસ કરે તે બધા કોર્ટમાં પુરવાર થતા નથી. કોર્ટમાં જજ સમક્ષ આરોપીના વકીલ દલીલ કરશે : માય લોર્ડ, મારા ક્લાયન્ટ ભીખ આપતા ન હતા, પણ ભિખારી પાસે ૨૦૦ની નોટ છૂટી કરાવતા હતા ત્યારે પોલીસે ખોટી રીતે પકડયા છે. 

-ગેરકાયદે ક્રિપ્ટો કૌભાંડની જેમ કેટલાક ખ્યાતનામ ભિખારીઓ છૂપી રીતે માત્ર ઓનલાઈન ભીખ સ્વીકારવાની તરકીબો શોધી શકે ખરા. 

- બિચારા સામાન્ય માણસો  આપણી જીવદયાની પરંપરાને અનુસરવા જતાં ભીખ આપવાના ગુનામાં પણ ફસાતા રહેશે. પોલીસ ચોપડે નામ ચઢવાથી તેની સામાજિક અસરો પણ સર્જાશે. કોઈ પરિવારમાં એવું બનશે કે બાપા ભીખ આપવાના ગુનામાં પકડાતાં છોકરાની સગાઈ તૂટી. કોઈ પરિવારમાં દીકરી ઘરે આવીને માતાને કહેશે, આ તમે મને કેવા પરિવારમાં પરણાવી દીધી. મારા વરને તો દર શનિવારે ભીખ આપવા જવાની ટેવ છે, અત્યાર સુધી સાત કેસ થઈ ગયા છે તો પણ સુધરતા નથી. ક્યાંક માતા રડતી હશે, શું કરું મારો છોકરો ભીખ માગવાની આડી લાઈને ચઢી ગયો છે તો કાયમ પોલીસ એને શોધતી હોય છે. 

-આમ તો હવે  દેશમાં ચન્દ્રકાન્ત ગુપ્તના સુવર્ણયુગને પણ આંટી મારે તેવો મહાસુવર્ણયુગ બેસી ગયો હોવાથી ખાસ આંદોલનો થતાં નથી, પરંતુ શક્ય છે કે કોઈ માગણીના ટેકામાં કોઈ સંગઠન 'સવિનય કાનૂન ભંગ'નો નારો આપે અને કાર્યકરો સામટા રસ્તા પર નીકળીને ભિખારીઓને વીણી વીણીને શોધીને ભીખ આપવાના કાર્યક્રમો યોજશે.

-કોઈ ગુનાની વાત આવે અને નેતાઓનો ઉલ્લેખ ન થાય એવું કેવી રીતે બને. આપણા નેતાઓ અત્યારે જેમ ચૂંટણી સોગંદનામામાં હત્યા, રમખાણ, જમીન કૌભાંડ વગેરેના ગુનાઓની યાદી આપે છે તેમાં ે ભીખ આપવાના ૧૨ ગુનામાં સંડોવણી હોવાનું પણ હોંશે હોંશે ઉમેરાવશે.

આદમનું અડપલું

જોકે ચૂંટણી પહેલાં રીઝવવા અપાતી લાડલી બહિના યોજનાની રોકડ રકમ કે મફત વીજળી કે લોનમાફી જેવી રાજકીય ભીખ આપનારા નેતાઓ સામે ગુનો નોંધાય તેવું આ દેશમાં ક્યારેય નહીં બને.


Google NewsGoogle News