Get The App

'હાર્વર્ડ યુનિવર્સિટી હાય હાય'ના સૂત્રોચ્ચાર સાથે હો-હા મચી

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
'હાર્વર્ડ યુનિવર્સિટી હાય હાય'ના સૂત્રોચ્ચાર સાથે હો-હા મચી 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- હાર્વર્ડવાળા ટ્રમ્પ સરકારની સામે થયા પછી વાઈસ ચાન્સેલરોનાં એક  ગ્રૂપમાં શાંતમ્ પાપમ્ના પોકારો

વાચા (વાઇસ ચાન્સેલર)૧: અરે ભાઈઓ, આ હાર્વર્ડના તો બહુ ભયંકર સમાચાર આવ્યા છે.

વાચા ૨: હા કેવું ભયંકર કહેવાય નહીં? એ મારા બેટા રિસર્ચ અને ઈનોવેશનમાંથી ઊંચા જ આવતા નથી. ત્યાં તો કહે છે કે કલ્ચર જ એવું બધું રિસર્ચ અને ડીપ સ્ટડીનું છે. 

વાચા ૧: અરે હું તો પેલી વાત કરું છું. આ હાર્વર્ડવાળા ત્યાંની સરકારની સામે થઈ ગયા છે. હાર્વર્ડના પ્રેસિડેન્ટ એવું બોલ્યા છે કે કોઈ સરકારે અમારે શું ભણાવવું, કોને એડમિશન આપવું, કોને ટીચર બનાવવા એવું બધું શીખવાડવાનું નહીં, અમે સ્વતંત્ર છીએ, સરકારનું કહ્યું નહીં માનીએ.

વાચા ૩:  શાંતમ્ પાપમ્... શાંતમ્  પાપમ્...આવું વાંચતાં પહેલાં મારી આંખો કેમ ન ફૂટી ગઈ? એક યુનિવર્સિટીનો મામૂલી પ્રેસિડેન્ટ દેશની સરકારને પડકારે? યુનિવર્સિટીમાં ભણાવવા માંડયા કે યુનિવર્સિટી ચલાવવા માંડયા એટલે એમને સરકારથી પણ વધારે ડહાપણ આવી ગયું, એમ? આવા હાર્વડવાળા સામે આખા અમેરિકામાં સૂત્રો ગાજવાં જોઈએ કે ગોલી મારો સાલો કો, દેશ કે ગદ્દારોં કો. 

વાચા ૪: હું તો પહેલેથી જ કહું છું અમેરિકા આખો દેશ જ દુષ્ટ છે, ત્યાંની સંસ્કૃતિ જ ભ્રષ્ટ છે.  અમેરિકી યુનિવર્સિટીવાળા  સરકાર જેવી સરકાર માંઈ બાપ માટે આવી એલફેલ ભાષામાં વાત કરે? અરેરે... આ સાંભળીને મારું તો હૈયું કોચવાય છે. 

વાચા ૫: હું તો રોજ શિક્ષણ સચિવ, શિક્ષણ પ્રધાન અને શિક્ષણ ખાતાના જુનિયર  કલાર્કના નામની દસ માળા કરું છું. આજે આ હાર્વર્ડ યુનિવર્સિટીનું આવું બધું પાપ સાંભળી લીધું એટલે પ્રાયશ્ચિત રુપે પચાસ માળા કરીશ. 

વાચા ૬:  મને તો થાય છે કે આપણે આપણા કેમ્પસમાં  હાર્વર્ડવાળા વિરુદ્ધ ધરણા પર બેસીએ, 'જોર સે બોલો... હાર્વર્ડવાળા હાય હાય...' તેવા સૂત્રોચ્ચારો કરીએ.  તેમના આવા સરકારવિરોધી કૃત્યને વખોડતા ઠરાવો કરીએ.

વાચા ૭: અલ્યા ભાઈ, તમારો રોષ કાબુમાં રાખો. બધાને ખબર છે કે તમે પાર્ટીના કાર્યકરમાંથી  સીધા વાચા બની ગયા છો, પરંતુ,આપણા ધરણાનર્હાર્વર્ડવાળા નોંધ પણ નહીં લે. 

વાચા ૮:  ભલા માણસ, આપણે હાર્વર્ડમાં નહીં, આપણી સરકારમાં જ નોંધ લેવડાવવાની છે કે આપણામાં હાર્વર્ડ જેવા દુર્ગુણો ક્યારેય હતા નહીં, છે નહીં અને આવશે પણ નહીં.

વાચા ૯: અરે ભાઈ, એ બધી વાતની પાકેપાયે ખાતરી કર્યા પછી જ આપણને આ હોદ્દા પર બેસાડયા હોય. સરકારના વિઝન પર ભરોસો રાખો. 

વાચા ૧૦:  અરે ભાઈઓ, આટલી બધી ચર્ચા કરો છો, પરંતુ પહેલાં કોઈએ ઉપર પૂછાવ્યું છે ખરું કે આપણે આ બધી વાતોમાં રસ પણ લેવાનો છે કે નહીં, આવી કોઈ ચર્ચા કરવાની છે કે નહીં? લેખિત મંજૂરી તો લીધી છેને? 

આ સવાલ પછી બધાએ ફટાફટ પોતાના મેસેજીસ ડિલીટ મારી દીધા. 

આદમનું અડપલું

મેકોલે વિદ્યાર્થીઓને કલાર્ક બનાવવા માગતો હતો, આપણે સમગ્ર શિક્ષણ તંત્રને કલાર્ક બનાવી દીધું. આને કહેવાય વિકાસ!

Tags :