દેશના ડઝનબંધ આઝાદી દિન રાખો, દરેકની રજા આપો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- લોકોને પોતાની રીતે આઝાદી દિન નક્કી કરવાની આઝાદી ન હોય તો પછી આઝાદીનો શું મતલબ?
કંગના રણૌતને સ્ટાફે સમાચાર આપ્યા, 'મેડમ, દેશનો આઝાદી દિન ફરી બદલાઈ ગયો છે.'
કંગના કહે, 'યસ, સાચે જ. હવે તો હું જે દિવસે મારી ફિલ્મ 'ઈમરજન્સી'ને સેન્સરે સર્ટિફિકેટ આપ્યું ને તે જ દિવસે આઝાદી દિન મનાવવાની છું.'
સ્ટાફ કહે, 'પણ, મેડમ આપે જ કહ્યું હતું ને કે દેશને અસલી આઝાદી ૨૦૧૪માં મળી હતી.'
કંગના ચિડાઈને કહે, 'અરે, એમ તો હું તો એમ માનતી હતી કે મને અસલી આઝાદી જે દિવસે હું સંસદસભ્ય બની તે દિવસે મળી છે. મને એમ હતું કે હું શાસક પક્ષની સંસદ સભ્ય બની ગઈ એટલે હવે મને ફાવે તેમ ફિલ્મ બનાવવાની આઝાદી મળશે. સેન્સર બોર્ડવાળા મારા ઘરે આવશે અને કહેશે કે મેડમ, તમારા જેવા તો જે ફિલ્મ બનાવે તેની પાર્ટી જ શો ગોઠવતી હોય છે, મુખ્યપ્રધાનો જોવા આવતા હોય છે. આમ છતાં લ્યો આ રાખો પંદર-વીસ સર્ટિફિકેટ તમને એડવાન્સમાં આપી દઈએ છીએ. તમારે ભવિષ્યમાં જે ફિલ્મ બનાવવી હોય તેના પર તમે ઈચ્છો એ સર્ટિફિકેટ લાગુ પાડી દેજો... પણ તેને બદલે મારી જ ફિલ્મ અટવાઈ ગઈ. હું ૨૦૧૪થી આઝાદી મળી એવું મારું નિવેદન પાછું ખેંચી લઈશ.'
સ્ટાફ કહે ,'બરાબર છે. આમ પણ હવે ભાગવત સાહેબે કહી દીધું છે કે અસલી આઝાદી તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે જ દિવસે મળી છે.'
આ તો કાલ્પનિક સિનારિયો છે, પરંતુ આમ જુઓ તો આઝાદીનાં આટલાં વર્ષે દેશના દરેક નાગરિકને પોતપોતાની રીતે આઝાદી દિન નક્કી કરી લેવાની છૂટ હોવી જોઈએ. મૂળ તો પબ્લિકને મતલબ આઝાદી દિનની રજા સાથે છે. બાકી, રાષ્ટ્રપ્રેમ તો વ્હેટસએપ મેસેજ ફોરવર્ડ કરીને અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જ વ્યક્ત કરી લેવાનો જમાનો છે.
સરકાર આવી આઝાદી દિનની અને એવા દરેક દિવસે રજા લેવાની આઝાદી આપે તો પછી ઓફિસોમાં કેવી કેવી રજાની અરજીઓ આવશે. ' આજે મારા મામાના જમાઈનો આઝાદી દિન સપરિવાર ઉજવવાનો હોવાથી રજા મંજૂર કરવા વિનંતી છે.' 'મારા સાસુ અને સાઢુ ભાઈના પર્સનલ આઝાદી દિનો વચ્ચે એક દિવસનો ગેપ આવે છે, તો હાલ આ મહિના પૂરતું એ વચ્ચેના દિવસને મારો આઝાદી દિન ગણી રજા મંજૂર કરવા મહેરબાની છે.'
એમ તો સરકાર ધારે તો આઝાદી દિન યોજવાની સ્પર્ધા રાખી શકે છે. એમાં લોકોએ પોતે આ ચોક્કસ દિવસે આઝાદી દિન શા માટે મનાવવા ઈચ્છે છે તેનું મનોરંજક (તાર્કિક કે ઐતિહાસિક નહીં હોં) કારણ આપવાનું રહેશે. દર મહિને વિજેતાના સમગ્ર પરિવાર મિત્રમંડળ પાસપડોશીઓને એ દિવસની આઝાદી દિનની રજા આપવાની રહેશે. જેમ કે, કોઈ ગૃહિણી કહી શકશે કે મારા માટે તો મારા પતિને જાતે ચા બનાવતાં આવડી ગઈ એ જ મારો આઝાદી દિન!
આદમનું અડપલું
વિપક્ષી નેતાઓ માટે આઝાદી દિનની વ્યાખ્યા, જે દિવસે ભાજપમાં જોડાઈને સીબીઆઈ-ઈડીના કેસોથી આઝાદી મળે તે એમનો આઝાદી દિન!