જોઈએ છે, સફળ વિદેશ નીતિ માટે સારી ક્વોલિટીના ઢોલ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બેસ્ટ ઢોલ ઈફેક્ટ માટે સંજય લીલા ભણશાળીને કન્સલ્ટન્ટ નિમવા વિદેશ ખાતામાં દરખાસ્ત
વિદેશ ખાતામાં તાકીદની મીટિંગમાં સવાલ પૂછાયો, 'લ્યા, કોઈની કોઈ સારા ઢોલવાળા સાથે ઓળખાણ છે ?'
એક અધિકારી બગાસું ખાતાં કહે, 'સર , છેલ્લા દસ વર્ષથી તો માત્ર મંજીરાવાળાઓ સાથે જ ઓળખાણ રાખી છે. ઈન ફેક્ટ, એક મંજીરાવાળાને હાયર પણ કર્યો છે. ટોપ ટુ બોટમ તમામ અધિકારીઓને મંજીરા વગાડતા રહેવાની તાલીમ પણ આપી છે.'
બોસ બગડયા, 'લ્યા, એમ તો કોઈ વાદ્ય પાછળ ખર્ચો કરવાની જરુર જ નથી. આટલાં વર્ષોમાં માત્ર સારામાં સારી રીતે તાળીના ગડગડાટ કરતાં આવડે એ જ મોટી લાયકાત ગણાય છે.'
એક જુનિયર અધિકારી કહે, 'સર,આપને ઢોલનું સરકારી કામ છે કે પછી ઘરે કોઈ મોટો પ્રસંગ છે?'
બોસ કહે, 'તમે હજુ સરકારમાં નવા છો એટલે તમને ખબર નથી કે હવેથી દરેક સરકારી કામ પણ પ્રસંગની જેમ જ ઉજવાય છે. વિદેશ નીતિ પણ આપણે એક પ્રસંગની જેમ જ ફેરવી નાખી છે. વિદેશમાં એરપોર્ટ પર અને બીજા બધાં ફંક્શનમાં સારામાં સારી રીતે ઢોલ વાગે, નૃત્ય થાય, સૂત્રોચ્ચારો થાય એટલે આપણી વિદેશ નીતિ સફળ ગણાય, સમજ્યા તમે ?'
એક વરિષ્ઠ અધિકારી ખોંખારો ખાઈને કહે, 'યસ, અત્યારની જિયોપોલિટિકલ સિચ્યુએશનને જોતાં લાગે છે કે આપણે વિદેશ ખાતા માટે બહુ સારી ક્વોલિટીના સેંકડો ઢોલ ની જરુર પડશે. એ ઢોલ વગાડી આપે તેવા ઉમદા ઢોલીઓની પણ ભરતી કરવી પડશે. જુઓ, કેનેડા આપણાથી વાંકુ ચાલ્યુું છે. પેલા ટ્રમ્પને આટલો બધો ટેકો આપ્યો તો પણ એ ડયુટી નાખવાની વાતો કરે છે. ચીન તો ક્યારેય આપણાથી સખણું ચાલ્યું જ નથી ને ઉલ્ટાનું પેલો પુટિન પણ આપણને બોલાવીને આકરા શબ્દોમાં પૂછે છે કે પેલા યુક્રેનવાળા સાથે હાય હેલ્લો કેમ કરી આવ્યા?'
બોસ નિરાશાના સ્વરે કહે, 'એમ તો આપણે છેલ્લાં દસ વર્ષમાં બહુ બધે ઢોલ વગડાવ્યા, પણ ખબર નહીં ક્યાં કમી રહી ગઈ?'
બીજા અધિકારીએ સજેસ્ટ કર્યું, 'સર, આપણે ઢોલની અદ્ભૂત ઈફેક્ટ માટે સંજય લીલા ભણસાળીને વિદેશ ખાતાના ઢોલ કન્સલ્ટન્ટ તરીકે નિમીએ તો ? એમણે 'ઢમ ઢમ ઢમ ઢોલ બાજે' અને 'નગાડા સંગ ઢોલ બાજે' ને એવાં બધાં ગીતોમાં ઢોલની મસ્ત ઈફેક્ટ આપી છે. એ આપણને વિદેશનાં એરપોર્ટો પર ને બીજાં બધાં લોકેશન પર કેટલા ઢોલ રાખવા, કેટલા સમય માટે ઢોલ વગડાવવા, કેમેરા એંગલ ક્યાં રાખવો એ બધા વિશે સજેસ્ટ કરી શકશે.'
પેલા જુનિયર અધિકારી કહે, 'સર, આટલી ખરાબ હાલત હોય તો આપણે એલાર્મ બેલ રાખીએ કે ભયસૂચક સાયરન? શું કહો છો ?'
તરત જ જુનિયર અધિકારીનીબદલીનો ઓર્ડર જારી થઈ ગયો.
આદમનું અડપલું
ઢોલ અને સરકારી પ્રચાર વચ્ચે સામ્ય છે. બંને બહારથી બહુ ગાજે પણ અંદરથી સાવ પોલા હોય છે.