અકસ્માતો નિવારવા ટ્રેનોનું પણ રક્ષાબંધન

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
અકસ્માતો નિવારવા ટ્રેનોનું પણ રક્ષાબંધન 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- પેપરોની તેને ફોડનારાઓથી રક્ષા કરવા પરીક્ષા એજન્સીના કબાટોને પણ રાખડી બંધાશે

રેલવે મંત્રાલયના અધિકારીએ સાહેબ પાસે વધામણી ખાધી. 'સર, ટ્રેનો ખડી પડતી કે એકબીજા સાથે ટકરાતી રોકવાનો એક શ્યોર શોટ  ઉપાય મળી ગયો છે.'

સાહેબે બગાસું ખાધું. 'આવો ઉપાય મળી ગયો છે એવું આપણે દર એક્સિડેન્ટ વખતે કહીએ છીએ ને પછી નવો એક્સિડેન્ટ થયા જ કરે છે. એક કામ કરો, એવું નિવેદન બહાર પાડી દો  કે 'ઉપાય શોધવા માટે સરકાર રિસર્ચ કરાવી રહી છે'. પછી  બીજા પચ્ચીસ-પચ્ચાસ એક્સિડેન્ટ થાય તો પણ કહી દેશું કે ભાઈ, હજુ તો રિસર્ચ ચાલે છે.'

'અરે સર,  ઉપાય તો આપણી પાસે હાજરાહજુર છે. આપણી સંસ્કૃતિમાં છે અને આપણા પ્રાચીન ગ્રંથોમાં છે.'

સાહેબ એકદમ આનંદવિભોર થઈને ખુરશીમાંથી ઉછળી પડયા. 'સરકાર પણ બધા પાસે એ મનાવવા પ્રયાસ કરી રહી છે કે આપણી સંસ્કૃતિમાં દસેક હજાર વર્ષથી તમામ પ્રકારના ઉપાયો મોજુદ જ છે. આપણે એટલે તો આટલી સદીઓથી કોઈ નવું સંશોધન કરતા જ નથી.  આપણે કાંઈ અમથા વિશ્વગુરુ નથી કહેવાતા. હવે બોલો, ઝટ એ ઉપાય, એટલે આપણે એના પર પણ રીલ બનાવી દઈએ.'

'સર, સિમ્પલ ઉપાય છે. દેશમાં જેટલી પણ ટ્રેન જ્યારે પણ  ઉપડે એટલે ત્યારે તેને રાખડી બાંધી દેવાની. માત્ર એન્જિનને જ નહીં પણ એકેએક કોચને પણ બાંધી દેવાની. તમામ ગુડ્ઝ ટ્રેનને પણ બાંધી દેશું. વંદે ભારત જેવી પ્રિમિયમ ટ્રેન માટે જરા ડિઝાઈનર રાખડી મગાવીશું. નાઈટના દોડતી ટ્રેનો માટે રેડિયમવાળી ઝગારા  મારતી રાખડીના ઓર્ડર આપશું. ટ્રેનોને રાખડી   બંધાવવાના મોટા સમારંભો ગોઠવીશું. તેમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના સભ્યો, મેયરો પાસે રાખડીઓ  બંધાવીશું. ઉપાય નો ઉપાય, ઉત્સવનો ઉત્સવ. ને  સંસ્કૃતિનો જયજયકાર એ નફામાં.'

સાહેબે ખુશ થઈને તાળી પાડી. 'રેલવે  મંત્રાલય તરફથી આપણે આ પ્રગટ છતાં હજુ સુધી અપ્રગટ રહેલો ઉપાય બીજાં  મંત્રાલયોને પણ આપીશું.  પેપર ફૂટતાં રોકવા દરેક જાહેર પરીક્ષા યોજતી એજન્સીઓના કબાટોને રાખડી બાંધવામાં આવશે, તિરાડો પડતી અટકાવવા દરેક બ્રિજ બની ગયા પછી તેના પિલરને જાયન્ટ રાખડી બાંધવામાં આવશે. ખાડા પડતા રોકવા દરેક રોડ બની જાય તે પછી તેના ઉદ્ધઘાટનની તકતી પર રાખડી બાંધી દેવામાં આવશે. સંસદમાં પાણી ન ટપકે તે માટે  તેની સિલીંગ પર રાખડી બાંધવામાં આવશે. દરેક ચૂંટણી પહેલાં ઈવીએમ પર પણ રાખડી બાંધીશું.'

'સર... રહેવા દો. ઈવીએમવાળું રહેવા દો. ઈવીએમ પર રાખડી બાંધીશું તો ખરેખર સારા અને કામ કરે તેવા નેતાઓ ચૂંટાઈ આવશે તો આપણા જેવાનું શું થશે, સર...'

'ઓહો...' સરે  નિસાસો  નાખ્યો. 'છોડો  ઉપાયો ને એટલું જ કહી દો કે આજે ક્યાં ક્યાં ટ્રેન ખડી પડી છે.'

આદમનું અડપલું

- ટ્રેન તો ઠીક છે. જુઓ , પાછલાં દસ વર્ષની સરખામણીએ આખેઆખી સરકારનો મૂડ જ કેવો પાટા પરથી ઉતરી ગયેલો લાગે છે!


Google NewsGoogle News