Get The App

નેતાઓની બેગમાંથી શું પકડાય? ભાષણો અને નિવેદનો...

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
નેતાઓની બેગમાંથી શું પકડાય? ભાષણો અને નિવેદનો... 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ગુજરાતમાં ભાજપના નેતાઓની બેગમાંથી જમીનોના સર્વે નંબરો અને નકશા જ મળે

- આદમનું અડપલું 

- નેતાઓએ બેગમાં ઢાંકણી ક્યારેય રાખતા નથી, કોઈક દિવસ પણ શરમ આવી જાય તો ય ડૂબવા જેવું કશું હાથવગું ના રહેવું જોઈએ.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચૂંટણી પંચની ટીમે ઉદ્ધવ ઠાકરેની બેગ તપાસી એમાં એ ચિઢાઈ ગયા અને કહ્યું કે પીએમ સહિત બીજા નેતાઓની પણ બેગ તપાસોને! ચૂંટણી પંચ વાળાએ આ અકળામણને સૂચના માની ધડાધડ બીજા તમામ નેતાઓની બેગ તપાસવા માંડી છે. હાલત એવી છે કે જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ એવો ફાંકો રાખીને ફરતા કેટલાક મહાનુભવો તો સામે ચાલીને ચૂંટણી પંચને રિક્વેસ્ટ કરવા માંડયા છે કે ક્યારેક અમારી પણ બેગ ચકાસો. જરાક મોટા નેતા છીએ એવું લાગવું જોઈએ. 

જોકે, ચૂંટણીની સિઝન સિવાય પણ ક્યારેક ક્યારેક નેતાઓની બેગનું ચેકિંગ થતું રહે તો શું શું મળી શકે એ જાહેર અટકળનો વિષય છે. મહારાષ્ટ્રમાં તો શક્ય છે કે હમણા કેટલાય નેતાઓની બેગમાંથી ભારત અને દુનિયભરનાં સારાં રિસોર્ટ્સના સરનામાં મળી શકે. 

ગુજરાતમાં ભાજપના નેતાઓની બેગ ચેક થાય તો જમીનોના સર્વે નંબરો અને નકશા, ટીપીના નકશા, ડેવલપમેન્ટ પ્લાન, ઝોનફેરના દસ્તાવેજો જ મળે એ વાત પાકી. 

બાકી દેશના અનેક પ્રસંગજીવી કેટલાય નેતાઓ તો બેગમાં  કાતર અને પાવડા લઈને ફરતા હશે. ભલું પૂછવું ક્યારે ઉદ્ધઘાટન કે ખાતમુહૂર્ત કરવાનું ટાણું આવી જાય. માટે હાજર સો  હથિયાર. 

હવે જે રીતે સોશિયલ મીડિયાનો પ્રભાવ વધતો જાય છે તે જોતાં નેતાઓની બેગમાંથી મેક અપ કિટ, સેલ્ફી સ્ટિક પણ મળી આવવાની સંભાવના છે. અમુક નેતાઓ તો એક દિવસની ટ્રિપ  પર જતા હોય તો પણ બે ડઝન કપડાં લઈને ફરતા હોય તે શક્ય છે.  પ્રસંગે પ્રસંગે કપડાં બદલે એની તો પ્રગતિ થાય છેને. 

બાકી તો નેતાઓની બેગમાંથી ભાષણો અને નિવેદનોનાં થોથાં તો ગમે ત્યારે મળી શકે છે. 'તપાસના આદેશ આપી દેવાયા છે, કોઈ ચમરબંધીને નહીં છોડાય, આ તો મને બદનામ કરવાનું કાવતરું છે, મારી વાતનું ખોટું અર્થઘટન થયું છે, જો આ વાત સાબિત થાય તો હું કાયમ માટે જાહેરજીવન છોડી દઈશ,  જનતા હવે સમજી ગઈ છે, દેશની જનતા વિરોધીઓની વાતમાં ભરમાશે નહીં, મને કોઈ હોદ્દાની લાલચ કે  મહત્ત્વાકાંક્ષા નથી, પક્ષમાં મને ગૂંગળામણ થતી હતી એટલે છેડો ફાડયો, હું તો પક્ષનો અદનો સૈનિક છું, હાઈકમાન્ડનો આદેશ મને શિરોમાન્ય છે,  હું જીવનના છેલ્લા શ્વાસ સુધી જનતાની સેવા કરવાનું ચાલુ રાખીશ...' આવાં  તૈયાર નિવેદનો વગર નેતાઓની બેગ પેક થાય જ નહીં. 

જોકે, બહુ મહાન નેતાઓ તેમની બેગમાં હંમેશા હળવો સામાન જ રાખે છે. તેમની બેગમાંથી તમને 'હું, મેં, મારું, મને,મારા થકી, મારા વડે, ' જેવા બે-ચાર આત્મસૂચક શબ્દો સિવાય કશું ન મળે.


Google NewsGoogle News