કુંભમેળામાં નાણા ખાતાના તંબુમાંથી રુપિયો ખોવાયો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આ વખતે છૂટા પડવા-મળવાની નવી જાહેરાતો: પવાર કાકા-ભત્રીજા ખોવાયા પછી મળવાના, ઈન્ડિયાવાળા હવે છૂટા પડી જવાના લાગમાં
કહેવાય છે કે કુંભમેળામાં કેટલાક લોકો એવા ખોવાઈ જાય કે પછી જિંદગીભર મળે નહીં. બીજી તરફ, વર્ષોથી ખોવાયેલા લોકો ફરી કુંભમેળામાં જ મળી જાય કે ઘરેથી ભાગી ગયેલા હોય અને અચાનક ત્યાં સાધુ તરીકે સ્નાન કરતા મળી આવે તેવા પણ કિસ્સા બનતા હોવાનુ ંકહેવાય છે. જોકે, આ વખતે કુંભમેળા નિમિત્તે મળી આવવાની અને ખોવાઈ જવાની કેટલીક નવી જાહેરાતો કરી શકાય તેમ છે.
કોંગ્રેસના તંબુમાંથી ખોવાયા,
ભાજપના તંબુમાં મળ્યા
કોંગ્રેસના તંબુમાંથી કેટલાય કોંગ્રેસીઓ ખોવાઈ રહ્યા છે, પણ સીબીઆઈ અને ઈડીવાળા 'વોલન્ટિઅરો' આ ખોવાયેલા કોંગ્રેસીઓને શોધી શોધીને ભાજપના તંબુમાં મોકલી રહ્યા છે. બહુ ગરબડ છે ભાઈ, બહુ ગરબડ છે.
પવાર પરિવાર ખોવાયા
પછી મળવાની તાકમાં
મહારાષ્ટ્રના તંબુ બહાર અગાઉ એકબીજાથી ખોવાઈ ગયેલા પવાર કાકા-ભત્રીજા ફરી એકબીજાને મળી જવાની તાકમાં છે. પણ, વેઈટ વેઈટ...તંબુનાં આંતરિક સૂત્રો કહે છે કે આ કાકા-ભત્રીજા ક્યારેય એકમેકથી છૂટા પડયા જ નથી અને એ લોકો તો છૂટા પડવું-મળવું-છૂટા પડવું- મળવું એવી ગેમ જ અંદરો અંદર રમે છે.
ઈન્ડિયા ગઠબંધનવાળા છૂટા
પડી જવાના લાગમાં
આમ તો કુંભમેળામાં જાણીજોઈને કોઈ ખોવાતું નથી, જાણી જોઈને કોઈ છૂટું પડતું નથી. પણ ઈન્ડિયા ગઠબંધનના તંબુમાં જુદો જ ખેલ ચાલે છે. અહીં સૌ એકબીજાથી છૂટા પડી જવા માટે પરસ્પર વિરુદ્ધ દિશામાં મોઢું કરીને ભાગવાની મુદ્રામાં છે. આમાંના કેટલાક એકબીજાથી છૂટા પડયા પછી કોને જઈને મળે છે એ જ જોવાનું છે.
રૂપિયો ખોવાયો કે પડતો મૂકી દેવાયો
નાણા ખાતાના તંબુમાંથી રુપિયો ખોવાઈ ગયો હોવાની અફવા છે, પણ તંબુ આસપાસથી પસાર થતા લોકો કહે છે કે રૂપિયો ખોવાયો નથી. તંબુવાળાએ જ તેને નધણિયાતો મૂકી દીધો છે એમાં એ બિચારો પડયા આખડયા કરે છે.
દાળ-શાક ખોવાયાની
ફરિયાદો નહીં લેવાય
દરમિયાન, લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ તરફથી એક સૂચના એવી છે કે કોઈ સામાન્ય માણસે તેની થાળીમાંથી મોંઘાંદાટ દાળ-શાક ખોવાઈ ગયાં છે તેવી ફરિયાદો લઈને આવવું નહીં. છેક ટોચના સ્તરેથી સૂચના છે કે આ પ્રકારની ફરિયાદો પર કોઈ ધ્યાન આપવું નહીં.
અને છેલ્લે...જીએસટી લાવો
આખરે જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આ વખતે કુંભમેળામાં ખોવાયા-મળ્યાની સેવાઓ પર પણ જીએસટી લાગશે. ખોવાઈ ગયાની ફરિયાદ કરનારે પણ જીએસટી ભરવો પડશે અને કોઈ પાછું મળી જાય તો પરત લઈ જતાં પહેલાં પણ જીએસટી ભરવાનો રહેશે.
આદમનું અડપલું
એકાદો મેળો એવો પણ યોજો જ્યાં નેતાઓ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની જોગવાઈ હોય!