Get The App

વેલેન્ટાઈન પહેલાં કિસ ડે, લગ્ન પછી મોંઘવારીની ભીંસથી ચીસ ડે

Updated: Feb 15th, 2025


Google News
Google News
વેલેન્ટાઈન પહેલાં કિસ ડે, લગ્ન પછી મોંઘવારીની ભીંસથી ચીસ ડે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- વેલેન્ટાઈન વીક મનાવનારા જુવાનિયાઓને લગ્ન પછી ખ્યાલ આવશે કે જાતભાતના ડે તો આજીવન ચાલશે

વેલેન્ટાઈન વીક પતી ગયું અને તેની સાથે જ જુવાનિયાઓ જાતભાતના ડે ઉજવવામાંથી નવરા પડી ગયા છે. ન કરે ને નારાયણ અને ખરેખર કોઈનો વેેલેન્ટાઈન ડે ખરેખર સફળ થયો અને લગ્ન થઈ ગયાં તો પછી આ જુવાનિયાઓને જાણ થશે કે ખરેખર અસલના કેટલાક ડે તો બારે મહિના રોજેરોજ ઉજવવા પડે તેમ હોય છે અને ઈન ફેક્ટ, તેમના વડીલો તો આવા ડે મનાવી મનાવીને જ માંડ માંડ દહાડા કાઢતા હોય છે. 

રોઝ ડે મનાવીને દસ રુપિયાનાં ગુલાબના ૫૦ રુપિયા ખર્ચી નાખનારા પરણશે, સંસાર માંડશે, નોકરી કે ધંધો કરીને વેરા ભરશે અને જાગૃત નાગરિક તરીકે મતદાન કરવા માંડશે ત્યારે તેમને ખબર પડશે કે સંસારમાં રોઝ ડે નહીં, પરંતુ રોજેરોજ ફૂલ ડે ઉજવાય છે, આ ફૂલ ડે એટલે ફલાવરવાળો ફૂલ ડે નહીં, પરંતુ એપ્રિલવાળો અંગ્રેજીનો ફૂલ ડે. શાક લેતી વખતે તેને ખ્યાલ આવશે કે વજન અને ક્વોલિટીના નામે તે ફૂલ બને છે. છોકરાંને મોંઘીદાટ સ્કૂલમાં ભણાવવા મૂક્યા પછી ઘરે તેને હોમ વર્ક કરાવવાનું આવશે ત્યારે ખબર પડશે કે સ્કૂલવાળા શિક્ષણના નામે ફૂલ બનાવે છે. રસ્તા પર પત્નીને બાઈક  પર બેસાડીને ફરવા નીકળશે ત્યારે ખબર પડશે કે વેરો લીધા બાદ ખાડા યથાવત રાખીને પાલિકાવાળા તેને મૂર્ખ બનાવી ચૂક્યા છે. 

વેલેન્ટાઈન વીકમાં કિસ ડે મનાવવા માટે જુવાનિયા તલપાપડ હોય છે, પરંતુ લગ્ન પછી તેમને રોજેરોજ મોંઘવારીની ભીંસનો એવો અનુભવ થાય છે કે ચીસ નીકળી જાય છે. 

ટ્રેડિશનલ ડેનો ખરો મતલબ તો જ્યારે સરકારી કચેરીમાં કામ પાર પાડવાનું આવે કે પછી રસ્તા પર કોઈ ટ્રાફિક હવાલદાર ભટકાઈ જાય ત્યારે ખબર પડે છે કે અહીં તો વ્યવહાર કરવાની ટ્રેડિશન નિભાવ્યા વિના છૂટકો નથી. 

સંસાર નિભાવતાં નિભાવતાં ક્યારેક કોઈ પાસે હાથ લાંબો કરવો પડે અને ઉછીનાં- ઉધારાં કરવા પડે ત્યારે તે રકમ પાછી વાળવાના રોજેરોજ વાયદા કરવાના આવે એટલે ખબર પડે કે અસલી પ્રપોઝ ડે તો આ જ છે.

લગ્નમાં સપરિવારમિત્રમંડળ જમી જનારા સગાંવહાલાંઓ  લગ્નનાં બે-ત્રણ વર્ષમાં તમારી એનિવર્સરી ભૂલવા માંડે અને સાંસારિક કે આર્થિક મુશ્કેલી વખતે મદદ કરવાને બદલે રવાના કરી દે ત્યારે સમજાય કે ટેડી ડે મનાવીને અમથા રાજી થયા, પરંતુ હવે આવા તગેડી ડે માટે તૈયાર રહેવાનું છે. 

બાકી લગ્નજીવનમાં રોજેરોજ બે જણ એકબીજાની કોઈ વાત પસંદ ન પડે ત્યારે બબ-ડે, વાત વધી પડે ત્યારે ઝઘ-ડે, ઘરમાં બે વાસણ ખખ-ડે, એકબીજાનાં સગાં કે દોસ્તોને જોઈ મોઢાં બગ-ડે, પ્રેમનો પારો જોતજોતામાં ગગ-ડે, ભલું હોય તો ઘરવાળી પિયરની વાટ પક-ડે, અને પછી વરજી તેને મનાવવા માટે સાસરે જઈને નાક રગ-ડે આવું  ચાલ્યા કરે એ જ તો  આજીવન વેલેન્ટાઈન પર્વ છે !

આદમનું અડપલું  

ફરગેટ ચોકલેટ ડે, આજકાલ દરેક રાજકીય પક્ષો રોજેરોજ મનાવી રહ્યા છે રેવડી ડે!

Tags :
Agadam-Bagdam-Baba-Adam

Google News
Google News